Close

ડેડ, મેં તમને ભેટ આપેલું ગિફ્ટ બોક્સ અંદરથી ખાલી નથી

રેડ રોઝ | Comments Off on ડેડ, મેં તમને ભેટ આપેલું ગિફ્ટ બોક્સ અંદરથી ખાલી નથી
આજે `ફાધર્સ ડે’ છે. એક ઉક્તિ છે: `કોઈ પણ વ્યક્તિ પિતા બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે.’
બીજી ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે તેમનો પુત્ર એક દિવસ તેમની સલાહને નહીં પરંતુ તેમના દૃષ્ટાંત રૂપ જીવનને અનુસરશે. માતાનો પ્રેમ દેખી શકાય છે પરંતુ પિતાનો પ્રેમ અદૃશ્ય હોય છે.’
આજે `ફાધર્સ ડે’ નિમિત્તે કેટલાક પ્રેરક અને હૃદયંગમ પ્રસંગો અહીં પ્રસ્તુત છે.
લીસા
લીસા એક અમેરિકન પરિવારની નાનકડી પુત્રી છે. એ સમય ક્રિસમસનો હતો. નાનકડી લીસા ક્રિસમસની તૈયારીઓ કરી રહી હતી. ક્રિસમસમાં ઘરમાં મૂકવામાં આવતા ક્રિસમસ ટ્રીની નીચે મૂકવા માટે એ દીકરી એક નાનકડા બોક્સને સુવર્ણ રંગના ચમકતા પેપરથી વીંટાળી રહી હતી જેથી એ નાનકડું બોક્સ પણ ક્રિસમસ ટ્રીની નીચે સુંદર લાગે અને તે બોક્સ પિતાને ભેટ આપે. તે દિવસોમાં એના ઘરની આર્થિક પરિસ્થિતિ સંકડામણ અનુભવતી હતી. દરેક બાબતમાં કરકસર કરવામાં આવતી હતી.
નાનકડી લીસાએ સુંદર પણ કીમતી સોનેરી પેપરથી વીંટાળેલું બોક્સ પિતાને ભેટ આપ્યું એ બોલી: `ડેડ, મેં શણગારેલું આ બોક્સ તમારા માટે છે.’
પિતાએ બોક્સ ખોલ્યું, બોક્સ ખાલી હતું. પિતા ગુસ્સે થઈ ગયા અને તાડૂક્યા: `તને ખબર નથી કે આપણે જ્યારે પણ કોઈને કોઈ ગિફ્ટ બોક્સ આપીએ છીએ ત્યારે તેમાં કાંઈક હોવું જોઈએ. તેં મને આપેલું બોક્સ તો સાવ ખાલી છે.’
પિતાએ દીકરીને ખૂબ ખખડાવી નાંખી, તે રડવા લાગી. રડતાં રડતાં નાનકડી દીકરી બોલી: `ડેડ, મેં તમને આપેલું બોક્સ ખાલી નથી. એ બોક્સ તમારા માટે મારી ચૂમીઓથી અનેક પપ્પીઓથી ભરેલું છે. એમાં મેં ભરેલી તમામ પપ્પીઓ તમારા માટે છે.’
અને પિતા સ્તબ્ધ થઈ ગયા અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા. નાનકડી દીકરીના ખભા પર હાથ મૂકી તેમણે દીકરીને પોતાની પાસે ખેંચી લીધી અને દીકરી પાસે ક્ષમા માંગી રહ્યા.
આ ઘટનાનાં ઘણાં વર્ષો બાદ પણ લીસાના પિતાએ દીકરીને ભેટ આપેલું નાનકડું બોક્સ પોતાના શયનખંડમાં તેમના પલંગની બાજુમાં જ રાખ્યું. લીસા તો મોટી થઈને પરણીને જતી રહી પરંતુ જ્યારે જ્યારે તેઓ એકાકીપણું કે ઉદાસીનતામાં સરી જતા ત્યારે તેઓ લીસાએ આપેલું એ બોક્સ ખોલતા અને તેમની નાનકડી દીકરીએ આપેલા પ્રેમને યાદ કરી તેઓ રાહત અનુભવતા.
આવી હોય છે નાનકડાં બાળકોની લાગણીઓ. એમની ફીલિંગ્સ રજૂ કરવાની તેમની આગવી શૈલી હોય છે. બાળકોનો તેમનાં માતા-પિતા માટેનો પ્રેમ બિનશરતી હોય છે. માત્ર બાળકોને જ નહીં પરંતુ પરિવારના તમામ સભ્યોનો અને ઈશ્વરનો પણ આપણા પ્રત્યેનો પ્રેમ બિનશરતી હોય છે. લીસાનું એ બોક્સ એક કીમતી ચીજ હતી.
બાળકોને ચાહો અને બાળકોની લાગણીઓને સમજો. ભૌતિક ભેટ કરતાં બાળકોની પ્રેમભરી ચૂમી-કિસ અમૂલ્ય છે. એના જેવી કીમતી ચીજ આ દુનિયામાં બીજી કોઈ નથી.
જેમ્સ
હવે એક બીજી ટચૂકડી પ્રેરકકથા વાંચો. આ કથા પણ અમેરિકાના જ એક પરિવારની છે.
જેમ્સ એ વખતે કૉલેજમાં ભણતો હતો. એને બચપણથી જ મોટરકારો બહુ ગમતી હતી. તે બજારમાં જતો અને મોટરકારોના શૉ-રૂમ આગળ જઈ ઊભો રહેતો. એક શૉ-રૂમના ગ્લાસમાંથી એણે એક સ્પોર્ટ્સ કાર જોઈ. એણે અંદર જઈ કારની કિંમતની પૂછપરછ કરી. એ સમજી ગયો કે આ કાર બહુ જ મોંઘી છે
અને તેના પિતા માટે એ કાર ખરીદીને તેને ભેટ આપવી બહુ મુશ્કેલ વાત નહોતી. આમ છતાં એ કારનું બ્રોશર પિતાને આપતાં જેમ્સ બોલ્યો: `ડેડ, આ સ્પોર્ટ્સ કાર મોંઘી છે એટલે અત્યારે નહીં તો છેવટે હું ગ્રેજ્યુએટ થઈ જાઉં ત્યારે તમે તે કાર ખરીદીને ભેટ આપજો.’
પિતા મૌન રહ્યા અને એ દિવસ પણ આવી ગયો જ્યારે જેમ્સ ગ્રેજ્યુએટ થઈ ગયો. પિતા બિઝનેસ કરતા હતા. સુખી હતા. જેમ્સ ગ્રેજ્યુએટ થતાં એના પિતાએ જેમ્સને તેમની પ્રાઈવેટ ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું: `જેમ્સ, મને તારા જેવો પુત્ર મળ્યો તેથી હું ખુશ છું અને મને આ વાતનો ગર્વ પણ છે અને તું ગ્રેજ્યુએટ થયો તેની ખુશીમાં હું તને કાંઈક ગિફ્ટ આપવા માગું છું.’
એમ કહી પિતાએ જેમ્સના હાથમાં એક સુંદર ચમકતા પેપરથી વીંટાળેલું બોક્સ ભેટ આપ્યું. જેમ્સને નિરાશા થઈ, કારણ કે તેને કારના બદલે એક બોક્સ જ ભેટ મળ્યું હતું. આમ છતાં કુતૂહલથી એણે બોક્સ ખોલ્યું. એણે જોયું તો બોક્સમાં પિતાએ પવિત્ર બાઈબલ ભેટ આપ્યું હતું. એ બાઈબલ પણ લેધર કવરથી વીંટાળેલું હતું. જેમ્સ નિરાશ થઈ ગયો. એનાથી ન રહેવાયું અને તે બોલ્યો: `ડેડ, તમે આટલા ધનવાન છો અને તમે મને માત્ર બાઈબલ જ આપ્યું?’
એમ કહી જેમ્સે પિતાનું ઘર છોડી દીધું. ગુસ્સામાં તે ઘર છોડીને ક્યાંક જતો રહ્યો. એ પછી તે તેના પિતાને કદી મળ્યો નહીં.
આ વાતને વર્ષો થયાં.
જેમ્સએ પોતાની રીતે પોતાની જિંદગી અને કારકિર્દી બનાવી. તે એક સફળ બિઝનેસમેન બન્યો. એણે મનપસંદ યુવતી સાથે લગ્ન પણ કરી લીધાં. એ બે સંતાનોનો પિતા પણ બન્યો. આખોયે પરિવાર એક સુંદર અને આલીશાન મકાનમાં રહેવા લાગ્યો પરંતુ જેમ્સ હજુ તેના પિતાએ તેને સ્પોર્ટ્સ કારની ગિફ્ટ આપવાના બદલે માત્ર બાઈબલ જ આપ્યું હતું તે વાત તે ભૂલ્યો નહોતો. છતાં અંદરથી પિતાને યાદ કરતો રહ્યો. જોકે એ દિવસ પછી તે તેના પિતાને કદી મળ્યો નહોતો.
એક દિવસ તેને કોઈનો પત્ર આવ્યો. તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. એમાં લખ્યું હતું: `જેમ્સ, તારા પિતા હવે રહ્યા નથી.’
એને પિતાની મિલકત મળે તેમાં રસ હતો. વસિયતનામા પ્રમાણે તે તેના પિતાની તમામ મિલકતનો વારસદાર હતો. એ વાતની ખબર પડતાં તે તેના પિતાને ઘેર પહોંચ્યો. બાદ જેમ્સે પિતાના ઘરનાં તમામ કબાટ ખોલી તેમાં રહેલા મહત્ત્વના દસ્તાવેજો અને કાગળો તપાસવા માંડ્યા. એટલામાં એક કબાટમાંથી તેને એ જ બાઈબલ મળી આવ્યું જે તેના પિતાએ તેને ગ્રેજ્યુએશનના દિવસે ભેટ આપ્યું હતું. એ બાઈબલ જેમ્સએ કદી ખોલ્યું જ નહોતું. તે હજુયે લેધર અને સુવર્ણપેપરથી વીંટળાયેલું હતું. એ ઘટના યાદ આવી જતાં એ દુ:ખી થઈ ગયો કે મેં મારા પિતાની લાગણીને ઠેસ પહોંચાડી હતી. એ પછી આંખમાં આંસુ સાથે એણે બાઈબલ પર વીંટળાયેલું રેપર ખોલ્યું. અને એ બાઈબલમાં જ તેની નીચે મૂકેલી કારની એક ચાવી નીચે સરી પડી. જેમ્સને ખ્યાલ આવી ગયો કે આ એ જ સ્પોર્ટ્સ કારની ચાવી છે, જેની તેણે પિતા પાસે ગિફ્ટ તરીકે માગણી કરી હતી. કારની ચાવી સાથે કારની ટેગ પણ હતી અને તે કાર ક્યારે ખરીદવામાં આવી તેની તારીખ પણ લખેલી હતી. પિતાએ જેમ્સ માટે એના ગ્રેજ્યુએશનના દિવસે જ કાર ખરીદીને તેની ચાવી બાઈબલના એ બોક્સમાં મૂકેલી હતી. એ કારની ટેગમાં લખવામાં આવેલું હતું કે, Paid in full એટલે કે કારની કિંમત ચૂકવાઈ ગઈ છે.
જેમ્સ હવે નિ:શબ્દ હતો, સ્તબ્ધ હતો. આઘાતમાં હતો. પિતાને તે ન સમજી શક્યો. એ વ્યથાથી તે આઘાતમાં હતો.
સંતાનો પણ પિતાની લાગણીઓને સમજે.
 આજે `ફાધર્સ ડે’ની સહુને શુભકામના

Be Sociable, Share!