Close

દાર્શનિક પ્લેટો કહે છે – જે સત્ય બોલે છે તેને દુનિયા સહુથી વધુ નફરત કરે છે

રેડ રોઝ | Comments Off on દાર્શનિક પ્લેટો કહે છે – જે સત્ય બોલે છે તેને દુનિયા સહુથી વધુ નફરત કરે છે
પાશ્ચાત્ સંસ્કૃતિએ જે શ્રેષ્ઠ દાર્શનિકો આપ્યા તેમાં પ્લેટો એક હતા. તેઓ સોક્રેટિસના શિષ્ય અને એરિસ્ટોટલના ગુરુ હતા. પ્લેટોનો જન્મ ઈ.સ. પૂર્વે ૪૨૮ અથવા ૪૨૭માં ગ્રીસમાં એથેન્સ ખાતે થયો હતો. તેમનાં માતાનું નામ પેરક્ટીઓન અને પિતાનું નામ એરિસ્ટોન હતું. તેમનું નામ તેમના દેખાવના આધારે પાડવામાં આવ્યું હતું. વિશાળ છાતી, ખભા અને વિશાળ લલાટ હોવાના કારણે તેમને પ્લેટો (PLATO=વિશાળ) કહીને બોલાવવામાં આવતા હતા. તેમનું આ હુલામણું નામ જ આખરે કાયમી બની ગયું.
સમય જતા પ્લેટો એક તત્ત્વચિંતક તરીકે ખ્યાતિ પામ્યા. પ્લેટોએ લખેલા વિચારો `ડાયલોગ્સ-સંવાદ’ના નામે ઓળખાય છે. `રિપબ્લિક’માં પ્લેટોએ ધર્મ, આચાર, નીતિ, શિક્ષણ, રાજકારણ, અધ્યાત્મશાસ્ત્ર, માનસશાસ્ત્ર તથા રાજ્ય-રાજ્યનાં સ્વરૂપો, સરમુખત્યારશાહી, ટોળાશાહી, સાચી લોકશાહી, સામ્યવાદ અને આધુનિકતા જેવા વિષયો પર તેમનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં.
પ્લેટોનાં મંતવ્યો આ પ્રમાણે છે.
પ્લેટોનાં મંતવ્યો
(૧) મનુષ્યને જીવનમાં સફળ થવા માટે ભગવાને તેને બે સાધનો પ્રદાન કરેલાં છે. એક શિક્ષણ અને બીજું શારીરિક ગતિવિધિ. અલગ-અલગ નહીં, એક આત્મા માટે અને બીજું શરીર માટે નહીં પરંતુ બંને માટે એક સાથે. આ સાધનોથી જ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. (૨) પ્લેટો કહે છે કે દુનિયાનો દસ્તુર છે કે જે સત્ય બોલે છે તેને દુનિયા સહુથી વધુ નફરત કરે છે. (અર્થાત્ સત્ય સ્વીકારવા લોકો તૈયાર નથી) (૩) સંગીત બ્રહ્માંડને આત્મા બક્ષે છે, મન પાંખો આપે છે અને કલ્પના ઉડાન આપે છે અને દરેક ચીજને જીવન બક્ષે છે. (૪) દયાળું બનો, કારણ કે તમે જે કોઈને પણ મળો છો તે એક મુશ્કેલ લડાઈ લડી રહ્યાં છે. (૫) કોઈ પણ કામની `શરૂઆત’ જ કામનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. (૬) સૌથી પહેલી અને સર્વશ્રેષ્ઠ નીતિ તો સ્વયં પર વિજય પ્રાપ્ત કરવો તે છે. (૭) અન્યાયની નિંદા એટલા માટે કરવામાં આવે છે, કારણ કે નિંદા કરવાવાળા કષ્ટથી ડરે છે. (૮) હું એક જીવિત સહુથી વધુ બુદ્ધિમાન વ્યક્તિ છું, કારણ કે હું એક વાત જાણું છું કે, `હું કાંઈ પણ જાણતો નથી.’- આવું સમજનાર વ્યક્તિ જ બુદ્ધિવાન બને છે. (૯) અંધારાથી ડરવાવાળા બાળકને આપણે આસાનીથી માફ કરી દઈએ છીએ, પરંતુ દુ:ખ તો ત્યારે થાય છે જ્યારે મનુષ્ય પ્રકાશથી ડરવા લાગે છે. (૧૦) એક ખાલી વાસણ સહુથી વધુ અવાજ કરે છે, પરંતુ જેની પાસે સહુથી ઓછી બુદ્ધિ છે તે સહુથી વધુ બુમરાણ મચાવે છે.
જ્ઞાન-અજ્ઞાન
(૧૧) અજ્ઞાનતા દરેક બુરાઈનું મૂળ છે. (૧૨) જો ઉદ્દેશ પ્રામાણિક-નેક ન હોય તો જ્ઞાન પણ અશુભ બની જાય છે. (૧૩) એક કૃતઘ્ન મન એક `મહાન’ મન છે જે અંતત: ચીજોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
(૧૪) બુદ્ધિમાન વ્યક્તિ હંમેશાં તેની સાથે રહેવા માંગે છે જે તેનાથી શ્રેષ્ઠ છે. (૧૫) માનવવ્યવહાર ત્રણ મુખ્ય સ્ત્રોતથી પ્રવાહિત છે: ઈચ્છા, ભાવના અને જ્ઞાન. (૧૬) ખુશી સારું કામ કરવાથી અને બીજાઓને મદદ કરવાથી આવે છે. (૧૭) `અભિપ્રાય’ જ્ઞાન અને અજ્ઞાનની વચ્ચેનું માધ્યમ છે. (૧૮) કોઈ પણ ધન-દોલત ક્યારેય પણ એક ખરાબ વ્યક્તિને સ્વયં શાંતિ બક્ષી શકતી નથી. (૧૯) તમારે સચ્ચાઈ કરતાં વધુ લોકોનું સન્માન કરવું જોઈએ. (૨૦) `પ્રેમ’ એક ગંભીર માનસિક બીમારી છે. (૨૧) દર્શન-ફિલોસોફી સર્વોચ્ચ સંગીત છે. (૨૨) જે સારો સેવક નથી તે કદી પણ સારો સ્વામી બની શકે નહીં.
(૨૩) કોઈ પણ વ્યક્તિ આસાનીથી કોઈનું પણ નુકસાન કરી શકે છે પરંતુ દરેક વ્યક્તિ બીજાનું ભલું કરી શકતી નથી. (૨૪) એક સારો નિર્ણય જ્ઞાન પર આધારિત છે, સંખ્યા પર નહીં. (૨૫) ગતિવિધિનો અભાવ પ્રત્યેક મનુષ્યની સારી સ્થિતિને નષ્ટ કરી દે છે.
(૨૬) અન્યાયનું સહુથી ખરાબ સ્વરૂપ `ન્યાયનો દેખાડો’ છે. (૨૭) મનુષ્યનો આત્મા અમર અને અવિનાશી છે. (૨૮) શિક્ષણનો ઉદ્દેશ એ છે કે જે કોઈ ચીજ સુંદર છે તેને ચાહવું. (૨૯) થોડામાં જ સંતોષ માણી લેવો એ જ સહુથી મોટી દોલત છે. (૩૦) સાચી મિત્રતા બરાબરીવાળા લોકોની વચ્ચે જ સંભવ છે.
જ્યુઈશ વિઝડ્મ
– પ્લેટોના વિચારો અહીં પૂરા થાય છે. હવે `વિઝડમ’- વિવેક, ડહાપણ વિશે જ્યૂઈશ-યહૂદી લોકોક્તિઓ વાંચો.
(૧) માત્ર શબ્દોથી જ નહીં પરંતુ તમારાં કાર્યોથી વાઈઝ-ડાહ્યા બનો.
(૨) એક પક્ષીને તમે મુક્ત કરી ઉડાડી દેશો તે ફરી કોઈના હાથે પકડાઈ શકે છે, પરંતુ તમારા હોઠમાંથી સરકેલા શબ્દો કદીયે પાછા આવશે નહીં. (૩) જો તમે દુ:ખ અનુભવ્યું નથી તો તમે માનવી નથી.
(૪) જો તમે આંખોથી જોઈ શકતા નથી તેને મોંથી શોધવા પ્રયાસ ન કરો. (૫) સાચું બોલવાથી કાંઈ પણ સાચું ગુમાવવું તે ખોટું બોલીને કે ખોટું કરીને મેળવવા કરતાં વધુ સારું છે. (૬) તમારા શત્રુનું પતન થાય તો ખુશ પણ ન થવું અને તેને ઊભો કરવા પણ ન જવું. (૭) ચિંતા દરેકને રહે છે પરંતુ સૂપ પીતાં પીતાં ચિંતા કરવી. સૂપ વગર નહીં.
(૮) પહેલાં તમે નમો અને પછી જ બીજાઓને નમાવો (૯) તમારા શિક્ષણની લાયકાત કરતાં વધુ સન્માનની અપેક્ષા ન રાખો. (૧૦) તમે જ્યારે ભણાવો છો ત્યારે શીખો પણ છો. (૧૧) તમને કોઈએ કાંઈ નુકસાન જ નથી કર્યું તો કારણ વગર તેની પર કોઈ આક્ષેપ ન કરો. (૧૨) જેઓ હૃદયથી ભગ્ન છે, ભગવાન તેમની સહુથી વધુ નજીક છે. (૧૩) એક માતા જ બાળકને જ્યારે તે કાંઈ બોલતું ન હોય તો તેની વાત જસમજી શકે છે. (૧૪) જેઓ તમારા પડોશીઓ છે તેમને કદીયે નુકસાન ન પહોંચાડો.
સહાનુભૂતિ અને ભૂખ
(૧૫) માત્ર સહાનુભૂતિથી જ કોઈની ભૂખ દૂર કરી શકાતી નથી. માત્ર સહાનુભૂતિથી તો તેની ભૂખ વધુ તીવ્ર બને છે. (૧૬) જેને વિશ્વાસુ મિત્ર મળે છે તેને ખજાનો જ મળ્યો છે એમ સમજવું. (૧૭) જે માણસ માત્ર પોતાની મુશ્કેલીઓની વાત તમને કરે છે અને તેની ખુશીઓની વાત તમને કરતો નથી તેની પર કદીયે ભરોસો રાખવો નહીં. (૧૮) જો તમે ડરશો નહીં (ખોટું કરતાં) તો પાપ પણ તમને ગળ્યું લાગશે. (૧૯) વૃદ્ધ થવાથી આંખો નબળી પડે છે પરંતુ એક વૃદ્ધિ વ્યક્તિ `વધુ’ જોઈ શકે છે. (૨૦) ખરાબ હાથ કરતાં ખરાબ જીભ વધુ ખરાબ છે. (૨૧) તમારી જીભને શીખવો કે તે `હું નથી જાણતો’ એવું બોલતાં શીખે. (૨૨) ભગવાને બે કાન અને એક જ મોઢું આપ્યું છે તેથી વધુ સાંભળો અને ઓછું બોલો.  (૨૩) ભગવાન એક સાથે બધે જઈ શકતા નથી તેથી તેમણે `મા’ બનાવી. (૨૪) બધા જ લોકોની ફરિયાદ છે કે તેમની પાસે પૈસા નથી, પરંતુ કોઈ પણ માણસ તેની પાસે બુદ્ધિ નથી એવી ફરિયાદ કદી કરતો નથી.(૨૫) જો પૈસાથી સમસ્યા હલ થતી હોય તો તે `કિંમત’ છે, પ્રોબ્લેમ નથી. (૨૬) જો તમને સ્મિત કરતાં આવડતું ન હોય તો દુકાન ખોલશો નહીં. (૨૭) દરેક વ્યક્તિ તમને પ્રેમ કરે અને તમને નાણાં ધીરે તે શક્ય નથી. (૨૮) ભગવાનને નમન કરવું તે શીખવાનું પ્રથમ પગલું છે. ખાલી મૂર્ખાઓ જ તેમ કરતા નથી. (૨૯) જો તમે ભલા છો તો તમે તમારા આત્માને પોષણ આપી રહ્યા છે અને તમે કોઈની પર જુલમ કરો છો તો તમે તમારા જીવનને નષ્ટ કરી રહ્યા છો. (૩૦) સાચો માણસ ભલે સાત વખત પડી જાય પરંતુ છેવટે તો ઊભો થાય છે જ.
આ બધાં વિધાનો જ્યૂઈશ દાર્શનિકો જેવા કે કિંગ સોલોમન, એલેના રોય, રેબી નાકમેન, રાખી નોઆહ વીનબર્ગ જેવા વિદ્વાનોએ ઉચ્ચારેલાં છે.

Be Sociable, Share!