યાદ છે વર્ષો પહેલાં `રેડિયો સિલોન’ પરથી બ્રાડકાસ્ટ થતી `બિના કા ગીતમાલા’ની શરૂઆતમાં રેડિયો એનાઉન્સર અમીન સયાની બોલતાં: `નમસ્કાર ભાઈયોં ઔર બહનોં, મૈં હૂં આપકા દોસ્ત અમીન સયાની, આપ સુન રહે હૈં બિનાકા ગીતમાલા.’પરંતુ આજે આ વાત લખવાની જરૂર એટલા માટે પડી કે `રેડિયો સિલોન’ શરૂ થયાને ૧૦૦ વર્ષ થયાં. રેડિયો સિલોન આમ તો શ્રીલંકાનું રેડિયો સ્ટેશન હતું, પરંતુ દર બુધવારે રાત્રે ૮ વાગ્યે આવતી `બિનાકા ગીતમાલા’ પરથી પ્રસારિત થતાં હિન્દી ફિલ્મોનાં ગીતો ભારતના કરોડો લોકો સાંભળતા હતા.
`રેડિયો સિલોન’ એ શ્રીલંકાની રેડિયો સર્વિસ હતી. તા. ૧૬ ડિસેમ્બર, ૧૯૨૫ના રોજ શ્રીલંકન રેડિયો સર્વિસનો આરંભ થયો હતો. શરૂઆતમાં તેનું નામ `કોલંબો રેડિયો’ હતું, પણ પાછળથી તે `રેડિયો સિલોન’ તરીકે પ્રખ્યાત થયું. આ રેડિયો સ્ટેશન એશિયાનું પ્રથમ કોમર્શિયલ રેડિયો સ્ટેશન હતું. આખા એશિયામાં `રેડિયો સિલોન’ પાસે સહુથી વધુ હિન્દી ફિલ્મોનાં ગીતોની લાઇબ્રેરી છે. શરૂઆતમાં આ રેડિયો બ્રોડકાસ્ટિંગ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનનો એક ભાગ હતો, પરંતુ તા. ૧ ઓક્ટોબર, ૧૯૪૯થી તેને `રેડિયો સિલોન’ એવું નામ આપવામાં આવ્યું હતું. `રેડિયો સિલોન’ પર `બિનાકા ગીતમાલા’ના પ્રસ્તુતકર્તા ભારતમાં મુંબઈ ખાતે રહેતા હતા. `બિનાકા ગીતમાલા’નું રેકોર્ડિંગ પણ મુંબઈના એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં થતું હતું અને તે પછી તેનું પ્રસારણ શ્રીલંકાના `રેડિયો સિલોન’ પરથી થતું હતું. `રેડિયો સિલોન’ દ્વારા બિનાકા ગીતમાલા ૧૯૫૨થી ૧૯૮૮ સુધી પ્રસારિત થતી રહે. `રેડિયો સિલોન’ની બિનાકા ગીતમાલાની લોકપ્રિયતા જોઈને ભારત સરકારે ઓલ ઈન્ડિયા રેડિયો પર વિવિધ ભારતી શરૂ કર્યું અને વિવિધ ભારતી હિન્દી ફિલ્મોનાં ગીતો બ્રોડકાસ્ટ કરનાર લોકપ્રિય રેડિયો સર્વિસ બની ગઈ.
કહેવાય છે કે શ્રીલંકન બ્રોડકાસ્ટ સર્વિસ પાસે હિન્દી ફિલ્મોની ૭૦ હજાર જેટલી રેકોર્ડ્સ ઉપલબ્ધ છે. અમીન સયાની `રેડિયો સિલોન’ પરથી બ્રોડકાસ્ટ થતી `બિનાકા ગીતમાલા’નો આત્મા હતા. હિન્દી ફિલ્મોનાં ગીતોને ભારતના ઘરઘરમાં લોકપ્રિય કરવાનું કામ પણ `રેડિયો સિલોન’ પરથી બ્રોડકાસ્ટ થતી `બિનાકા ગીતમાલા’એ જ કર્યું.
આ કાર્યક્રમના રેડિયો ઉદ્ઘોષક અમીન સયાનીને દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ એટલી બીજા કોઈ રેડિયો એનાઉન્સરને થઈ નથી. અમીન સયાનીએ બિનાકા ગીતમાલાનું સંચાલન ૧૯૫૧થી શરૂ કર્યું હતું, જે લગભગ ૪૩ વર્ષ સુધી ચાલ્યું. એમણે બધા મળીને ૫૪,૦૦૦ જેટલા રેડિયો કાર્યક્રમો કર્યા. ૧૯૦૦૦ જેટલા જિંગલ્સ કર્યા. આજે પણ કેટલાક લોકો તેમની બોલવાની શૈલીની નકલ કરે છે.
ઈતિહાસ એવો છે કે એક સમયે રેડિયો સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યો હતો એ વખતના કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી બી. કે. કેસકરે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી શાસ્ત્રીયસંગીત આધારિત ગીતોને વધુ પ્રસારિત કરવા હિન્દી ફિલ્મોનાં ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એમાંથી જ `રેડિયો સિલોન’નો જન્મ થયો. શ્રીલંકાએ તેમના દેશમાં એક શક્તિશાળી ટ્રાન્સમીટર લગાડીને હિન્દી ફિલ્મોનાં ગીતો પ્રસારિત કરવા પડ્યાં અને રેડિયો સિલોન ભારતમાં લોકપ્રિય બની ગયો. અમીન સયાની રેડિયો સિલોન એનાઉન્સર કેવી રીતે બન્યા તે પણ જાણવા જેવું છે.
અમીન સયાનીના મોટા ભાઈ હમીદ સયાની રેડિયો સિલોનના પ્રોગ્રામર હતા. એ વખતે અમીન સયાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતા હતા અને તેઓ મોટાભાઈની ઑફિસે ધક્કા ખાધા કરતા. એક દિવસ રેડિયો સિલોનના `ફૂલવારી’ કાર્યક્રમના એનાઉન્સર આવ્યા નહીં અને નવરા રખડતા યુવાન અમીન સયાનીને એ કામ માટે બોલાવી લેવાયા. તેમની બોલવાની શૈલી જોઈ કાર્યક્રમના પ્રોડ્યૂસર ખુશ થઈ ગયા. તે પછી દર અઠવાડિયે અમીન સયાનીને તે રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં બોલાવી લેવાયા. રેડિયો સિલોનના કાર્યક્રમો મુંબઈમાં રેકૉર્ડ થતા હતા. તે પછી `બિનાકા ગીતમાલા’ શરૂ થઈ અને એ કાર્યક્રમોની સક્રિય તૈયારી કરવાથી માંડીને એનાઉન્સર તરીકેની કામગીરી પણ તેમને જ સોંપવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત થયા બાદ એ જમાનામાં ગીતોની ફરમાઈશ માટે તેમને ૬૦,૦૦૦થી વધુ પત્રો મળતા. એક વાર કોઈએ તેમને પૂછ્યું હતું, `અમીનસાહેબ, આપ કી આવાજ બહુત સુંદર હૈ. આપ કૌન સી ચક્કી કા આટા ખાતે હો?.’
અમીન સયાનીએ બિનાકા ગીતમાલાના કાર્યક્રમમાં જ જવાબ આપ્યો હતો, `અરે ભાઈ! મૈં હિન્દુસ્તાન કી ચક્કી કા હી આટા ખાતા હૂં.’
અમીન સયાનીનો જન્મ તા. ૨૧ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ આમ તો મુંબઈમાં થયો હતો, પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે તેમના વડવાઓ મૂળ કચ્છ-ગુજરાતના હતા. તેમના આર્થિક ઉપાર્જન માટે કચ્છથી મુંબઈ ગયા હતા. અમીન સયાની ૧૦ વર્ષના હતા ત્યારે તેમના પિતા કચ્છથી મુંબઈ ગયા હતા. તેમના પિતા ડૉક્ટર અને અત્યંત ધાર્મિક વૃત્તિના માણસ હતા. ગરીબ દર્દીઓ પાસેથી કોઈ ફી લેતા નહોતા. અમીન સયાની સિંધિયા સ્કૂલમાં અને તે પછી મુંબઈ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણ્યા હતા.
તેમણે કારકિર્દીની શરૂઆત ઑલ ઇન્ડિયા રેડિયોથી કરી હતી. તેમના ભાઈ હમીદ સયાની તેમને ઓલ ઈન્ડિયા રેડિયોમાં લઈ ગયા હતા. ૧૦ વર્ષ સુધી તેમણે અંગ્રેજી કાર્યક્રમોના પ્રસારણમાં હિસ્સો લીધો હતો. પાછળથી તેમણે જ ઑલ ઇન્ડિયા રેડિયોને ભારતમાં લોકપ્રિય કરવાનું કામ કર્યું હતું.
અત્રે નોંધવું જરૂરી છે કે અમીન સયાનીનાં માતા કુલસુમ સયાની મહાત્મા ગાંધીજીની ઈચ્છાના કારણે એક પખવાડિક બહાર પાડતાં હતાં. તે સાક્ષરતા અભિયાનનું કામ કરતું હતું. અમીન સયાની શરૂઆતમાં તેમનાં માતાને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા હતા. આ પખવાડિકનું નામ `રાહબર’ હતું, જે ૧૯૪૦થી ૧૯૬૦ સુધી પ્રગટ થતું રહ્યું. આ પખવાડિક હિન્દી, ઉર્દૂ અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં પ્રગટ થતું હતું, પરંતુ ગાંધીજીએ તેને સરળ હિન્દુસ્તાની બનાવી દેવાની પ્રેરણા આપી હતી. એ જ ભાષાઓના જ્ઞાને અમીન સયાનીને વિવિધ રેડિયો કાર્યક્રમોના પ્રસારણ માટે મદદ કરી. ૨૦૦૭માં હિન્દી ભવન દ્વારા `હિન્દી રત્ન’ ઍવૉર્ડ પણ મળ્યો.
કહેવાય છે કે અમીન સયાનીનો પહેલો રેડિયો કાર્યક્રમ `ગીતમાલા’ રેડિયો સિલોન પરથી પ્રસારિત થયો ત્યારે આખા દેશમાંથી ૯૦૦૦ પ્રશિસ્તપત્રો આવ્યા હતા. તે પછી તેઓ ઘરઘરમાં જાણીતા બની ગયા. તે પછી તો એ બીજા હજારોમાં થઈ ગયા હતા.
અમીન સયાનીએ એચઆઇવી-એઇડ્સ દર્દીઓના કે સંદર્ભમાં ૧૩ એપિસોડની રેડિયો શ્રેણીનું પણ સંચાલન કર્યું. આ માટે તેમણે નિષ્ણાત તબીબો, કામ કરતા સામાજિક કાર્યકર્તાઓનાં ઇન્ટરવ્યૂ લઈ તે પ્રસારિત કર્યાં. બીબીસી વર્લ્ડ સર્વિસ રેડિયો માટે તેમણે `મ્યુઝિક ફોર ધ મિલિયન્સ’ના શીર્ષક હેઠળ છ એપિસોડ બ્રોડકાસ્ટ કર્યા. યુનાઇટેડ અમિરાટ્સ માટે તેમના રેડિયો સ્ટેશનથી ચાર વર્ષ સુધી `ગીતમાલા કી યાદે’ કાર્યક્રમ બ્રોડકાસ્ટ કર્યો. ટોરેન્ટો, હ્યુસ્ટન, વોશિંગ્ટન, બોસ્ટન અને સાન ફ્રાન્સિસ્કોની વિવિધ રેડિયો ચેનલ્સ પર `હંગામે’ રેડિયો કાર્યક્રમ પ્રસારિત કર્યો.
અમીન સયાનીને ૧૯૯૧માં ઇન્ડિયન સોસાયટી ઓફ ઍડ્વર્ટાઇઝર્સ તરફથી ગોલ્ડ મેડલ એનાયત થયો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ઓનર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) તરફથી `લિવિંગ લેજન્ડ ઍવૉર્ડ’ એનાયત થયો. ૨૦૦૯માં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા તેમને `પદ્મશ્રી’ ઍવૉર્ડ એનાયત થયો.
અમીન સયાનીના પિતાનું નામ મોહમ્મદ સયાની અને માતાનું નામ કુલસુમ સયાની હતું. પત્નીનું નામ રમા અને પુત્રનું નામ રાજલ સયાની છે. તેમનાં માતા એક સામાજિક કાર્યકર્તા અને એક કાશ્મીરી પંડિતનાં પુત્રી હતાં.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન અમીન સયાનીએ કહ્યું હતું કે, `૧૯૪૮માં જ્યારે મહાત્મા ગાંધીજીનું આવસાન થયું ત્યારે હું બિલકુલ ભાંગી પડ્યો હતો, કારણ કે તેઓ મારા પરિવારની ખૂબ નજીક હતા. એ વખતે મેં મારી જાતને કહ્યું હતું કે, હવે હું નવા ભારતનો નવો યુવાન છું અને હવે હું હિન્દી બ્રોડકાસ્ટર બનીશ.
ગુજરાતી મૂળના અમીન સયાનીને ગુજરાતે, ગુજરાતની જનતાએ કે ગુજરાતની સંસ્થાઓએ યાદ કરવા જોઈતા હતા. તા. ૨૦-૨-૨૦૨૪ના રોજ અમીન સયાનીનું મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું.
—————————— —————————— —————————— —



