ભારતે પાકિસ્તાનના કરાંચી, રાવલપિંડી, લાહોર સહિતનાં કેટલાંક શહેરો પર મિસાઈલોથી હુમલા કરી પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પાકિસ્તાનની સાન ઠેકાણે લાવી દીધી છે. પાકિસ્તાનના મોટા મોટા નેતાઓ પોતાની જાતને બચાવવા ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. અગાઉ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને હતપ્રભ કરી દીધું હતું, જેનો આજ સુધી પાકિસ્તાન જવાબ આપી શક્યું નથી. પીએમ મોદી એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝમાં માને છે, તેઓ માત્ર પ્રવચનો કરનારા જ નેતા નથી. તેઓ જેટલા શ્રેષ્ઠ વક્તા છે તેટલા જ એક્શન ઓરિએન્ટેડ નેતા પણ છે. પાકિસ્તાનનાં મુખ્ય શહેરો પર ભારતની મિસાઈલો ત્રાટકે તે પહેલાં પીએમ મોદીએ સૈન્યના વડાઓ સાથે બહુ જ હોમવર્ક કરી લીધું હતું. ચીનના વડા શી જિનપિંગની પણ પરવા કર્યા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર મિસાઈલો ફેંકીને પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું છે. ચીનની ડિફેન્સ સિસ્ટમ ભારતીય મિસાઈલોને શોધી શકી નહીં. ચીનની ડિફેન્સ સિસ્ટમ દિવાળી વખતના ચીનના ફાલતુ ફટાકડા જેવી જ બોગસ સાબિત થઈ. ભારત ફરી એકવાર માત્ર આર્થિક દૃષ્ટિ એ જ નહીં, પરંતુ લશ્કરી દૃષ્ટિએ શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઊપસી આવ્યું છે.૧૯૪૭ પહેલાં પાકિસ્તાનનું કોઈ અસ્તિત્વ જ નહોતું. સરદાર સાહેબની ઈચ્છા વિરુદ્ધ પંડિત જવાહરલાલ નહેરુએ અંગ્રેજો દ્વારા કરાયેલા ભારતના ભાગલાની વાત સ્વીકારી તે એક મોટી ભૂલ હતી. હવે એ ભૂલ સુધારી લેવાનો સમય આવી ગયો છે અને દેશના શક્તિશાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ તેમ કરી શકે છે. `મોદી હૈ તો મુમકિન હૈ.’
ચાલો, આટલી પ્રસ્તાવના બાદ ૧૯૪૭ની ઘટનાઓની પશ્ચાદ્ભૂમિકા પર નજર નાંખીએ.
ભારતના ભાગલાની કથા રક્તરંજિત છે.
ભારતના ભાગલા વખતે વસ્તીના સ્થળાંતર સમયે ભારે રક્તપાત થયો હતો. ભાગલા વખતે સરહદ પર અને ખાસ કરીને પાકિસ્તાનમાં જે કોમી હુમલા થયા તેમાં લગભગ ૨૦ લાખ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે કરોડ લોકો વિસ્થાપિત થઈ ગયા હતા. પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓથી બચવા કેટલીયે હિન્દુ સ્ત્રીઓએ કૂવાઓમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. લગભગ ૧ કરોડ શરણાર્થીઓએ પોતાના ધર્મ-સંપ્રદાયની બહુમતી વસ્તીવાળા દેશમાં શરણ લીધું હતું.
સરદાર સાહેબ પાકિસ્તાનથી આવતા હિન્દુઓને કાશ્મીરમાં વસાવવા માંગતા હતા, પરંતુ એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કે જેઓ મૂળ કાશ્મીરના વતની હતા, તેથી કાશ્મીરનો પ્રશ્ન પોતાના હસ્તક રાખ્યો અને તેમણે સરદાર સાહેબની વાત ન માની. આ કારણે કાશ્મીર આજે એક જ કોમની બહુમતીવાળો પ્રદેશ બની ગયો છે. જેનાં પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ.
એ સમયગાળા પૂર્વની કથા કંઈક આવી છે.
તા. ૨૫મી નવેમ્બર, ૧૯૪૮.
બનારસ હિન્દુ યુનિવર્સિટી સમક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રવચન આપી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું: `મને લાગ્યું છે કે ભાગલા સ્વીકારીશું નહીં તો હિન્દના અનેક ટુકડા થઈ જશે અને તેનો સંપૂર્ણ વિનાશ થશે. મને હવે પાકી ખાતરી થઈ છે કે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ એથી તો ભીષણ આપત્તિ આવી પડશે. એ પછી આપણા માટે એક નહીં, પરંતુ અનેક પાકિસ્તાનો ઊભા થશે.’
ભાગલાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પડદા પાછળથી અંગ્રેજો રમત રમી રહ્યા હતા. ભારતને આંતરવિગ્રહમાં ધકેલી દેવાની ખંધી ચાલ બ્રિટિશરો મુસ્લિમ લીગ મારફતે ખેલી રહ્યા હતા. ઝીણા પાકિસ્તાન માંગી રહ્યા હતા ત્યારે લંડનના જાણીતા અખબાર `માન્ચેસ્ટર ગાર્ડિયને’ લખ્યું કે, `શાંતિ માટે કંઈ નહીં તો આંતરવિગ્રહ ટાળવા માટે પાકિસ્તાન ઊભું કરવું તે ઘણી મોટી કિંમત ચૂકવવા જેવું છે.’
છતાં બ્રિટિશ સરકારે માન્યું નહીં. બ્રિટિશરોએ ભારતના દેહ છેદનનો નિર્ણય કરી નાખ્યો. તા. ૧૯મી જૂન, ૧૯૪૭ના રોજ દિલ્હીમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી, પરંતુ વાતાવરણમાં ગમગીની હતી. શોક હતો. દેશના ભાગલા સ્વીકારવા કે ન સ્વીકારવા તે અંગેનો ઠરાવ કરવાનો હતો. ગાંધીજી તો નહેરુના આગ્રહને વશ થઈ આ બેઠકમાં આવ્યા. તેમણે દુ:ખ સાથે ભાગલા સ્વીકારવાની વાત કહી. નહેરુ પણ ગમગીન હતા. નોઆખલી અને કલકત્તામાં ફાટી નીકળેલી કોમી હિંસાની વાત તેમણે કરી. સરદાર સાહેબ બોલવા ઊભા થયા ત્યારે વાતાવરણમાં નિ:સ્તબ્ધ શાંતિ છવાયેલી હતી. તેમણે કહ્યું: `હિન્દના ભાગલા કોઈને પણ પસંદ નથી. મારું હૈયું ભારે બની ગયું છે, પરંતુ કેટલીક નગ્ન હકીકતો લક્ષ્યમાં લેવાની અમને ફરજ પડી છે. નવ મહિનાથી હું સરકારમાં હોદ્દા પર છું. મેં જૂજ અપવાદો બાદ કરતાં ઉપરથી માંડીને છેક પટાવાળા સુધીના સઘળા મુસલમાન અમલદારોને મુસ્લિમ લીગ માટે કામ કરતા જોયા છે. કોંગ્રેસ પાકિસ્તાનની રચનાની વિરુદ્ધ હતી, પરંતુ મહાસમિતિએ ભાગલાનો હવે સ્વીકાર કરવો જ રહ્યો. આપણને ગમે કે ન ગમે પંજાબ, બંગાળમાં તો ક્યારનુંયે પાકિસ્તાન અમલમાં આવી ગયું છે. આ સંજોગોમાં હું સાચા પાકિસ્તાનને સ્વીકારીશ, જેથી એનામાં કોઈ જવાબદારીનું ભાન તો થશે.’
નવ કલાકની ચર્ચા બાદ આચાર્ય કૃપલાણીએ છેલ્લું પૂર્ણાહુતિ પ્રવચન આપ્યું. તેમણે દીઠેલા એક તોફાનગ્રસ્ત વિસ્તારનું વર્ણન કરતાં કહ્યું: `એક સ્થળે એક કૂવો મારા જોવામાં આવ્યો. પોતાનું શિયળ સાચવવા માટે ૧૦૭ જેટલી સ્ત્રીઓ પોતાના બાળક સાથે એ કૂવામાં કૂદી પડી હતી. બીજા એક સ્થળે એક મંદિરમાં ૫૦ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓએ એ સ્ત્રીઓનું શિયળ બચાવવા મારી નાંખી હતી. એક ઘરમાં મેં હાડકાંનો મોટો ઢગલો જોયો. ધસી આવેલા ટોળાથી બચવા ૩૦૭ જેટલી સ્ત્રીઓ, બાળકો અને પુરુષોએ એ ઘરમાં આશરો લીધો હતો. તેમને ઘેરી લઈને જીવતા સળગાવી દેવામાં આવ્યાં હતાં. આ ભીષણ દૃશ્યો જોયા પછી તેની અસર બેશક મારા હૃદય પર થઈ છે. ભાગલા સ્વીકારી લેવાથી આ હિંસા અટકતી હોય તો એ કડવો નિર્ણય લેવો જ રહ્યો. આ નિર્ણય ભયના માર્યા નહીં, પરંતુ સચ્ચાઈ સ્વીકારવી જ રહી.’
પંજાબ અને બંગાળના ભાગલા કોંગ્રેસ કારોબારીએ સ્વીકારવાનો ૧૫૭ વિરુદ્ધ ૧૫ મતે પસાર કર્યો.
પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાને આટલાથી સંતોષ નહોતો. તેમને આખા ને આખા અકબંધ પ્રાંતો જોઈતા હતા. પશ્ચિમ પંજાબમાંથી છેક બંગાળ સુધી રાજ ચલાવવું તેમને મુશ્કેલ જણાતું હતું, તેથી ઝીણાએ પાકિસ્તાનની બે પાંખોને જોડતી ઉત્તર ભારતમાંથી પસાર થતી સળંગ પટ્ટી-કોરડોરની માંગણી કરી. સરદાર સાહેબે આ માંગણીને બાલીશ ગણાવી ફગાવી દીધી.
આખરે ભાગલાની યોજના મંજૂર થઈ.
તા. ૧૫મી ઓગસ્ટે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો, પરંતુ આ મહાપર્વના દિવસે ગાંધીજીએ કલકત્તામાં જ રોકાઈ જવાનું પસંદ કર્યું. પૂર્ણ સ્વરાજની અધૂરી કિંમત ચૂકવવા તેમણે પોતાનું જીવન હોડમાં મૂક્યું હતું. કોમવાદની આગમાં ભરખાઈ ગયેલા કલકત્તા, નોઆખલી તથા બિહારનાં રમખાણોના વેરઝેર શમાવવા તેઓ મથી રહ્યા હતા.
સરદાર લોકોને ખેડૂતની ભાષામાં સમજાવતાં: `બે ભાઈઓ વચ્ચે જમીનની તકરાર હોય અને એક ભાઈ સમજતો જ ન હોય તો મોટા ભાઈએ નાના ભાઈને જુદું કરી આપવું પડે. એમ હવે પાકિસ્તાન થતાં મુસ્લીમ લીગ અને ઝીણા તેમની મરજી મુજબ રાજ ચલાવશે અને કજિયો પતી જશે.
એ વખતે ભારત અને પાકિસ્તાનના ગર્વનર જનરલ તરીકે લોર્ડ માઉન્ટબેટન ચાલુ રહે તેવું વિચારવામાં આવ્યું, પરંતુ જનાબ ઝીણાએ કહ્યું: `પાકિસ્તાનનો ગવર્નર જનરલ તો હું જ બનીશ.’
ગાંધીજીની સલાહ અનુસાર જવાહલાલ નહેરુ વડાપ્રધાન બન્યા અને સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન બન્યા. ૧૫મી ઓગસ્ટને પૂરા ૪૮ કલાક પણ થયા નહોતા અને પશ્ચિમ પંજાબમાં ભયંકર તોફાનો ફાટી નીકળ્યાં. હિન્દુઓ અને શીખોની ભયંકર કતલ કરવામાં આવી. સેંકડો મડદાંઓ રસ્તાઓ પર રઝળવા લાગ્યાં. અનારકલી બજાર અને વેપાર રોજગારનાં બીજાં બજારોને બાળી મૂકવામાં આવ્યાં. શહેર ભડકે બળવા લાગ્યું. ૩૦૦થી વધુ માણસોને જીવતા સળગાવી દેવામાં આવ્યા.
હવે દિલ્હીમાં પણ આગ ભૂભકી ઊઠી.
વણસતી જતી પરિસ્થિતિને કાબૂમાં લેવા લોર્ડ માઉન્ટબેટન, પંડિત નહેરુ અને સરદાર પટેલ ભગીરથ પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ ગાંધીજી દિલ્હી ન આવે ત્યાં સુધી પરિણામ આવશે નહીં એમ બધાને લાગ્યું. તા. ૯મી સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ ગાંધીજી કલકત્તાથી દિલ્હી આવ્યા. સરદાર બાપુને લેવા રેલવે સ્ટેશને ગયા. આ પહેલો પ્રસંગ હતો જ્યારે સરદારનું હાસ્ય અને તેમની મીઠી મજાક અદૃશ્ય હતાં. નજીકના મિત્રોથી પણ ગાંધીજીનું આગમન ગુપ્ત રાખવામાં આવ્યું હતું. સ્ટેશનથી ઉત્તરે જતાં દિલ્હી સૂનકાર ભાસતું હતું. ગાંધીજીને દલિતોની કોલોનીના બદલે બિરલા ભવન લઈ જવામાં આવ્યા. રસ્તામાં સરદારે ગાંધીજીને કોમી રમખાણોથી વાકેફ કર્યા. બાપુ ગમગીન બની ગયા. ગાંધીજી આવતાં જ લોર્ડ માઉન્ટબેટન, નેહરુ અને સરદાર સાહેબે હૂંફ અનુભવી. વિરાટ શક્તિઓની પણ કસોટી કરે તેવી વિકરાળ પરિસ્થિતિ કાળની જેમ મોં ફાડીને ઊભી હતી.
ઈતિહાસે કદી જોયું ન હોય તેવું વસ્તીનું મોટું સ્થળાંતર શરૂ થયું હતું. પંજાબ સરહદની બંને બાજુએથી એક કરોડ જેટલા લોકો સામસામી દિશામાં સ્થળાંતર કરી રહ્યા હતા.
તા. ૨૭મી ઓગસ્ટ અને ૬ઠ્ઠી નવેમ્બર વચ્ચે ૨૭, ૯૯, ૦૦૦ નિરાશ્રિતોને ભારતમાં લાવવા તથા સરહદની પેલી પાર લઈ જવા ૬૭૩ ટ્રેનો દોડવવામાં આવી. એ સમય દરમિયાન ૪,૨૭,૦૦૦થી વધુ બિનમુસલમાનોને અને ૨,૧૭, ૦૦૦થી વધુ મુસલમાનોને મોટર માર્ગે એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવ્યા. આ માટે ૧૨૦૦ લશ્કરી અને સરકારી વાહનોનો ઉપયોગ થયો.
તા. ૧૫મી સપ્ટેમ્બર અને ૭મી ડિસેમ્બરની વચ્ચે ૨૭,૦૦૦ નિરાશ્રિતોને એરોપ્લેનોનાં ૯૬૨ ઉડ્ડયનો દ્વારા ભારત લાવવામાં આવ્યા. આથી વધુ વિરાટ કૂચ તો જમીન માર્ગે ચાલી. મારામારી ટાળવા માટે બંને બાજુએ સમજૂતીથી અલગ અલગ સમયો નક્કી કરવામાં આવ્યા.
સરદારે નિર્વાસિતોની વ્યવસ્થા ઉપરાંત અરાજકતા ન ફેલાય તેવી વ્યવસ્થા કરવાની હતી. નિરાશ્રિતો જેમ જેમ આવતા ગયા તેમ તેમ દિલ્હીમાં વાતાવરણ તંગ બનતું ગયું. નિરાશ્રિતો ભીષણ વીતકકથાઓ લઈને આવ્યા હતા. આખાં ને આખાં ગામોનો નાશ કરવામાં આવ્યો હતો. સ્ત્રીઓની લાજ લૂંટવામાં આવી હતી. કેટલીયે સ્ત્રીઓને ઉપાડી જવામાં આવી હતી. હિન્દુ સ્ત્રીઓને લહાણી તરીકે વહેંચવામાં આવી હતી. કેટલાકને ખુલ્લેઆમ વહેંચવામાં આવી હતી. સ્તનપાન કરતાં બાળકોને ગુપ્તીથી વીંધી નાંખવામાં આવ્યાં હતાં. જે લોકો રહી ગયા તેમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી આવતી ટ્રેનો લોહીથી લથપથ હતી.
ભાગલા પછી દિલ્હીની આગ પૂરેપૂરી શમી નહોતી. ગાંધીજીએ કોમી હુતાશની ઠારવા અનશન આદરી દીધા હતા. સરદાર દેશના ગૃહપ્રધાન પણ હતા. દિલ્હી પંજાબમાં રહેતા શીખોના પાકિસ્તાનમાં રહી ગયેલાં સગાંઓની કતલ થતી હતી ત્યારે દિલ્હીમાં રહેતા મુસલમાનો સાથે બદલો ન લેવાય તે માટે સરદાર સાહેબે મુસલમાનોના રક્ષણ માટે કાળજી લેવા માંડી.
અલબત્ત, સરદાર અને પંડિત નહેરુ વચ્ચે કેટલીક બાબતોમાં મતભેદો ઉગ્ર હતા. ગાંધીજી ઉપવાસ પર હતા ત્યારે સરદાર સાહેબે અગાઉ નક્કી થયા પ્રમાણે કાઠિયાવાડ જવાનું થયું. સૌરાષ્ટ્રના પ્રવાસે જતા પહેલાં ભારે હૈયે સરદારે ગાંધીજીને પત્ર લખ્યો: `આપના ઉપવાસ વખતે મારે જવું પડે છે તેનું દુ:ખ અસહ્ય છે. મેં ગઈ કાલે આપનું દર્દ જોયું તેથી હું વધુ અસ્વસ્થ બન્યો છું. કામનો બોજો વધી ગયો છે. હવે બોજો ઉપાડવામાં હું ઘસાઈ ગયો છું. મારા કરતાં જવાહર ઉપર બોજો વધારે છે. મારી ઉંમરના કારણે હું ઊતરી ગયો હોઉ એમ મને લાગે છે. મૌલાના તો મારાથી નારાજ છે અને આપે મારો વારંવાર બચાવ કરવો પડે છે એ મારાથી સહન થતું નથી. આ સંજોગોમાં મને જલદીથી છૂટો કરી શકો. મને અને આ દેશને લાભ થશે. હું જિંદગીભર સાથીઓ પર બોજારૂપ થવા માંગતો નથી. હું આ જગ્યા ઉપરથી (ગૃહપ્રધાનપદેથી) ખસું નહીં તો સત્તાના મોહમાં આંધળો થઈ ગયો છું એમ મને પોતાને જ લાગે. આ અસહ્ય પરિસ્થિતિમાંથી મને છૂટો કરવો જોઈએ.’
સરદાર પટેલના આ પત્રમાં તેમની આંતરવ્યથા જોવા મળે છે. ગાંધીજી પાકિસ્તાનમાં મુસલમાનોને રાહત મળે તે માટે ભારત સરકાર તરફથી રૂ. ૫૫ કરોડ મોકલવા માંગતા હતા. નહેરુએ આ યોજના બનાવી હતી જેની સામે સરદારનો વિરોધ હતો, તેથી સરદાર નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે છૂટા થવા ગાંધીજીની રજા માંગી રહ્યા હતા.
ગાંધીજીના ઉપવાસના દિવસોમાં સરદારના વિરોધીઓએ બને તેટલો ગેરલાભ ઉઠાવ્યો. સરદાર મોટા ભાગના મુસલમાનોમાં આકરા થઈ પડ્યા હતા. હકીકતમાં ભારતમાં રહેવા માંગતા મુસલમાનો સાથે વાજબી અને ન્યાયી વર્તાવ થવો જોઈએ તેવું તે માનતા હતા, પણ કાર્યપદ્ધતિની બાબતમાં તેમની અને ગાંધીજીની વચ્ચે મતભેદો વધતા ગયા હતા.
આમ છતાં સરદારનો વગર સમજ્યે વિરોધ કરનારાઓને એક દિવસ ગાંધીજીએ સાફસાફ સંભળાવી દીધું: `હું સરદારને ઓળખું છું. તેમની જીભ તીખી છે, પણ કોઈવાર બોલવામાં આશય વગર ઘા કરી બેસે છે, પરંતુ તેમને ઓળખનારા તરત જ તેમને વધુ ચાહતા થાય છે. તેમને મુસ્લિમ વિરોધી કહેવા એ સત્યની વિડંબણા જ છે. સરદારનું દિલ સહુને સંઘરવા જેટલું વિશાળ છે.’ સરદાર સાહેબ આઝાદીના સમયમાં કાશ્મીર ભારત સાથે રહે તે જરૂરી માનતા હતા. કાશ્મીર સુંદર છે માટે નહીં, પરંતુ ચીન જેવા ખતરનાક દેશોના સંભવિત આક્રમણને બાળવા કાશ્મીરની વ્યૂહાત્મક જરૂરિયાત સમજતા હતા.
કમનસીબે ૧૯૫૦માં સરદાર સાહેબનું દુ:ખદ અવસાન થયું અને કાશ્મીરનો પ્રશ્ન વણઉકલ્યો જ રહ્યો.
|
ReplyForward
|



