Close

પિતાના વિજયોત્સવ વખતે પુત્ર રડતો હતો કારણ?

રેડ રોઝ | Comments Off on પિતાના વિજયોત્સવ વખતે પુત્ર રડતો હતો કારણ?
ઈસુના જન્મ પૂર્વે એટલે કે ઈ.સ.પૂર્વે ૩૪૬ના સમયગાળાની આ વાત છે.
એ જમાનામાં પૌરાણિક ગ્રીક કિંગ્ડમના મેસેડોનિઆ નામના રાજ્યના રાજવી તરીકે ફિલીપ એ રાજ્યના રાજા બન્યા. કિંગ ફિલિપ એક જબરદસ્ત યોદ્ધા હતા. એમણે એ જમાનામાં અનેક રાજ્યો જીતી લીધાં. એ સમયગાળાની માન્યતા પ્રમાણે એમણે આખી દુનિયા જીતી લીધી હતી. કિંગ ફિલિપના વિજયનો ઉત્સવ મનાવવાની જાહેરાત કરવામાં આવી. આખું નગર શણગારવામાં આવ્યું. લોકોએ રાજા ફિલીપનું સન્માન કર્યું. ઢોલ-નગારાં વગાડવામાં આવ્યાં. કિંગ ફિલીપ પર લોકોએ પુષ્પવર્ષા કરી ત્યારે તેમના રાજમહેલમાં એક નાનકડો બાળક રડી રહ્યો હતો.
રાજદરબારના લોકોએ એ બાળકને કહ્યું: `તારા પિતા આખી દુનિયા જીતીને આવ્યા છે. આખું નગર ઉત્સવ ઊજવી રહ્યું છે ને તું રડે છે શા માટે?’
નાનકડા બાળકે કહ્યું: `મારા પિતાએ જ આખી દુનિયા જીતી લેવાની હોય તો મોટા થઈને મારે શું કરવાનું?’
અને એ બાળક એટલે બીજું કોઈ નહીં પરંતુ આખું વિશ્વ તેને `એલેકઝાન્ડર ધી ગ્રેટ’ના નામથી ઓળખે છે. ભારતમાં તે સિકંદરના નામે ઓળખાય છે. સિકંદર છેક મેસોડોનિયાથી એક પછી એક પ્રદેશો જીતતો ભારત આવી પહોંચ્યો હતો. ૩૦ વર્ષની વય સુધીમાં તો સિકંદરે એમના સમયના ઇતિહાસનું સહુથી મોટું સામ્રાજ્ય હાંસલ કરી લીધું હતું. સતત ૧૩ વર્ષ સુધી તે યુદ્ધો લડતો રહ્યો. તે યુદ્ધો લડતો લડતો ભારતમાં પંજાબ સુધી આવી ગયો હતો. એના મૃત્યુ પહેલાં તેણે એના સમયના જાણીતા વિશ્વને જીતી લીધું હતું. `એલેકઝાન્ડર ધી ગ્રેટ’ ગ્રીક શાસક હતો. તેના પિતાનું નામ ફિલીપ બીજો હતું. એલેકઝાન્ડરનો જન્મ ઈ.સ. પૂર્વે તા. ૨૦મી જુલાઈ, ૩૫૬ના રોજ મૈસેડોન, યૂનાન ખાતે થયો હતો. માતાનું નામ ઓલંપિયસ હતું.
ગ્રીક પ્રશાસક તરીકે જાણીતા એલેકઝાન્ડર ધી ગ્રેટે પોતાના મૃત્યુ પહેલાં તેની ભૂમિની લગભગ અડધી ભૂમિ જીતી લીધી હતી. એટલે કે એ સમયના પ્રાચીન ગ્રીક લોકોની જાણકારી મુજબની ભૂમિ. જોકે સત્ય એ છે કે એલેકઝાન્ડર ધી ગ્રેટે પૃથ્વીની માત્ર ૧૫ ટકા ભૂમિ જીતી લીધી હતી. તેના વિજયરથને રોકવા માટે ભારતના રાજા પોરસ જેવા બહાદુર રાજાની મુખ્ય ભૂમિકા હતી. એ વખતના શક્તિશાળી ક્ષત્રિય રાજપૂતોએ એલેકઝાન્ડરને ભારતથી પાછા ફરી જવા મજબૂર કરી દીધો હતો.
એલેકઝાન્ડર ધી ગ્રેટે એના શાસનકાળ દરમિયાન ઈરાન, સીરિયા, મિસર, મેસોપોટેમિયા, ફિનિશિયા, જુદેઆ, ગાઝી, બેકિટ્રયા સુધી વિજય પ્રાપ્ત કરી લીધા બાદ તે ભારત આવ્યો હતો પરંતુ મગધની વિશાળ સેનાનો સામનો ન કરી શકવાના કારણે તે પાછો જતો રહ્યો હતો.
પશ્ચાદ્ભૂમિકા એવી છે કે એલેકઝાન્ડર અર્થાત્ સિકંદર ૧૬ વર્ષની ઉંમરે એરિસ્ટોટલ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરીને તે પાછો આવ્યો હતો. એ સમયે તેના પિતા ફિલિપે બાઈજેન્ટિયમ સામે યુદ્ધ કર્યું અને પુત્ર એલેકઝાન્ડરને રાજ્યનો પ્રભારી બનાવી દીધો હતો. રાજા ફિલિપની ગેરહાજરીમાં થેસિયન મેદીએ મૈસેડોનિયા વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો પરંતુ એલેકઝાન્ડરે તરત જ તેની વિરુદ્ધ અભિયાન ચલાવી તેને ભગાડી મૂક્યો હતો. તે પછી એ જ ઈલાકામાં યુનાનિયો સાથે એક ઉપનિવેશ સ્થાપિત કરીને એલેકઝાન્ડ્રોપોલિસ નામના શહેરની સ્થાપના કરી હતી. રાજા ફિલિપ પાછા ફર્યા તે પછી દક્ષિણી થ્રેસમાં વિદ્રોહ દબાવવા માટે સિકંદરને મોકલ્યો હતો. એ પછીની યુદ્ધની કથાઓ લાંબી છે.
ઈ.સ. પૂર્વે ૩૩૬ દરમિયાન ગ્રીષ્મની ઋતુમાં એક લગ્નવિધિ દરમિયાન એલેકઝાન્ડરના પિતા કિંગ ફિલિપની તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી નાખી હતી. એલેકઝાન્ડર, ધી ગ્રેટે પિતાની હત્યા કરી દેનાર મુખ્ય અંગરક્ષક પોસનીસની જ હત્યા કરી દીધી. તે પછી માત્ર ૨૦ વર્ષની વયે જ એલેકઝાન્ડરને રાજા ઘોષિત કરવામાં આવ્યો. સિંહાસન સંભાળતાં જ એલેકઝાન્ડર ધી ગ્રેટે પોતાના પ્રતિસ્પર્ધીઓને ખતમ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેની શરૂઆત તેના પિત્રાઈ ભાઈ એમિનેટ્સ ચોથાની હત્યાથી કરી હતી તે પછી લૈંકેસ્ટીસ ક્ષેત્રના બે મેસેડોનિયન રાજકુમારોને પણ પતાવી દીધા.
એલેકઝાન્ડરના જીવનની કથા નાટ્યાત્મક ઘટનાઓથી ભરપૂર છે.
ઇતિહાસકારો કહે છે કે તા.૧૦ અથવા ઈ.સ. પૂર્વે ૩૨૩ની તા.૧૦ અથવા ૧૧ જૂનના રોજ માત્ર ૩૨ વર્ષની વયે એલેકઝાન્ડર ધી ગ્રેટનું બેબીલોનમાં તેના પેલેસ ખાતે મૃત્યુ થયું. તેનું મૃત્યુ પણ કયા કારણથી થયું તે અંગે જુદાં જુદાં કારણો આપેલાં છે. કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેને ઝેર અપાયું હતું તો કેટલાક એ થિયરીનો ઈન્કાર કરે છે. કેટલાક તેના મૃત્યુનું કારણ ટાઈફોઈડ અને મેલેરિયા કહે છે. એલેકઝાન્ડર ધી ગ્રેટના મૃતદેહને સોનાના કાસ્કેટમાં મધની અંદર રાખવામાં આવ્યો હતો. એની પૂરા સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.
અમૃતના ઝરાની તલાશ
`એલેકઝાન્ડર ધી ગ્રેટ’ને આપણે સિકંદરના નામે ઓળખીએ છીએ. એક પછી એક દેશો જીતતા તેને થયું કે મને હવે એવા જળની તલાશ છે જે પીવાથી અમર બની જવાય. તે અમૃતની શોધમાં હતો.
કેટલાયે દિવસો સુધી દુનિયામાં ભટક્યા બાદ તેને એ જગા પણ મળી ગઈ જ્યાં અમૃત મળી શકે. તે એક ગુફામાં પ્રવેશ્યો જ્યાં અમૃતનું ઝરણું હતું. તે અમૃતના ઝરણાને જોઈ આનંદિત થઈ ગયો. જીવનભરની તેની આકાંક્ષા હવે પૂર્ણ થવાની હતી. તેની નજર સામે જ એક ઝરણામાં અમૃત જળ વહી રહ્યું હતું.
સિકંદર એ અમૃતના ઝરણા નજીક પહોંચ્યો અને હથેળીમાં અમૃતજળ લઈ તેનું આચમન કરવાની તૈયારીમાં જ હતો ત્યાં જ એ ગુફામાં બેઠેલો એક કાગડો બોલ્યો: `ઊભા રહો. આ ઝરણાનું પાણી પીવાની ભૂલ કદી કરશો નહીં.’
સિકંદરે કાગડા તરફ જોયું. કાગડો બહુ જ ખરાબ હાલતમાં હતો. તેની પાંખો ખરી પડેલી હતી. પગ સુકાઈ ગયેલા હતા. કાગડો આંખોથી પણ આંધળો હતો. તે બસ એક હાડપિંજર જ હતો.
સિકંદરે ક્રોધથી એની સામે જોતાં પૂછ્યું: `મને રોકવાવાળો તું કોણ?’
કાગડો બોલ્યો: `રાજન, હવે મારી કહાણી પણ સાંભળી લો. એક જમાનામાં મને પણ અમૃતની તલાશ હતી. અમૃતના ઝરણાની શોધ કરતાં કરતાં હું આ જ ગુફામાં આવી પહોંચ્યો. મેં આ જ ઝરણામાંથી અમૃતજળ પી લીધું. હવે હું મરવા માંગું છું. હું અતિ વૃદ્ધ થઈ ગયો છું.મારી પાંખો ખરી પડી છે. મારા પગ સુકાઈ ગયા છે. હું આંધળો પણ થઈ ગયો છું. હું ઊડી શકતો નથી. એક વાર તમે મારી દશા જુઓ અને તે પછી આ અમૃતના ઝરણામાંથી પાણી પીજો. હવે હું જ ચીસો પાડી રહ્યો છું કે આવી દુર્ગતિ સાથે જીવવું તે કરતાં કોઈ મને મારી નાખે તો સારું પરંતુ કોઈ મને મારે તો પણ હું મરવાનો નથી. હવે મારે તો આ દયનીય હાલતમાં જ જીવવાનું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર! મને મારી નાંખો. મને મૃત્યુ બક્ષો. હવે મારી એક જ ઈચ્છા છે કે મને મોત આવે. મારી આ દશા જોયા બાદ તમારે આ અમૃતઝરાનું જળ પીવું હોય તો પી લો.’
સિકંદર વિચારમાં પડી ગયો અને એ ઝરણામાંથી અમૃત પીધા વગર જ ગુફામાંથી બહાર નીકળી ગયો. તે સમજી ગયો કે જીવન ત્યાં સુધી જ હોવું જોઈએ જ્યાં સુધી આનંદ ભોગવવાની સ્થિતિમાં આપણે હોઈએ.
મૃત્યુ પણ શ્રેષ્ઠ વરદાન છે.
ઈ.સ. પૂર્વે ૩૨૩ની તા.૧૦ કે ૧૧ જૂન એલેકઝાન્ડર ધી ગ્રેટની મૃત્યુતિથિ છે. એ સંદર્ભમાં આ પ્રસંગો પ્રસ્તુત કરાયા છે.
(ક્રમશ:)  DEVENDRA PATEL

Be Sociable, Share!