દેશ આખો ઠંડીથી થરથરી રહ્યો છે. કાશ્મીરમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. માઉન્ટ આબુ પર પણ માઈનસ ત્રણ ડિગ્રી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં તો ગાત્રોને થીજવી દેતી ઠંડી પડી રહી છે. દિવસો સુધી પાટનગર ધુમ્મસ-પ્રદૂષણથી ઢંકાયેલું રહ્યું. દિલ્હીથી ઊપડતી અને આવતી કેટલીયે ફ્લાઈટો રદ થઈ કે મોડી પડી.
અલબત્ત, સહુથી ખરાબ હાલ યુરોપ, અમેરિકા અને રશિયાના થતા રહ્યા છે. થોડા વર્ષો પહેલા અમેરિકામાં આવેલ બરફના તોફાને પાછલાં કેટલાંયે વર્ષોનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. રસ્તાઓ પર ૨૯ ઈંચ બરફ જામી ગયો હતો. હજારો લોકો મોટરકારોમાં જ ફસાઈ ગયા હતા. ૧૦૦ કિલોમીટરની ઝડપે બર્ફીલો પવન ફૂંકાયો હતો. આખી ને આખી મોટરકારો બરફથી ઢંકાઈ ગઈ હતી. ફ્રાન્સમાં પેરિસની સીન નદી થીજી ગઈ હતી. ઈંગ્લેન્ડ, સ્પેન, ઈટાલી, બેલ્જિયમ, ડેન્માર્ક, જર્મની, નેધરલેન્ડ એ બધા જ બરફથી ઢંકાઈ ગયા હતા. લંડનના હીથ્રો એરપોર્ટની તમામ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. મોસ્કોમાંથી બરફવર્ષા વખતે જ ૧૬ કલાક વીજળી ચાલી ગઈ હતી.
ચીન પણ બરફવર્ષામાં ફસાઈ ગયું હતું. જ્યારે મોંગોલિયાના અંતરિયાળ વિસ્તારમાં હિમપ્રપાતને કારણે હજારો પશુઓ મૃત્યુ પામ્યાં હતાં. મોંગોલિયામાં તાપમાન માઈનસ ૩૩ ડિગ્રી પહોંચી ગયું.
વિશ્વમાં ક્યાં કેટલી ઠંડી પડે છે તે જાણવા જેવું છે. એન્ટાર્ટિકાનું વોસ્તોક નામનું સ્થળ વિશ્વનું સૌથી ઠંડું સ્થળ ગણાય છે. આ જગ્યા દરિયાની સપાટીથી ૧૧૪૮૨ ફૂટની ઊંચાઈ પર આવેલી છે. અહીં તા. ૨૧ જુલાઈ, ૧૯૮૩ના રોજ માઈનસ ૮૯.૨ ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું. વિશ્વભરના વિજ્ઞાનીઓ દ્વારા અહીં અનેક સંશોધનો થાય છે. અહીં ૧૨, ૧૩૯ ફૂટનો એક જાડો આઈસ ટુકડો છે, જે પાંચ લાખ વર્ષ પુરાણો હોવાનું મનાય છે.
એ પછી સાઈબીરિયાનો વારો આવે છે. પૃથ્વી પરનું આ બીજા નંબરનું ઠંડુંગાર સ્થળ છે. તે સ્થળ ઓયમાયાકોન તરીકે ઓળખાય છે. અહીં માઈનસ ૭૧.૨ ડિગ્રી સેલ્સિયસ ઠંડી પડે છે. છતાંયે આ વિસ્તારમાં બે લાખ જેટલા લોકો રહે છે. આ ગામની શાળાઓ એનું તાપમાન માઈનસ બાવન ડિગ્રી પહોંચે ત્યાર પછી જ બંધ થાય છે. ટૂંકમાં, માઈનસ બાવન ડિગ્રી સેલ્સિયસ ઠંડી હોય તો પણ બાળકો ભણે છે. મજાની વાત એ છે કે અહીં રહેતા લોકો તેમનાં વાહનો આખો દિવસ ચાલુ રાખે છે, જેથી તે ડ્રાઈવ કરવાને લાયક રહે. સોવિયત રશિયાના સમયમાં કડક સજા પામેલા રાજકીય કેદીઓને અહીં મોકલવામાં આવતા હતા. તે પછી સાઇબીરિયાનો જ વેર્ખોયાન્સક નામનો વિસ્તાર આવે છે. અહીં શિયાળામાં તાપમાન માઈનસ ૬૯ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. તે પણ એન્ટાર્કટિકા સર્કલ પાસે આવેલું છે. ઈ.સ. ૧૯૧૭ સુધી તે પણ રાજકીય કેદીઓ માટેનું સ્થળ હતું. તે વિશ્વનું બીજા નંબરનું ઠંડુંગાર રશિયન વિલેજ છે. તે પછી સાઈબીરિયાનું યુકુત્સ નામનું નગર આવે છે. અહીં મરક્યુરી માઈનસ ૬૪.૪ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. યુકુત્સ એ રશિયન રિપબ્લિક ઓફ યુકુકિત્સાનું પાટનગર છે અને સાઈબીરિયાનું જૂનામાં જૂનું શહેર છે. હવે અહીં ઉદ્યોગો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનાં કેન્દ્રો પણ છે.
વિશ્વનું પાંચમા નંબરનું ઠંડુંગાર સ્થળ કેનેડામાં યુકોન ટેરિટરીમાં આવેલું સ્નેગ છે. અહીં શિયાળામાં માઈનસ ૬૩.૯ ડિગ્રી સેલ્સિયસ પારો ગગડી જાય છે. વ્હાઈટ રિવરની ખીણમાં વસેલું આ ગામ છે. ૧૯૪૭માં આખા ગામમાં માત્ર ૮થી ૧૦ લોકો જ રહેતા હતા. હવે અહીં કટોકટીના સમયમાં ઊતરી શકાય તેવી નાનકડી હવાઈપટ્ટી બાંધવામાં આવી છે. હવામાન ખાતાનું એક મથક પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે અને ૧૫થી ૨૦ જેટલા હવામાન ખાતાના માણસો અહીં રહે છે.
અમેરિકાના અલાસ્કા ખાતે આવેલ પ્રોસ્પેક્ટ ક્રીક નામના સ્થળે શિયાળામાં પારો માઈનસ ૬૧.૧ ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચે આવે છે. જે અમેરિકાનું સૌથી વધુ ઠંડુંગાર સ્થળ છે. અમેરિકાએ ઓઈલની પાઈપલાઈનો નાંખેલી છે અને તે ૧૦ સેન્ટિમીટર જેટલી જાડાઈ તથા ફાઈબર ગ્લાસના થર્મલ ઈન્સ્યુલેશનથી બનેલી હોઈ અંદરનું ઓઈલ થીજી જતું નથી.
એ જ રીતે અમેરિકાનું ઈડાહો ખાતે આવેલું સ્ટેનલી નામનું સ્થળ શિયાળામાં માઈનસ ૪૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડું થઈ જાય છે. સ્ટેનલી નગર પર સફેદ વાદળો હંમેશાં છવાયેલાં રહે છે. આ ટાઉન અમેરિકામાં મિનેસોટા ખાતે આવેલું ઈન્ટરનેશનલ ફોલ્સ તરીકે ઓળખાતું સ્થળ તો કોન્ટિનેન્ટલ અમેરિકાના સૌથી વધુ ઠંડા સ્થળ તરીકેનું ટાઈટલ જાળવી રાખવા કોર્ટમાં ગયું હતું. તેની સામે કેસર અને કોલારાડો પ્રતિવાદી હતા. છેવટે `ઈન્ટરનેશનલ ફોલ્સ’ ને `આઈ બોક્સ ઓફ નેશન’ એવું ટાઈટલ આપવામાં આવ્યું હતું. અહીં પારો માઈન્સ ૪૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચે જતો રહે છે. હવે અહીં દર વર્ષે ચાર દિવસ માટે આઈસ બોક્સ ડેઝ ફેસ્ટિવલ યોજવામાં આવે છે, જેમાં ફોઝન ટર્કી બોલિંગ, સ્નો-સ્થાપત્ય સ્પર્ધા અને કેન્ડલ લાઈટ સ્કીંઈગ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
આ તો વિશ્વના સહુથી ઠંડા પ્રદેશોની વાત થઈ, પરંતુ વિશ્વના હવામાનશાસ્ત્રીઓને એ વાતનો ડર છે કે જે રીતે પૃથ્વી પરનું તાપમાન ઝડપથી બદલાઈ રહ્યું છે તે જોતાં આવનારાં વર્ષો માનવી માટે કપરાં હશે. કેટલાક નિષ્ણાતો માને છે કે પૃથ્વી ફરી એકવાર હિમયુગ તરફ જઈ રહી છે. થોડા વર્ષો પહેલા બેલ્જિયમ જેવા દેશમાં હિમપ્રપાતને કારણે ૬૫ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ફ્રાન્સમાં પણ એ જ હાલત હતી. ન્યૂયોર્કનું જેએફકે એરપોર્ટ બંધ કરી દેવું પડ્યું હતું. આ બધું આવનારા સમયના ગંભીર અણસાર તરીકે કેટલાક જુએ છે. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે દુનિયાભરના નિષ્ણાતો મળે છે. ચર્ચાઓ થાય છે. વિજ્ઞાનીઓએ એવી ચેતવણી પણ આપી છે કે પૃથ્વીને બચાવવા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો એક દિવસ પ્રલય થશે. ગ્લેશિઅર્સ ઝડપથી પીગળી રહ્યા છે.
હિમાલય ઓગળી રહ્યો છે. ગંગાનો સ્રોત સુકાઈ રહ્યો છે. ૨૧મી સદીના અંત સુધીમાં સમુદ્રના સ્તરમાં ૪૦ ટકા વધારો થશે. પરિણામે લંડન, ન્યૂયોર્ક કે મુંબઈ જેવાં શહેરો તો સમુદ્રમાં ડૂબી જશે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ અસર ભારત, બાંગ્લાદેશ, ચીન અને વિયેતનામને થશે. આ દેશોની નદીઓમાં પ્રચંડ પૂર આવશે અને કાંઠાનાં તમામ ગામો તથા શહેરોને ડુબાડી દેશે. સમુદ્રના સ્તરમાં ૪૫ સેન્ટિમીટરની વૃદ્ધિ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફેલાયેલા સુંદરવન અને બ્રહ્મપુત્રની વચ્ચે આવેલા ડેલ્ટા વિસ્તારમાં ફેલાયેલાં જંગલોમાં વસતાં જાનવરોની ૨૫૦ જેટલી પ્રજાતિઓ ખતમ થઈ જશે. ગ્લેશિયરનું પીગળવું અને પ્રતિવર્ષ હિમાલયની પહાડીઓ પરના બરફ પીગળવા વચ્ચે ફરક છે. પર્વત પરનો બરફ પીગળે તે એક વાત છે, પરંતુ ગ્લેશિયર્સનો બરફ પ્રાચીન છે અને તે લાખ્ખો વર્ષ પુરાણો છે. હિમપ્રાતથી જામેલો બરફ તો દર વર્ષે પીગળે છે, પરંતુ ગ્લેશિયર્સ તો ગ્લોબલ વોર્મિંગના કારણે પીગળે છે, જે આ પૃથ્વી માટે ખતરનાક પરિણામો લાવી શકે છે. માત્ર હિમાલય પર જ નહીં, પરંતુ એન્ટાર્ટિકાના ગ્લેશિયર્સ પણ સંકોચાઈ રહ્યા છે. આ પ્રકારનો બરફ પીગળવાથી ઠંડી વધતી હોય છે. બરફ જ્યાં છે ત્યાં પડેલો જ રહે તે જરૂરી છે. હવે વિશ્વમાં બે રીતે હિમપ્રપાત વધી રહ્યો છે. તે જ દર્શાવે છે ગ્લેશિયર્સ વધુ ને વધુ પીગળી રહ્યા છે અને આ એક પ્રકારના હિમયુગની શરૂઆત જ છે. યુરોપમાં અને અમેરિકામાં જે રીતે મોસમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે તેનો પણ વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ થઈ ગયો છે.
અત્રે નોંધનીય વાત છે કે અત્યાર સુધીમાં પૃથ્વી પર આઠ હિમયુગ આવી ચૂક્યા છે. ૧૦થી ૧૫ હજાર વર્ષ પૂર્વે યુરોપ અને ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારો બરફથી ઢંકાયેલા હતા. એ વિસ્તારોમાં હવે ફરી બરફની ચાદર પથરાઈ ગઈ છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે બરફ જામેલો રહે ત્યાં સુધી કાતિલ ઠંડી પડતી નથી, પરંતુ તે પીગળવા માંડે ત્યારે ઠંડી વધી જાય છે. સૂર્યપ્રકાશ અને પૃથ્વી પરનું વાયુપ્રદર્શન ગ્લેશિયર્સને પિગાળે છે અને હિમયુગ લાવી શકે છે.
—————————— —————————— —-



