Close

પ્રેમની પહેલી અવસ્થા બધાને મારી જેમ ખુશનુમા લાગે છે

રેડ રોઝ | Comments Off on પ્રેમની પહેલી અવસ્થા બધાને મારી જેમ ખુશનુમા લાગે છે
એન્જલા બાર્કર.
તેઓ ઑસ્ટ્રેલિયાના સામાજિક કાર્યકર્તા છે.
તેઓ એક સારાં એથ્લેટ હતા. ઊંચા કૂદકામાં તેમનું નામ હતું. નેટ બોલમાં  તેઓ સેન્ટર પોઝિશન પર રમતા હતાં. સ્કાય બાસ્કેટ બોલમાં પણ તેઓ કુશળ હતા. તેમની જિંદગીમાં બેસુમાર ખુશીઓ હતી. મિત્રો સાથે ગાવાનો શોખ હતો. મનોવિજ્ઞાનના વિષયમાં  કારકિર્દી બનાવવાની તેમની ખ્વાહિશ હતી. તેમના દરેક નિર્ણયમાં પરિવારનું સમર્થન હતું. એક બૉયફ્રેન્ડ પણ હતો જે તેમની સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતો હતો પરંતુ માનવી ધારે છે કાંઈ અને ઈશ્વર કરે છે કાંઈ.
૨૦૦૨ના વર્ષની આ ઘટના છે. તે વખતે એન્જલા સોળ વર્ષની વયની હતી. બોય ફ્રેન્ડ કે જેનું નામ ડેલ કૈરી લેપોડ ઇવીન હતું, અચાનક એન્જલા સાથે આક્રમક વ્યવહાર કરવા લાગ્યો. તે નાના નાના કારણસર એન્જલાને ફટકારવા લાગ્યો. એન્જલા તેના બોયફ્રેન્ડથી ત્રાસી જવા લાગી. હવે આ સંબંધ આગળ વધારવાનું મુશ્કેલ લાગતાં એન્જલાએ તેના બોયફ્રેન્ડ ડેલ કૈરીથી અલગ થઈ જવા મન બનાવી લીધું.
તા.૭ માર્ચનો એ દિવસ હતો. એક સુુપરમાર્કેટના પાર્િંકગમાં સાંજના સમયે એન્જલાએ તેને બાયફ્રેન્ડને આગળ વધવાની ના પાડી. એન્જલાના ઇનકારથી ડેલ કૈરી એક હેવાનની જેમ તેની પર તૂટી પડયો. એ પાર્િંકગ પ્લોટમાં જ એન્જલાને લાતો મારવા લાગ્યો. એણે એન્જલાને ખૂબ માર માર્યો. એટલી હદે કે એન્જલાના નાક અને કાનમાંથી લોહી નીકળ્યું. એણે એન્જલાને એટલી બધી મારી કે એન્જલા બેહોશ થઈ ગઈ. એ પછી ડેલ કૈરી ભાગી ગયો.
લોકોએ એન્જલાને હૉસ્પિટલમાં દાખલ કરી. એના પરિવારને જાણ કરવામાં આવી. ડૉક્ટરોએ જોયું તે એન્જલા હવે ‘કોમા’માં પહોંચી ગઈ હતી. એટલે કે તે કોમોમાં હતી. માર મારવાના લીધે એન્જલાના મગજના અંદરના ભાગને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એનો આખો ચહેરો સૂજી ગયો હતો. તેની માતા હેલન બાકેર કહે છે કે ‘એન્જલા એક નિર્જીવ દેહની જેમ અમારી સામે પડી હતી. અમે જાણી ગયાં કે અમારી દીકરી હવે બહુ સમય અમારી સાથે નહીં હોય. હા, અમને એક માત્ર ભગવાન પર ભરોસો હતો.’
અને ભગવાને કૃપા કરી. ત્રણ દિવસ બાદ એન્જલાની આંખો ખૂલી. પરંતુ તે તેનો અવાજ ગુમાવી ચૂકી હતી. બોલવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. ચાલવાની ક્ષમતા પણ તે ગુમાવી ચૂકી હતી.
લગભગ આઠ અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહ્યા બાદ એન્જલાને બેનાલાના ઓલ્ડ એજ નર્િંસગ હોમમાં મોકલી દેવામાં આવી. બધાનું કહેવું હતું કે, એન્જલાને હવે આખી જિંદગી પથારીમાં જ પસાર કરવાની રહેશે પરંતુ એન્જલા ડરી નહીં તે મજબૂત ઇરાદાવાળી યુવતી હતી. બધાની ધારણાને ખોટી સાબિત કરવામાં તેને ત્રણ વર્ષ લાગી ગયાં. એન્જલા કહે છે ઃ ‘મને ખબર હતી કે બધી જ બાબતો મારી વિરુદ્ધ છે. પરંતુ હું પથારીમાંથી ઊતરીને નીચે આવવા માગતી હતી. હું મારા પગ પર ઊભી રહેવા માગતી હતી. હું ફરી બોલવા પણ માગતી હતી. અધૂરું રહેલું ભણવાનું પૂરું કરવા માગતી હતી. હું મારી પાછલી જિંદગીને ફરી માણવા માગતી હતી.’
પરંતુ એ ત્રણ વર્ષની જિંદગી ખૂબ  મુશ્કેલ રહી. પથારીમાં પડયાં પડયાં તેણે ખૂબ દર્દ અને દુઃખ સહન કર્યાં. એની તો એક જ ઇચ્છા હતી કે ક્યારે આ પલંગમાંથી નીચે ઊતરું.
અને હા, એક દિવસ તે નીચે ઊતરી તેને વ્હીલચેરમાં બેસાડવામાં આવી. થોડા વખતમાં જ પથારીના બદલે વ્હીલચેર જ તેની સાથી બની ગઈ. એન્જલાને નર્િંસગહોમમાંથી રજા આપવામાં આવી અને તે ઘર આવી ત્યારે તેની આંખોમાં પાણી હતું. એના પિતાએ જોયું તો પુત્રીની આંખોમાં આંસુ ભલે છે પરંતુ તેની સાથે સાથે ઊંડો આત્મવિશ્વાસ છે.
બરાબર પાંચ વર્ષ બાદ તેને  તેનો અવાજ પાછો મળ્યો. તેની બોલવાની ક્ષમતા પાછી આવી. હવે ત્રુટક ત્રુટક શબ્દો દ્વારા બોલવા લાગી. પરંતુ જેટલા ત્રુટક શબ્દોમાં પણ તે બોલવા લાગી તેમાં સૌથી પહેલાં તેણે હિંસાની વિરુદ્ધ અવાજ ઉઠાવવાની શરૂઆત કરી. પુરુષો દ્વારા સ્ત્રીઓ પર થતાં અત્યાચારનો તે અવાજ બની. તે ત્રુટક ત્રુટક શબ્દોમાં જ બોલી શકે છે પરંતુ તેના થોડા શબ્દો પણ ધારદાર હોય છે. તેના અવાજની નોંધ સમાજે અને સરકારે પણ લેવી પડી.
૨૦૦૪ની સાલમાં ઑસ્ટ્રેલિયાની સરકારે એન્જલાના  આંદોલનને આદર્શ તરીકે લેખીને ‘લવ્સ મી, લવ્સ મી નોટ’ના શિર્ષકથી એક ડીવીડી બનાવી અને પુરુષો દ્વારા સ્ત્રીઓ પર થતી ઘરેલું હિંસાની વિરુદ્ધના અભિયાનને એક ડીવીડીને એક હિસ્સો બનાવવામાં આવી. આજે પણ એ અભિયાન ચાલુ છે. અને એન્જલા પણ પોતાની તમામ શારીરિક વેદનાઓ અને દુઃખ દર્દને સહન કરતાં કરતાં ઘરેલું હિંસાની વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે.
તેની આ ઝુંબશના અનુસંધાનમાં હજારો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ, પુરુષો-મહિલાઓ, પોલીસ અધિકારીઓ, રાજનેતાઓ અને કેદીઓ સાથે સીધો સંવાદ કરી ચૂકી છે.
એન્જલા કહે છે ઃ ‘ઘરેલુ હિંસા ખતમ કરી દેવા માટે શિક્ષણની મુખ્ય જરૂર છે. જન્મતાંની સાથે જ બાળકોને એક બીજાનું સન્માન કરતાં શીખવવું જોઈએ. નવયુવાનોને અંદરોઅંદરના સંબંધોમાં રહેલા દુર્વ્યવહારના બીજને ઓળખતાં શીખવવું જોઈએ કારણ કે પ્રેમની  પહેલી અવ્યવસ્થામાં મારી જેમ બધાને એ ખુશનુમાં લાગે છે પરંતુ શારીરિક અને ભાવનાત્મક દુર્વ્યવહાર કરવાવાળી વ્યક્તિ કદીયે સાચો પ્રેમી હોઈ શકે નહીં.’
એન્જલાના મગજને અંદરથી નુકસાન પહોંચ્યું હોઈ તેની સાથે થયેલી ઘટનાના ૧૨ મહિના પહેલાંનું કશું યાદ નથી. પરંતુ એના બોયફ્રેન્ડ દ્વારા તેને જે આક્રમક રીતે મારવામાં આવી તે બધું જ  યાદ છે.
એન્જલાનો બોયફ્રેન્ડ હવે જેલમાં છે. એને દસ વર્ષની સજા થઈ છે પરંતુ એન્જલાની માતા હેલન બાર્કર કહે છેઃ ‘મારી દીકરીની ખુશીઓ છીનવી લેનારને દસ વર્ષની સજા નહીં પરંતુ આજીવન કેદની સજા થવી જોઈએ. એ માણસે મારી દીકરીની બધી જ ખુશીઓ છીનવી લીધી છે.’
પરંતુ એન્જલાના મનમાં એવું નથી. તેઓ આજે પણ તેની જેવી જિંદગી છે તેમાં જ ખુશમિજાજ રહેવા માંગે છે.
૨૦૧૦ની સાલમાં એન્જલા બેનાલા છોડીને મેલબોર્ન રહેવા આવી ગઈ છે. એને હવે ઑસ્ટ્રેલિયા બેન્કમાં પાર્ટટાઈમ નોકરી પણ મળી ગઈ છે.
૨૦૧૨ના વર્ષમાં એન્જલાને ‘વિક્ટોરિયન યંગ ઑસ્ટ્રેલિયન ઑફ ધી યર’નો એવોર્ડ એનાયત થયો. મેલબોર્નની ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
એન્જલા પાછલાં દુઃખોને ભૂલી જઈને કહે છે ઃ ‘હું ઇચ્છું છું કે મારું દુઃખ બીજાઓ માટે મલમ બને. પોતાની જાત પર વિશ્વાસ રાખો કશું જ અસંભવ નથી.’
 આવી છે એન્જલા બાર્કરની કહાણી.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!