અમેરિકાના બીજી વખત ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકા માટે આશીર્વાદરૂપ છે કે આપત્તિરૂપ તે તો આવનારો સમય કહેશે, પણ હા, અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા બાદ થોડા જ વખતમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે આડેધડ નિર્ણયો લેવા માંડ્યા છે તે જોતાં તો સ્પષ્ટ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બહુ થોડા જ સમયમાં વિશ્વવ્યવસ્થા અને વિશ્વના અર્થતંત્રને ખોરવી નાંખશે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ માટે એક હોનારત પણ સાબિત થઈ શકે છે.વિશ્વભરના તટસ્થ આલોચકોને લાગે છે કે, `વિશ્વ જમાદાર’ અમેરિકા ખુદ સમગ્ર વિશ્વ માટે ખતરો બની રહ્યું છે. આખી દુનિયા ડોનાલ્ડ ટ્રમ્પથી ડરી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં આડેધડ નિવેદનોથી સમગ્ર યુરોપ તેનું ડિફેન્સ બજેટ વધારી રહ્યું છે. એ વાત તો સુવિદિત છે કે અમેરિકાનો મોટામાં મોટો ધંધો શસ્ત્રો વેચવાનો છે. તેના આ બિઝનેસની તરક્કી માટે વિશ્વના કોઈ પણ દેશમાં યુદ્ધ ચાલતું રહે તે અમેરિકાની જરૂરિયાત છે. ભૂતકાળમાં પાકિસ્તાનને પણ એણે મદદ કરેલી છે. પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકાના એ વખતના પ્રેસિડેન્ટે અરબી સમુદ્રમાં ૭મો નૌકા કાફલો મોકલીને ભારતને ડરાવવાની કોશિશ કરી હતી.
અમેરિકાએ જે દેશમાં લશ્કરી કામગીરી કરી તે દેશોનો સત્યાનાશ થઈ ગયો હતો. વિયેતનામ, સીરિયા અને અફઘાનિસ્તાનમાં પણ તેણે આ જ ધંધો કર્યો હતો. ભારતે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પથી સાવધ રહેવાની જરૂર છે, પરંતુ અમેરિકા એ વાત ન ભૂલે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ઉપેક્ષા કરી શકે તેમ નથી. ભારત એક શક્તિશાળી દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષોથી ગ્રીનકાર્ડ લઈને અમેરિકામાં રહેતા વસવાટીઓને હાંકી કાઢવા નવો ફતવો લઈને આવ્યા છે. સાચી વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વસવા માટે ગોલ્ડ કાર્ડ વેચવા આ કારસ્તાન કરી રહ્યા છે.
વિશ્વના જૂનામાં જૂના લોકતંત્ર એવા અમેરિકાને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા બીજા પણ કેટલાક વિવાદાસ્પદ અને વિચિત્ર પ્રેસિડેન્ટ્સ મળ્યા છે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.
એ વાત સુવિદિત છે કે સમગ્ર વિશ્વ હવે એક `ગ્લોબલ વિલેજ’ છે, કોઈ પણ એક દેશ પોતપોતાની રીતે સ્વાવલંબી નથી. બધાને પોતપોતાના દેશની જરૂરિયાતો માટે એકબીજા દેશો પર આધાર રાખવો પડે છે. દા.ત., બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ અને બીજા યુરોપીય દેશો પાસે લેટેસ્ટ ટેક્નોલોજી છે, પરંતુ તેની પાસે પોતાનું ક્રૂડ-પેટ્રોલ કે ડીઝલ નથી. એ દેશોનું બળતણ રશિયાથી આવે છે. બ્રિટનમાં બટાકા સિવાય બીજી કોઈ ખેતપેદાશ નથી, તેથી બ્રિટને બહારથી અનાજ મંગાવવું પડે છે. એવું જ અમેરિકાનું છે. અમેરિકા અને તેનો કટ્ટર દુશ્મન ચીન બેઉ પોતપોતાની જરૂરિયાતો માટે એકબીજા પર અવલંબિત છે.’
હવે આ સંજોગોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન, કેનેડા અને ભારત સહિત કેટલાક દેશો પર ભારે ટેરિફ નાંખવાની વાત કરે છે તે જોતાં અમેરિકાએ પણ વળતા ટેરિફ પ્રહારનો સામનો કરવો પડશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આ `ટેરિફ વોર’ વિશ્વમાં મોંઘવારી આસમાને લઈ જશે અને વિશ્વના અર્થતંત્રને છિન્નભિન્ન કરી નાંખશે. ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકાર તેમને સાચી સલાહ આપે છે કે કેમ તેની ખબર નથી. ટ્રમ્પની મૂર્ખામીભરી નીતિથી વિશ્વનું શેરબજાર તૂટી રહ્યું છે.
અમેરિકા સુપરપાવર છે, પણ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાત પણ સજી લેવાની જરૂર છે કે ચીન પણ સુપરપાવર છે. રશિયા પણ સુપરપાવર છે. ભારત પણ એક શક્તિશાળી દેશ છે અને ભારત મોટું બજાર છે. આ સંજોગોને લક્ષ્યમાં લીધા વિના ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલું ટેરિફ વોર એક પ્રકારનું આર્થિક વિશ્વયુદ્ધ જ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એક વાત સમજી લે કે ભારત એ વિશ્વનું પાંચમા નંબરનું મોટું અર્થતંત્ર છે અને થોડા જ વર્ષોમાં ભારત વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તેવી શેખી મારતા હોય, પરંતુ તેઓ ભારતને નજરઅંદાજ કરી શકશે નહીં. અમેરિકામાં વસતા કેટલાયે ભારતીયો અમેરિકામાં શ્રેષ્ઠ પદો પર છે. અમેરિકામાં ભારતીય મૂળના શ્રેષ્ઠ ઈજનેરો અને શ્રેષ્ઠ તબીબો પણ છે. શ્રેષ્ઠ ટેક્નોક્રેટ્સ પણ છે.
ડોનાલ્ડ ટ્રમ્પને સુનિતા વિલિયમ્સનું નામ તો યાદ હશે. અંતરીક્ષમાં બે વખત ગયેલાં સુનિતા વિલિયમ્સનું મૂળ ભારતીય છે. તેઓ મૂળ ભારતીય પિતાના પુત્રી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ માટે અન્ય દેશો સાથે ટેરિફ યુદ્ધ છેડવું તે જ પ્રાયોરિટી છે. બીજી પ્રાયોરિટી છે મિત્રો અને દુશ્મનો વારેવારે બદલી નાંખવા. તેમના માટે ત્રીજી પ્રાયોરિટી છે તેમની આગળના અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટે આંતરરાષ્ટ્રીય સંબંધોની બાબતમાં જે નિર્ણયો લીધા હતા તેથી ઊંધું કરવું. દા.ત., રશિયાએ યુક્રેન પર એક તરફી આક્રમણ કરી દીધું અને રશિયાના વડા પુટિને યુક્રેનને ખંડેર બનાવી દીધું. યુક્રેનને પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડેને આર્થિક શસ્ત્ર અને સૈનિક સહાય કરી હતી, પરંતુ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને તમામ પ્રકારની સહાય બંધ કરી દેવાની જાહેરાત કરી. યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી પ્રેસિડેન્ટ ટ્રમ્પને મળવા વોશિંગ્ટન આવ્યા ત્યારે કેટલાક મુદ્દાઓ પર અસલામતી થતા ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સ્કીને જમાડ્યા વગર વોશિંગ્ટન છોડી દેવા આદેશ આપ્યો. બની શકે કે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીની ભૂલો થઈ હશે, પણ પોતાના ઘેર આવેલા મહેમાનને આ રીતે કાઢી મૂકવા તે કેટલા અંશે યોગ્ય છે? વિશ્વના સૌથી વધુ સભ્ય ગણાતા અમેરિકાના પ્રેસિડેન્ટનું આ તે કેવું અસભ્ય વર્તન?
ઝેલેન્સ્કી પ્રેસિડેન્ટ ટ્રમ્પને મળ્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રેસિડેન્ટ પુટિન તરફી હતા. અમેરિકા અને રશિયા પરંપરાગત શત્રુઓ છે. અમેરિકા લોકતાંત્રિક દેશ છે જ્યારે રશિયા કમ્યુનિસ્ટ કન્ટ્રી છે. રાજકીય વિચારધારાથી પણ તેમની વચ્ચે મેળ નથી છતાં ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે પુટિન જે કરે છે તેમની જગ્યાએ બીજું કોઈ હોય તો તે પણ તેમ જ કરે. એક ક્ષણે તો એમ લાગ્યું કે ટ્રમ્પ અને પુટિન એકબીજાના નજીકના મિત્રો બની ગયા છે, પરંતુ તેના થોડા દિવસ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પલટી મારી રશિયાના વડા પુટિનને યુદ્ધ બંધ કરવાની સમજૂતી કરવા ધમકીની ભાષામાં કહ્યું અને ટેરિફની પણ ધમકી આપી.
લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિચારો અને વલણ થોડા થોડા દિવસે બદલતા રહે છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ અનરિલાયેબલ બની રહ્યા છે. ભરોસો મૂકી શકાય તેવા રાજનેતા તેઓ નથી.
આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી અને વિચારધારામાં સાતત્ય ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જોઈએ. વોશિંગ્ટનમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે, `આ સમય યુદ્ધનો નથી. અમે વિશ્વશાંતિમાં માનીએ છીએ.’
પીએમ મોદીના સંદેશમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે શીખવું જોઈએ.
યુક્રેનના વડા ઝેલેન્સ્કી સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જે વર્તાવ કર્યો, તેનાથી આખું યુરોપ એક થઈ ગયું. યુરોપના કેટલાક દેશોએ ઝેલેન્સ્કીને ખુલ્લો ટેકો અને સહાયની ખાતરી આપી.
ઝેલેન્સ્કી પણ લાંબું વિચારનારા ગંભીર નેતા નથી. આ યુદ્ધનો અંત એ જ યુક્રેનના અને વિશ્વના હિતમાં છે. અગાઉ કરેલી મૂર્ખતા બાદ ઝેલેન્સ્કી પણ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને યુદ્ધના અંત માટે સમજૂતી કરવા તૈયાર થયા છે. લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અનરિલાયેબલ અને વારેવારે પલટી મારનાર નેતા છે અને ઝેલેન્સ્કી અપરિપક્વ નેતા છે.
હવે અમેરિકામાં વસતા વસાહતીઓની વાત.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે અમેરિકામાં ગેરકાયદેસર વસતા વસાહતીઓને અમાનવીય રીતે હાંકી કાઢવાનું અભિયાન ઉપાડ્યું છે તે બાબતે પણ તેમણે આત્મચિંતન કરવાની જરૂર છે. હા, એ વાત સાચી કે કોઈ પણ દેશને તેના દેશમાં ગેરકાયદે રહેતા વસાહતીઓને કાઢી મૂકવાનો અધિકાર છે, પરંતુ અમાનવીય રૂપે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પૂર્વજોના ઈતિહાસ પર નજર નાંખીને જુએ તો તેમને ખબર પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વજો ખુદ અમેરિકામાં ઘૂસેલા વસાહતીઓ છે. અમેરિકા તો રેડ ઈન્ડિયનોની ભૂમિ હતી, પરંતુ યુરોપના દેશોમાં તેમને પડતી અનેક મુશ્કેલીઓને હલ કરવા તથા કેટલાક ગોરા લોકો રોજીરોટીની તલાશમાં અમેરિકા આવ્યા હતા અને ધીમે ધીમે રેડ ઈન્ડિયનોની ભૂમિ પર એમણે કબજો જમાવી દીધો હતો. રેડ ઈન્ડિયન્સને હાંશિયામાં ધકેલી દીધા હતા. એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પના કયા પૂર્વજો પાસપોર્ટ કે વિઝા લઈને આવ્યા હતા?
અમેરિકાના આર્થિક વિકાસમાં માત્ર ગોરા અમેરિકનોનો જ નહીં, પરંતુ ઈઝરાયેલથી આવેલા યહૂદીનો અને ભારતીયો તથા ખાસ કરીને ગુજરાતી વસાહતીઓનો મોટો હિસ્સો છે. ગોરા લોકોએ ભારતીયો પાસેથી અને ખાસ કરીને ગુજરાતીઓ પાસેથી શીખવું જોઈએ.
ગોરા અમેરિકનો તો આખા અઠવાડિયાની કમાણી શનિ કે રવિવારે બારમા જઈને બિયર કે વ્હિસ્કી પીવામાં ખર્ચી નાંખે છે, પરંતુ અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ એ રીતે બારમાં જઈને પૈસા ઉડાવી દેતા નથી, પરંતુ બચત કરે છે.



