Close

ફ્રાન્સના પૂર્વ પ્રમુખ હોલાન્દે અને ફ્રેન્ચ અભિનેત્રી જુલી ગાયેતના પ્રેમસંબંધની કહાણી

રેડ રોઝ | Comments Off on ફ્રાન્સના પૂર્વ પ્રમુખ હોલાન્દે અને ફ્રેન્ચ અભિનેત્રી જુલી ગાયેતના પ્રેમસંબંધની કહાણી
રાજનીતિ આમ શુષ્ક છે, પરંતુ તેમાં પ્રણયનો રંગ ઉમેરાય છે ત્યારે આમ આદમીને પણ તેમાં રસ પડે છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલિન મનરોના પ્રેમમાં પડ્યા ત્યારે આખી દુનિયાને રસ પડી ગયો હતો. એ જ રીતે એ જ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન મોનિકા લેવિન્સ્કીના પ્રેમમાં પડ્યા ત્યારે આખા અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. એડોલ્ફ હિટલર એક ક્રૂર સરમુખત્યાર હતો, પરંતુ ઈવા બ્રાઉન નામની એક સ્ત્રીના પ્રેમમાં હતો. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેક ચિરીકને સંખ્યાબંધ લગ્નબાહ્ય સંબંધો હતા. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફાન્કોઇસ મિત્તરાંએ તેમની `મિસ્ટ્રેસ અને તેમનાથી થયેલી પુત્રીને વર્ષો સુધી એક ગુપ્ત મહેલમાં રાખ્યાં હતાં.’ તેઓ નિવૃત્ત થવાના હતા તે વખતે એટલે છે કે ૧૪ વર્ષ બાદ જ ફ્રાન્સની પ્રજા એ રહસ્ય જાણી શકી હતી.
રાજકારણીઓની આ પ્રણય ગાથાઓમાં એક નવી જ આવૃત્તિનો ઉમેરો થયો હતો અને તે પણ ફ્રાન્સના જ પૂર્વ પ્રમુખ હોલાન્દે છે. `ક્લોઝર’ નામના એક ગ્લોસી મેગેઝિને એક અહેવાલ પ્રગટ કરી એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે પ્રેસિડેન્ટ હોલાન્દે જુલી ગાયેત નામની એક ફિલ્મ અભિનેત્રીના પ્રેમમાં છે.
પ્રેસિડેન્ટ હોલાન્દે પરણેલા હતા અને તેમનાં પત્નીનું નામ વેલેરી ટ્રાયરવિલર છે. `ક્લોઝર’ મેગેઝિનમાં ૭ પાનાં ભરીને છપાયેલી આ ન્યૂઝ સ્ટોરીએ પ્રેસિડેન્ટના દાંપત્યજીવનને ખરાબે ચડાવી દીધું હતું. `ક્લોઝર’ મેગેઝિને પ્રેસિડેન્ટ હોલાન્દે અને એક્ટ્રેસ જુલી ગાયેતને ખાનગીમાં મળતાં તસવીરોમાં દર્શાવ્યાં હતાં.
હોલાન્દે સમાજવાદી છે અને ફ્રાન્સના પ્રમુખ બન્યા ત્યારે તેમણે પ્રજાને એવી ખાતરી આપી હતી કે, તેમની જ અંગત જિંદગીને અખબારોમાં હેડલાઈન્સથી દૂર રાખશે, પરંતુ એવું રહ્યું નથી. હવે તેમના અંગત જીવનને એક મેગેઝિને ખુલ્લું કરી નાંખ્યું છે. તેની સામે પ્રેસિડેન્ટની અંગત જિંદગીમાં પ્રવેશ કરવાની હરકતની સખત ટીકા કરી હતી.
જે મેગેઝિને ફ્રાન્સના પ્રેસિડેન્ટની ઊંઘ હરામ કરી નાંખી હતી, તે મેગેઝિને કેટલાંક વર્ષો પહેલાં ડચેઝ ઓફ કેમ્બ્રીજ કેટની ટોપલેસ તસવીર પ્રગટ કરીને હોબાળો મચાવી દીધો હતો. હવે એ જ મેગેઝિને ૫૯ વર્ષના પ્રેસિડેન્ટ હોલાન્દે અને ૪૧ વર્ષની જુલી ગાયેત વચ્ચેના પ્રેમસંબંધોની કહાણી તસવીરો સાથે પ્રગટ કરી હતી. `ક્લોઝર’ મેગેઝિને જે તસવીરો છાપી છે તેમાં એક તસવીરમાં તા. ૩૦મી ડિસેમ્બરના રોજ રાત્રે ૧૦:૪૮ વાગ્યે જુલી ગાયેત પેરિસના એક ફ્લેટમાં પ્રવેશી રહી હોવાનું દર્શાવાયું છે. તેની ૩૬ મિનિટ બાદ બીજી એક વ્યક્તિ એ જ ફ્લેટમાં પ્રવેશે છે, જે પ્રેસિડેન્ટનો સિક્યોરિટી ગાર્ડ હોવાનું દર્શાવાયું હતું. એ સલામતી ગાર્ડ ફ્લેટમાં બીજો કોઈ અજાણ્યો માણસ છે કે કેમ તે માટે પ્રવેશદ્વારનો વિસ્તાર તપાસતો જણાય છે. તેની બરાબર એક મિનિટ પછી એ ઈમારતની બહાર એક મોટરસાઈકલ આવતી હોવાની તસવીર પ્રગટ કરવામાં આવી હતી. એ મોટરસાઇકલ પર આવેલો માણસ બીજો કોઈ નહીં, પરંતુ પ્રેસિડેન્ટ હોલાન્દે હતા, જેમણે હેલ્મેટની અંદર ચહેરો છુપાવેલો હતો. એ તસવીર પણ મેગેઝિને પ્રગટ કરી હતી.
ક્લોઝર મેગેઝિને ચોથી એક તસવીર પ્રગટ કરી છે, જે બીજા દિવસે સવારે ૮:૩૦ વાગ્યે લેવાયેલી છે. તેમાં એક સલામતી ગાર્ડ એક બેગ લઈને ફ્લેટમાં પ્રવેશતો જણાય છે. એ બેગમાં પ્રેસિડેન્ટ હોલાન્દે અને જુલી માટેનાં કેટલાંક વસ્ત્રો હોવાનું કહેવાયું હતું.
પૂર્વ પ્રેસિડેન્ટ હોલાન્દે અને એક્ટ્રેસ જુલી ગાયેત વચ્ચેના પ્રણય સંબંધોની અફવા પણ મહિનાઓથી પેરિસમાં ચર્ચાતી હતી. `ક્લોઝર’ મેગેઝિને જે ફ્લેટની અંદર પ્રેસિડેન્ટ અને એક્ટ્રેસને અંદર રાત ગાળતાં દર્શાવ્યાં હતાં, તે ફ્લેટ પેરિસમાં પ્રેસિડેન્ટના પેલેસની નજીક જ આવેલો છે.
ફ્રાન્સમાં પ્રમુખપદ માટે ચૂંટણી થઈ હતી. ચૂંટણી ઝુંબેશ વખતે એક્ટ્રેસ જુલી ગાયેતે જાહેરમાં હોલાન્દેને નમ્ર અને સમજદાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. એ વખતે જ જુલી ગાયેત પર હોલાન્દે સાથે સંબંધની એક ન્યૂઝ સ્ટોરી સ્થાનિક અખબારોમાં પ્રગટ થઈ હતી, પરંતુ જુલી ગાયેતે તેની અંગત જિંદગી પર આક્રમણ કરવા બદલ એ અખબારો સામે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી હતી. હવે `ક્લોઝર’ના અહેવાલ બાદ એ પ્રણયગાથા એક કદમ આગળ વધી છે.
જે રીતે પ્રેસિડેન્ટ હોલાન્દે ખુદ પરણેલા છે, તે રીતે એક્ટ્રેસ જુલી ગાયેત પણ બે બાળકોની માતા છે. જુલીના પતિ સેન્ટિઆગો આર્જેન્ટિનાના ફિલ્મ ડાયરેક્ટર છે. એ જ રીતે હોલાન્દે પણ ચાર સંતાનોના પિતા છે. અલબત્ત, એ ચાર બાળકો તેમનાં આગલાં પત્ની સેગોલિની રોયલથી થયેલાં છે, જેઓ હોલાન્દેની જેમ જ સોશિયાલિસ્ટ પોલિટિશિયન હતાં. આજથી ૭ વર્ષ અગાઉ તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને હોલાન્દેએ વેલેરી ટ્રાયરવિલર સાથે લગ્ન કર્યું હતું. વેલેરીની વય ૪૮ વર્ષની હતી………………………….
`ક્લોઝર’ મેગેઝિનમાં પ્રેસિડેન્ટના આ પ્રણય સંબંધની સ્ટોરી પ્રગટ થયા બાદ ફ્રાન્સનાં ફર્સ્ટ લેડી વેલેરીએ પ્રેસિડેન્ટની વેટિકનની મુલાકાત વખતે સાથે જવા ઈન્કાર કરી દીધો હતો.
કેટલાક સમય પહેલાં પેરિસના એક ટેલિવિઝન શો દરમિયાન એક એન્કરે જુલીને પૂછ્યું હતું કે, `તમારે હોલાન્દે સાથે કેવું છે?’ એ વખતથી જ આ વાત ચર્ચામાં આવી ગઈ હતી. જોકે, હવે `ક્લોઝર’ મેગેઝિનના રિપોર્ટ બાદ ફરી એકવાર ફ્રાન્સમાં જાતજાતની ચર્ચાઓ થઈ રહી હતી. એક જમાનામાં ફ્રાન્સના પ્રેસિડેન્ટની પ્રાઈવેટ લાઈફને મીડિયાથી સુરક્ષિત રાખવામાં આવતી હતી. હવે એવું રહ્યું નથી. `ક્લોઝર’ના એ અહેવાલ બાદ ફ્રાન્સના મુખ્ય અખબાર `લા ફિગારો’થ્રી માંડીને ફ્રાન્સની બધી જ ન્યૂઝ ચેનલ્સ અને ફ્રાન્સના રેડિયો સ્ટેશન પર આ ન્યૂઝ સ્ટોરી ટોપ ન્યૂઝમાં જ રહી હતી. અગાઉના પ્રમુખોને આટલી બધી ક્ષોભજનક પરિસ્થિતિમાં કદી મુકાવું પડ્યું નહોતું. ૧૯૭૦માં રાજ્યના વડા વેલેરી ગિસ્કાર્ડ દૂધના એક વાહનમાં એક એક્ટ્રેસ સાથે મજા માણતા ઝડપાયા હતા. ત્યાર પછી તસવીરો સાથેનો અહેવાલ પ્રગટ થયો હોય તો તે હાલના પ્રેસિડેન્ટ હોલાન્દેનો છે.
આ ઘટના બાદ પ્રેસિડેન્ટ હોલાન્દેએ `ક્લોઝર’ મેગેઝિન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોલાન્દેનાં પત્ની અને ફ્રાન્સનાં ફર્સ્ટ લેડી વેલેરી અત્યંત ઈર્ષાળુ પણ છે. પ્રેસિડેન્ટની ઓફિસમાંથી એટલી જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે `પ્રેસિડેન્ટ’ને ફ્રાન્સના બીજા કોઈ પણ નાગરિક જેટલો જ પ્રાઈવસીનો અધિકાર છે. અલબત્ત, પ્રેસિડેન્ટના એક્ટ્રેસ સાથેના સંબંધો ઈન્કારવામાં આવ્યા નથી.
ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોલાન્દેએ એક નિવેદનમાં કહ્યું છે કે, `આ મારો અંગત મામલો છે, જાહેર મામલો નથી. This was a personal than a public matter.’
`ક્લોઝર’ મેગેઝિનના તંત્રી લોરેન્સ પાઈઝે પણ કહ્યું છે કે, `પ્રેસિડેન્ટ એક નોર્મલ વ્યક્તિ છે. લોકપ્રિય છે, પરંતુ તસવીરો નાટ્યાત્મક નથી.’
પૂર્વ પ્રેસિડેન્ટ હોલાન્દે યુરોઝોનના અર્થતંત્રને સરખું કરવા સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમના અંગત જીવનની તસવીરો ફ્રાન્સ માટે કેટલી મહત્ત્વની છે અને એક નેતા પ્રજા માટે કેવા છે તે અગત્યનું છે કે તેમનું અંગત જીવન અગત્યનું છે તે સમયની ચર્ચાનો વિષય છે.
આ સિવાય વિશ્વના બીજા અનેક નેતાઓના પગ પણ લગ્નેતર પ્રેમસંબંધોમાં ખરડાયા હતા.
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની પ્રાઇવેટ લાઈફ સ્ટેટ સિક્રેટ જેવી રહી છે. પ્રેસિડેન્ટ પુતિન અને તેમનાં પત્ની લુડમિલા વચ્ચે પણ હવે સંબંધ રહ્યો છે કે કેમ તે એક પ્રશ્ન છે. ૨૦૦૮માં નોસ્કોવ્સકી કોરસ્પોન્ડેન્ટ’ના પત્રકારે પુતિન વિશે એક સમાચાર લખ્યા હતા. તેમાં એણે એમ લખ્યું હતું કે, `પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા છે અને પુતિન એલિના કાબાઈવા નામની ગોલ્ડ મેડલ ઓલિમ્પિક વિજેતા જિમ્નેસ્ટિક ગર્લ સાથે લગ્ન કરવાના છે.’ આ છોકરી પુતિન કરતાં અડધી ઉંમરની છે. આ અહેવાલ છપાયાના બીજા જ દિવસે એ અખબાર બંધ થઈ ગયું. એ દિવસોમાં પુતિન ૨૪ વર્ષની એલિનાના પ્રેમમાં હોવાની વાત રશિયામાં ચર્ચાતી હતી. એલિના કાબાઈવા રશિયાની પાર્લામેન્ટની અને પુતિનની પાર્ટીની સભ્ય પણ હતી. કહેવાય છે કે વ્લાદિમીર પુતિને પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો તેના થોડાક જ સમયમાં તેમનાં પત્ની લુડમિલા લોકોની નજરમાંથી અદૃશ્ય થઈ ગયાં હતાં. હા, ૨૦૧૧માં બોરિસ યેલ્તસીનની ૮૦મી જન્મજયંતી વખતે તેઓ એક કોન્સર્ટમાં દેખાયાં હતાં. તે પછી મોસ્કોના એક ચર્ચમાં ઈસ્ટરના તહેવાર વખતે દેખાયાં હતાં. આ વર્ષે ઇસ્ટરના દિવસોમાં તેઓ ફરી અદૃશ્ય થઈ ગયાં.
આશ્ચર્યની વાત એ હતી કે આ વખતે ચૂંટણીના દિવસે ફરી વ્લાદિમીર પુતિન તેમનાં પત્ની લુડમિલા સાથે મતદાન મથક પર એકસાથે દેખાયાં. પુતિન મતદાન કરીને મીડિયા સમક્ષ જતા રહ્યા અને તેમનાં પત્ની પાછળ પેપરવર્ક કરી રહ્યાં હતાં. જતી વખતે પુતિને તેમનાં પત્નીના હાથને પકડ્યો. તેની તસવીર લેવાઈ. બીજા દિવસનાં અખબારોમાં એ તસવીર નીચે એક લાઈન લખવામાં આવી: `બીજાં છ વર્ષ પછી ફરી ચૂંટણી આવે ત્યારે મળીશું.’ પુતિન અને તેમનાં પત્ની વર્ષોથી અલગ રહે છે, પણ લુડમિલા ક્યાં રહે છે એ વાત રશિયામાં કોઈ જાણતું નથી.
——————————————————————————————

Be Sociable, Share!