Close

બાળકોની મોબાઈલ સ્ક્રીનની લત કેવી રીતે છોડાવશો?

રેડ રોઝ | Comments Off on બાળકોની મોબાઈલ સ્ક્રીનની લત કેવી રીતે છોડાવશો?
એ એક આશ્ચર્ય છે કે દસ મિત્રો એક જ રૂમમાં બેઠા હોય, પણ એકબીજા સાથે વાત કરવાના બદલે તેમની વ્યસ્તતા સ્માર્ટ ફોનના સ્ક્રીન પર જ હોય. આવું માત્ર મોટેરાંઓ માટે નથી, પરંતુ બાળકોને પણ હવે સ્માર્ટ ફોન પરના સ્ક્રીનની લતના કારણે રમકડાં ગમતાં નથી.
કેટલાંક બાળકો ટીવી સામે બેઠાં હોય તો થોડીવાર માટે ટીવી સ્ક્રીન પર તેમની નજર હોય અને થોડીવાર પછી મોબાઈલના સ્ક્રીન પર તેમની નજર હોય. મધુરિમા નામની એક મહિલાએ તેના આઠ વર્ષના બાળક સુકુમારને મોબાઈલ લાવી આપ્યો, જેથી તે ઓફિસમાં હોય ત્યારે તે પોતાના સંતાનના પણ સંપર્કમાં રહે. કેટલાક મહિનાઓ બાદ મધુરિમાએ પોતાના પુત્રના વર્તનમાં ગજબનું પરિવર્તન જોયું. મા ઘેર આવે તો પણ પુત્રની નજર મોબાઈલના સ્ક્રીન પર હોય. મોબાઈલ બંધ કરવાનું કહે તો ટીવી ચાલુ કરીને તે બેસી જતો. સમયસર ભોજન ન લે. હોમવર્ક કરવાનું બાકી રાખે. આ બંને સ્ક્રીનની લત છોડાવવા માટે મધુરિમાએ પુત્ર માટે મનોવિજ્ઞાનની સલાહ લેવી પડી. મનોચિકિત્સકે બાળકની અભિરુચિ જાણી બાળકને પેઇન્ટિંગ અને ટેનિસના ક્લાસમાં ભરતી કરવાની સલાહ આપી. એમ કર્યા બાદ બાળક હવે સ્વસ્થ છે.
મોબાઈલ સ્ક્રીન પર ચીપકી રહેવું તે ઘરઘરની સમસ્યા છે. આજે ઘણાં બધાં બાળકો પોતાનો સહુથી વધુ સમય મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ કે ટીવી સાથે ગુજારે છે. આ કારણે બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ પર બૂરી અસર પડે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના એક સર્વેક્ષણ મુજબ બે વર્ષની ઉંમર સુધી બાળકો રોજ ત્રણ કલાક મોબાઈલ પર પસાર કરે છે. આવાં બાળકો પેન્સિલ પકડવામાં, લખવામાં અને ચિત્રકામમાં નબળાં પડી જાય છે. તેમના અક્ષરો પણ બગડી જાય છે. ઈંગ્લેન્ડના નેશનલ હેન્ડરાઈટિંગ એરેગેસિએશનના એક સંશોધન અનુસાર બે વર્ષની ઉંમરમાં ૫૮ ટકા બાળકો મોબાઈલમાં વ્યસ્ત રહેતાં હોય છે. આ કારણે તેમના અક્ષરો મરોડદાર થવામાં ઘણો સમય લાગે છે. મોબાઈલનો વધુ ઉપયોગ કરતાં બાળકોના હાથની માંસપેશીઓ કમજોર થઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ બાળકોનાં માતા-પિતા અને વાલીઓને સલાહ આપી છે કે બેથી પાંચ વર્ષની ઉંમરનાં બાળકોને દિવસમાં એક કલાકથી વધુ સમય ટીવી, મોબાઈલ કે કમ્પ્યૂટર પર વ્યસ્ત ન રહેવા દે. આ ઉંમરનાં બાળકોને મોબાઈલથી તો સદંતર દૂર રાખવા સલાહ આપવામાં આવે છે.
હવે સવાલ એ છે કે આ ઉંમરનાં બાળકોને મોબાઈલની માયાજાળથી દૂર કેવી રીતે રાખવાં?
નિષ્ણાતો માને છે કે થોડો પણ પ્રયાસ કરવામાં આવે તો આ લત દૂર કરી શકાય છે. દરેક મામલામાં મનોચિકિત્સક પાસે જવાની જરૂર નથી. માતા-પિતાઓએ એ જાણી લેવાની જરૂર છે કે બાળકો મોબાઈલથી કોઈની સાથે વાતો કરવાના બદલે વધુ સમય મોબાઈલ સ્ક્રીન પર ઈન્ટરનેટ સર્ફિંગ અને સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. પરેશાન થવાની વાત એ છે કે મોબાઈલ સ્ક્રીન પર વધુ સમય પસાર કરવાને લીધે બાળકો તેમાંથી જે માનસિક ખોરાક મેળવે છે તેથી તે વધુ હિંસક અને સંવેદનશીલ બની જાય છે. આવાં બાળકોને માનવીઓ કરતાં ઈલેક્ટ્રોનિક્સ ગેજેટથી વધુ રાહત મળે છે તેમ તેઓ માને છે, જે ખોટું છે. પરિવારના સભ્યો સાથે સંબંધો જાળવવા અને વિકસાવવામાં સ્ક્રીન લત એક અવરોધ છે.
મુશ્કેલી એ છે કે ઘરમાં નાનાં બાળકોના હાથમાં મોબાઈલ મૂકી દેવાનું કામ માતા-પિતા જ કરે છે. બાળકો માટે મોબાઈલ એ શરૂઆતમાં એક શોખ, પણ પાછળથી લત બની જાય છે. નિષ્ણાતો માને છે કે કેટલીક વાર બાળકોની આ લત અાલ્કોહોલ કરતાં વધુ ખરાબ સ્તરે પહોંચી જાય છે. જે બાળકો સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે, તેઓ પોતાનું રોજિંદા કામ બરાબર કરી શકતાં નથી. તેમની ભૂખ અને ઊંઘ પર પણ અસર પડે છે. નિષ્ણાતો અેને ક્લિનિકલ ઈમ્પલ્સીવ ડિસઓર્ડર કહે છે.
એ જાણવું રસપ્રદ થઈ પડશે કે ટેક્નોલોજીની દુનિયામાં સહુથી વધુ કામયાબ એવા બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ જેવાઓએ પણ પોતાનાં નાનાં બાળકોને મોબાઈલ, લેપટોપ કે એવાં અન્ય ગેજેટ્સથી દૂર રાખ્યાં હતાં.
નિષ્ણાતો કહે છે કે, (૧) જો તમે માતા-પિતા છો તો બાળકોના દોસ્ત બનવાના બદલે બાળક સાથે એક વાલી તરીકે જ વર્તો. બાળકોને માતા-પિતા જ યોગ્ય માર્ગદર્શન આપી શકે. (૨) એ જ રીતે તમે જ એટલે કે વાલીઓ જ બાળકોના રોલમોડલ બનો. જો તમે જ હાથમાં મોબાઈલ રાખીને તેને જોયા કરતા હશો તો બાળક પણ એમ જ કરશે.
માતા-પિતા માટે એ જરૂરી છે કે જો તમે ઘરમાં છો તો મોબાઈલનો ઉપયોગ જરૂર હોય તો જ કરો. (૩) ૩થી ૪ વર્ષનાં બાળકોને મોબાઈલથી દૂર રાખો. એ શક્ય ન બને તો એ ઉંમરનાં બાળકોને રોજ ૩૦થી ૬૦ મિનિટ કરતાં વધુ સમય માટે મોબાઈલનો વપરાશ કરવા ન દો. (૪) ૫ થી ૧૨ વર્ષનાં બાળકોને ૯૦ મિનિટથી વધુ મોબાઈલનો ઉપયોગ કરવા ન દો. આ સમયગાળો ટીવી, મોબાઈલ અને કમ્પ્યૂટર એ બધાંને મિલાવીને છે. (૫) ૧૨થી ૧૭ વર્ષનાં બાળકો રોજ બે કલાકથી વધુ સમય મોબાઈલ કે ટીવી પર વ્યસ્ત ન રહે તેનું ધ્યાન રાખો. (૬) ઘરમાં એક ગેજેટ ફ્રી ઝોન બનાવો. ઘરમાં એક રૂમ એવો રાખો કે જ્યાં આવાં ઈલેક્ટ્રોનિક્સ સાધનો લઈ જવાની કે રાખવાની મનાઈ હોય (૭) બાળકોને ટીવી જોતાં જોતાં ભોજન લેવાની છૂટ ન આપો, કારણ કે બાળક જમવાને બદલે બીજી જ વાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. (૮) બાળકોને આઉટડોર ગેમ માટે પ્રોત્સાહન આપો. દા.ત., બાળક રમતના મેદાનમાં જાય, દોડે, ફૂટબોલ, ક્રિકેટ કે ટેનિસ રમે, બેડમિન્ટન રમે તે જરૂરી છે. બાળકને અવારનવાર પાર્કમાં લઈ જાવ. (૯) બાળકને તેના મિત્રોના ઘેર લઈ જાવ. (૧૦) બાળકના હાથમાં મોબાઈલ મૂકવાથી જ બાળક સ્માર્ટ બને છે તેવી માન્યતાથી દૂર રહો. એકવાર બાળકને મોબાઈલની લત પડી જાય તે પછી તેને ઝૂંટવી લેવાથી બાળકને માતા-પિતા માટે નકારાત્મક લાગણી પેદા થાય છે. ક્યારેક હિંસક પણ બની જાય છે. (૧૧) બાળકને રોજ બે કલાક સૂરજના તાપમાં રમવાની ટેવ પાડવાથી બાળકની આંખ કમજોર થવાથી બાળક બચી જશે. (૧૨) બાળકના અન્ય શોખ જાણી તેની હોબીને સપોર્ટ કરો. દા.ત., કેટલાંક બાળકોને મ્યુઝિક, ડાન્સ, પેઇન્ટિંગ, ક્લે, મોડલિંગ જેવી હોબીઝ હોય છે. તેને વિકસાવવામાં મદદ કરો. તાલીમ ક્લાસમાં મોકલો. પુત્રી હોય તો ભરતનાટ્યમના ક્લાસમાં દાખલ કરાવો. બની શકે તેની હોબી ભવિષ્યમાં તેની કારર્કિદીના ઘડતરનો પાયો બને. (૧૩) ઘરમાં બાળકોની ક્ષમતા અનુસાર તેમની મદદ લો. દા.ત., કપડાં વાળવાં, પાણીની બોટલ ભરવી. છોડવાઓમાં પાણી સીંચવું. આવું કામ બાળકો ખુશી ખુશીથી કરશે અને આત્મનિર્ભર પણ બનશે.
બીજી અગત્યની વાત એ સમજવી જરૂરી છે કે બાળકોને લાલચ ન આપો. કેટલીકવાર માતા-પિતા બાળકને કહે છે કે જલદી જલદી હોમવર્ક કરી લે તે પછી તને મોબાઈલ આપીશું કે ખાવાનું ખાઈ લે પછી તને મોબાઈલ આપીશું. બાળકોને આવી શરતોમાં ન નાંખો. એમ કરવાથી બાળકને ઈમોશનલ બ્લેક મેઈલિંગની આદત પડી શકે છે.
અને છેલ્લે સહુથી મહત્ત્વની વાત. બાળકોને મોબાઈલ ફોનના બદલે પુસ્તકો વાંચવા પ્રેરિત કરો. તેને ગમતાં પુસ્તકો લઈ આપો. તેને ગમતી વાર્તાઓનાં પુસ્તકો લઈ આપો અને બાળકના દેખતા જ તેની સામે તમે પણ કોઈ પુસ્તક વાંચો. બાળકને સૂતા પહેલાં કોઈ પોઝિટિવ વાંચવાની ટેવ પાડો.
જો આટલું કરશો તો બાળકોના મોબાઈલ સ્ક્રીન કે લેપટોપના સ્ક્રીનની લત છૂટી જશે.

Be Sociable, Share!