ભગવાન શ્રાી કૃષ્ણના જન્મની કથા કાંઈક આવી છે. ભગવાન નારાયણ- વિષ્ણુ શેષનાગ પર ઝૂલી રહ્યા છે. પૃથ્વી આંખમાં આંસુ સાથે તેમની પાસે જઈને બોલી ઃ ‘હે પ્રભુ ! હવે હું દુઃખોનો ભાર સહન કરી શકતી નથી. મને એવાં પુત્ર-પુત્રી આપો કે જે આનંદ અનુભવી આપની ભક્તિમાં સુખ પામે. સંસારમાં પાપાચાર ઘણો વધી ગયો છે. ‘
અને ભગવાન વિષ્ણુએ કહ્યું ઃ ‘પુત્રી ! તું નિર્ભય બન. હું હંમેશાં એ વચનોથી બંધાયેલો છું કે જ્યારે જ્યારે ધર્મ ગ્લાનિ પામે છે ત્યારે અધર્મનો વિનાશ કરવા હું પૃથ્વી પર અવતરું છું. મારા ભક્તોનો વિનાશ કદાપિ શક્ય નથી.’
ભગવાન વિષ્ણુએ પૃથ્વીને વચન આપ્યું ઃ ‘હું આવીશ.’
દ્વાપરનો એ યુગ હતો. યાદવો યમુના કિનારે ફળદ્રુપ તટ પર આવીને વસ્યા હતા. એ વખતે વસુદેવ રાજા શૂરના વંશ જ હતા. તેમને પાંચ બહેનો હતી. તેમાંથી એક હતી પૃથા જેને કુંતીભોજ રાજાએ દત્તક લીધી, તે હસ્તિનાપુરના રાજા પાંડુને પરણી. વસુદેવની બીજી બહેન શ્રાુતદ્રવાને યેદિરાજાની સાથે પરણાવી. તેનો પુત્ર શિશુપાલ. શૂરપંથીઓના ઉગ્રસેનને પાંચ પુત્રો અને નવ પુત્રીઓ હતી. એ પુત્રોમાં અગ્રણી તે કંસ. રાજા ઉગ્રસેનના ભાઈ દેવકના ચાર પુત્રો અને સાત પુત્રીઓ પૈકી દેવકી સૌથી સુંદર હતી. શૂરો અને અંધક વંશીઓ વચ્ચે ઝઘડા થતા. આખરે બંને કુળના અગ્રણીઓએ નિર્ણય કર્યો કે આ ઝઘડાનો ઉકેલ લાવવા શૂરવીર-શ્રોષ્ઠ વસુદેવને દેવકી વરાવવી, તેમનાં લગ્ન ઉગ્રસેને પૂરા ઠાઠથી કર્યાં. યાદવો રાજી થયા. પરંતુ મથુરાના રાજા ઉગ્રસેનનો પુત્ર કંસ અધમ હતો. તેનાથી પ્રજાજનો ત્રાહિમામ્ હતા.
દેવકી અને વસુદેવનાં લગ્ન પ્રસંગે જ મુનિ નારદજી કંસ પાસે આવ્યા. નારદજીએ કંસને પાપના માર્ગેથી પાછા વળવા જણાવ્યું. પણ કંસે કહ્યું ઃ ‘મારા શાસનની આડે કોઈ આવી શકશે નહીં. મને ઈશ્વરનો પણ ડર નથી.’
નારદજીએ કહ્યુંઃ ‘રાજા કંસ, પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મની પુનઃ સ્થાપના માટે ભગવાન અવતાર ધારણ કરે છે.’
અટ્ટહાસ્ય કરતાં કંસે કહ્યુંઃ ‘મુનિવર, મનુષ્ય કે દેવ- કોઈનીયે તાકાત નથી કે તે મારી આડે આવે.’
એક ક્ષણ માટે નારદજી ધ્યાનસ્થ થયા અને તે પછી બોલ્યા ઃ ‘કંસ તને તારા બળનું અભિમાન છે ને ! પરંતુ તારા કાકાની પુત્રી દેવકીનું આઠમું બાળક તારો સંહાર કરશે.’
અને નારદ મુનિ અંતર્ર્ધાન થઈ ગયા. આ પ્રાચીન મુનિની ભવિષ્યવાણી સાંભળી રાજા કંસના ક્રોધની કોઈ સીમા ના રહી અને દેવકી-વસુદેવના લગ્ન સ્થળે પહોંચી જઈને દેવકીનો ચોટલો પકડીને રથની બહાર ખેંચી કાઢી. દેવકી ભયથી ચીસ પાડી ગઈ. કંસના પિતા રાજા ઉગ્રસેન પુત્રના આ તામસી વર્તાવથી આઘાત પામ્યા પરંતુ તેને તેઓ કાંઈ કહી શક્યા નહીં. આ દૃશ્ય જોયા બાદ વસુદેવ રથની બહાર કૂદી પડયા અને દેવકીનું મસ્તક કાપવા તત્પર થયેલા કંસનો તલવારવાળો હાથ પકડી લીધો. એ બોલ્યા ઃ ‘અરે રાજકુમાર, દેવકી તો તમારી બહેન છે.’
તે પછી રાજા ઉગ્રસેનના ભાઈ અને દેવકીના પિતા દેવકે પણ કંસનો હાથ પકડી લીધો પરંતુ કંસ તો દેવકીનો વધ કરવા તત્પર હતો. તે બોલ્યો ઃ’દેવોએ મને ચેતવણી આપી છે કે દેવકીનું આઠમું બાળક મારો સંહાર કરશે.’
વસુદેવ સમજદાર હતા. ઠરેલ હતા. તેઓ બોલ્યાઃ ‘દેવકીને જીવતી રહેવા દો. હું વચન આપું છું કે દેવકીને જેવું બાળક અવતરશે એટલે તે હું આપને સ્વાધીન કરી દઈશ.’
કંસે પિતા ઉગ્રસેન તરફ જોયું. કંસ ખંધો અને ધૂર્ત હતો. એણે વિચાર્યું કે તે અત્યારે જો દેવકીને મારશે તો યાદવો તેનો વિરોધ કરશે. એ પછી બોલ્યો ઃ ‘દેવકીને હું અત્યારે જીવતી છોડું છું પરંતુ એક શરતે આ વરઘોડો અને ગજરાજ મારા મહેલ તરફ લઈ જાવ.’
અને એમ જ થયું. દેવકી અને વસુદેવને કંસે એક મહેલમાં કેદી બનાવ્યા. કંસના આ કૃત્યથી યાદવોના દિલ દુભાયા. લોકોમાં તેના પ્રત્યે વિરોધ વધતો ગયો. યાદવ સ્ત્રીઓ પણ ગુસ્સામાં હતી. યાદવોના વિરોધને દબાવી દેવા કંસ યોજનાઓ બનાવતો રહ્યો. એ વખતે દેવકી અને વસુદેવ કેદખાનામાં બંધ એકાંતમાં ઝૂરી રહ્યા હતા. કારાવાસમાં પણ વસુદેવ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા હતા. દેવકી કારાવાસમાં પણ વ્રતો આચરતી. ઘણીવાર મધરાતે વસુદેવની સોડમાં કર જોડી શીશ નમાવી કરગરતી ઃ ‘ભગવાન, મારી કૂખે તારણહાર ક્યારે અવતરશે?’ અને તે પતિ વસુદેવની સેવામાં રત રહેતી.
આ તરફ મગધની રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા બાદ કંસ પાછો ફર્યો તેના થોડા જ વખતમાં દેવકીએ પુત્રને જન્મ આપ્યો. યાદવોનું એક કુળ વૃષ્ણિ નામે ઓળખાતું. એનો યુવાન સરદાર અક્રૂર ધર્મના માર્ગે ચાલનારો હતો. યાદવોએ અક્રૂરને કહ્યું કે, ‘તમે કંસ પાસે જઈ તેને કહો કે તે એક નિર્દોષ નવજાત શિશુની હત્યાનું પાપ ના કરે.’
આ તરફ વસુદેવ પોતાનું વચન પાળવા તાજા જ જન્મેલા બાળકને લઈ કંસ પાસે ગયા ત્યારે અક્રૂર સહિત બીજા યાદવો પણ તેમની સાથે કંસ પાસે ગયા. અક્રૂરે કંસને હાથ જોડી બાળકની હત્યા ના કરવા વિનંતી કરતાં કહ્યું ઃ ‘હું દયાની ભીખ માગુ છું. આ બાળકે આપનું શું બગાડયું છે જેથી આપ તેને મારી નાખવા કૃતનિૃયી થયા છો. આપને તો ભય દેવકીના આઠમા પુત્રથી છે. આ તો પ્રથમ પુત્ર છે.’
અક્રૂર અને વસુદેવે ઘણી આજીજી કરી પરંતુ બધું મિથ્યા. કંસ ઊભો થયો અને વસુદેવના હાથમાંથી બાળક છીનવી લઈને તેના મસ્તકને જોરથી ધરતી પર પછાડયું. બાળક તરફડીને મૃત્યુ પામ્યું. યાદવોના મોંમાંથી ચિત્કાર નીકળી ગયો. પુત્રના આ ઘોર કૃત્યથી કંસના પિતા ઉગ્રસેનની આંખમાંથી આંસુ નીકળી પડયા. તેઓ પુત્ર કંસને ઠપકો આપવા તેના મહેલમાં ગયા પરંતુ રાજા ઉગ્રસેનને કંસના મહેલમાંથી બહાર નીકળતા કોઈએ જોયા નહીં અને કંસે પોતાના જ પિતા રાજા ઉગ્રસેનને બંદીવાન બનાવ્યા. સાધુ ચરિત અક્રૂરને પણ કેદમાં નાખ્યા.
કારાવાસમાં દેવકી આક્રંદ કરતી રહી. તે ચીસો પાડતી રહી અને ભગવાનને પ્રાર્થના કરતી રહી ઃ ‘હે દયાનિધિ, તું જલદી તારણહાર મોકલ.’
એ જ કારાવાસમાં પુરાયેલા અક્રૂરે દેવકીને આશ્વાસન આપતાં કહ્યુંઃ ‘બહેન, ગભરાઈશ નહીં. તારણહાર અવશ્ય પધારશે.’
દેવકીની કૂખે જન્મતાં દરેક બાળક પર કંસની નજર હતી. દરેક બાળકની હત્યા તે કરતો ગયો. બલરામ બચી ગયા.
શ્રાાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીનો દિવસ આવી ગયો. એ દિવસે આખો વખત મેઘગર્જનાઓ થતી રહી. ધોધમાર વરસાદ વરસતો રહ્યો. ભારે તોફાન છતાં રોજની જેમ ધાર્મિક વિધિ કરાવવા માટે ગર્ગાચાર્ય જે મહેલમાં દેવકી-વસુદેવને બંદીવાન રાખવામાં આવ્યા હતા ત્યાં આવ્યા. તેઓ વસુદેવને ભેટયા. તેમને કાનમાં કોઈ સંદેશો કહ્યો. બીજી તરફ ભારે વરસાદ ચાલુ જ રહ્યો. સાંજ પડતાં પહેલાં નગરમાં અંધારું વ્યાપી ગયું. મહાલયમાં પણ અંધકાર વ્યાપી ગયો. એક ઓરડામાં દેવકી સૂતી હતી. બાજુમાં જ વસુદેવ બેઠા હતા. તેલનો દીવો ઝાંખો પ્રકાશ વેરી રહ્યો હતો. બહાર વીજળીના ચમકારા અને મેઘગર્જનાઓ થઈ રહી હતી. ભય પામી ગયેલી દેવકીએ ભક્તિપૂર્વક વસુદેવનો હાથ પકડી લીધો. તેને પ્રસૂતિની વેદના ઉપડી હતી. એ વેદનાને દબાવતાં બોલી ઃ ‘ભગવાનના અવતારની વેળા આવી ગઈ છે, સ્વામી !’
વસુદેવ ઉમળકાથી બાજુના ખંડમાં લઈ ગયા. બહાર ધોધમાર વર્ષા થઈ રહી હતી. પૂર્વાકાશમાં અભિજિત નક્ષત્રનો યોગ થયો હતો. એ જ વખતે આનંદની અનુભૂતિ સાથે દેવકીએ વિના કષ્ટે બાળકને જન્મ આપ્યો. વસુદેવે નવજાત શિશુને હાથમાં લઈ લીધું. બાળકનો વર્ણ નીલકમલ હતો. રડવાના બદલે બાળકના નાજુક હોઠ પર સ્મિત ફરકી રહ્યું. વસુદેવ આભા બની ગયા. એક ક્ષણ માટે એમણે શંખ, ચક્ર, ગદા અને યક્ષ હાથમાં ધારણ કરેલ દેદીપ્યમાન ભગવાન વિષ્ણુને પોતાની સામે ઊભેલા નિહાળ્યા. વસુદેવે સ્વસ્થતા ધારણ કરી. બાળક દેવકીના હાથમાં સોંપી હાથમાં બે દીવા લઈ ઝરૂખામાં ગયા. તેમણે દીવા હલાવ્યા. નદીના સામે કિનારેથી પણ એવી જ કોઈ મશાલની નિશાની થઈ.
વસુદેવ ઝરૂખામાંથી પાછા ઓરડામાં આવ્યા. બાળકને સ્નાન કરાવ્યું. એને કરંડિયામાં સૂવડાવ્યું. વસુદેવ બાળકને શાલ વીંટાળી તેને કરંડિયામાં લઈ કરંડિયો માથે મૂક્યો. પૂતના બહારથી આવી ના હોઈ મહેલના દરવાજા ખુલ્લા હતા. નજીકમાં જ નદી હતી. બહાર ઘોર અંધારું હતું. વસુદેવ કરંડિયામાં બાળકને લઈને બહાર નીકળી ગયા. ચોકીદારો ઘોર નિદ્રામાં હતા. મોંમાં પગનો અંગૂઠો રાખી બાળક શાંતિથી કરંડિયામાં સૂતેલો હતો અને એક ચમત્કાર થયો. વરસાદ અટકી ગયો. યમુના નદીમાં પગ મૂકતાં જ પાણીનાં જળ જેવાં બાળકના પગના અંગૂઠાને અડે એટલે પાણી માર્ગ કરી આપે. વસુદેવ માથે કરંડિયો લઈ યમુના ઓળંગી ગયા.
સામે કિનારે ગોકુળના યાદવોના અગ્રેસર નંદ અને ગુરુ ગંર્ગાચાર્ય ઊભેલા હતા. ગર્ગાચાર્યે વસુદેવ પાસેથી કરંડિયો લઈ લીધો અને પોતાની સાથે લાવેલો કરંડિયો વસુદેવને આપ્યો, જેેમાં પણ એક બાળકી હતી.
વસુદેવે પૂછયું ઃ ‘આ કોની બાળકી છે?’
ગંર્ગાચાર્યે જવાબ આપ્યો ઃ ‘આજે સવારે જ યશોદાની કૂખે અવતરેલ પુત્રી છે એ તમે લઈ જાવ.’
કૃતજ્ઞતાની લાગણી અનુભવતા વસુદેવ બોલ્યાઃ ‘નંદ, તમારા આ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ?’
વસુદેવના ચરણસ્પર્શ કરતાં નંદરાજા બોલ્યા ઃ ‘હે પ્રુભુ! તમે અમારા સ્વામી છો. મારું જે કાંઈ છે તે તમારું જ છે !’
ગંર્ગાચાર્ય પાસેથી નંદે બાળક સાથેનો કરંડિયો લઈ લીધો અને વીજળીનો ચમકારો થયો. એ અજવાળામાં એમણે નીલવર્ણના પુત્ર રત્નને જોયો. અને નંદના હૃદયમાં અસીમ વાત્સલ્ય ઊભરાયું !
તારણહાર કનૈયાનું આગમન થઈ ગયું હતું.
આ છે ભગવાન શ્રાીકૃષ્ણના જન્મની પાવન કથા.
કૃષ્ણ કનૈયા લાલ કી જય !
– દેવેન્દ્ર પટેલ