બોલિવૂડમાં બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાં `મધર ઈન્ડિયા’ને પ્રથમ સ્થાન આપી શકાય. ભારતીય નારી, ભારતીય પત્ની, ભારતીય માતાનું ઉત્કૃષ્ટ દર્શન `મધર ઈન્ડિયા’માં અભિવ્યક્ત થયું છે. આ ફિલ્મને રજૂઆત પામે ૬૮ વર્ષ થયાં. આ ફિલ્મ તા. ૨૫ ઓક્ટોબર, ૧૯૫૭ના રોજ રિલીઝ કરવામાં આવી હતી.
આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક મેહબૂબ ખાન હતા. ફિલ્મની કથા વનીહત મિરઝા અને એસ. અલી રઝા હતા. આ ફિલ્મમાં નરગિસ, સુનીલ દત્ત, રાજેન્દ્રકુમાર અને રાજકુમારે અભિનય કર્યો હતો. સંગીત નૌશાદે આપ્યું હતું. ફિલ્મનાં ગીતો શકીલ બદાયુનીએ લખ્યાં હતાં. ફિલ્મની મૂળ કથા બાબુભાઈ એ. મહેતાએ લખી હતી.
આમ તો આ ફિલ્મ ૧૯૪૦માં બનેલી ફિલ્મ `ઔરત’ની રિમેક ફિલ્મ હતી. ફિલ્મ `ઔરત’ પણ મહેબૂબ ખાને જ બનાવી હતી.
૧૯૨૭ની સાલમાં અમેરિકન લેખિકા કેથેરાઈન મેયોએ અગાઉ `મધર ઈન્ડિયા’ના ટાઈટલ હેઠળ એક બુક લખી હતી, જેમાં લેખિકાએ ભારતીય સંસ્કૃતિને અપમાનિત કરતું વર્ણન કર્યું હતું. જેના જવાબમાં `મધર ઈન્ડિયા’ ટાઈટલ પસંદ કરીને ભારતીય નારી અને ભારતીય સંસ્કૃતિનું સચોટ દર્શન કરાવવા `મધર ઈન્ડિયા’ ટાઇટલ પસંદ કરી ફિલ્મની વાર્તા લખવામાં આવી હતી. આ ફિલ્મમાં ભારતીય રાષ્ટ્રવાદનું પણ સચોટ દર્શન કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં નરગિસ અભિનીત `રાધા’ના રોલ દ્વારા સ્ત્રી સશક્તીકરણની ભાવનાને પણ સુંદર રીતે અભિવ્યક્ત કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં રાધાનો રોલ નરગિસે, રાધાના પુત્ર બીરજુનો રોલ સુનીલ દત્તે, રાધાના બીજા પુત્ર રામુનો રોલ રાજેન્દ્રકુમારે, રાધાના પતિ શ્યામુનો રોલ રાજકુમારે અને ખલનાયક સુખીલાલાનો રોલ કનૈયાલાલે કર્યો હતો.
`મધર ઈન્ડિયા’ ફિલ્મ એના સમયની સહુથી વધુ બજેટ ધરાવતી ફિલ્મ હતી. ૧૯૫૭માં બનેલી આ ફિલ્મનું બજેટ ૬૦ લાખ રૂપિયાનું હતું. આ ફિલ્મે બોક્સઓફિસ પર રૂ. ૮ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ મુંબઈ અને દિલ્હીમાં રજૂ થઈ હતી અને આ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દેશના એ વખતના મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ હાજરી આપી હતી.
ફિલ્મનું શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટુડિયો તથા મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશનાં ગામોમાં કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મની કથા કંઈક આવી હતી. ૧૯૫૭માં નવા ભારતના નિર્માણના ભાગ રૂપે પાણીની એક નહેરનું બાંધકામ પૂરું થયા પછી ગામમાં `મધર’ તરીકે જાણીતી રાધાને આ કેનાલનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ અપાય છે. ૭૦ વર્ષની વય ધરાવતી ગ્રામ્ય નારી રાધા કેનાલનું ઉદ્ઘાટન કરવા માંડ માંડ હા પાડે છે અને નહેરના ઉદ્ઘાટન પહેલાં તેની નજર સમક્ષ એક ભૂતકાળ ખડો થાય છે. ફ્લેશબેકમાં ૭૦ વર્ષની રાધા પોતે જ્યારે યુવાન હતી ત્યારે તેનાં લગ્ન શ્યામુ નામના એક ગ્રામ કિસાન સાથે થાય છે. આ દૃશ્ય સાથે વાર્તા શરૂ થાય છે. આ લગ્ન માટે રાધાનાં સાસુ ગામમાં ગરીબ કિસાનોને ભારે મોટા વ્યાજ સાથે નાણાં ધીરતા સુખીલાલા પાસેથી નાણાં ઉછીનાં લાવ્યાં હોય છે. નાણાં પરત આપવામાં નિષ્ફળ જતાં ગામના વૃદ્ધ આગેવાનોનું પંચ નક્કી કરે છે કે શ્યામુ અને રાધાએ તેમણે પકવેલા અનાજનો ત્રીજો ભાગ રૂ. ૫૦૦ના ધિરાણના વ્યાજ પેટે શાહુકાર સુખીલાલાને ચૂકવવો.
શ્યામુ એક મહેનતકશ ખેડૂત છે. તેની જમીનની નીચે આવેલા મોટા પથ્થરને હટાવવા જતાં એના બંને હાથ છૂંદાઈ જાય છે. તે બે હાથ વગરનો અપંગ બની જાય છે. સુખીલાલા વારંવાર શ્યામુને અપમાનિત કરે છે. શ્યામુને લાગે છે કે તેની પાસે હવે હાથ નથી તેથી ઘર કે ખેતરમાં તે બિનઉપયોગી છે એવું વિચારીને રાધા અને તેનાં નાનાં ત્રણ સંતાનોને છોડીને ક્યાંય ચાલ્યો જાય છે. તે ભૂખ્યો રહીને મોતને ભેટવા આમ કરે છે. તેના થોડા જ સમય બાદ રાધાનો નાનો પુત્ર અને રાધાનાં સાસુનું મૃત્યુ થાય છે. તે પછી ખતરનાક વાવાઝોડું આવે છે. પ્રચંડ પૂરમાં ગામનાં અનેક ઘરોનાં વિનાશ થાય છે. ખેતરનો પાક પણ નષ્ટ થઈ જાય છે.
હવે શાહુકાર સુખીલાલાની નજર યુવાન રાધા પર બગડે છે. સુખીલાલા રાધાને અને તેનાં બાળકોને જો ભૂખમરાથી બચવું હોય તો રાધાને પોતાનો દેહ તેને સમર્પિત કરી દેવાની માંગણી કરે છે. યુવાન રાધા આવી વાહિયાત માંગણીને ફગાવી દે છે, પરંતુ રાધા અને તેનાં સંતાનોની પીડા હવે શરૂ થાય છે.
વાવાઝોડાના કારણે ગામના કેટલાક લોકો ગામ છોડી દેવા વિચારે છે, પણ રાધા બધાંને સમજાવી ગામને પુન: બેઠું કરવા તૈયાર કરે છે.
વર્ષો પસાર થઈ જાય છે. રાધાના બે પુત્રો બિરજુ અને રામુ હવે મોટા થઈ જાય છે. યુવાનીમાં પ્રવેશે છે. રાધાનો મોટો પુત્ર બિરજુ નાનપણથી જ સખત મિજાજનો છે. શાહુકાર સુખીલાલાની માંગણીઓથી ત્રસ્ત થઈ સુખીલાલાની દીકરી રૂપા સહિત ગામની કેટલીક છોકરીઓને તંગ કરતો રહે છે. બિરજુનો ભાઈ રામુ એનાથી ઊલટા સ્વભાવનો એટલે કે શાંત હોય છે. તે લગ્ન પણ કરે છે, પરંતુ બિરજુ ગામના શાહુકાર સુખીલાલાના ત્રાસથી વધુ ગુસ્સે ભરાય છે. સુખીલાલાની અનૈતિક માંગણીઓથી ગુસ્સે ભરાયેલો બિરજુ સુખીલાલાના ઘરમાંથી તેની માતાનાં ગીરો મૂકેલાં કંગન ચોરી લે છે અને ખુલ્લો બહારવટે ચડે છે.
રાધા શાહુકાર સુખીલાલાને વચન આપે છે કે તેનો બહારવટે ચડેલો પુત્ર બિરજુ સુખીલાલાને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે બધું જ કરશે. હવે શાહુકાર સુખીલાલાની પુત્રી રૂપાનું લગ્ન લેવાય છે. બસ એ જ દિવસે બહારવટે ચડેલો રાધાનો પુત્ર બિરજુ તેની ગેંગ લઈને સુખીલાલાના ઘેર ત્રાટકે છે. તે સુખીલાલાની હત્યા કરી નાંખે છે. અને તેની પુત્રી રાધાનું અપહરણ કરી લે છે. એ ઘોડા પર બેસી રાધાને લઈને ગામમાંથી ભાગી જવા પ્રયત્ન કરે છે, પરંતુ બિરજુની માતા ગામની અપહરણથી રક્ષણ કરવા બહારવટે ચડેલા પોતાના જ પુત્ર બિરજુ પર બંદૂકમાંથી ગોળી ચલાવી પુત્રને મારી નાંખે છે. બિરજુ તેની માતાના ખોળામાં જ અંતિમ શ્વાસ લે છે.
ફ્લેશબેક અહીં પૂરો થાય છે અને હવે ૭૦ વર્ષની વયે પહોંચેલી રાધા કેનાલનું ઉદ્ઘાટન કરે છે, પરંતુ કેનાલમાંથી વહેતું પાણી લોહીના રંગ જેવું લાલ લાલ છે, જે ખેતરોમાં વહેવા માંડે છે.
પુત્ર ગામની છોકરીને ઉપાડી જતો હોય તો એ પુત્રની સગી માતા એ પાપને રોકવા પોતાના જ પુત્રને ગોળીએ દેતાં અચકાતી નથી, આ છે `મધર ઈન્ડિયા.’
આવી કથા આજ સુધી લખાઈ નથી અને લખાશે પણ નહીં. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય નારીનું ઉત્કૃષ્ટ સ્વરૂપ રજૂ કરવાનું કામ મહેબૂબ ખાને કર્યું કે જેઓ મુસ્લિમ હતા.
આ ફિલ્મની બીજી નોંધપાત્ર વાત એ છે કે ફિલ્મની શરૂઆતના દૃશ્યમાં આવતાં ૭૦ વર્ષની રાધાનો રોલ નરગિસે કર્યો ત્યારે તેઓ માત્ર ૨૬ વર્ષનાં હતાં. આજની કોઈ પણ અભિનેત્રી ૭૦ વર્ષની વૃદ્ધા બનવા ભાગ્યે જ તૈયાર થાય.
ફિલ્મમાં ગામના લોકો સામૂહિક હિજરત કરી જાય એ દૃશ્ય માટે ૩૦૦ જેટલાં બળદગાડાં ૨૦૦ સાચુકલા ખેડૂતો, ઘોડા અને ટ્રેક્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખેતરમાં લાગતી આગનું દૃશ્ય મહેબૂબ ખાને ગુજરાતમાં સુરત પાસે આવેલા ઉમરા ગામની સીમમાં ચિત્રિત કર્યું હતું.
આ ફિલ્મને સ્પેનીશ, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં ડબ કરીને તે દેશોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.
બીજી નોંધપાત્ર વાત એ છે કે `મધર ઈન્ડિયા’ ફિલ્મમાં બીરજુની માતા રાધાનો રોલ કરનાર નરગિસે ફિલ્મમાં પુત્રનો રોલ કરનાર સુનીલ દત્ત સાથે કેટલાંક વર્ષો બાદ લગ્ન કરી લીધાં હતાં. વાત એમ હતી કે ફિલ્મના એક દૃશ્યમાં ખેતરમાં ગોઠવેલા ઘાસની ગંજીઓને ભયાનક લાગે છે અને તે દૃશ્ય ભજવતી વખતે નરગિસ એ ભયંકર આગમાં સાચુકલા સપડાઈ ગયાં હતાં ત્યારે એક્ટર સુનીલ દત્તે વાસ્તવમાં પણ નરગિસને એ જબરદસ્ત આગમાંથી બચાવી બહાર કાઢ્યાં હતાં. સુનીલ દત્તને ઈજાઓ પણ થઈ હતી. આ ઘટના બાદ ૧૯૫૮માં નરગિસે લાગણીભીનાં થઈ સુનીલ દત્ત સાથે લગ્ન કર્યાં હતાં.
યુવાન રાધા(નરગિસ)ને અને વૃદ્ધ રાધા (નરગિસ)ને નિહાળવાં હોય તો આ ફિલ્મ અવશ્ય જોવી જ રહી.
`મધર ઈન્ડિયા’ ફિલ્મ માટે નરગિસને અને નિર્માતા નિર્દેશક મહેબૂબ ખાનને અનેક એવોર્ડ્સ મળ્યા. ૧૯૫૮માં નરગિસને આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે `બેસ્ટ એક્ટ્રેસ’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. તે પછી જેક રિપબ્લિકમાં યોજાયેલા કાર્લોવી વેરી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ નરગિસને આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે `બેસ્ટ એક્ટ્રેસ’નો એવોર્ડ એનાયત થયો. વિદેશમાં આ પ્રકારનો એવોર્ડ મેળવનાર નરગિસ પ્રથમ ભારતીય અભિનેત્રી હતાં. મહેબૂબ ખાનને પણ શ્રેષ્ઠ દિગ્દર્શન માટે એવોર્ડ મળ્યો. આ યાદી લાંબી છે.
આ ફિલ્મનાં જે ગીતો લોકપ્રિય સાબિત થયાં, તેમાં : (૧) `ચૂંદરિયા કટતી જાયે રે’ (2) `નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢૂં રે સાવરિયા’ (૩) `દુનિયા મેં હમ આયે હૈં તો જીના ભી પડેગા’ (૪) `ઓ ગાડીવાલે’ (૫) `મતવાલા જિયા’ (૬) `દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા’ (૭) `ઓ મેરે લાલ આજા’ અને (૮) `ના મૈં ભગવાન હૂં ના મૈં શયતાન `હૂં’ વગેરેનો સમાવેશ થાય છે.
વર્ષો બાદ હિન્દી ફિલ્મોના વાર્તાલેખક, કવિ અને પટકથા લેખક જાવેદ અખ્તરે કહ્યું હતું: `બધી જ હિન્દી ફિલ્મો `મધર ઈન્ડિયા’માંથી જ આવે છે.’




