અમેરિકામાં રહેતી ક્રિસ્ટી ક્રેગના જીવનના એક અનુભવની આ ઘટના છે. ક્રિસ્ટી કહે છે, “આપણને બધાંને જ એ વાતની ખબર છે કે મધ્યરાત્રિએ ફોનની ઘંટડી રણકી ઊઠે તો કેટલી બધી ચિંતા થાય? એ રાત્રે પણ અમે બધાં ઘસઘસાટ ઊંઘમાં હતાં. અચાનક મારા ઘરના ફોનની ઘંટડી રણકી ઊઠી. મેં જોયું તો મારા લેન્ડલાઇન ફોન પર લાલ લાઇટ ઝબક ઝબક થતી હતી. મધરાત હતી. ખૂબ જ ગભરાટ સાથે મેં અડધી તંદ્રાવસ્થામાં ફોનનું રિસીવર ઉપાડયું.s
મેં કહ્યું, “હલો.” મારું હૃદય ધબકી રહ્યું હતું. બારી બાજુમાં જ સૂતેલા મારા પતિ તરફ મેં જોયું. તે પણ હવે અવાજ થતાં મારી તરફ પડખું ફેરવી રહ્યા હતા.
મને બરાબર સંભળાતું નહોતું. એ અવાજ સાંભળતાં જ મારી દીકરીના વિચારો આવી ગયા. થોડી વાર બાદ સામા છેડેથી રડતા સ્વરમાં આવતો અવાજ હવે સ્પષ્ટ થયો. ગભરાટ સાથે મેં મારા પતિનો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો.
સામે છેડેથી એ બોલી રહી હતી, “મમ્મા, હું જાણું છું કે મેં બહુ જ મોડા તમને ફોન કર્યો છે, પણ તમે કાંઈ જ … કાંઈ જ બોલશો નહીં. હું જ્યાં સુધી મારી વાત પૂરી ના કરું ત્યાં સુધી કાંઈ જ બોલશો નહીં અને તમે મને કાંઈ પણ પૂછો તે પહેલાં જ હું તમને કહી દઉં છું કે મેં ખૂબ ડ્રિંક્સ લીધેલું છે. બારમાંથી ડ્રિંક્સ લઈને નીકળ્યા બાદ હું મારી કાર ચલાવતી હતી, પણ ડ્રિંક્સના કારણે મારી કાર રોડથી નીચે ઊતરી ગઈ છે અને…”
મારા શ્વાસ અધ્ધર થઈ ગયા. મેં મારા પતિના હાથની પકડ ઢીલી કરી. મેં મારું કપાળ દબાવ્યું.
સામે છેડેથી વાત ચાલુ હતી. એ બોલી રહી હતી, “મમ્મા, મારી કાર એક ઝાડ સાથે અથડાઈ ગઈ છે. હું ખૂબ જ ગભરાઈ ગઈ છું. મમ્મા, મને તમારા જ વિચારો આવે છે. કોઈ પોલીસવાળો આજે રાત્રે ઘેર આવીને તમને કહે કે તમારી દીકરી કાર અકસ્માતમાં મૃત્યુ પામી છે, તો સાંભળી તમને કેવો આઘાત લાગે…? મમ્મા, પણ હું બચી ગઈ છું. થોડું વાગ્યું છે. મમ્મા, એ વાત સાચી છે કે હું ઘેરથી ભાગી ગઈ એ મારી ભૂલ હતી. મને ખબર છે કે જે દિવસે હું ઘેરથી ભાગી ગઈ તે દિવસથી તમે ખૂબ ચિંતામાં છો. મારે તમને થોડા દિવસો પહેલાં દિવસ દરમિયાન ફોન કરવાની
અને એ ડૂસકું લેતી રહી. એનાં ડૂસકાંએ મારા હૃદયને હચમચાવી દીધું. મારી દીકરીનો ચહેરો મારી નજર સમક્ષ તરવરી રહ્યો. મેં બોલવા પ્રયાસ કર્યો : “પણ.. હું માનું છું કે….”
હું બોલવાનું શરૂ કરું તે પહેલાં મારી વાત કાપી નાંખતાં સામે છેડેથી મારા રિસીવરમાં અવાજ આવ્યો, “નો મમ્મા, નો પ્લીઝ! આજે તમે મને જ બોલવા દો પ્લીઝ! એ અવાજમાં દુઃખ, પસ્તાવો અને હતાશા હતાં.
મેં એક-બે ક્ષણ મૌન સેવ્યું. હું પણ એ શું કહેવા માંગે છે તે સાંભળી લેવા માંગતી હતી. એ બોલતી રહી, આઈ એમ પ્રેગ્નન્ટ મમ્મા! મારે આ અવસ્થામાં દારૂ પીવો જોઈતો ન હતો. … મને વાગ્યું છે. હું બહુ જ ગભરાઈ ગઈ છું મમ્મા. આઈ એમ સ્કેરડ.. મમ્મા.”
અને અવાજ તૂટી ગયો. મારી આંખો પણ ભીની થઈ રહી હતી. મારા પતિ હવે સૂતાં સૂતાં જ મારા ચહેરા પરની વેદનાથી જાણે કે પૂછી રહ્યા હતા, “શું થયું છે…?”
મેં મારા હસબન્ડને હમણાં મૌન રહેવા મારા હોઠ પર આંગળી મૂકી, પણ એમનાથી ના રહેવાતાં તેઓ ઊભા થયા અને બાજુના રૂમમાં રાખવામાં આવેલ પેરેલલ ફોનનું રિસીવર ઉપાડી ચિંતાથી સાંભળવા લાગ્યા.
મારા હસબન્ડે ફોન ઉપાડતાં જે ક્લિક અવાજ થયો તે સાંભળી એ બોલી, “મમ્મા, હજુ તમે સાંભળી રહ્યાં છો ખરાં? પ્લીઝ! ફોન મૂકી ના દેશો. આ ક્ષણે મને તમારી બહુ જ જરૂર છે. હું સાવ એકલી પડી ગઈ છું.”
મેં ફોનને બરાબર પકડી રાખતાં બારણાની અંદર બીજા ફોનનું રિસીવર પકડીને ઊભેલા મારા હસબન્ડ તરફ જોઈ હાથના ઇશારાથી મેં તેમનું માર્ગદર્શન માંગ્યું. એમણે મોં હલાવ્યું. એ પછી મેં કહ્યું, “ડોન્ટ વરી બેટા, હું તને સાંભળી રહી છું. હું ફોન નહીં મૂકું.”
એ બોલતી રહી, “મારે તમને પહેલાંથી જ બધું કહી દેવાની જરૂર હતી. મમ્મા, હું જાણું છું કે આપણે જ્યારે પણ વાત કરતાં હતાં ત્યારે મારે શું કરવું જોઈએ એ જ વાત કરતાં હતાં.
કોઈની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. અરે, સેક્સ અંગે પણ કેવી રીતે વાત કરવી જોઈએ એ વિષય પરનાં બધાં જ પેમ્ફ્લેટ્સ તમે વાંચી ગયાં હતાં, પણ તમે તો વાત કરતાં જ રહ્યાં. તમે મને તો કોઈ દિવસ સાંભળી જ નહીં. મને કેવી લાગણી થાય છે તે કહેવાની તક પણ તમે તો મને કદી આપી જ નહીં. જાણે કે મારી લાગણીઓનું કોઈ મહત્ત્વ જ નહોતું. તમે મારી મા છો એટલે જાણે કે તમારી પાસે બધા જ જવાબો તૈયાર છે, પરંતુ કેટલીક વાર મને જવાબો જોઈતા નથી. હું પણ એવું ઇચ્છતી હતી કે કોઈ મને પણ સાંભળે. કોઈ મને પણ સમજે.”
હું એની વાતો સાંભળી વધુ ભાવવિભોર થતી ગઈ. બાળકો સાથે કેવી રીતે વાતો કરવી જોઈએ એ વિષય પર હું વિચારવા લાગી. મેં કહ્યું, “હું તને સાંભળી રહી છું બેટા.”
વળી એ બોલી, “મમ્મા, તું જાણે છે? રસ્તા પરથી ઊતરી ગયેલી કારને બહુ નુકસાન થયું નથી, પણ હવે મને લાગે છે કે મારા આવનારા બાળકની મારે અત્યારથી જ કાળજી લેવી પડશે. કારમાંથી બહાર આવતાંની સાથે જ મેં પબ્લિક ટેલિફોનનું બૂથ જોયું. સૌથી પહેલાં તમે જ યાદ આવ્યાં મમ્મા. એટલે જ મેં તમને ફોન કર્યો. મારે ફરી એક વાર માટે ક્યારે ડ્રિંક્સ લેવું જોઈએ, લેવું જોઈએ કે નહીં અને મારે કેવી રીતે કાર ચલાવવી જોઈએ એ બધા જ વિષયો પર હું તમારી શિખામણ સાંભળવા માગું છું. મમ્મા,મેં તમને ફોન કરતાં ટેક્સી બોલાવવાનો ફોન કરી દીધો છે. થોડી વારમાં જ ટેક્સી આવી જશે. મારે ઘેર આવવું છે, મમ્મા.”
મેં કહ્યું, “ધેટ્સ ગૂડ હની. જલદી ઘેર આવી જા બેટા.” એટલું બોલ્યા બાદ મને શાંતિ થઈ. મારા હસબન્ડ પણ પેરેલલ પોર્ટેબલ ફોન લઈ મારી પાસે આવ્યા. તેમના ચહેરાના ભાવ પરથી લાગતું હતું કે હું જે કાંઈ કહી રહી હતી તે બરાબર જ હતું.
વળી એ બોલી, “પણ મમ્મા મને લાગે છે કે હું હજી ડ્રાઇવ કરી શકું તેમ છું.”
“નો, મેં મોટા અને સત્તાવારી સ્વરે કહ્યું. “પ્લીઝ, વેઇટ ફોર ટેક્સી. ટેક્સી આવે નહીં ત્યાં સુધી મારી સાથે વાત કર. ફોન મૂકીશ નહીં.”
મેં કહ્યું, “હું જાણું છું બેટા, પણ ટેક્સી આવે તેની રાહ જો. આટલું કામ મમ્મા માટે કર, પ્લીઝ!”
અને કેટલીક વાર શાંતિ છવાઈ. કેટલીયે વાર સુધી સામે છેડેથી કોઈ અવાજ આવ્યો નહીં. મને ફરી ચિંતા થઈ. મેં રિસીવર પકડી રાખતાં મારી આંખો બંધ કરી લીધી. હું એને ડ્રિંક્સની હાલતમાં કાર ચલાવવા દેવા માંગતી નહોતી અને સામે છેડેથી અવાજ આવ્યો, ટેક્સી આવી ગઈ છે મમ્મા.
મેં સાંભળ્યું કે, યલો કેબ ટેક્સીનો ડ્રાઇવર એને બોલાવી રહ્યો હતો. મને શાંતિ થઈ.
એ બોલી, હું ઘેર આવી રહી છું મમ્મા.” અને સામે છેડેથી ફોન મુકાઈ ગયાનો અવાજ આવ્યો. ફોન મૌન થઈ ગયો. મેં પણ રિસીવર મૂકી દીધું, પણ મારી આંખમાં આંસુ હતાં. હું મારો બેડરૂમ છોડીને લિવિંગરૂમમાં આવી. બાજુના રૂમમાં મારી સોળ વર્ષની દીકરી સૂતી હતી. રાત્રિ આગળ વધી રહી હતી. ચારે તરફ ગજબનાક શાંતિ હતી. થોડી ક્ષણો બાદ મારા બસબન્ડ પણ મારી પાસે આવ્યા. એમણે એમના હાથ મારામાં પરોવ્યા. મારા માથા પર તેમનું માથું ટેકવ્યું. મેં મારા ગાલ પરનાં આંસુ લૂછી નાંખ્યા. મેં મારા હસબન્ડને કહ્યું, આપણે આપણાં બાળકોને સાંભળતાં શીખવું જોઈએ.
મારા હસબન્ડે ફરી મને તેમની પાસે લીધી. એ પછી એમણે મને પૂછયું, “ડિયર, એ છોકરીએ રોંગ નંબર ડાયલ કર્યો હતો તેની તેને ક્યારેય ખબર પડશે?” અને મેં ધીમેથી બારણું ખોલી ઘસઘસાટ ઊંઘતી મારી દીકરીના માસૂમ ચહેરા તરફ નજર નાંખી. એ પછી મેં મારા હસબન્ડના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, “મને લાગે છે કે આપતના સમયમાં એને એની માની જરૂર હતી. એ ભલે આપણી દીકરી નહોતી, પરંતુ મારી દૃષ્ટિએ એ સાવ રોંગ નંબર નહોતો.”
અને એ વખતે અમારી દીકરી જાગી ગઈ. એણે અમને પૂછયું, “મોમ, ડેડ! અત્યારે આટલી રાત્રે તમે અહીં કેમ ઊભાં છો?”
મેં કહ્યું, “બેટા, અમે કાંઈક શીખી રહ્યાં છીએ.”
પણ હું બોલતી રહી, બાળકોને સાંભળવાનું. એટલું બોલી મેં મારી દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને તે થોડી જ ક્ષણોમાં ઊંઘી ગઈ.
ચિકન સૂપ ફોર ધી મધર્સ સોલ -૨” નામના પુસ્તકમાં પ્રગટ થયેલી એક સત્યઘટના આજે મધર્સ ડે નિમિત્તે અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. આ સત્યઘટના શ્રીમતી ક્રિસ્ટી ક્રેગ નામનાં અમેરિકન મહિલા સાથે ઘટી હતી. તેઓ જે દીકરીનાં મમ્મા નહોતાં છતાં એક મા તરીકે તેમણે જે લાગણી અનુભવી એ એમના જ શબ્દોમાં. એમના અને ચિકન સૂપ ફોર ધી મધર્સ સોલ -૨ ” પુસ્તકના સૌજન્યથી અહીં રજૂ કરવામાં આવી છે.




