Scientist Albert Einstein poses for a portrait in 1947. (Photo courtesy Library of Congress/Getty Images)
આલ્બર્ટ આઈનસ્ટાઈન એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે શોધેલી `થિયરી ઓફ રિલેટિવિટી’ના કારણે તેઓ આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. આ થિયરીને સરળ ભાષામાં સમજવી હોય તો એમ કહી શકાય કે તમે જ્યારે એક પરમાણુનું સૂક્ષ્મ વિભાજન કરો છો ત્યારે પ્રચંડ ઊર્જા પેદા થાય છે. તેમની આ થિયરીનો દુરુપયોગ કરીને અમેરિકાના ઓપન હાયમર નામનો વૈજ્ઞાનિકે પરમાણુ બોમ્બ વિકસાવ્યો હતો. આઈનસ્ટાઈન પોતે પરમાણુ બોમ્બના સમર્થક નહોતા. તેઓ તો શાંતિપ્રિય વ્યક્તિ હતા.
તેમના આ સંશોધનના કારણે ૧૯૨૧માં તેમને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. તેઓ ભૌતિકશાસ્ત્રી હતા.
આલ્બર્ટ આઈનસ્ટાઈનનો જન્મ તા.૧૪મી માર્ચ, ૧૮૭૯ના રોજ જર્મન સામ્રાજ્ય હેઠળના ઉલ્મ ખાતે થયો હતો. તેઓ યહૂદી માતા-પિતાનું સંતાન હતા. તેમના પિતાનું નામ હર્મન આઈનસ્ટાઈન હતું. પિતા એક સેલ્સમેન અને એન્જિનિયર હતા. ૧૮૮૦માં એ પરિવાર જર્મનીમાં મ્યુનિક ખાતે સ્થળાંતર કરી ગયો. તે વખતે આલ્બર્ટ આઈનસ્ટાઈનની ઉંમર ત્રણ વર્ષની હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ મ્યુનિકની કેથલિક એલિમેટરી સ્કૂલ ખાતે થયું. તે પછી આગળ ભણવા ઝૂરીક ગયા. ૧૯૦૫માં તેમણે યુનિવર્સિટી ઓફ ઝુરિક દ્વારા પીએચ.ડી.ની ડીગ્રી હાંસલ કરી. એ પછી તેમણે કરેલાં સંશોધનોમાં તેઓ જે માટે જાણીતા બન્યા તેમાં જનરલ રિલેટિવિટી, સ્પેશિયલ રિલેટિવિટી, ફોટો સેન્ટ્રિક, ઈફેક્ટ, થિયરી ઓફ રિલેટિવિટી, થિયરી ઓફ બ્રાઉનિયન મોશન વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ સંશોધનો માટે તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા તેમાં (૧) બર્નાન્ડ મેડલ (૧૯૨૦) (૨) નોબેલ પ્રાઈઝ (૧૯૨૧) (૩) મેટેયુસી એવોર્ડ (૧૯૨૧) (૪) ગોલ્ડ મેડલ ઓફ ધી રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી (૧૯૨૬) (૫) મેક્સ પ્લાન્ક એવોર્ડ (૧૯૨૯) (૬) `ટાઈમ્સ’ પર્સન એવોર્ડ ઓફ ધી સેન્ચુરી (૧૯૯૯) વગેરેનો સમાવેશ થાય છે.
આઈનસ્ટાઈનનાં વિધાનો
આલ્બર્ટ આઈનસ્ટાઈનના વિચારો આ પ્રમાણે છે.
(૧) જિંદગી જીવવાના બે જ રસ્તા છે: એક એ કે કોઈ જ ચમત્કાર નથી અને બીજું એ કે બધું જ ચમત્કાર છે.(૨) જો તમે તમારાં બાળકોને બુદ્ધિશાળી બનાવવા માંગત હો તો તેમને પરીકથાઓ વાંચવા દો. જો તેમને વધુ બુદ્ધિશાળી બનાવવા માંગતા હો તો તેમને વધુ ને વધુ પરીકથાઓ વાંચવા દો. (૩) જીવન એક બાઈસિકલ-સાઈકલ જેવું છે. સંતુલન જાળવીને આગળ વધતા રહો. (૪) સફળ વ્યક્તિ બનવાના બદલે મૂલ્યવાન એટલે કે `મેન ઓફ વેલ્યૂ’ બનો. (૫) પ્રેમમાં પડવા માટે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જવાબદાર નથી. (૬) સર્જનશક્તિ એ જ ફન વિથ ઈન્ટેલિજન્સ છે. (૭) જે કોઈ વ્યક્તિ નાનીનાની બાબતો પ્રત્યે પણ નિષ્કાળજી દાખવે છે તે વ્યક્તિ પર મહત્ત્વપૂર્ણ બાબતો માટે ભરોસો રાખી શકાય નહીં.(૮) અર્ધદગ્ધ દિમાગ ધરાવતા લોકો તરફથી થતી હિંસા સામે મોટા આત્માઓએ હંમેશાં સંઘર્ષ કર્યો છે. (૯) જેણે કાંઈ નવું કરવા પ્રયત્ન કર્યો નથી તેણે જ કોઈ ભૂલો કરી નથી. અર્થાત્ ભૂલો ભલે થાય, હંમેશાં પ્રયત્નશીલ રહો. (૧૦) તર્ક-લૉજિક તમને `એ’ ટુ `ઝેડ’ સુધી લઈ જશે પરંતુ ઈમેજિનેશન- કલ્પના તમને બધે જ લઈ જઈ શકે છે.
ધર્મ અને વિજ્ઞાન
આઈનસ્ટાઈન કહે છે : (૧૧) આ દુનિયા એક ભયાનક છે. એ માટે અનિષ્ટ જવાબદાર નથી પરંતુ એ અનિષ્ટ સામે કોઈ કાંઈ કરતું નથી તેથી આ વિશ્વ ડેન્જરસ બની જાય છે. (૧૨) આપણને બધાને ખબર છે કે ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ તેજ છે તે કારણે જ કેટલાક લોકો બોલતા નથી તેથી તેઓ તેજસ્વી લાગે છે. (૧૩) દરેક ચીજને સરળ બનાવતાં શીખો, સાવ સરળ નહીં. (૧૪) હું કોઈ સ્પેશિયલ ટેલેન્ટ કૌશલ ધરાવતો નથી. હું તો બસ જિજ્ઞાસુ જ છું. (૧૫) કેટલીક વખત ફરજ કરતાં `પ્રેમ’ સારો લાગે છે. (૧૬) ઈન્ટેલિજન્સનું માપ પરિવર્તન લાવવાની ક્ષમતા છે. (૧૭) જે સાચું છે તે જ પોપ્યુલર છે તેમ નથી તે જ રીતે જે પોપ્યુલર છે તે જ હંમેશાં સાચું છે તેવું પણ નથી. (૧૮) એવું નથી કે હું બહુ સ્માર્ટ છું, પરંતુ હું હંમેશાં પ્રશ્નોની સાથે જ વધુ સમય રહું છું.(૧૯) જો તમે સતત પ્રયત્નશીલ રહેશો તો નિષ્ફળ નહીં જાવ. (૨૦) એક આર્ટિસ્ટ તેની કલ્પનાથી ચિત્ર દોરે છે તેમ બસ હું તેવો જ છું. જ્ઞાન-નોલેજ કરતાં ઈમેજિનેશન વધુ મહત્ત્વપૂર્ણ છે. જ્ઞાનની સીમા મર્યાદિત છે. જ્યારે ઈમેજિનેશન આખા વિશ્વને આંબી લે છે.
મુશ્કેલીઓની વચ્ચે તક
(૨૧) એક હોશિયાર વ્યક્તિ પ્રશ્ન હલ કરે છે જ્યારે ડાહ્યો માણસ તે તરફ ધ્યાન આપતો જ નથી. (૨૨) જો હું એક ભૌતિકશાસ્ત્રી ન હોત તો હું સંભવત: હું એક સંગીતકાર હોત. મને સંગીતના વારંવાર વિચારો આવે છે અને સંગીતનાં જ દિવાસ્વપ્નો નિહાળું છું. હું મારા જીવનને સંગીતની વ્યાખ્યામાં જ ઢાળું છું. (૨૩) પ્રેમ એ ફરજ કરતાં `બેટર માસ્ટર’ છે. (૨૪) જિનિયસ તો માત્ર એક ટકો જ છે પરંતુ ૯૯ ટકા અથાગ પરિશ્રમ છે. (૨૫) દરેક મુશ્કેલીઓની વચ્ચે એક તક-ઓપોર્ચ્યુનિટી પણ રહેલી છે. (૨૬) જો તમે કોઈ વાત છ વર્ષના બાળકને સમજાવી શકતા નથી તો એનો અર્થ એ છે કે તમે જ સમજી શકતા નથી. (૨૭) આ વિશ્વ આપણી વિચાર પ્રક્રિયાથી આપણે સર્જેલું છે અને જ્યાં સુધી તમે તમારી વૈચારિક પ્રક્રિયા બદલશો નહીં ત્યાં સુધી વિશ્વમાં બદલાવ લાવી શકશો નહીં. (૨૮) જો તમે પ્રેમને સ્પર્શશો તો તેમાંથી બેઠા થઈ શકો છો પરંતુ જો તમે પ્રેમમાં પડશો તો ફરી ઊભા થઈ શકશો નહીં. (૨૯) બે ચીજો અનંત છે: એક તો યુનિવર્સ અને બીજુ મૂર્ખતા. (૩૦) શાંતિ દબાણથી કે તાકાતથી સ્થાપી શકાય નહીં. શાંતિ સમજાવટથી જ પ્રસ્થાપિત કરી શકાય. (૩૧) તમારે ખુશ રહેવું હોય તો બીજાઓને ખુશ કરો. (૩૨) ધર્મ વગરનો પ્રેમ લંગડો છે અને વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે. (૩૩) હું દરેકની સાથે એકસમાન રીતે જ વાત કરું છું. પછી ભલે તે કચરાપટ્ટી જેવો માણસ હોય કે યુનિવર્સિટીનો પ્રેસિડેન્ટ.
– આવાં છે અાલ્બર્ટ આઈનસ્ટાઈનનાં વિધાનો. ચાલો, હવે ફરી એક વાર નાનો ફ્લેશ બૅક જોઈએ. આવા મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન માટે જાણવા જેવી વાત એ છે કે તેઓ ચાર વર્ષના થયા ત્યાં સુધી બોલી શકતા નહોતા. સાત વર્ષના થયા ત્યાં સુધી તેમને વાંચતાં આવડતું નહોતું. નીચું મોં રાખીને એક આળસુની જેમ સ્કૂલમાં જતા હતા. સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને તેમના ઘરનું સરનામું પણ યાદ રહેતું નહોતું. આ જ આઈનસ્ટાઈન એક દિવસ વિશ્વના નોબેલ પ્રાઈઝ વિજેતા બન્યા.
નોંધપાત્ર વાત એ છે કે તેઓ જ્યારે યુવાન હતા ત્યારે જર્મનીમાં મ્યુનિકની ટેક્નિકલ યુનિવર્સિટીએ તેમને એડમિશન આપવા ઈન્કાર કરી દેતાં કહ્યું હતું : `એક વિદ્યાર્થી તરીકે તમે આશાસ્પદ કે તેજસ્વી નથી.’ એ જ આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૦૫માં વિશ્વને `થિયરી ઓફ રિલેટિવિટી’ આપી અને નોબેલ પ્રાઈઝના હકદાર બન્યા.
તમારું બાળક શરૂઆતમાં તેજસ્વી ન જણાય તો તેને હડધૂત કરશો નહીં. કોઈ વાર અાવાં જ બાળકો વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક પણ બની શકે છે.