સમગ્ર વિશ્વમાં તા. ૩ ડિસેમ્બરના રોજ `વિશ્વ દિવ્યાંગ દિન’ મનાવવામાં આવ છે. આ ઉપલક્ષ્યમાં આજે વિશ્વવિખ્યાત સ્ટિફન હોકિંગના જીવનની પ્રેરકકથા અહીં પ્રસ્તુત છે.સ્ટિફન હૉકિંગ હવે રહ્યા નથી, પણ તેમની જિંદગી પ્રેરણાદાયક છે.
જો તમે અપંગ છો, અગર ભગવાને તમને કંઇક ઓછું આપ્યું હોય તો નિરાશ ન થાવ અને સ્ટીફન હૉકિંગની આ વાત એમના જ શબ્દોમાં વાંચો: `મારો જન્મ બ્રિટનમાં થયો. પહેલાં મારો પરિવાર લંડનમાં રહેતો હતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ અમે ઑક્સફર્ડ શહેરમાં રહેવા આવી ગયા. મારા પિતા ડૉક્ટર હતા અને તેઓ ઇચ્છતા હતા કે હું પણ ડૉક્ટર બનું, પરંતુ મને ગણિતમાં રસ હતો. મારા પિતાએ તેમના વિચારો મારી પર ઠોકી બેસાડવા તમામ પ્રયાસો કરી જોયા. ૧૧ વર્ષની વયે મને સેન્ટ અલબસ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. શાળાના દિવસોના મારા અક્ષરો ખરાબ હતા. શિક્ષકો મને સજા કરતા. શિક્ષકો મારી પર નારાજ રહેતા. સ્કૂલનું ભણવાનું પૂરું થયા બાદ હું આગળ અભ્યાસ માટે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયો. કૉલેજના દિવસોમાં હું વિજ્ઞાનના નવા નવા પ્રયોગો કરતો હતો. આ કારણે હું મિત્રોમાં અને શિક્ષકોમાં લોકપ્રિય બની ગયો. એ બધા મને આઇન્સ્ટાઇન કહીને બોલાવતા હતા. એ બધાને લાગતું હતું કે હું વિજ્ઞાનના વિષયમાં બહુ જ હોશિયાર છું અને આગળ ઉપર વૈજ્ઞાનિક બનીશ. મને વિજ્ઞાન સાથે સંકળાયેલાં રહસ્યો ખોજવામાં દિલચશ્પી હતી. એ વખતે મારી ઉંમર ૨૦ વર્ષની હતી. થોડા દિવસ પહેલાં જ મેં મારો જન્મદિવસ ઊજવ્યો હતો. કૉલેજમાં રજાઓના કારણે હું ઘેર આવેલો હતો. અચાનક સીડી ચડતી વખતે મને લાગ્યું કે હું બેહોશ થઇ રહ્યો છું. હું મારી જાતને સંભાળી શકું તે પહેલાં જ હું સીડી પરથી નીચે પડ્યો. બધાંને લાગ્યું કે હું કમજોર થઇ ગયો છું, પણ મને ઠીક લાગતું નહોતું. મને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો. મારી હાલત જોઇને ડૉક્ટરોને કંઇક શક પડ્યો. અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા. એ બધાના રિપોર્ટ્સ આવી ગયા બાદ કહેવામાં આવ્યું કે મને એક દુર્લભ બીમારી છે. એ બીમારીને `ન્યૂરોન મોર્ટાર ડિસીઝ’ કહે છે. આ બીમારીમાં શરીરનાં અંગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારી જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે શ્વાસનળી બંધ થઇ જાય છે અને દર્દીનું મોત નીપજે છે.
ડોક્ટરોએ કહ્યું કે, આ છોકરો બે વર્ષથી વધુ નહીં જીવે, પરંતુ મેં કહ્યું, `હું જીવીશ માત્ર બે વર્ષ નહીં, પરંતુ ઓછામાં ઓછાં પચાસ વર્ષ!’ મારી વાત સાંભળીને મારું મન રાજી રાખવા માટે બધાંએ મને કહ્યુંઃ `હા, તું લાંબું જીવીશ.’ ખરેખર તો એ બધાને મારા માટે દયા ઊપજી હતી. એ બધા માની ચૂક્યા હતા કે બસ હું થોડા દિવસોનો મહેમાન છું. જેમ જેમ મારી બીમારી વધતી ગઇ તેમ તેમ જિંદગી જીવવાની ઇચ્છા વધતી ગઇ. ધીમે ધીમે મારા શરીરનાં અંગ નબળાં પડી રહ્યાં હતાં, પણ મેં ભણવાનું બંધ કર્યું નહોતું. ઑક્સફર્ડમાં ભણવાનું પૂરું કર્યા બાદ નક્ષત્ર વિજ્ઞાનમાં સંશોધન માટે હું કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યો. પીએચ.ડી. કર્યું. તે પછી હું યુનિવર્સિટીમાં ભણાવવા લાગ્યો. લોકો મને પ્રોફેસર સ્ટિફન કહીને બોલાવવા લાગ્યા.
આ દરમિયાન મારા શરીરના જમણા હિસ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું. હવે હું મારા પગ પર ઊભો રહી શકતો નહોતો. હું લાકડીના સહારે ચાલવા લાગ્યો. એ વખતે જ જેન વાઇલ્ડ મારી જિંદગીમાં આવી. હું તેના પ્રેમમાં પડ્યો. એ પ્રેમે મને ભાવનાત્મક સહારો આપ્યો. હવે જીવવાની મારી ઇચ્છા વધુ પ્રબળ બની. મેં અને જેન વાઇલ્ડે લગ્ન કરી લીધાં. અમને ત્રણ સંતાનો પ્રાપ્ત થયાં. બાળકોએ અમને અપાર ખુશી બક્ષી. એક વૈજ્ઞાનિક તરીકે મારી કારકિર્દી આગળ વધી રહી હતી. એક તરફ દુનિયાભરમાં મારી ખ્યાતિ આગળ વધી રહી હતી તો બીજી તરફ મારા શરીરનાં અંગો સાથ છોડી રહ્યાં હતાં. મેં શારીરિક તકલીફો તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. હવે મારું બધું જ ફોક્સ મસ્તિષ્ક પર હતું, જે વિજ્ઞાનનાં રહસ્યોને સુલઝાવવામાં વ્યસ્ત હતું. શરીરનાં અંગો એક પછી એક કામ કરવાનું બંધ કરી રહ્યાં હતાં. પહેલાં જમણો અને તે પછી ડાબો ભાગ પણ કામ કરતો અટકી ગયો.
હવે લાકડી પણ અર્થહીન બની ગઇ. હું ચાલી શકતો નહોતો. હું ઊભો પણ થઇ શકતો નહોતો. મને અનેક ટેક્નિકલ સુવિધાઓથી સજ્જ એક વ્હિલચૅર આપવામાં આવી. એ એક અત્યંત અદ્યતન અને સ્માર્ટ વ્હિલચૅર હતી. તેમાં લાગેલાં ઉપકરણ મારા મસ્તિષ્કની અંદર ચાલતા વિચારોને વાંચવામાં, સમજવામાં સક્ષમ હતાં. ધીમે ધીમે બધી જ માંસપેશીઓ પરથી મારું નિયંત્રણ જતું રહ્યું. હું મારા ગાલ પર લગાડેલાં ચશ્માં પર લાગેલાં સેન્સરને કમ્પ્યૂટર સાથે જોડીને વાત કરવા લાગ્યો. શરીરથી હું સાવ અપંગ થઇ ગયો હતો, પણ દિમાગ મજબૂત હતું. મારી દુર્લભ બીમારીને મેં મારી તાકાત બનાવી દીધી. દુનિયાની તમામ ચીજોથી દૂર હું વિજ્ઞાનનાં સંશોધનોમાં દિમાગથી વ્યસ્ત થઇ ગયો. મને લાગ્યું કે જીવનમાં કંઇક કરવા માટે કોઇ ને કોઇ ધૂનની બહુ જ જરૂર રહે છે. કામ કરવાની ધૂન જીવનને એક હેતુ પૂરો પાડે છે.
એ પછી વૈજ્ઞાનિક સંશોધનોમાં મેં અંતરીક્ષના બ્લેક હૉલ અને બિગ બેંગની થિયરી પર મારું સંશોધન રજૂ કર્યું, જેનો દુનિયાએ સ્વીકાર કર્યો. આ સફરમાં મારી પત્ની જેન વાઇલ્ડ મારી સાથે હતી. એણે મને બહુ જ સાથ આપ્યો, પણ ધર્મ અને ઇશ્વરના અસ્તિત્વ વિશે અમારા બંનેના વિચારો અલગ હતા. ૧૯૯૫ની સાલમાં અમે અલગ થઇ ગયાં. ફરી એક વાર મેરી ઇલિયાના મેસન મારી જિંદગીમાં આવી અને અમે લગ્ન કરી લીધાં, પણ આ સાથ લાંબો ચાલ્યો નહીં. ૨૦૦૬માં અમારા છૂટાછેડા થઇ ગયા. ૨૦૦૭માં મેં અંતરીક્ષમાં મુસાફરી કરી, ભૌતિક વિજ્ઞાનમાં શ્રેષ્ઠ કામગીરી માટેના તમામ ઍવોર્ડ્સ મને મળ્યા. એક ડઝન ઍવોર્ડ મળ્યા.
ફિઝિક્સમાં તથા નક્ષત્ર વિજ્ઞાનમાં મેં કરેલાં સંશોધનો અંગે મેં અનેક પુસ્તકો લખ્યાં. `અ બ્રીફ હિસ્ટરી ઑફ ટાઇમ’, `બ્લેકહૉલ એન્ડ બેબી યુનિવર્સ’, `ધ યુનિવર્સ ઇન અ નટશેલ’, `ધ ગ્રાન્ડ ડિઝાઇન’ તથા `માય બ્રીફ હિસ્ટ્રી’ એ બધાં જ પુસ્તકો બેસ્ટ સેલર બની ગયાં. મને સૌથી વધુ ખુશી એ વાતની હતી કે મેં બ્રહ્માંડને સમજવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. દુનિયાના લોકો મારા સંશોધન અને કામને જાણે છે એ વાત પર મને ગર્વ થાય છે.
હું ૭૦ વર્ષનો થયો ત્યારે લોકોને લાગ્યું કે, હવે હું જિંદગીથી પરવારી ગયો હોઇશ, પરંતુ મારા જન્મદિવસે મેં કહ્યું કે, હું હજુ વધુ જીવવા માંગું છું. મારી આ વાત સાંભળીને ઘણાંને આશ્ચર્ય થયું હશે, પરંતુ મારી ભીતર મને હજુ વધુ જીવવાની તમન્ના બાકી હતી, કારણ કે વિજ્ઞાનનાં કંઇકેટલાંયે વણઉકેલેલાં રહસ્યો મારે ઉકેલવાના બાકી છે. મેં એવું મહેસૂસ કર્યું છે કે અગર કોઇ વ્યક્તિ અપંગ છે તો તેમાં એની કોઇ ભૂલ નથી. પોતાની અપંગતા માટે દુનિયાને જવાબદાર ઠેરવી શકાય નહીં. અપંગતા માટે દુનિયાને દોષ દેવાના બદલે બહેતર એ છે કે તમે મુશ્કેલીઓની વચ્ચે જ જીવવાનો શ્રેષ્ઠ વિકલ્પ શોધી લો. કોઇનીયે પાસેથી દયાની આશા રાખવી જોઇએ નહીં. મનની તાકાત સાથે હોય તો કોઇ જ કામ મુશ્કેલ નથી.’
અને સ્ટિફન હૉકિંગ તેમની વાત પૂરી કરે છે.
નોંધપાત્ર વાત એ છે કે, સ્ટીફન હોકિંગે તેમના મૃત્યુના બે અઠવાડિયાં પહેલાં જ વિશ્વના અંતની આગાહી કરતો એક સિદ્ધાંત પૂર્ણ કર્યો હતો. વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ એક ગણિતિક પેપરના સહલેખક હતા, જેમાં તેઓ કહેવાતા `મલ્ટિવર્સ’ સિદ્ધાંતને સાબિત કરી શકશે. આનાથી માનવોને આપણા પોતાના બ્રહ્માંડની વધુ સચોટ સમજ મળશે. ત્યાં બીજું શું છે તે સમજવામાં મદદ મળશે અને અંતે બ્રહ્માંડમાં આપણું સ્થાન સમજાશે.
`તેમને ઘણીવાર નોબેલ માટે નામાંકિત કરવામાં આવ્યા છે અને તેમને તે મળવું જોઈતું હતું. હવે તે ક્યારેય મેળવી શક્યા નહીં.’
`બુદ્ધિશાળી જીવન કદાચ જોઈ રહ્યું હશે’
હોકિંગ, જે કદાચ બ્લેક હોલ અને સાપેક્ષતાના સિદ્ધાંત પરના તેમના કાર્ય માટે જાણીતા હતા. તેમણે અગાઉ એવો વિચાર રજૂ કર્યો હતો કે ૨૬૦૦ સુધીમાં પૃથ્વી અગ્નિના વિશાળ ગોળામાં ફેરવાઈ જશે, તેથી માનવજાતે આખરે બીજા ગ્રહ પર વસાહત બનાવવી પડશે અથવા લુપ્ત થવાનો સામનો કરવો પડશે એમ તેમણે જણાવ્યું હતું.
૨૦૧૫માં હોકિંગે રશિયન અબજોપતિ યુરી મિલ્નર સાથે મળીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો, જેનો હેતુ એલિયન્સને સાંભળવા માટે ઉચ્ચ શક્તિવાળા કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાનો હતો. બ્રેકથુ ઈનિશિયેટિવ્સ તરીકે ઓળખાતો આ પ્રોજેક્ટ SETI@homeને સમર્થન આપે છે, જે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે ખાતે સ્થિત એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. તે જીવન શોધવા માટે આકાશને સ્કેન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે.
હોકિંગના અંતિમ કાર્ય `એ સ્મૂથ એક્ઝિટ ફ્રોમ ઈટર્નલ ઈન્ફ્લેશન’ની સમીક્ષા એક અગ્રણી વૈજ્ઞાનિક જર્નલ દ્વારા કરવામાં આવી રહી છે.’ તેમાં તેમણે આગાહી કરી હતી કે તારાઓની ઊર્જા ખતમ થઈ જતાં આપણું બ્રહ્માંડ આખરે અંધકારમાં ઝાંખું થઈ જશે. તેમણે બ્રહ્માંડના અંતની આગાહી કરી હતી.
સ્ટિફન હોકિંગને અસાધ્ય બીમારી છતાં તેઓ 76 વર્ષ સુધી જીવ્યા અને માર્ચ 2018માં તેમનું અવસાન થયું. વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે આ પ્રેરકકથા પ્રસ્તુત કરી છે.
—————————— —————————— —————————–



