નેતાઓ ભાગ્યે જ અભિનેતા બનવાનું પસંદ કરે છે, પરંતુ અભિનેતાઓ ક્યારેક નેતા બનવાનું પસંદ કરે છે. અમેરિકાના જાણીતા અભિનેતા આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગરે રાજનીતિમાં આવી કેલિફોર્નિયાના ગવર્નર બનવાનું પસંદ કર્યું હતું. ગુજરાતના અભિનેતાઓ
ગુજરાતના અભિનય સમ્રાટ તરીકે જાણીતા ઉપેન્દ્ર ત્રિવેદી અને રામાયણ ટીવી સીરીયલમાં રોલ કરનાર તેમના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ રાજનીતિમાં આવ્યા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતના મંત્રી તથા અરવિંદ ત્રિવેદી સાંસદ બન્યા હતા. `રામાયણ’ સિરિયલમાં સીતા માતાનો રોલ ભજવનાર દીપિકા ચીખલિયા પણ રાજનીતિમાં આવ્યાં હતાં. `મહેશ નરેશ’ની બેલડીના જાણીતા નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા પણ ધારાસભ્ય બન્યા હતા. આ શ્રેણી આગળ વધતી જ રહી. હવે અભિનેત્રી કંગના રનૌત, રામાયણ ટીવી શ્રેણીમાં ભગવાન શ્રીરામનો રોલ ભજવનાર અરુણ ગોવિલ, હેમામાલિની અને ગોવિંદા પણ ચૂંટણીના મેદાનમાં છે. અરે, સુપરસ્ટાર ગણાતા રાજેશ ખન્ના પણ કોંગ્રેસની ટિકિટ પર અમદાવાદમાંથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.
જયલલિતા
જયલલિતા `અમ્મા’ના નામે ઓળખાતાં હતાં. દેશની રાજનીતિમાં જયલલિતા એક લેજન્ડ બનીને રહ્યાં. અભિનેત્રીમાંથી રાજનેતા બનેલાં જયલલિતા તામિલનાડુનાં મુખ્યમંત્રી બન્યાં હતાં. લોકો તેમને સાક્ષાત્ દેવી તરીકે પૂજતા હતા. કેટલાક લોકોએ તો જયલલિતાનાં મંદિરો બનાવ્યાં હતાં. જયલલિતા બીમાર પડે તો તમિલનાડુના લોકો જાતજાતની બાધાઓ રાખતા હતા. જયલલિતા મૂળ કર્ણાટકના બ્રાહ્મણ પરિવારમાંથી આવતાં હતાં, પરંતુ તામિલનાડુની પ્રજાનાં પ્રિય અમ્મા બની રહ્યાં. તેઓ તેમના રાજકીય ગુરુ એમ.જી.રામચંદ્રજી સાથેના અંતરંગ સંબંધોના કારણે ચર્ચામાં રહ્યાં હતાં. કેટલાક લોકો કહેતાં હતા કે જયલલિતા પાસે ૧૦ હજાર સાડીઓ અને દસ હજાર જેટલાં જૂતાં હતાં. લોકો તેમનાં દર્શનમાત્રથી ગદગદિત થઈ જતા. લોકોને તેમણે બે રૂપિયામાં ઈડલી મળે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. પાંચ રૂપિયામાં પૂરું ભોજન મળે તેવી કેન્ટીનો શરૂ કરી હતી. તામિલનાડુમાં ગરીબોને સસ્તા ભાવે દવાઓ મળે તેવી ફાર્મસીઓ શરૂ કરાવી હતી. એ જમાનામાં તામિલનાડુમાં કેટલાક લોકો તેમના પરિવારમાં કોઈ સ્ત્રીની કૂખે બાળકી હોય તો બાળકીના જન્મ પહેલાં જન્મ પછી તે બાળકીને મારી નાંખવામાં આવતી હતી. જયલલિતાએ આ કુરિવાજ દૂર કરવા દરેક હોસ્પિટલની બહાર ગેટ પર એક પારણું મુકાવી દીધું હતું જેથી જે તે બાળકીને મારી નાંખવાના બદલે એ પારણામાં મૂકી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી. તે પછી એ બાળકીને હોસ્પિટલના વહીવટકર્તાઓ તેને બચાવી લઈને તેનો ઉછેર કરતા. આવી કેટલીયે અનાથ બાળકીઓ મોટી થઈને એન્જિનિયર કે ડૉક્ટર બની હતી. એ બધી દીકરીઓ જયલલિતાને `અમ્મા’ કહેતી હતી.
એમ.જી.રામચંદ્રન
જયલલિતાના રાજકીય ગુરુ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.જી. રામચંદ્રન પણ એક જમાનાના અત્યંત લોકપ્રિય અભિનેતા હતા. એમ.જી. રામચંદ્રન બીમાર પડ્યા ત્યારે ૨૧ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. એમ.જી.આર.મૃત્યુ પામ્યા ત્યારે તેમની અંતિમયાત્રામાં વીસ લાખ લોકો જોડાયા હતા. એમ.જી.રામચંદ્રનના અવસાન બાદ તામિલનાડુના હજારો લોકોએ હિન્દુ રીતરિવાજ મુજબ મુંડન કરાવી દીધું હતું. આવી હતી એમ.જી.રામચંદ્રનની લોકપ્રિયતા
પૃથ્વીરાજકપૂર
સંસદની વાત કરવામાં આવે તો અભિનયથી રાજનીતિની સફર સહુથી પહેલાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરે તય કરી. ૧૯૫૨માં પૃથ્વીરાજ કપૂરને રાજ્યસભાના સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા. સમુંદરી (હાલ પાકિસ્તાન)માં જન્મેલા પૃથ્વીરાજ કપૂર રાજનીતિથી અસ્પૃશ્ય નહોતા. આઝાદી પહેલાં તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર એક દમદાર નાટક બનાવ્યું હતું. એ નાટકનું નામ હતું. `દીવાર’, જે સહુથી પહેલી વાર કોંગ્રેસની કારોબારીના સભ્યો સમક્ષ ભજવવામાં આવ્યું હતું. આ નાટક નિહાળ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ વિચલિત થઈ ગયા હતા અને તેઓ બોલ્યા હતા: `પૃથ્વીરાજ કપૂરના આ નાટકે એ કરી બતાવ્યું જે વર્ષો બાદ પણ કોંગ્રેસ કરી ન શકી.’ સરદાર પટેલ અડધો કલાક સુધી આ નાટક વિશે બોલતા રહ્યા.
એ દિવસોમાં ફિલ્મજગતમાંથી સંસદમાં આવવા બદલ પૃથ્વીરાજ કપૂરની ટીકા પણ થઈ હતી, પરંતુ પૃથ્વીરાજ કપૂર સંસદમાં જુસ્સાથી બોલતા હતા અને દિલ્હીના પ્રિન્સેસ પાર્કમાં રહેતા લોકોને આસાનીથી મળતા હતા. અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે પૃથ્વીરાજ કપૂરે થિયેટર કલાકારોને રેલવેની યાત્રામાં ૭૫ ટકા છૂટ આપવાની ઝુંબેશ ઉપાડી હતી અને એ જમાનામાં તેમને આ અભિયાનમાં કામયાબી પણ મળી હતી.
દિલીપકુમાર
દિલીપકુમાર હિન્દી ફિલ્મજગતમાં ટ્રેજેડી કિંગ તરીકે અત્યંત જાણીતા છે. તેમનો અભિનય બીજા અનેક અભિનેતાઓ માટે સ્વયં એક પાઠશાળા બની રહ્યો. કપૂર પરિવાર સાથે બેહદ નજીક રહેલા અભિનયસમ્રાટ દિલીપકુમાર આમ તો કોઈ રાજકીય પાર્ટીનો હિસ્સો બન્યા નહોતા, છતાં તેઓ જવાહરલાલ નહેરુથી પ્રભાવિત હતા. ૧૯૬૨માં નહેરુના કહેવાથી તેમણે નોર્થ બોમ્બેથી કૃષ્ણ મેનન માટે અને આચાર્ય જે.બી.કૃપલાણી વિરુદ્ધ ચૂંટણીપ્રચાર કર્યો હતો. એ વખતે તેમણે એ વખતના યુવાન નેતાઓ શરદ પવાર સહિત બીજા કેટલાક કોંગ્રેસી નેતાઓ માટે પણ પ્રચાર કર્યો હતો. દિલીપકુમાર પોતે કોઈ ચૂંટણી ન લડ્યા, પરંતુ `લીડર’ નામની હિન્દી ફિલ્મમાં લાજવાબ અભિનય કર્યો હતો. દિલીપકુમારના જીવનનો એક પ્રસંગ જાણીતો છે. ૧૯૯૧ની સાલની આ વાત છે. અભિનેતા દિલીપકુમારને નૈનિતાલની સીટ પર એન.ડી.તિવારી માટે રેલી કરવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે બહેડીમાં એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. એ વખતે બહેડી નૈનિતાલની બેઠકનો એક હિસ્સો હતું. અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હતી. કહેવાય છે કે દિલીપકુમારે બહેડીના મુસ્લિમ મતદારોને એન.ડી.તિવારીને જિતાડવા અપીલ કરી હતી. સભામાં આવેલા લોકોને પહેલી જ વાર ખબર પડી કે દિલીપકુમારનું અસલી નામ યુસૂફખાન છે. નોંધપાત્ર વાત એ છે કે મુસ્લિમ મતદારોને નામ બદલવાની વાત પસંદ ન આવી અને એ વાત એન.ડી.તિવારીની વિરુદ્ધ ગઈ. પરિણામ એ આવ્યું કે લોકપ્રિય એક્ટર દિલીપકુમારની જનસભા પછી પણ એન.ડી.તિવારી ૪૦૦૦ મતથી ચૂંટણી હારી ગયા.
નરગિસ-સુનીલ-પ્રિયા
હિન્દી સિનેજગતમાંથી દેશનાં પહેલા મહિલા સાંસદ બનવાનું શ્રેય નરગિસના ફાળે જાય છે. એક સમયે નરગિસે હિન્દી ફિલ્મજગત છોડીને સમાજસેવાનું કામ શરૂ કર્યું ત્યારે ઇંદિરા ગાંધીએ નરગિસને રાજ્યસભામાં મોકલ્યાં હતાં. ૧૯૮૧માં નરગિસનું અવસાન થયું. તે પછી તેમના પતિ અને અભિનેતા સુનીલ દત્ત કોંગ્રેસની ટિકિટ પર સંસદમાં ચૂંટાયા હતા. તેઓ એક ઉમદા વ્યક્તિ હતા. જીવનભર કોંગ્રેસની સાથે રહ્યા. હવે તેમના પછી નરગિસ અને સુનીલ દત્તનાં પુત્રી પ્રિયા દત્ત રાજનીતિમાં છે.
બચ્ચન અને પોલિટિક્સ
મહાનાયક અમિતાભ બચ્ચન આમ તો પરદાના કલાકાર છે, પરંતુ થોડાક સમય માટે તેઓ પણ રાજનીતિમાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનનાં માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચનને જવાહરલાલ નહેરુ સાથે પારિવારિક સંબંધ હતો. એ કારણે ઇંદિરા ગાંધીના પુત્રો રાજીવ ગાંધી અને સંજય ગાંધી પણ બચપણના મિત્રો હતા. રાષ્ટ્રપતિ ભવનમાં કેટલીક શ્રેષ્ઠ વિદેશી ફિલ્મોનું સ્ક્રીનિંગ થાય ત્યારે અમિતાભ બચ્ચન યુવાન રાજીવ ગાંધી સાથે રાષ્ટ્રપતિ ભવનના પ્રાઈવેટ થિયેટરમાં ફિલ્મો જોવા આવતા. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તે પછી તેમણે અલાહાબાદમાંથી અમિતાભ બચ્ચનને હેમવતીનંદન બહુગુણા સામે ટિકિટ આપી અને અમિતાભ બચ્ચન ચૂંટણી જીતી સંસદમાં પ્રવેશ્યા હતા. કેટલાય સમય બાદ અમિતાભ બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે સંબંધો બગડ્યા અને બચ્ચન પરિવાર સાથેનો સંબંધ તોડીને અમરસિંહના કહેવાથી મુલાયમસિંહની સાથે આવી ગયા. અમિતાભ તો સક્રિય રાજનીતિમાં નથી પરંતુ તેમનાં પત્ની જયા બચ્ચન રાજનીતિમાં સક્રિય રહ્યાં.
દેવ આનંદ
દેવ આનંદ પણ રાજનીતિથી અસ્પૃશ્ય રહી શક્યા નહોતા. ૧૯૭૫માં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી. કટોકટી લાદવાનો વિરોધ કરનારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોમાં દેવ આનંદ અને કિશોર કુમાર મુખ્ય હતા. તેમણે જનતા પાર્ટીનું સમર્થન કર્યું હતું.
પરંતુ બે જ વર્ષમાં દેવ આનંદ અને તેમના સાથીઓનો રાજનૈતિક પાર્ટીઓથી મોહભંગ થઈ ગયો હતો. ૧૯૭૫માં દેવ આનંદે સંજીવકુમાર, શત્રુઘ્ન સિન્હા, ધર્મેન્દ્ર અને હેમા માલિનીને લઈને `નેશનલ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (એનપીઆઈ) બનાવી હતી. તેના પ્રમુખ ખુદ દેવ આનંદ હતા. પક્ષની પહેલી રેલી મુંબઈના શિવાજી પાર્કમાં થઈ હતી. આ રેલીને દેવ આનંદ, સંજીવકુમાર, એફ.સી.મહેરા અને જી.પી.સિપ્પીએ સંબોધન કર્યું હતું. ૧૯૮૦ની ચૂંટણીઓમાં આ પક્ષે કોઈ જાણીતો ચહેરો ચૂંટણીના મેદાનમાં ન ઉતાર્યો. કલાકારો પક્ષથી અલગ થઈ ગયા અને દેવ આનંદે જ પાર્ટીનું વિસર્જન કરી નાખ્યું.
– હિન્દી ફિલ્મજગતના અન્ય કલાકારો જે રાજનીતિમાં આવ્યા તેમાં બલરાજ સહાની એક મુખ્ય છે. તેઓ એક શ્રેષ્ઠ કલાકાર તો હતા જ, પરંતુ સાથેસાથે ગરીબોના હમદર્દ પણ હતા. દિલ અને દિમાગથી તેઓ સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા.
ક્યારેક એક્ટર ધર્મેન્દ્ર પણ ચૂંટાઈને સંસદમાં ગયા. હવે તેમનાં પત્ની હેમામાલિની અને ધર્મેન્દ્રનાં આગલાં પત્નીથી થયેલા પુત્ર સની દેઓલ પણ રાજનીતિમાં હતાં. પણ હવે તેમને ટિકિટ મળી નથી.
હવે શત્રુઘ્ન સિન્હા પણ રાજનીતિમાં રહ્યા.
આંધ્રના લોકપ્રિય અભિનેતા એન.ટી.રામરાવ પણ આંધ્રના મુખ્યમંત્રી બન્યા હતા.



