ઈ.સ. ૧૯૮૭ના ગ્રીષ્મમાં બ્રિટિશ ટેલિવિઝન પર એક વિશેષ કાર્યક્રમ પ્રર્દિશત થઈ રહ્યો હતો. તેનું ટાઈટલ હતું.: `હિડન ટ્રેજર્સ ઓફ ધ વી એન્ડ એ.’ એમાં ભાગ લઈ રહેલા ઈન્ડિયન આર્ટ એસોસિયેશનના પ્રમુખે લંડનના વિક્ટોરિયા મ્યુઝિયમના પૂર્વ નિર્દેશક અને મ્યુઝિયમના ભારતીય સર રોય સ્ટ્રોંગ અને સંગ્રહના સંરક્ષક રોબર્ટ સ્કેલ્ટન પર પ્રશ્નોની ઝડી વરસાવતાં સીધો આરોપ મૂક્યો કે લંડનની એક સડકના કિનારે બનાવાયેલા એક ભંડારમાં વી એન્ડ એ સંગ્રહાલયમાં ભારતીય પુરાતત્ત્વનો ચોરેલો ખજાનો છુપાવવામાં આવ્યો છે. બ્રિટિશ સરકાર એ ખજાનો જાહેરમાં પ્રર્દિશત કરવા માંગતી નથી, કારણ કે બ્રિટિશ સરકારને સંદેહ છે કે ભારત સરકાર એ બધી ચીજો પર દાવો ન કરી દે અને બ્રિટિશ સરકારને કરોડો પાઉન્ડનો ખજાનો ભારતને પાછો આપવો ન પડે.સર રોય સ્ટ્રોંગ અને રોબર્ટ સ્કેલટને એ આરોપોનું ખંડન કરતાં કહ્યું કે, એ ખજાનો ચોરેલો નથી.
ટીવી પરના એ પ્રસારણ બાદ એ જ વર્ષમાં ભારતમાં અને બ્રિટનમાં રહેતા ભારતીયોએ ભારતનો એ અમૂલ્ય ખજાનો પાછો આપવા માંગણી કરી. આજે પણ એ ખજાના સાથે ભારતીયોની રાષ્ટ્રભાવના જોડાયેલી છે.
લંડનમાં છુપાવાયેલા એ ખજાનામાં ભારતના અંતિમ નવાબ વાજિદ અલી શાહનું સિંહાસન, તિબેટથી લાવવામાં આવેલી ચમકીલી તાંબાની ભગવાન બુદ્ધની મૂર્તિ, પહેલી શતાબ્દીમાં બનેલી શુંગ કાળની પક્ષીની પ્રતિમા, ચાલુક્ય કાળની ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ, કુષાણકાળની કળાકૃતિઓ, ચૌલ યુગની ભગવાન વિષ્ણુની મૂર્તિ, સેંકડો બહુમૂલ્ય ચિત્રો, ટીપુ સુલતાનનો મ્યુઝિકલ ટાઈગર, ભારતના રાજાઓની રત્નજડિત તલવારો અને મહારાજા રણજિતસિંહનું સિંહાસન વગેરેનો સમાવેશ થાય છે.
નિષ્ણાતો માને છે કે અંગ્રેજો ન તો આ ખજાનાને પ્રર્દિશત કરવા માંગે છે કે ન તો એ ચીજો ભારતને સોંપવા માંગે છે. કહેવાય છે કે ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન દેશની ગુલામીનો લાભ ઉઠાવી અંગ્રેજો ભારતની આ બહુમૂલ્ય ચીજો ચોરીને ઈંગ્લેન્ડ લઈ ગયા છે. કોહિનૂર હીરાથી માંડીને આ કીમતી ચીજો આજે પણ લંડનમાં એક સંગ્રહાયલમાં છુપાવી રાખવામાં આવી છે.
આ ખજાનાની હાલત કેવી છે તે પણ જાણવા જેવું છે. લંડનની ધૂંધળી રોશનીવાળી એક સડક પર લેટરસી વેરહાઉસ આવેલું છે. આ ભંડારગૃહના કેટલાયે માળમાં ભારતીય પુરાતત્ત્વનો આ અદ્ભુત ખજાનો વેરવિખેર હાલતમાં રાખવામાં આવેલો છે. મૂર્તિઓ અને બીજી કલાકૃતિઓને પોલિથિનની બેગમાં લપેટીને રાખવામાં આવી છે. તેને ગુપ્ત રાખવાના હેતુથી એ ભંડારગૃહ બહુ ખોલવામાં પણ આવતું નથી. કહેવાય છે કે તેની પર ધૂળ પણ જામી ગઈ છે.
કદીક, ક્યારેક કોઈ એ ભંડારગૃહમાં પ્રવેશ્યું હતું. એણે જોયું તો ભંડારગૃહમાં પ્રવેશતાં જ સામે બંગાળના પાલ વંશના સૂર્યદેવની પ્રતિમા નજરે પડે છે. ૧૦મી સદીમાં કાળા રંગના પથ્થર પર બનેલી આ પ્રતિમા એક અદ્ભુત કલાકૃતિ છે. તેમાં ચાર ફૂટ ઊંચા સૂર્યની આસપાસ અપ્સરાઓ ઊભેલી દેખાય છે.
ભંડારગૃહના ઉપરના માળે તિબેટમાં બનેલી અને ભારતમાં લવાયેલી બુદ્ધ ભગવાનની પ્રતિમાઓ રાખવામાં આવી છે.
આ વેરહાઉસમાં મોગલ બાદશાહ શાહજહાંના સ્નાનાગારની સ્તંભાવલી પણ છે. એ જોતાં જ એમ લાગે છે કે કોઈ સ્નાનાગારની દીવાલો પરથી સંગેમરમરના કીમતી પથ્થર ઉખાડીને અહીં લાવવામાં આવ્યા છે. બાદશાહનો આ હમામ આગ્રામાં હતો. અંગ્રેજોએ લૂંટવામાં બાદશાહ શાહજહાંના સ્નાનાગારને પણ છોડ્યું નથી. બાદશાહના હમામની આ સ્તંભાવલી ૧૯મી સદીમાં ઈંગ્લેન્ડ લઈ જવામાં આવી હતી.
એ જ રીતે બાદશાહ જહાંગીરના લાહોરના એક કિલ્લાનો કીમતી પથ્થર પણ એ સંગ્રહાલયના ગુપ્ત ખજાનામાં પડ્યો પડ્યો ધૂળ ખાય છે. ટીપુ સુલતાનનું સોનેરી અને લાલ રંગનું કાઠીનું વસ્ત્ર પણ અહીં છે. અવધના આખરી નવાબનું સોનાથી મઢેલું સિંહાસન પણ અહીં આ જ ભંડારમાં છુપાવી રાખવામાં આવ્યું છે.
મધ્યકાલીન યુગનાં શસ્ત્રોનો જબરદસ્ત ભંડાર આ વેરહાઉસમાં છુપાવી રાખવામાં આવ્યો છે. રાજસ્થાનના રાજાઓની ૧૫મી-૧૬મી સદીની રત્નજડિત તલવારો અને ઢાલો પણ આ વેરહાઉસમાં મોજૂદ છે. બ્રિટિશ સંગ્રહાલયના સંરક્ષકોનું કહેવું છે કે આ બધી ચીજવસ્તુઓ અમને ભેટ મળેલી છે, ચોરેલી નથી.
આ ગુપ્ત વેરહાઉસનાં કેટલાંક કબાટોમાં ભારતના રાજા-મહારાજાઓનું કીમતી ઝવેરાત પણ છે. આ બધું ઝવેરાત પણ તેમને ભેટ મળ્યું હોવાનો અંગ્રેજોનો દાવો છે. અહીં છુપાવીને રાખવામાં આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ ૧૨મી સદીની છે અને તે કોઈમ્બતુરથી ઈંગ્લેન્ડ લઈ જવામાં આવી હતી. કામદેવનું પ્રતીકાત્મક ચિત્ર પણ આ મ્યુઝિયમમાં ઉપલબ્ધ છે.
આ ગુપ્ત ખજાનાનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ઈ.સ. ૧૭૯૮માં ફારસી અને સંસ્કૃતની દુર્લભ પાંડુલિપિઓની રક્ષા કરવાના નામે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એક પ્રાચ્ય સંગ્રહ બનાવ્યો હતો. એ જ સાલથી અંગ્રેજો દ્વારા ચોરેલો અને લૂંટેલો સામાન લંડન મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. ૧૮૦૮નો જુલાઈ મહિનો આવતાં જ ભારતની કીમતી કલાકૃતિઓ લંડન પહોંચવા માંડી હતી. આ જ મહિનામાં ટીપુ સુલતાનનો મ્યુઝિકલ ટાઈગર પણ લંડન રવાના કરી દેવાયો હતો. નોંધપાત્ર વાત એ છે કે આ જ મ્યુઝિયમમાં કાંસામાંથી બનેલી નટરાજ શિવની મૂર્તિ પણ રાખવામાં આવી છે.
ઈ.સ. ૧૮૭૦ સુધી લંડનમાં ભારતીય સંગ્રહ ખૂબ વધી ગયો હતો. શરૂઆતમાં ઈસ્ટર્ન ગેલેરીઝમાં તેને પ્રદર્શન માટે મૂકવામાં આવી.
એ ગેલેરીમાં બધી જ જગ્યા ભરાઈ જતાં તેને જાળવવાની જવાબદારી લંડનના `વી એન્ડ એ’ નામના સંગ્રહાલયને સોંપવામાં આવી. એ વખતના ભારતીય કલા અને આ ખજાનાના જબરદસ્ત પ્રશંસક લેફ. હેન્રી હાર્ડીકોલે લખ્યું હતું: `એ બહુ જ દુઃખની વાત છે કે, ભારતના આ બેમિસાલ સંગ્રહ સાથે આવી બદસલૂકી અને ઉપેક્ષા કરવામાં આવી રહી છે. સાચી વાત એ છે કે ઈન્ડિયન મ્યુઝિયમ ઈસ્ટર્ન ગેલેરીનું બીજું નામ ગોદામથી બહેતર નથી.’
તે પછી વિશ્વયુદ્ધ થયું: હિટલરનાં નાઝી યુદ્ધ વિમાનોએ લંડન પર બોમ્બમારો કર્યો. એ કારણે પણ આ મ્યુઝિયમને નુકસાન પહોંચ્યું. તે પછી ૧૯૪૭માં ભારત આઝાદ થયું, પરંતુ યુદ્ધમાં થયેલા ભારે નુકસાનના કારણે ઈંગ્લેન્ડ ખોખરું થઈ ગયું હતું. તેની અર્થવ્યવસ્થા જર્જરિત થઈ ગઈ અને એ કારણે આ કીમતી ખજાનો સડકના કિનારે આવેલા મકાનના ગોદામમાં ધૂળ ખાય છે.
—
અત્રે એ જાણવું જરૂરી છે કે અંગ્રેજો ભારત પર રાજ કરતા હતા. તે દરમિયાન તેમણે ભારતમાંથી અમૂલ્ય પ્રાચીન ચીજવસ્તુઓ ચોરી લીધી હતી અને તે બધી બહુમૂલ્ય ચીજવસ્તુઓ તેઓ બ્રિટન લઈ ગયાં હતાં.
તેમાં ટીપુ સુલતાનની તલવાર પણ હતી. તેમાં મહારાજા રણજિંતસિંહનું અમૂલ્ય સિંહાસન પણ હતું. અંગ્રેજો ભારતમાંથી અમૂલ્ય કોહીનૂર હીરો પણ લૂંટીને લઈ ગયા હતા. અંગ્રેજો બીજું કીમતી ઝવેરાત પણ લઈ ગયા હતા. ભારતમાંથી બ્રિટન લઈ જવામાં આવેલો કોહીનૂર હીરો હવે બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સના કલેક્શનનો એક ભાગ છે. કોહીનૂર હીરો વિશ્વનો સૌથી કીમતી અને મોટો હીરો છે. કોહીનૂર હીરો ૧૪મી સદીનો હોવાનું મનાય છે. આ હીરો ૧૮૬ કેરેટનો છે. ભારતના મહારાજાની માલિકીનો આ કોહીનૂર હીરો એ અંગ્રેજોની મોટામાં મોટી લૂંટનો પુરાવો છે. કોહીનૂર હીરો ભારતના ભવ્ય રાજવી પરિવારનું એક પ્રતીક છે. કોહીનૂર હીરો મહારાજા રણજિતસિંહના રાજવી પરિવારની શાન હતો. અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની આ હીરો લંડન લઈ ગઈ હતી.
એવી જ રીતે અંગ્રેજો ભારતમાં તેમના શાસન દરમિયાન ટીપુ સુલતાનના ખજાનાની કીમતી ચીજવસ્તુઓ પણ લૂંટીને લંડન લઈ ગયા હતા. તેમાં ટીપુ સુલતાનની તલવારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અંગ્રેજો ટીપુ સુલતાનની કીમતી સોના-ચાંદીની ચીજવસ્તુઓ પણ લૂંટીને લઈ ગયા હતા.
અંગ્રેજો ભારતમાંથી જે કીમતી ચીજવસ્તુઓ લૂંટીને લઈ ગયા હતા, તેમાં મહારાજા રણજિતસિંહનું સોનાથી મઢેલું સિંહાસન પણ છે. ૭મી સદીની ભગવાન બુદ્ધની તાંબાથી બનેલી પ્રતિમા પણ ભારતમાંથી લૂંટીને લંડન લઈ ગયા હતા. શાહજહાંના સમયના કીમતી કપ અને મોગલોનું ઝવેરાત પણ તેઓ લૂંટીને લંડન લઈ ગયા હતા. માત્ર ભગવાન બુદ્ધની પ્રતિમા જ નહીં, પરંતુ કેટલીક જૈન મૂર્તિઓ પણ લૂંટીને લઈ ગયા હતા.
કહેવાય છે કે બ્રિટિશ મ્યુઝિયમમાં ભારતમાંથી લૂંટેલી ૧૦ મિલિયન જેટલી ચીજવસ્તુઓ આજે પણ છે.
અલબત્ત, બ્રિટને ભારતમાંથી લૂંટેલી કેટલીક ચીજવસ્તુઓ પાછી પણ આપી છે. જેમાં ૧૭મી સદીમાં બનેલી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા છે, પણ ભારતમાંથી લૂંટેલી બીજી અનેક ચીજવસ્તુઓ હજુ લંડનમાં જ છે.
ભારતમાંથી લૂંટેલો કોહીનૂર હીરો તે તેમને મળેલી ભેટ છે તેવી દલીલ કરીને બ્રિટિશ સરકારે એ બહુમૂલ્ય કોહીનૂર હીરો ભારતને પાછો આપ્યો નથી.



