Close

શહીદ થવાનું પસંદ કર્યું – પરંતુ વિનોદ કિનારીવાલાએ હાથમાંથી રાષ્ટ્રધ્વજ ના છોડયો

રેડ રોઝ | Comments Off on શહીદ થવાનું પસંદ કર્યું – પરંતુ વિનોદ કિનારીવાલાએ હાથમાંથી રાષ્ટ્રધ્વજ ના છોડયો
તા.૧૦મી ઓગસ્ટએ શહીદ વીર વિનોદ કિનારીવાલાની પુણ્યતિથિ છે.
અંગ્રેજો સામેના આઝાદીના જંગમાં જે વિદ્યાર્થીઓ અગ્રણીઓએ પોતાનાં બલિદાનો આપ્યાં તેમાં વીર વિનોદ કિનારીવાલાનું નામ ગૌરવપૂર્ણ રીતે લખાયેલું છે. આઝાદીની લડત દરમિયાન અંગ્રેજોને ‘હિંદ છોડો’નો નારો આપવામાં આવ્યો હતો.
જુલાઈ ૧૯૪૨માં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની સ્થાપના વખતે સરદાર સાહેબે પ્રવચન કરતાં વિદ્યાર્થીઓને કહ્યું હતુંઃ ‘ગાંધીજી પર સરકાર હાથ ઉપાડે તો તમારાં પુસ્તકો છાજલી પર મુકજો અને ભગવાન જે સુજાડે તે કરજો.’
 તા.૪, ઑક્ટોબરના રોજ ‘વાનરદિન’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ અંગ્રેજીના વિરુદ્ધ વાનરસેનાના અનેક સરઘસો કાઢયા હતા. પોલીસે એ સરઘસોને રોક્યા હતાં.
હવે અમદાવાદના શહીદ વીર વિનોદ કિનારીવાલાના બલિદાનની વાત.
વિનોદ કિનારીવાલાનો જન્મ તા. ર૦ સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ કિનારીવાલા હતું. તે ગુજરાત કોલેજમાં ઇન્ટરમીડિએટમાં ભણતા હતા.
અંગ્રેજો સામેનો આઝાદીના જંગમાં જે વિદ્યાર્થી અગ્રણીઓએ પોતાના બલિદાનો આપ્યાં તેમાં વીર વિનોદ કિનારીવાલાનું નામ ગોરવપૂર્ણ રીતે લખાયેલું છે. આઝાદીની લડત દરમિયાન  અંગજોેને ‘હિંદ છોડો’નો નારો આપ્યો તે પછી દેશમાં સ્વંત્રતા સંગ્રામ વધુ પ્રબળ બન્યો હતો.
તા.૯ ઓગસ્ટ, ૧૯૪૨ના દિવસની આ ઘટના છે. આ દિવસ પહેલાં અમદાવાદની ગુજરાત કોલેજના કંપાઉન્ડમાં અને હોસ્ટેલમાં  અંગ્રેજોની પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલા ગોળીબાર અને લાઠીચાર્જથી શહેરમાં રોષ પ્રગટયો હતો.  તે  દિવસે વિદ્યાર્થીઓનું એક સરઘસ લૉ કોલેજથી નીકળ્યું હતું અને ગુજરાત કોલેજ તરફ્ આવ્યું હતું. ગુજરાત કૉલેજના ખ્રિસ્તી ચર્ચ તરફના ઝાંપાથી આ સરઘસ અંદર દાખલ થયું  એટલે તરત જ એક ગોરા પોલીસ અધિકારીએ વિદ્યાર્થીઓના આ સરઘસને રોક્યું હતું. વિદ્યાર્થીઓના સરઘસના આગળના ભાગે વિનોદ કિનારીવાલા અને બીજા વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લઈને ચાલતા હતા. અંગ્રેજ સાર્જન્ટે એ રાષ્ટ્રધ્વજ પડાવી લેવાનો  પ્રયાસ કર્યો. વિનોદ કિનારીવાલાએ રાષ્ટ્રધ્વજ હાથમાંથી છોડવા માગતા નહોતા. એ વખતે લેબોરેટરીના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું.
ત્યાં મોટી સંખ્યામાં ઈંટો પડેલી હતી. અંગ્રેજ સાર્જન્ટની દાદાગીરી જોેઈ કેટલાક વિદ્યાર્થીઓએ પથ્થરબાજી કરી. એ વખતે રાષ્ટ્રીય વિદ્યાર્થીમંડળના નેતા બહ્મકુમાર ભટ્ટ પણ ત્યાં ઊભા હતા. એવામાં અચાનક પોલીસે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો અને એક ગોળી વિનોદ કિનારીવાલાને વાગી. એ સ્થળે જ તેમનું મૃત્યું થયું. એ વખતે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. ગોરાઓની પોલીસના ગોળીબારમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઘવાયા.
આ ઘટના નજરે જોેનાર એ વખતના વિદ્યાર્થી આગેવાન  બ્રહ્મકુમાર ભટ્ટ ‘રંગ જાયના જુવાન’ ના નામના પુસ્તકમાં નોંધે છે કે, એ વખતે શામળાની પોળના હર્ષદ ચીમનલાલ શાહને પણ પેટના ડાબા પડખામાં ગોળી વાગી હતી. ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં લઈ જવાયા. કેટલાકને વા.સા.હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.  ગંભીર રીતે ઘવાયેલા વીર વિનોદ કિનારીવાલાએ  તા.૧૦મી ઑગસ્ટે અંતિમ શ્વાસ લીધા અને શહીદ થઈ ગયાં.
પોલીસના આ અમાનુષી કૃત્ય સામે એ વખતના મિલમાલિક મંડળના પ્રમુખ સાકરલાલ બાલાભાઈ, કસ્તુરભાઈ લાલભાઇ, શેરબજારના પ્રમુખ લાલભાઈ કસ્તુરભાઈ વગેરેએ એ ઘટનાને વખોડી કાઢતાં નિવેદનો કર્યા.
આ ઘટનાના કેટલાંક વર્ષો બાદ તા.૧૦ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ૧૯૪૨ની ક્રાંતિના નેતા જયપ્રકાશ નારાયણના હસ્તે શહીદ વીર કિનારીવાલાની ખાંભીનું અનાવરણ કરવામાં આવ્યું. ગુજરાત કોલેજ પાસેના એ માર્ગને ‘શહીદ વીર કિનારીવાલા માર્ગ’ નામ આપવામાં આવ્યું છે.
શહેર સૂબો
આઝાદીના એ જંગ દરમિયાન અમદાવાદના એક સ્વાતંંત્ર્ય સેનાની જયંતી ઠાકોર ‘શહેર સૂબા’ તરીકે જાણીતા હતા, તેઓ જે આદેશ આપે તેનો બીજા દિવસે અમલ થઈ જતો હતો. શહેર સુબા જયંતી ઠાકોરે આઝાદ ભારતના ચાંદીના સિક્કા પણ બહાર પાડયા હતા. લોકો એક સિક્કાના ૧૦૦ રૂપિયા આપતા હતા. શહેર સુબાએ અંગ્રજોે સામે ‘જનતા કરફ્યૂ’નું પણ એલાન આપ્યું હતું અને લોકો સ્વયંભૂ ઘરમાં જ રહેતા. શહેરના લોકો ‘શહેર સૂબા’ને જોવા માગતા હતા પરંતુ તેઓ એક પોળના મકાનમાં રહી અંગ્રેજોે સામેની લડત ભૂગર્ભમાં ચલાવતા હતા. અંગે્રજોે વિરુદ્ધ પત્રિકાઓ બહાર પાડતા હતા. અચાનક પોલીસ આવી જાય તો બીજી ત્રણ પોળોમાં ભાગી જવાય તેવી યોજના ગોઠવેલી હતી.
વસંત-રજબ
અમદાવાદ શહેરના જે યુવાનોએ સ્વાતંત્ર્યતા સંગ્રામમાં ભાગ લેતાં લેતાં શહેરમાં કોમી શાંતિ જળવાઈ રહે તે માટે શ્રોષ્ઠ યોગદાન આપ્યું હતું તેમાં ‘વસંત-રજબ’ને ભૂલી શકાય તેમ નથી. વસંતરાવ હેગિષ્ટે  અમદાવાદમાં એક
મહારાષ્ટ્રીયન પરિવારમાં ૧૯૦૬ માં જન્મેલા હતા. જ્યારે રજબ અલીનો જન્મ લાહોરમાં થયો હતો પરંતુ તેમનું પરિવાર અમદાવાદમાં સ્થાયી થયું હતું. વસંતરાવે ૧૫ વર્ષની વયે જ બધું છોડીને અંગજોે સામેના અસહયોગ આંદોલનમાં ઝુકાવ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યા બાદ તેઓ સ્વતંત્રતાના આંદોલનમાં જોડાઈ ગયા. ગાંધીજીએ કાઢેલી દાંડીયાત્રાથી માંડીને બીજાં અનેક આંદોલનોમાં તેમણે ભાગ લીધો હતો. રજબ અલી સાથેની તેમની દોસ્તી કોંગ્રેસ સેવાદળમાં થઈ હતી. અગાઉ રજબ અલી કરાચીની એક કૉલેજમાં ભણતા હતા પરંતુ ભણવાનું છોડીને તેઓ આઝાદીના જંગમાં જોેડાઈ ગયા હતા. તેઓ માનતા હતા કે’ હું કૉલેજ જવાથી જે ડિગ્રી લઈશ તેનો મારા જીવનમાં કોઈ જ ઉપયોગ નથી. કારણ કે ડિગ્રી લીધા બાદ છેવટે તો મારે બ્રિટિશ રાજની જ સેવા કરવી પડશે.’
 આવું માનતા રજબ અલી ૨૭ વર્ષની આયુમાં સ્વતંત્રતાની લડતના કારણે ત્રણ વાર જેલમાં ગયા હતા.
હવે બન્યું એવું કે જુલાઈ ૧૯૪૬માં દેશમાં કોમી તનાવ પેદા થયો. એ અમદાવાદ શહેરમાં રથયાત્રા કાઢવાનો મુદ્દો ગરમાયેલો હતો. આ મુદ્દા પર શહે૨માં કોમી રમખાણો થયાં અને બંને મિત્રો હિંદુ અને મુસ્લિમ પરિવારોની રક્ષા કરવાના કામે લાગી હતા. વસંતરાવે હિંદુઓના ટોળાંથી મુસલમાન પરિવારોને બચાવ્યા અને રજબ અલીએ મુસલમાનોના ટોળાંથી હિંદુઓને બચાવ્યા. એવામાં એ સાંજે એક સમાચાર આવ્યા કે હિંસક ટોળાંએ એક દલિત પરિવારને ઘેરી લીધું છે. વસંતરાવ અને રજબ અલી બેઉ એ સ્થળે દોડી ગયા. કોમી હિંસા અટકાવવાના હેતુથી  એ બંને મિત્રો હિંસક ભીડની સામે ઊભા રહી ગયા. કોઈ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું. બંનેમાંથી એક પણ એક ઈંચ પણ ખસવા તૈયાર નહોતા. ઉશ્કેરાયેલા લોકોએ એ બંનેને મારી નાખવાની ચેતવણી આપી. પરંતુ વસંતરાવ અને રજબ અલીએ કહ્યું કે તેઓ  મરવાનું પસંદ કરશે પણ શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી તેઓ એ સ્થળ નહીં છોડે એમ કહી બંને હિંસક ભીડની સામે સૂઈ ગયા. હિંસક ટોળું હિંસક જ રહ્યું અને ટોળાંએ તેમની પર હુમલો કરી દીધો. કેટલીક વાર બાદ ટોળું વિખરાઈ ગયું પરંતુ વસંતરાવ અને રજબ અલી ટોળાંની હિંસાથી મૃત્યુ પામ્યા હતા.
 તા.૧લી જુલાઈ, ૧૯૪૬ની આ ઘટના છે. શહેરમાં કોમી શાંતિ સ્થાપવા માટે બલિદાન આપી દેનાર એ આ બે યુવાનોના નામ   આજે પણ આદરથી લેવાય છે.
અમદાવાદની ગાયકવાડ હવેલી ખાતે એક મ્યુઝિયમમાં તેમની તસવીરો અને સ્મૃતિઓ મોજૂદ છે.
આ બંને મિત્રોની શહીદીને અમદાવાદ શહેર કદી ભૂલી શકશે નહીં.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!