2૫ વર્ષની વયે એણે એલેકઝાન્ડ્રિયા એટલે કે આજનું ઈજિપ્ત જીતી લીધું. 2૮ વર્ષની વય સુધી તે છેક પોરસ સુધી પહોંચી ગયો. બે વર્ષ સુધી ભારતમાં યુદ્ધ લડતો રહ્યો અને ભારતમાં યુદ્ધ લડતાં લડતાં તે તક્ષશિલા વિસ્તારમાં આવી ગયો.એ વખતે કોઈએ તેને કહ્યું કે, ભારતમાં અહીં દસ જેટલા ભારતીય નાગા સાધુઓ રહે છે. સિકંદર કુતૂહલવશ નાગા સાધુઓ પાસે જાય છે અને કહે છે: `તમારા ગુરુને મારી પાસે લાવો !’
સિકંદર તો સમ્રાટ હતો અને સામે નાગા સાધુઓ જરાયે ભયભીત થયા વગર તેમના ગુરુને સમ્રાટ સિકંદર સમક્ષ રજૂ કરે છે.
સિકંદર નાગા સાધુઓના ગુરુને કહે છે: `હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. પ્રશ્નો ઉખાણાં જેવા હશે. તેનો તમે સાચો જવાબ આપશો તો હું તમને મુક્ત કરી દઈશ અને જવાબ ખોટો હશે તો હું તમને મારી નાંખીશ.’
સિકંદરની આ પદ્ધતિ જ હતી. ગુરુએ જવાબ આપવા હા પાડી.
સિકંદરે પહેલો પ્રશ્ન પૂછ્યો. `આ દુનિયામાં સંખ્યા કોની વધારે જીવતાઓની કે મરેલાઓની?’ નાગા સાધુઓના ગુરુએ કહ્યું: `જીવતા લોકોની.’
`કારણ’
`કારણ કે મરેલાઓનું હવે અસ્તિત્વ જ નથી તેથી તેમને ગણાય નહીં. આથી પૃથ્વી પર જીવતા લોકોની સંખ્યા વધારે છે.’
સિકંદરે બીજો પ્રશ્ન પૂછ્યો: `આ પૃથ્વી પર સહુથી વધુ શું છે, સમુદ્ર કે જમીન?’
સામાન્ય લોકોને ખબર છે કે પૃથ્વી પર જમીન કરતાં સમુદ્ર ત્રણ ગણો વધુ છે પરંતુ નાગા સાધુઓના ગુરુએ જવાબ આપ્યો: `જમીન.’
સિકંદરે પૂછ્યું: `કેમ?’
ગુરુએ કહ્યું: `કારણ કે સમુદ્રની નીચે પણ જમીન જ છે તેથી જમીન વધારે છે.’
સિકંદરે ત્રીજો પ્રશ્ન પૂછ્યો: `વધુ શક્તિશાળી શું છે- જીવન કે મૃત્યુ?’
નાગા સાધુઓના ગુરુ કહે છે: `જીવન, કારણ કે જીવન ભયંકર પીડા પણ સહન કરી શકે છે, ઘણાં દુ:ખમાં પણ માણસ જીવન જીવે છે તેથી જીવન શક્તિશાળી છે. મૃત્યુએ કોઈ દુ:ખ ભોગવવાનું રહેતું નથી. તમે કેટલું દુ:ખ ભોગવી શકો છો તે તમારી નબળાઈ નથી પરંતુ તમારી તાકાત છે.’
સિકંદરે ચોથો પ્રશ્ન પૂછ્યો: `વધારેમાં વધારે લુચ્ચું પ્રાણી કયું?’
સાધુએ કહ્યું: `મારી સામે જે ઊભું છે તે. હું એની સામે જોઈ રહ્યો છું.’
સાધુનો ઈશારો સમ્રાટ સિકંદર તરફ જ હતો.
સિકંદર સ્તબ્ધ થઈ ગયો. તેને લાગ્યું કે હું સમ્રાટ છું અને આ નાગા સાધુ પાસે તો કાંઈ જ નથી છતાં એણે જવાબ આપ્યો તેમાં અપમાન નહીં પરંતુ નિર્ભયતા છે.
એ પછી સિકંદરે પૂછ્યું: `એક માનવીને કોઈ કેવી રીતે ચાહી શકે?’ નાગા સાધુઓના ગુરુએ જવાબ આપ્યો: `જે વ્યક્તિ વધુમાં વધુ શક્તિશાળી બને પણ બીજાને ઓછામાં ઓછા ભયભીત કરે તે સહુથી વધુ પ્રેમ સંપાદન કરી શકે.’
સિકંદરે એક અઘરો પ્રશ્ન પૂછ્યો: `દુનિયામાં પહેલું શું આવ્યું-દિવસ કે રાત?’
સાધુએ જવાબ આપ્યો: `નાઈટ બાય હાફ અ ડે…અડધા દિવસ પછીની રાત’
સિકંદરે પૂછ્યું: `આ કાંઈ જવાબ છે?’
નાગા સાધુઓના ગુરુએ કહ્યું: `આ કાંઈ પ્રશ્ન છે? જેવો જટિલ પ્રશ્ન એવો જ જટિલ જવાબ.’
સિકંદરે તે પછી એક મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો: `એક માનવી ભગવાન કેવી રીતે બની શકે?’
એ વખતના બધા જ ગ્રીક રાજાઓને ભગવાન થઈ જવાની ઈચ્છા હતી. આ પરિપ્રેક્ષ્યમાં જ સિકંદરે આ પ્રશ્ન પૂછ્યો.
સાધુઓના ગુરુએ જવાબ આપ્યો: `જે એવી ક્રિયા કરે કે જે કોઈ મનુષ્ય ન કરી શકે?’
સિકંદરે પૂછ્યું: `કઈ?’
`ટુ બીકમ ગોડ. ભગવાન બનવાની.’
સિકંદર આ જવાબ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. ભગવાન સર્વશ્રેષ્ઠ છે, માનવી નહીં. માનવી ભગવાન બની શકે નહીં, ભગવાનમાં શ્રદ્ધા રાખી શકે.
સિકંદરે એક પણ નાગા સાધુને મૃત્યુદંડ આપ્યો નહીં પરંતુ એક અન્ય નાગા સાધુને એક વિદ્વાન તરીકે પોતાની સાથે લઈ ગયો.
પ્લુટાર્ક નામના એક ગ્રીક જીવનકથા લેખકે તેના પુસ્તકમાં ભારતના નાગા સાધુઓ અને સિકંદરની મુલાકાતના પ્રસંગો આલેખ્યા છે. પ્લુટાર્કે જ પહેલી વાર નાગા સાધુઓ માટે `Gymnosophists’ શબ્દનો પ્રયોગ કર્યો. આ શબ્દનો અર્થ થાય છે: `જ્ઞાની નાગા.’
પ્લુટાર્કે જ એક કિસ્સો નોંધ્યો છે. તેના લખવા પ્રમાણે સિકંદરની સિંધુ નદીના તટ પર એક નાગા સાધુ સાથે મુલાકાત થઈ ગઈ. એણે જોયું તો એક નાગા સાધુ કેટલીયે વારથી નદીકિનારે એક પથ્થર પર બેસીને આકાશમાં જોઈ રહ્યા હતા.
સિકંદરે તેમની નજીક જઈ પૂછ્યું: `તમે શું કરી રહ્યા છો?’
નાગા સાધુએ જવાબ આપ્યો: `શૂન્યને મહેસૂસ કરી રહ્યો છું.’
તે પછી એ જ સાધુએ સિકંદરને એ જ પ્રશ્ન પૂછ્યો.
સિકંદરે કહ્યું: `હું આખી દુનિયા જીતી રહ્યો છું.’
બંને જોરથી હસવા લાગ્યા.
સિકંદરને લાગ્યું કે `નાગા સંન્યાસી મૂર્ખ છે જે એક જ જગ્યાએ બેસી રહ્યો છે. જે શૂન્ય છે.’ એ જ રીતે નાગા સંન્યાસીને પણ એમ જ લાગ્યું કે આખી દુનિયા જીતી લીધા પછી પણ છેવટે તો શૂન્ય જ છે, કારણ કે દુનિયામાં મૃત્યુ પછી અંતિમ તો કાંઈ છે જ નહીં. જે છે તે માત્ર શૂન્ય જ છે. બંને પોતપોતાની રીતે હસ્યા.
વાત એમ હતી કે સિકંદરને ભારતમાં એક જ્ઞાની વ્યક્તિની તલાશ હતી. જેને તે પોતાની સાથે તેના દેશમાં લઈ જાય.
નાગા સાધુઓના જ્ઞાનથી પ્રભાવિત થયેલો સિકંદર ભારતના કોઈ જ્ઞાનીની ખોજમાં પોતાના સૈન્ય સાથે એક નગરમાં પહોંચ્યો. અહીં એણે એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠેલા નાગા સંતને જોયા. સિકંદર સંતનું ધ્યાન સમાપ્ત
થાય તેની રાહ જોતા ઊભા રહ્યા. જેવું સંતનું ધ્યાન તૂટ્યું એટલે સિકંદરની સેના મોટા સ્વરે નારા લગાવવા માંડી: `એલેકઝાન્ડર ધી ગ્રેટ, એલેકઝાન્ડર ધી ગ્રેટ.’
આ જોઈ-સાંભળી સંતે સ્મિત આપ્યું. સિકંદરે એ નાગા સાધુને કહ્યું: `હું તમને મારી સાથે મારા દેશ લઈ જવા માગું છું.’
વૃક્ષની નીચે બેઠેલા સંતે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું: `આપની પાસે એવું કાંઈ જ નથી જે આપ મને આપી શકો. આપની પાસે એવું કાંઈ જ નથી જે મારી પાસે નથી. હું જ્યાં છું ત્યાં જ ખુશ છું. મારે ક્યાંયે આવવું નથી. મારે અહીં જ રહેવું છે. મારે આપની સાથે આવવું નથી.’
નાગા સંતની આ વાત સાંભળીને સિકંદરના સૈનિકોને સંત પર ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે એક સામાન્ય સાધુએ એક સમ્રાટની ઈચ્છા ફગાવી દીધી હતી. સિકંદરે સૈનિકોને શાંત કર્યા. એ પછી સિકંદરે સંતને કહ્યું: `મને ના સાંભળવાની આદત નથી…તમારે મારી સાથે આવવું જ પડશે.’
એ પછી સિકંદરે અટ્ટહાસ્ય કર્યું, પરંતુ નાગા સંતે શાંતિથી જવાબ આપ્યો: `આપ મારી જિંદગીના નિર્ણય લઈ ન શકો, મેં નિર્ણય કર્યો છે કે હું અહીં જ રહીશ તમે હવે જાવ અહીંથી.’
સંતનો આ જવાબ સાંભળીને સિકંદર ભયંકર ગુસ્સે થઈ ગયો. એણે પોતાની તલવાર ખેંચી કાઢતાં કહ્યું: `તમારે જિંદગી જોઈએ છે કે મોત?’
સંત હજુ પોતાના નિર્ણય પર હતા. તેમણે ફરી નમ્રતાપૂર્વક સિકંદરને કહ્યું: `અગર આપ મને મારી નાંખવા માંગતા હોય તો મારી નાંખો પરંતુ આજ પછી આપ પોતાની જાતને એલેકઝાન્ડર ધી ગ્રેટ કહેશો નહીં.’
સમ્રાટ સિકંદરે ગુસ્સાથી પૂછ્યું: `કેમ?’
નાગા સંતે કહ્યું: `કારણ કે આપનામાં `મહાન’ જેવી કોઈ વસ્તુ જ નથી. આપ તો મારા ગુલામના પણ ગુલામ છો.’
સંતની આ વાત સાંભળીને સિકંદરને ઝટકો લાગ્યો. એને થયું કે આજે હું એક એવી વ્યક્તિને મળી રહ્યો છું કે પૂરી દુનિયા જીતવાવાળા એવા મને એના ગુલામનો ગુલામ કહે છે: સિકંદરે પૂછ્યું: `તમે કહેવા શું માંગો છો?’
સંતે જવાબ આપ્યો: `જુઓ સમ્રાટ, જ્યાં સુધી હું ઈચ્છતો નથી ત્યાં સુધી મને ક્રોધ આવતો નથી.’ ક્રોધ મારો ગુલામ છે. તેથી જ્યારે ગુસ્સાને એમ લાગે કે તમારા પર હાવી થઈ ગયો છે ત્યારે ક્રોધના તમે ગુલામ છો. જ્યારે આપ તો ક્રોધના ગુલામ છો. તમે ભલે આખી દુનિયા જીતીને આવ્યા પરંતુ છેવટે તો મારા ગુલામ એવા ગુસ્સાના જ તમે દાસ છો- ગુલામ છો.’
આ સાંભળીને સિકંદર દંગ રહી ગયો. એણે નાગા સંતની આગળ શીશ ઝુકાવ્યું અને પોતાની સેનાને લઈ ત્યાંથી પાછો જતો રહ્યો.
આ રીતે એક નાગા સાધુએ એલેકઝાન્ડર ધી ગ્રેટને હરાવી દીધો હતો.
ક્રોધ કરશો તો સમજજો કે ક્રોધ તમારો માલિક છે અને તમે એના ગુલામ છો…….DEVENDRA PATEL



