Close

હૃદયમાં ઈંજેક્શન આપીને શયતાન તબીબ કેદીઓને મોત બક્ષતો હતો

રેડ રોઝ | Comments Off on હૃદયમાં ઈંજેક્શન આપીને શયતાન તબીબ કેદીઓને મોત બક્ષતો હતો
યૂ ક્રેન-રશિયાના યુદ્ધનો અંત આવે તે પહેલાં ઈઝરાયેલ-હમાસ વચ્ચે લોહિયાળ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધના મામલે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. આરબ દેશો ઈઝરાયેલની વિરુદ્ધ છે. ગાઝા પછી હવે લેબેનોનની સરહદો પર પણ આગના ગોળા ફેંકાઈ રહ્યા છે.
ઈઝરાયેલથી હિજરત કરી ગયેલા યહૂદીઓએ ભૂતકાળમાં કેવી કેવી યાતનાઓ સહન કરી છે તે સંદર્ભમાં હોરર ફિલ્મ જેવી એક ઐતિહાસિક ઘટના અહીં પ્રસ્તુત છે.
એ ૧૯૪૪નું વર્ષ હતું.
બીજા વિશ્વયુદ્ધના બિહામણા એ દિવસો હતા. એક તરફ ઈંગ્લેન્ડ અને એના સાથી દેશો હતા. બીજી તરફ જર્મની હતું. સરમુખત્યાર એડોલ્ફ હિટલર વીણી વીણીને યહૂદીઓની હત્યા કરતો હતો. યુદ્ધના કેદીઓને કોન્સન્ટ્રેશન કેમ્પમાં રાખવામાં આવતા હતા. યહૂદી નાગરિકોને પણ પકડી પકડીને આવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં રાખવામાં આવતા હતા.
સાંજનો સમય હતો. પોલેન્ડમાં વૉર્સો પાસે બ્રેસલ્યુ નજીક ગ્રોસરોઝન નામનો એક કોન્સન્ટ્રેશન કેમ્પ હતો. એ કેમ્પમાં સીમોન વીસેન્થલ નામનો એક યહૂદી પણ હતો. હિટલર અનેક સ્થળોએ હારી રહ્યો હતો. છતાં યુદ્ધના કેદીઓ સાથે તેનો વ્યવહાર નિર્દય હતો.
સીમોન વીસેન્થલ હજીયે ૧૯૪૪ની ઘટનાને યાદ કરતાં કહે છે: `અમારા કેમ્પમાં રાખોડી રંગની દીવાલોવાળો એક નાનકડો ઓરડો હતો. ડાબી બાજુએ અંદર પ્રવેશવા માટેનો દરવાજો હતો. બહાર નીકળવાનો દરવાજો સીધો સ્મશાનમાં જતો હતો.’ ઓરડામાં આછું અજવાળું હતું.
એક ટેબલ પર ઈંજેક્શનની સીરિંજો પડેલી હતી. બાજુમાં કેટલીક નાની શીશીઓમાં કોઈ પણ જાતના રંગ વગરનું પ્રવાહી હતું. અંદર એક ખાલી ખુરશી હતી. આમ તો ગ્રોસરોઝનના સ્મશાનની જ આ ગુપ્ત ચેમ્બર હતી. આ ઓરડીનો હવાલો બ્લેક ઈવાન નામના એક યુદ્ધના કેદી પાસે હતો. બ્લેક ઈવાન રશિયન હતો, પણ જર્મનીનો તે કેદી હતો. તેને આ સ્મશાનની જવાબદારી સોંપવામાં આવી હતી. બ્લેક ઈવાન પણ એકનાં એક દૃશ્યો જોઈ જોઈને રૂક્ષ બની ગયો.
અહીં એક પછી એક કેદીઓને લાવવામાં આવતા. ઓરડીમાં સફેદ કોટ પહેરેલો એક યુવાન ડૉક્ટર કે જેને બધા જ કેદીઓ ઓળખતા હતા તે ઊભેલો જણાતો. તે કોટની ભીતર નામી સૈન્યના અધિકારીના ડ્રેસમાં રહેતો. કેદીઓ એટલા માટે એને ઓળખતા કે જ્યારે તેમને આ છાવણીમાં લાવવામાં આવતા ત્યારે તે બધાની તબીબી કરતો. જેમને મારી નાંખવાના હોય તેમને જુદા પાડતો. જે કામ લાગે તેવા હોય તેમને બીજા જૂથમાં રાખતો.
મૃત્યુ માટે નક્કી થયેલા કેદીઓને વારાફરતી એક પછી એક ચેમ્બરમાં લાવવામાં આવતા. સફેદ તબીબી કોટ પહેરેલો ડૉક્ટર એના કામમાં અત્યંત કુશળ હતો. તે ઈંજેક્શનની સીરિંજમાં પારદર્શક પ્રવાહી ભરતો.
અંદર આવેલા કેદીને કહેતો: `બધાં જ કપડાં કાઢી નાંખ.’
તદ્દન નગ્ન કેદીને ઓરડાની ખુરશીમાં બેસવાની સૂચના આપતો. કેદીની આસપાસ બે સૈનિકો ઊભા રહેતા. કેદી ખુરશીમાં બેસે એટલે તરત જ યુવાન ડૉક્ટર ખુરશી પાસે આવતો. કેદીને બે સૈનિકો મજબૂત રીતે પકડી રાખતા અને ડૉક્ટર કેદીના હૃદયમાં જ ઝેરી પ્રવાહીવાળી સીરિંજ ખોસી દઈ ઈંજેક્શન આપી દેતો. સીરિંજમાં ફિનોલિક એસિડ ભરાતું હતું.
ક્ષણ-બે ક્ષણમાં કેદી ખુરશીમાં જ ઢળી પડતો.
આ છાવણીમાં તે હેર ડૉક્ટર-`HERR DOCTOR’- તરીકે ઓળખાતો. ઉચ્ચ જર્મન અધિકારીઓને આ ડૉક્ટર બહુ જ ગમતો. ઓરડામાં એક કેદી મરી જાય એટલે તે બૂમો પાડતો: `નેક્સ્ટ’ એમ કહી બોલતો: `મને સમય નથી. જલદી બીજાને લાવો.’
મૃત્યુ પામેલા કેદીનું ડેડબોડી પાછલા દરવાજેથી સીધું સ્મશાનમાં જ મોકલી અપાતું. યુદ્ધકેદીઓને દાટવામાં નહીં, બાળવામાં આવતા. ઊંચી દીવાલોની ભીતર પેલો રશિયન બ્લેક ઈવાન ઝડપથી મરી ગયેલા કેદીને ચિતા ઉપર મૂકી દેતો. દીવાલોની પેલે પાર ઊભેલા બીજા કેદીઓ ચીમની ઉપરથી ધુમાડો નીકળતો જોતા એટલે સમજી જતા કે અંદર ગયેલો તેમનો સાથી બળી રહ્યો છે.
– વીસેન્થલ પણ યુદ્ધનો કેદી જ હતો, પરંતુ તેને બગીચો સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું હોઈ તેને જીવતો રાખવામાં આવ્યો હતો. રોજ બગીચામાં કામ કરતાં કરતાં સ્મશાનની દીવાલોની ઉપર દેખાતી ચીમનીમાંથી આખો દિવસ આવા ધુમાડા તે જોયા કરતો.
જર્મન અધિકારીઓનો હુકમ હતો કે બળી ગયેલા મૃતદેહોની રાખ બાજુનાં ખેતરો કે જ્યાં શાકભાજી ઉગાડવામાં આવતાં હતાં ખાતર તરીકે ઉપયોગમાં લેવા મોકલી આપવી. બ્લેક ઈવાન આ કામ પણ કરતો હતો. મડદાંઓની રાખ તે નજીકનાં ખેતરોમાં પહોંચાડતો અને તે રાખ કમનસીબ મૃત્યુ પામેલા યહૂદીઓની હતી.
`HERR DOCTOR’ તરીકે ઓળખાતા આ ડૉક્ટરનું નામ કાર્લ બેબોર હતું. તે જર્મન હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડૉ.કાર્લ બેબોરને માનવીનાં મોત નિપજાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. યુદ્ધના ઇતિહાસકારો તેને` ડૉક્ટર ઓફ ડેથ’ તરીકે પણ ઓળખે છે. એના માથાના વાળ એકદમ કાળા અને આંખો સદાય ઉદાસ રહેતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડૉક્ટર તરીકે એણે કોઈને જિવાડવા નહીં પરંતુ માસ મર્ડર-અર્થાત્ સામૂહિક હત્યા માટે તેના તબીબી કૌશલ્યનો ઉપયોગ કર્યો હતો. હિટલરના ઉદયના સમયથી જ તે નાઝી પાર્ટીનો સભ્ય હતો અને યહૂદીઓ પ્રત્યે નફરત ધરાવતો થઈ ગયો હતો. તે વિયેનાની મેડિકલ યુનિવર્સિટીમાં ભણેલો હતો.
નાઝી સૈન્યે વિવિધ સ્થળોએ કોન્સસ્ટ્રેશન કેમ્પ શરૂ કર્યાં ત્યારે કાર્લ બેબોર કે જેણે ડિગ્રી લેતાં પહેલાં જ મેડિકલ કૉલેજ છોડી દીધી હતી, એણે જાતે જ સેલ્ફ એપોઈન્ટેડ ડૉક્ટર તરીકે આવી છાવણીઓમાં સેવા આપવી શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં તે મેડિકલ ઓફિસર હતો, પણ પાછળથી તે કેમ્પ-ડૉક્ટર બની ગયો હતો.
કેમ્પના ઈન્ચાર્જ ડૉક્ટર બનતાં જ એણે કેદીઓનાં હૃદયમાં જ સીધાં ઈંજેક્શનો ઘુસાડી દઈ કેદીને મારી નાંખવાની સ્ટાઈલ અપનાવી હતી. એ કેટલીક વાર હ્યુમન ટિશ્યૂ લઈ તેના વિવિધ પણ અર્થહીન અખતરા કરવા માટે પણ કેદીઓના હાર્ટમાં ઈંજેક્શન ઘુસાડી દેતો. માનસિક બીમારીઓનું કારણ શોધવા કારણ વગર માણસને મારી નાંખી તેના મગજને ખોલીને તપાસતો. એથીયે ખતરનાક વાત તો એ હતી કે કેટલીક વાર તો એટલા માટે તે કેદીઓને મારી નાંખતો કે એનાથી એને મજા પડતી.
ડૉ.કાર્લ બેબોરે અત્યાર સુધીમાં આવા ત્રણ કેમ્પમાં કેદીઓને મારી નાંખવાનું કામ સંભાળ્યું હતું. તેમાં પ્રથમ કેમ્પ વોર્સો નજીકનો TREBLINKA CAMP હતો. હિટલરનો આ સૌથી ભયાનક કેમ્પ હતો. આ એક જ કેમ્પમાં એક જ વર્ષમાં ૭ લાખ માણસોને મારી નાખવામાં આવ્યા હતા. યુદ્ધના અંતે માત્ર ૪૦ જ કેદીઓ બચવા પામ્યા હતા. ડૉ.કાર્લ બેબોર આ કેમ્પનો મુખ્ય શેતાની ડૉક્ટર હતો. (ક્રમશ:)

Be Sociable, Share!