Close

૧૯૬૬માં વિમાન ક્રેશ કરાવીને સીઆઈએએ ભારતના અણુવિજ્ઞાની ડૉ. હોમીભાભાનું મોત નીપજાવ્યું હતું

રેડ રોઝ | Comments Off on ૧૯૬૬માં વિમાન ક્રેશ કરાવીને સીઆઈએએ ભારતના અણુવિજ્ઞાની ડૉ. હોમીભાભાનું મોત નીપજાવ્યું હતું
કેટલીક ઘટનાઓ વિમાનના ક્રેશ થવાની છે. કેટલીક ઘટનાઓ આકાશમાંથી ગુમ થઈ ગયેલાં વિમાનોની છે, પરંતુ આ ઘટના વિમાનની સાથે સંકળાયેલી એક કરુણ ઘટનાની છે.
પેરિસમાં એ દિવસો સખત ઠંડીના હતા.
સ્નોફોલના કારણે ફ્રાન્સ આખું થીજી ગયું હતું. ઓકનાં વૃક્ષો પર પાંદડાં ક્યાંયે દેખાતાં નહોતાં. સીન નદીમાં આંગળી પણ ઝબોળી ન શકાય એટલી હદે ઠંડો સડસડાટ જળપ્રવાહ વહી રહ્યો હતો. કાતિલ ઠંડીના આ દિવસોમાં યુનિવર્સિટી ઓફ પેરિસના ગેસ્ટ હાઉસમાં મોડે સુધી બત્તી હજી પ્રજ્વલિત હતી. રૂમની અંદરનું હીટર અંદરના વાતાવરણને હૂંફાળું બનાવી રહ્યું હતું. મોડી રાત સુધી એક ગુજરાતી યુવાન એની અંગત ડાયરી લખી રહ્યો હતો. ફ્રાન્સની વૈજ્ઞાનિક સંસ્થાઓના મેનેજમેન્ટનો અભ્યાસ કરવા ગયેલો અમદાવાદનો જ પદ્મનાભ જોશી નામનો યુવાન એક રિસર્ચર હતો. ભારત સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટે એને સંશોધન કરવા માટે સ્પોન્સર કર્યો હતો.
બે મહિના સુધી સંશોધન કાર્ય પૂરું કર્યા દરમિયાન તે ફ્રાન્સના અનેક ટોચના અણુવિજ્ઞાનીઓને મળ્યો હતો. ભારતના અણુવિજ્ઞાનીઓ પ્રત્યેનો ફ્રાન્સનો આદર અભિભૂત કરી દે તેવો હતો. સંશોધન કામગીરી પૂરી થતાં આ સંશોધકે હવે ઈન્ડિયા પાછા ફરવાનું હતું. બીજા દિવસે તે પેરિસમાં આવેલી એર ઈન્ડિયાની ઓફિસે ગયો. એર ઈન્ડિયાએ ગઈ તા. ૬ માર્ચે બપોરે ૩:૩૦ વાગ્યે ઊપડતા વિમાનમાં રિઝર્વેશન નિશ્ચિત કર્યું, પરંતુ પ્રવાસના ત્રણ જ દિવસ પહેલાં એર ઈન્ડિયાએ જાણ કરી કે એર ઈન્ડિયાના એન્જિનિયરોની હડતાલને કારણે ૬ માર્ચનું રિઝર્વેશન રદ છે. વૈકલ્પિક વ્યવસ્થા થતાં આ સંશોધકે હવે એર ઈન્ડિયાના તે જ તારીખે એટલે તા. ૬ માર્ચે સ્વીસ એરના વિમાનમાં મુસાફરી કરવાની છે. સ્વીસ એર દ્વારા જીનિવા પહોંચવાનું છે અને ત્યારબાદ એર ઈન્ડિયા રોમ થઈ દિલ્હી લઈ જશે એવી સૂચના આપવામાં આવી.
તા. ૬ માર્ચે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ ખાલી કરી એ રિસર્ચર `ચાર્લ્સ દ ગોલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે’ પહોંચ્યો. એર ઈન્ડિયાએ આપેલી સૂચના પ્રમાણે તે ટર્મિનલ-૧ પર પહોંચ્યો. ટર્મિનલ ૧ પર પહોંચ્યા પછી ખબર પડી કે વિમાન તો ટર્મિનલ બે પરથી ઊપડવાનું છે. એર ઈન્ડિયાએ સૂચના આપવામાં ભૂલ કરી છે. ફ્રેંચ યુવતીએ તાત્કાલીક ટર્મિનલ-૨ પર જવા કહ્યું. મોડું થશે તો ફ્લાઈટ જતી રહેશે એમ પણ જણાવ્યું.
ટર્મિનલ-૨ પર જતાં ખાસ્સો અડધો કલાક લાગ્યો. ટ્રોલીમાં સામાન મૂકીને ડિપાર્ચર લોન્જ પર પહોંચી ટિકિટ રજૂ કરી. સૂચના મળી કે તમે તાત્કાલિક ૨૨ નંબરના ગેટ પર પહોંચ્યો. કાઉન્ટર પરની યુવતીએ કહ્યું કે, એર ઈન્ડિયાની ભૂલના કારણે તમારે મોડું થયું છે, હું તમારી માફી માંગું છું. તમે ઝડપથી આગળ વધો.
બે જ મિનિટમાં ઈમિગ્રેશન વિધિ પૂરી થઈ. બધા જ ઉતારુઓ વિમાનમાં ગોઠવાઈ ગયા. એર હોસ્ટેસ સહુને ચોકલેટ, જ્યૂસ તથા મેગેઝિન્સ આપી ગઈ. ચાર વર્ષના એક બાળકને એર હોસ્ટેસ કલર બોક્સ, કલર બુક તથા નાનકડું રમકડું ભેટ આપી ગઈ. દરમિયાન એક સ્ટુઅર્ડે આવીને પૂછ્યું: `કોઈ યાત્રીને કંઈ જરૂર છે?’
થોડીવાર તો કોઈ બોલ્યું નહીં, પણ ગુજરાતના આ યુવા સંશોધકે કહ્યું કે, `હા, મારે વિમાનના પાઈલટને મળવું છે.’
સ્ટુઅર્ડ વિચારમાં પડી ગયો કે સામાન્ય રીતે કોઈ આવી માંગણી કરતું નથી. છતાં એણે કહ્યું: `તમે થોભો. હું પાઈલટને પૂછી આવું.’
સ્ટુઅર્ડ પાઈલટ પાસે ગયો અને વાત કરી તો પાઈલટે કહ્યું કે, `હું એ ભાઈને ઓળખતો નથી. છતાં એમને કહો કે જીનિવા પહોંચ્યા પછી તેઓ મને મળી શકે છે.’
સ્ટુઅર્ડ દ્વારા આવેલો આ સંદેશો સાંભળ્યા બાદ ભારતીય ઉતારુએ આગ્રહ કર્યો કે, `ના, મારે તો અત્યારે જ મળવું છે.’
પેસેન્જરનો આવો અતિ આગ્રહ જાણ્યા બાદ પાઈલટની સૂચના પ્રમાણે સ્ટુઅર્ડ પાછો આવ્યો અને કહ્યું: `ચાલો, પાઈલટ તમને બોલાવે છે.’
ગુજરાતી યુવાન કોકપીટમાં પહોંચ્યો. ખૂબ જ વિવેક સાથે સ્મિત કરી પાઈલટે ઉતારુનું અભિવાદન કર્યું.
પાઈલટે પૂછ્યું: `બોલો, હું તમારી શું મદદ કરી શકું?’
ગુજરાતી યુવાને કહ્યું કે, `આ વિમાન પેરિસથી જીનિવા જતાં આલ્પ્સ પર્વત પરથી ઊડશે. મારે માઉન્ટ બ્લાન્ક (ફ્રેન્ચ ભાષામાં માઉન્ટ બ્લાન્કનો ઉચ્ચાર `મો બ્લાં’ થાય છે) શિખર જોવું છે.’
પાઇલટે સસ્મિત એ વિનંતીનો સ્વીકાર કરતાં કહ્યું કે, `મો બ્લાં શિખર ખરેખર સુંદર છે. તમે અહીં જ બેસો, તમને હું મો બ્લાં બતાવીશ.’
પાઈલટની તત્કાળ હા અન્ય ઉતારુ માટે મોટું આશ્ચર્ય હતું.
વિમાન ધીમે ધીમે રન વે પર સરકવા માંડ્યું. પેરિસનું ચાર્લ્સ દા ગોલ વિમાની મથક વિશ્વના બીજા ટોચનાં એરપોર્ટની જેમ અત્યંત વ્યસ્ત વિમાની મથક ગણાય છે. થોડીક ક્ષણોનો પણ પાઈલટ વિલંબ કરે તો ઉડ્ડયન માટે રાહ જોતાં બીજાં વિમાનોને આગળ જવા દેવાં પડે. પાઈલટે કહ્યું કે, આપણે ૫થી ૭ મિનિટ મોડા પડ્યા હોઈ હવે રન વે મેળવતાં ૨૦ મિનિટ લાગશે.
આ વિમાન હવે ટેક ઓફ માટે બીજાં વિમાનોની પાછળ લાઈનમાં ઊભું રહ્યું. થોડીક જ વારમાં આ વિમાને પણ ટેક ઓફ કર્યું. અવકાશમાં સ્થિર થયા બાદ વિમાન હવે સ્થિર થયું. પેરિસ છોડતાં જ વિમાન બારે મહિના બરફથી ઢંકાયેલા રહેતા આલ્પ્સની ઉપર આવી જાય છે. સૂરજનાં કુમળાં કિરણોથી આલ્પ્સની પર્વતમાળા અદ્‌ભુત લાગતી હતી. ખીણમાં શંકુદ્રુમ જંગલો અને શિખરો પર બરફના ઢગલાથી શોભતો આલ્પ્સ કોઈ કવિની શબ્દાવલીમાં પણ ન સમાય એવો જાજરમાન લાગતો હતો.
થોડા સમય બાદ પાઈલટે કોકપીઠમાં બેઠેલા અને મો બ્લાં શિખર જોવાની પ્રતીક્ષા કરી રહેલા ભારતીય ઉતારુને કહ્યું: `આ સામે દેખાય છે તે જ `મો બ્લાં’ છે.’
પેસેન્જરની નજર `મો બ્લાં’ પર સ્થિર થઈ. કેટલીયે ક્ષણો સુધી તે `મો બ્લાં’ને એકીટસે નિહાળી રહ્યો. પાઈલટે જોયું તો ભારતીય યુવાનની આંખમાં આનંદના બદલે આંસુ હતાં.
પાઈલટ વિચારમાં પડી ગયો. એમણે સાશ્ચર્ય પૂછ્યું: મો બ્લા જોઈને આટલા ગમગીન કેમ બની ગયા?’
સહેજ સ્વસ્થતા ધારણ કર્યા બાદ ભારતીય યુવાને કહ્યું: `મો બ્લાંની સુંદરતા જોવા માટે હું તમારી પાસે નથી આવ્યો, પણ આ એ જ શિખર છે જ્યાં મારા દેશના મહાન અણુ વૈજ્ઞાનિક મૃત્યુ પામ્યા હતા. ૧૯૬૬ની સાલની ૨૪મી જાન્યુઆરીએ એક વિમાન આ શિખર પર તૂટી પડ્યું હતું. તેમાં ડો. હોમી ભાભા પણ હતા. કાંચનજંઘા નામનું એ વિમાન તૂટી પડ્યા બાદ વિમાની અકસ્માતમાં માર્યા ગયેલા પ્રવાસીઓનાં શબ પણ મળ્યાં નહોતાં. મારા દેશના એ વૈજ્ઞાનિક અહીં જ ક્યાંક સૂતા છે અને એટલે જ મારે મો બ્લાં શિખર જોવું હતું.’
સ્વીસ પાઈલટ પણ ઉતારુની મન:સ્થિતિ જોઈ અને એની વાત સાંભળી દ્રવિત થઈ ગયા. ડો. ભાભા વિશે તેમણે પ્રશ્નો પૂછ્યા. યુવાને કહ્યું: `કેમ્બ્રિજમાં સંશોધન કરી ડો. હોમી ભાભા અણુવિજ્ઞાની બન્યા હતા. અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ઝીંક્યો એ પહેલાં ડો. હોમી ભાભાએ જે. આર. ડી. તાતાને ભારતીય અણુ કાર્યક્રમ શરૂ કરવાની દરખાસ્ત મોકલી હતી. કમનસીબે અમારા એ મહાન વૈજ્ઞાનિકને આ મો બ્લાં જ ભરખી ગયો. આજે હું એ વૈજ્ઞાનિકને આ બરફાચ્છાદિત શિખર પર શોધું છું.’
પાઈલટે આ યુવાનનો પરિચય માંગ્યો. યુવાને કહ્યું: `મારું નામ ડો. પદ્મનાભ જોશી છે. હું અમદાવાદ નામના શહેરમાં નહેરુ ફાઉન્ડેશનમાં રિસર્ચર છું.’
પદ્મનાભને થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સના એક અણુવિજ્ઞાનીના શબ્દો યાદ આવી ગયા. ફ્રાન્સના ડો. ભાભા પ્રત્યેના આદરને વ્યક્ત કરતાં એમણે કહ્યું હતું: ડો. હોમી ભાભા લીવ્સ ઈન ફ્રાન્સ.
અને પાઈલટ અત્યંત લાગણીશીલ બની ગયેલા એ ભારતીય સંશોધક તરફ જોઈ રહ્યો. એની આંખની કોર હજીયે ભીની હતી.
ડો. હોમી ભાભા દેશના પ્રથમ પરમાણુ વિજ્ઞાની હતા. તેમનો જન્મ તા. ૩૦ ઓક્ટોબર, ૧૯૩૦ના રોજ મુંબઈમાં થયો હતો.
– હોમી જહાંગીર ભાભા પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કેવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું. જ્યાં તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર ખાતે સી.વી. રામનના નેજા હેઠળ કોસ્મિક રે ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. (૧૯૩૯). જે. આર. ડી. ટાટાની મદદ વડે તેમણે મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચનો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પૂરું થતાં ભારતની સ્વતંત્રતા સાથે પંડિત જવાહરલાલ નહેરુની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. ૧૯૪૮માં તેમણે અેટોમિક એનર્જી કમિશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તથા ૧૯૫૫માં તેઓ જીનિવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા.
તા. ૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ના રોજ તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટ ૧૦૧ દ્વારા મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનું વિમાન જીનિવા એરપોર્ટ પર ઊતરે તે પહેલાં આલ્પ્સ પર્વતના માઉન્ટ બ્લાન્ક નામના શિખર પર તૂટી પડ્યું હતું. એ વિમાનમાં હોમી ભાભા સહિત કુલ ૧૦૬ ઉતારુઓનાં મોત નીપજ્યાં હતાં. આ પ્લેનનું તૂટી પડવું તે અકસ્માત હતો કે કોઈ વિદેશી ગુપ્તચર સંસ્થાનું કાવતરું હતું તે અંગે અનેક સંદેહ છે. કહેવાય છે કે અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)એ ભારતના અણુ કાર્યક્રમને આગળ ન વધવા દેવા આ પ્લેનને ક્રેશ કરી દેવાનું ષડ્યંત્ર રચ્યું હતું. ગ્રેગરી ડગ્લાસ નામના એક સિનિયર પત્રકારે એવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે ભારતના પરમાણુ વિજ્ઞાની ડો. હોમી ભાભાની હત્યાનું કાવતરું અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ જ ઘડ્યું હતું. આ સંદર્ભમાં તેમણે એક પુસ્તક પણ લખ્યું છે. અમેરિકન પત્રકાર ગ્રેગરી ડગ્લાસે આ પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે, તેમણે સીઆઈએના ઓપરેટિવ ડગ્લાસ ક્રોવલી સાથે ફોન પર કરેલી વાતચીતના આધારે જ સીઆઈએના આ કાવતરાનો મેં મારા પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે હોમી ભાભાની હત્યા માટેનું કાવતરું સીઆઈએ જ ઘડ્યું. ડો. હોમી ભાભા જે વિમાનમાં મુસાફરી કરવાના હતા તે વિમાનને ક્રેશ કરી દેવાનું ષડ્યંત્ર રચ્યું હતું. સીઆઈએના ડગ્લાસ કોયલીએ મને સ્પષ્ટ જણાવ્યું હતું કે અમે હોમી ભાભા જે વિમાનમાં બેઠા હતા તેના કાર્ગો સેક્શનમાં બોમ્બ મૂક્યો હતો, જે વિમાનના ઉડ્ડયન દરમિયાન ફાટ્યો હતો અને વિમાન આલ્પ્સ પર્વતના માઉન્ટ બ્લાન્ક શિખર પર તૂટી પડ્યું હતું.
સીઆઈએ આવા જ પણ બીજા પ્રકારના કાવતરા દ્વારા ભારતના તે પછીના અણુવિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈનું મોત નીપજાવ્યું હતું.
અને આ એ જ માઉન્ટ બ્લાન્કનું શિખર હતું જે ગુજરાતી સંશોધક ડો. પદ્મનાભ જોષી જોવા માંગતા હતા.
ડૉ. પદ્મનાભ જોશી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થી હતા અને ભારતના અણુવિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈનાં સંશોધન કાર્યો પર રિસર્ચ કરી પીએચ.ડી. થયા હતા. ડો. પદ્મનાભ જોશીનું હમણાં જ દુ:ખદ અવસાન થયું. ભારતના પ્રથમ અણુવિજ્ઞાની અને ગુજરાતી સંશોધક ડો. પદ્મનાભ જોશીને શ્રદ્ધાંજલિ.
——————————————–

Be Sociable, Share!