બાંગ્લાદેશમાં ભડકેલી હિંસા અટકવાનું નામ લેતી નથી. કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ પરિવારોનાં ઘર લૂંટવામાં આવી રહ્યાં છે. યુવતીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. એક ગામમાં તો કટ્ટરપંથીઓથી બચવા કેટલાક હિન્દુઓએ કૂવામાં ભૂસકો માર્યો. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર એમ. શેખાવત હુસેને ભારતને બાંગ્લાદેશની આંતરિક બાબતમાં દખલ ના કરવા સુફિયાણી સલાહ આપી છે. બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ એ વાત ના ભૂલે કે ભારતે જ બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. આજનું બાંગ્લાદેશ પહેલાં પાકિસ્તાનનો જ એક હિસ્સો હતું અને તે ભૂભાગ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો દેશ હતો. એ વખતની ભારત સરકારે ભારતીય લશ્કરને પૂર્વ પાકિસ્તાનમાં મોકલી પાકિસ્તાની સૈનિકોને પશ્ચિમ પાકિસ્તાન ભગાડી મૂક્યા હતા. પૂર્વ પાકિસ્તાનમાં લડાઈ લડી રહેલા પૂર્વ પાકિસ્તાનના લશ્કરના વડા જનરલ નિયાઝીએ પૂર્વ પાકિસ્તાનમાં જ ભારતીય લશ્કરના વડાની સમક્ષ લેખિત શરણાગતિ સ્વીકારી હતી અને તે રીતે જે પૂર્વ પાકિસ્તાન હતું તે મટીને આજનો બાંગ્લાદેશ બન્યો.
ભારતની મદદથી બાંગ્લાદેશને આઝાદી મળી. ૧૯૭૧માં તેનો જન્મ થયો. 4 નવેમ્બર, ૧૯૭૨ના રોજ બાંગ્લાદેશનું પ્રથમ બંધારણ જાહેર કરવામાં આવ્યું. સાંપ્રદાયિકતા અને લોકશાહીને મુખ્ય મુદ્દા તરીકે આ બંધારણમાં સમાવવામાં આવ્યા. રાષ્ટ્રીયતા, સામાજિક સમરસતા, લોકશાહી અને સાંપ્રદાયિકતા (secularism)નો સ્વીકાર કરીને દેશનું બંધારણ ઘડવામાં આવ્યું.
પરંતુ જન્મના તરત બાદ એટલે કે આઝાદીના થોડાક સમયગાળામાં જ બાંગ્લાદેશી રાજકારણ અને રાજનેતાઓ તુષ્ટીકરણમાં લાગી પડ્યા. વોટબેંકના રાજકારણમાં બિન-મુસ્લિમ લઘુમતીઓને હાંસિયામાં ધકેલવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો હતો. બાંગ્લાદેશી હિન્દુઓને સલામતી આપી શકાઈ જ નહોતી, પરંતુ રાજકીય અને બંધારણીય રીતે પણ તેમને પછાત અને અધિકારવિહોણા બનાવી દેવામાં આવ્યા હતા.
જૂન, ૧૯૮૮માં બંધારણમાં ૮મો સુધારો કરીને `ઈસ્લામ’ને બાંગ્લાદેશનો રાષ્ટ્રીય ધર્મ જાહેર કરી દેવાયો.
બહુમતીઓના તુષ્ટીકરણ માટે લાવવામાં આવેલા આ સુધારાથી જ બાંગ્લાદેશના રાજકારણમાં ધ્રુવીકરણનો ઈતિહાસ શરૂ થઈ ગયો. લઘુમતી અને ખાસ કરીને હિન્દુઓ પર અત્યાચાર અને ભેદભાવની નીતિઓ અપનાવવાનું ચાલુ થઈ ગયું. પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી સતત ઘટતી ગઈ.
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ૧.૧૬ કરોડ બચી હતી. ટકાવારીમાં સમજીએ તો હિન્દુઓની વસ્તીમાં વર્ષે સરેરાશ માત્ર ૦.૬ ટકાનો વધારો થયો હતો. જ્યારે મુસલમાનોની વસ્તીમાં વાર્ષિક સરેરાસ ૨.૨ ટકાનો ઉમેરો થયો હતો.
ઉપરોક્ત ૨૭ વર્ષ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ૧૩.૫%થી ઘટીને ૯.૨% થઈ ગઈ હતી. ૨૦૦૨થી ૨૦૧૧ની વચ્ચે હિન્દુઓની વસ્તી ઘટીને ૮.૨% રહી છે અને એક અંદાજ મુજબ ઈ.સ. ૨૦૫૧માં બાંગ્લાદેશમાં માત્ર ૩ ટકા હિન્દુઓ બચ્યા હશે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કટ્ટરપંથીઓના અત્યાચારોના કેટલાંક વધુ ઉદાહરણો આ રહ્યાં.
(૧) ફેબ્રુઆરી-૧૯૯૫ : બાંગ્લાદેશના અંતરિયાળ વિસ્તાર `દીનાઝપુર’માં એક અત્યંત સુંદર અને ખૂબ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું મંદિર આવેલું હતું. એક હિંદુ રાજા દ્વારા ઈ.સ. ૧૪૫૨માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિર અત્યંત ભવ્ય બને તે માટે તત્કાલીન હિન્દુ રાજાએ દિલ્હીથી મુગલ સલ્તનતના આર્કિટેક્ટ અને કારીગરોને બોલાવ્યા હતા. ૧૫મી સદીના આ પૌરાણિક મંદિર ઉપર અનેક હિન્દુઓને પારાવાર શ્રદ્ધા હતી. દર વર્ષે વર્ષાઋતુની સમાપ્તિ બાદ અહીં ૧૦.૦૦૦ જેટલા ભક્તો એકઠા થતા અને સતત ૩ અઠવાડિયાં સુધી ચાલતા ધાર્મિક મેળામાં ભાગ લેતા. જેમાં માત્ર બાંગ્લાદેશ જ નહીં, પરંતુ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા સહિતના હિન્દુ શ્રદ્ધાળુઓ પણ આવતા હતા. આ મંદિરમાં હિન્દુઓના ઈતિહાસના અમૂલ્ય વારસાને જતનપૂર્વક સાચવવામાં આવ્યો હતો, પરંતુ અફસોસ કે ધર્માંધ લોકોએ આ મંદિરને પણ પોતાના ગુસ્સાનો ભોગ બનાવ્યું હતું અને ઐતિહાસિક વારસો તથા દસ્તાવેજિક પુરાવાઓને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડ્યું હતું.
૨. માર્ચ-૧૯૯૫: અમેરિકન સરકારના ૧૯૯૪ના હ્યુમન રાઈટ્સ રિપોર્ટ અનુસાર ૧૯૯૪ દરમિયાન બાંગ્લાદેશમાં કોઈ મોટાં કોમી રમખાણો થયાં નહોતા, પરંતુ ચાલાકીપૂર્વક ત્યાંની સરકારે હિન્દુ, ખ્રિસ્તી તથા બુદ્ધ ધર્મના લોકોને સરકારી લાભોથી વંચિત રાખવાનું ચાલુ કરી દીધું હતું. સરકારી નોકરીઓ ઉપરાંત સરકારી યોજનાઓમાંથી બિનમુસ્લિમ લઘુમતીઓને ઈરાદાપૂર્વક બાકાત કરવામાં આવી રહી હતી. જેને કારણે ઉપરોક્ત લઘુમતીઓ બાંગ્લાદેશના નાગરિક હોવા છતાં પોતાના જ દેશમાં નિરાશ્રિતતા અનુભવવા લાગ્યા હતા.
કોમી માહોલ શાંત પડતાં કેટલાક વિસ્તારોમાં સુધારાવાદી મુસલમાનોએ હિન્દુઓ માટે ન્યાય માંગવાની હિંમત કરી હતી, પરંતુ આ ચેષ્ટાને ઊગતી જ દાબી દેવા માટે કટ્ટરવાદીઓએ અનેક લેખકો, પત્રકારો, લઘુમતી નેતાઓ અને સમાજસુધારકોની હત્યા કરી નાંખી હતી.
(૩) જૂન-૧૯૯૬: હિન્દુઓ સામેના અત્યાચારોએ પુન: માથું ઊંચક્યું હતું અને `ઢાકા યુનિવર્સિટી’ની હિન્દુ તથા બિનમુસલમાન વિદ્યાર્થીઓ માટે અલાયદી ઊભી કરાયેલી હોસ્ટેલમાં બાંગ્લાદેશની પોલીસે ઘૂસી જઈને લઘુમતી વિદ્યાર્થીઓને બેરહેમીથી માર માર્યો હતો, જેમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઘવાયા હતા. જ્યારે ૯૫ વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી હતી.
(૪) માર્ચ ૨૦૧૩: ચંદનતોલા ગામમાં ૧૪ હિન્દુ પરિવારો વસતા હતા, જેઓ પાસે સારા એવા પ્રમાણમાં જમીન હતી. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સ્થાનિક નેતા અબ્દુલ રશીદ અને આવામી જુબા લીગના યાકીર હુસૈન સરકારની નજર આ જમીન પર પડી. ગામના સ્થાનિક લોકોને ઉશ્કેરીને તેમણે હિન્દુ પરિવારોને રંજાડવાનું ચાલુ કર્યું. ગમે ત્યારે ભરબજારે ચપ્પુ તથા હથિયારો બતાવી આ ૧૪ હિન્દુ પરિવારોના સભ્યોને ડરાવવાનું શરૂ કર્યું. હત્યા કરવાની અને અપહરણ કરવાની ધમકીઓ આપી શરૂઆતમાં તેમની મિલકતો સાવ સસ્તામાં લખાવી દેવાનું શરૂ કરી દેવાયું.
૨૨મી માર્ચે સ્થાનિક હિન્દુઓએ પોલીસ તથા શાસિત પક્ષના નેતાઓ સમક્ષ પોતાને થતી હેરાનગતિની ફરિયાદ કરી, પરંતુ તેની કોઈ અસર ન થતાં તેમની હેરાનગતિમાં ઓર વધારો થયો. પછી તો તેમને રીતસર ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને તેમનાં ઘરો તથા જમીનો પર બળજબરીથી કબજો કરી દેવાયો. ૨૦૧૩થી શરૂ થયેલી હિન્દુઓની આ હિજરત ૧૩મી માર્ચ, ૨૦૧૪ના રોજ અંતિમ બે પરિવારોના ગામ છોડીને જવા સાથે દુ:ખદ રીતે પૂરી થઈ. રાચરચીલાવાળાં ૧૪ મકાનો અને જમીનો હોવા છતાં આ હિન્દુ પરિવારોએ નજીકના ગામમાં પોતાના જ દેશમાં નિરાશ્રિત તરીકે આશરો લેવો પડ્યો છે. એક યા બીજા સ્વરૂપે હિન્દુઓને રંજાડવાનું બાંગ્લાદેશમાં સતત ચાલતું જ રહ્યું છે. હિન્દુઓની જમીન, મકાન, કામ-ધંધા, ધાકધમકી, બળજબરીથી પડાવી લેવાનું ક્યારેય બંધ થયું નથી. આઝાદીથી લઈને અત્યાર સુધી દર વર્ષે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી તો ઘટતી જ ગઈ છે, પરંતુ હિન્દુઓ દ્વારા માલિકી ધરાવતી મિલકતોમાં પણ ઘરખમ ઘટાડો થતો રહ્યો છે.
૧૯૯૬ના મધ્યભાગમાં આવામી લીગ પાર્ટીનાં વડાં શેખ હસીના વડાંપ્રધાન બન્યાં ત્યારે બાંગ્લાદેશી લઘુમતીઓ માટે પરિસ્થિતિ સુધરવાની આશા બંધાઈ હતી. કારણ કે શેખ હસીના ભારત તરફી ઝોક ધરાવતાં હતાં અને ચૂંટણીમાં પણ હિન્દુઓએ તેમની પાર્ટીને મદદ કરી હતી, પરંતુ જે પ્રદેશોમાં વિરોધ પક્ષ `બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’નું વર્ચસ્વ હતું તે વિસ્તારોમાં હિન્દુઓની પજવણી ઊલટી વધી ગઈ હતી. ૧૯૯૮ બાદ જ્યારે ભારતમાં `ભારતીય જનતા પાર્ટી’ની સરકાર બની ત્યારે તો આ `બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’એ સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ તથા ભારતથી આવતા માલ-સામાનનો બહિષ્કાર જાહેર કર્યો હતો. બાંગ્લાદેશમાં સૌથી વધુ નુકસાન હિન્દુ સ્ત્રીઓને થઈ ગયું હતું. સરકારી નિયમો મુજબ હિન્દુ સ્ત્રીઓને કોઈ જ બંધારણીય અધિકારો આપવામાં આવ્યા નહોતા. હિન્દુ લગ્નને રજિસ્ટર કરવાની કોઈ જ વ્યવસ્થા બાંગ્લાદેશમાં નહોતી. બાંગ્લાદેશમાં વસતી હિન્દુ મહિલાઓને તેમના પિતા કે પતિની સંપત્તિનો વારસો મેળવવાનો અધિકાર નહોતો. એટલું જ નહીં, પરંતુ કાયદાકીય છૂટાછેડા લેવાનો અધિકાર પણ તેમને આપવામાં આવ્યો નહોતો.



