Close

૪૧ દિવસના યુદ્ધ બાદ કુવૈત આઝાદ થયું

રેડ રોઝ | Comments Off on ૪૧ દિવસના યુદ્ધ બાદ કુવૈત આઝાદ થયું

ઈરાકે કુવૈત કબજે કર્યું. તે પછી અમેરિકા અને તેના સાથી દેશોનાં લશ્કરી દળોએ ઈરાક પર હુમલો કરી દીધો.

તા.૧-૨-૧૯૯૧ના રોજ અખાતના યુદ્ધને બે સપ્તાહ પૂરા થયાં. અમેરિકા અને સાથી દેશોનાં દળોએ બેશુમાર બોમ્બમારો કરીને બગદાદને તબાહ કરી દીધું. નાનાં શહેરો પણ ભાંગી નાંખ્યાં. ઈરાકથી જોર્ડન તરફ જવાના રસ્તા પરના પુલો ઉડાવી દીધા. અત્યાર સુધીમાં ઈરાક પર ૩૦,૦૦૦ હવાઈ હુમલા થયા. બીજી બાજુ ઈરાકી દળે અમેરિકાને સાથ આપી રહેલા સાઉદી અરબના અલ-ખફજી બંદર પર કબજો જમાવી દીધો.

અમેરિકાના નાગરિકો આ યુદ્ધ વહેલું પૂરું થાય તેમ ઈચ્છતા હતા. અમેરિકી દળોએ સદામ હુસેનના મહેલ પર ત્રણ ક્રૂઝ મિસાઈલ છોડી. પરંતુ સદામ હુસેન તેના મહેલમાં નહોતા. તેઓ એક અભેદ્ય બંકરમાં ચાલ્યા ગયા હતા. એક જર્મન કંપનીએ જ આ બંકર બનાવી આપ્યું હતું. એ જર્મન કંપનીનું નામ ‘ડુઝેલફોફ’ હતું. આ ભોંયરું અંદરથી આલીશાન હતું. તેમાં ૧૨ રૂમ હતા અને અણુ હુમલા સામે પણ સલામત રહી શકાય તેવી તેમાં જોગવાઈ હતી. આ બંકરનો મુખ્ય દરવાજો સ્ટીલનાં ત્રણ પડ ધરાવતો હતો અને ક્રોંકીટથી બનેલી તેની દીવાલ છ ફૂટ જેટલી પહોળી હતી. અંદર ૨૪ જેટલા ટેલિવિઝન સેટ્સ ગોઠવવામાં આવ્યાં હતાં. ૧૯૮૧માં બનેલા આ બંકરનું ખર્ચ ૬૫ બિલિયન ડોલર જેટલું થયું હતું.

તા.૩-૨-૧૯૯૧ના રોજ ‘મીર’ નામના રોયલ સ્ટેશનમાં રહેલા અવકાશ યાત્રીઓ વિક્ટર આફાનેસેન અને મુસામાનારોયે અંતરિક્ષમાંથી ઈરાકમાં ચાલતા યુદ્ધની આગના ચમકારા નિહાળ્યા. યુદ્ધ ૧૮મા દિવસમાં પ્રવેશ્યું. જોર્ડનમાં રહેલા ‘મુસ્લિમ બ્રધરહૂડ ગ્રૂપ’ નામના ત્રાસવાદી સંગઠને ઈરાક માટે લડવા જવાની તૈયારી દર્શાવી.

તા.૫-૨-૧૯૯૧ના રોજ અમેરિકી સૈનિકોને પાછા બોલાવી લેવાની માંગણી કરતી ૯૦૦૦ અરજીઓ પેન્ટેગોનને મળી. અમેરિકામાં ચિંતા વધતાં પ્રેસિડેન્ટના નિવાસ સ્થાન ‘વ્હાઈટ હાઉસ’ને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું.

બીજી બાજુ અમેરિકન દળો મારફતે ઈરાકમાં ભીષણ બોમ્બમારાથી નરસંહાર ચાલુ જ રહ્યો. આ યુદ્ધમાં ઈરાક સાવ એકલું અટૂલું પડી ગયું.

આ તરફ અમેરિકાની જેલમાં બંધ ૫૯ જેટલા અપરાધીઓએ ઈરાક સામે લડવા જવા પરવાનગી માંગી. ૨૪ વર્ષના એક કેદીએ પેન્ટેગોનને પત્ર લખીને જણાવ્યું કે, હું ગુનાખોરીનો અનુભવી માણસ છું. તમે બતાવેલ કોઈપણ વ્યક્તિનું હું ખૂન કરી શકું તેમ છું.

બીજી જાણવા જેવી વાત એ હતી કે પાકિસ્તાનની પ્રજામાં સદામ હુસેન લોકપ્રિય બની ગયા.

ચાર જ દિવસમાં યુદ્ધ પૂરું થઈ જશે એવી અમેરિકાની મુરાદ બર આવી નહીં. સતત બોમ્બમારાના કારણે ઈરાકનાં પુરાતત્ત્વ સ્થળો નાશ પામવાં લાગ્યાં. ઈરાક કોઈ જમાનામાં સુમેરિયન સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં સુમેરિયન કાળનો ૩૦૦૦ વર્ષ પુરાણો પિરામિડ પણ છે. તેની ભીતર સદામ હુસેને રડાર મથક બનાવ્યું હતું. ઈરાકની ટાઈગ્રીસ અને યુફ્રેટિસ નદીઓના કિનારે નવી સભ્યતાનું પારણું ઝૂલ્યું હતું, પરંતુ હવે અહીં તારાજી જ દેખાતી હતી. ચાર લાખ આડત્રીસ હજાર અને ચારસો છેતાળીસ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું ઈરાક પ્રાચીન સમયમાં મેસોપોટમિયા તરીકે પણ જાણીતું હતું. વિશ્વમાં ખજૂરની પેદાશમાં તે પ્રથમ છે.

અનંત કાળગંગાને માપવામાં સેકન્ડ, મિનિટ અને કલાકનું મહત્ત્વ અનન્ય છે. સમયને ગણવામાં બે એકમો વચ્ચે પરસ્પર ૬૦નો સંબંધ તે ઈરાકની ભેટ છે. દા.ત. ૬૦ સેકન્ડની એક મિનિટ અને ૬૦ મિનિટનો એક કલાક. બાર નંગનું એક ડઝન અને બાર ઈંચનો એક ફૂટ થાય એ પણ ઈરાકની ભેટ છે.

આજથી ૪૦૦૦ વર્ષ પહેલાનાં અહીંના રાજા હમુરાબીએ એ જમાનામાં સ્ત્રીઓને મિલ્કતમાં ભાગ આપવાનો, છૂટાછેડા લેવાનો તથા ભરણપોષણ મેળવવાનો અધિકાર કાયદાથી બક્ષ્યો હતો. દર્દીની સારવારમાં ડોક્ટર ભૂલ કરે તો ડોક્ટરના હાથ કાપી નાંખવાનું એ જમાનાનું ફરમાન જાણીતું હતું.

આવા ઈરાકને ક્યારેક એસિરિયનોએ તબાહ કર્યું. તે પછી સિકંદરે તબાહ કર્યું. ૧૫૨૮માં મોંગોલોએ ઈરાક જીતી લીધું. ૧૭મી સદીમાં તુર્કીએ ઈરાક જીતી લીધું. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોએ ઈરાકનો કબજો લઈ લીધો. રાજા ફૈઝલના વંશજોએ ૧૯૫૮ સુધી શાસન કર્યું. ૧૯૫૮માં લશ્કરી ક્રાંતિ થતાં રાજાશાહીનો અંત આવ્યો અને ઈરાકમાં પ્રમુખશાહી પદ્ધતિના નામે સદામ હુસેને સરમુખત્યારશાહી સ્થાપી દીધી.

હવે આ જ ઈરાક પર અમેરિકા અને તેના સાથી દેશોનાં દળો, ઈરાકને ખેદાન મેદાન કરી રહ્યાં હતાં. સદામ હુસેને એન્ટિ એરક્રાફટ તોપો અને રોકેટ લોન્ચર્સ સંતાડવા માટે ધાર્મિક સ્થળોનો પણ ઉપયોગ કર્યો.

તા.૧૭-૨-૧૯૯૧ના રોજ અખાતના યુદ્ધને ૨૬ દિવસ પૂરા થયા. બગદાદ અને બસરાની કેટલીયે ઈમારતો હવે ધ્વસ્ત થઈ ગઈ. અમેરિકાના બોમ્બમારાથી ઈરાકના હજારો નાગરિકો મૃત્યુ પામ્યા. બગદાદમાં અનેક માનવીઓના મોતથી અમેરિકનો પણ ચોંકી ઉઠયા. એક સવારે તો એક જ કલાકમાં અમેરિકાના બોમ્બમારાથી એક સાથે ૧૦૦૦ નાગરિકો મોતને ભેટયા.

ઈરાક સરકારે પત્રકારોને એક સાથે ભડથું થઈ ગયેલાં ૪૦ મૃતદેહો દર્શાવ્યા.

ભયંકર ખાનાખરાબીથી ઈરાકના પ્રેસિડેન્ટ સદામ હુસેન અંદરથી ભાંગી પડયા. તા.૧૬-૧-૧૯૯૧ના રોજ બગદાદ રેડિયોએ અચાનક કુવૈત ખાલી કરવાની નાટયાત્મક જાહેરાત કરી. ઈરાક હવે યુદ્ધ વિરામ ચાહતું હતું. ઈરાકની આ જાહેરાતથી કુવૈતવાસીએ ઉલ્લાસથી નાચવા લાગ્યા. શેરબજારમાં તેજીનું મોજું ફરી વળ્યું. સદામ હુસેનની પકડ હવે ઢીલી પડતી જણાઈ. ઈરાક હવે થાકી ગયું હતું. પરંતુ અમેરિકા હજુ તેના ૨૮ દેશોનાં દળો સાથે ઈરાક પર હુમલા જારી રાખવા માંગતું હતું. ઈરાક હજુ કાળાં ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયેલું હતું.

આ યુદ્ધ દરમિયાન ઈરાકની મહામૂલી સંસ્કૃતિનો નાશ થયો. યુદ્ધના આ ભયાનક ઝંઝાવાતની વચ્ચે ઈરાકના વિદેશમંત્રી તારિક અઝીઝ મોટર માર્ગે તહેરાન (ઈરાન) થઈ શાંતિ દરખાસ્ત લઈ મોસ્કો પહોંચ્યા. રશિયાને મધ્યસ્થી બનાવી ઈરાક આ યુદ્ધનો અંત ચાહતું હતું. અત્યાર સુધીના યુદ્ધમાં ઈરાકે ૧૩૦૦ ટેંકો, ૮૦૦ યુદ્ધ વિમાનો અને ૧૧૦૦ આર્ટિલરી સાધનો ગુમાવ્યાં હતાં.

તા.૨૪-૨-૧૯૯૧ના રોજ ઈરાક પર નેપામ બોમ્બ ઝીંકવામાં આવ્યો.

ઈરાક હવે પતનના માર્ગે હતું. ઈરાકના ૬૦૦૦ જેટલા સૈનિકોએ અમેરિકી દળો સમક્ષ શરણગતિ સ્વીકારી. સેંકડો ઈરાકી સૈનિકોને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યાં. પ્રેસિડેન્ટ બુશે જાહેર કર્યું કે અમારું આખરી લક્ષ્યાંક તો સદામ હુસેન જ છે.

તા.૨૬-૨-૧૯૯૧ના રોજ કુવૈતને આઝાદ કરાવવાનું યુદ્ધ ૪૦મા દિવસમાં પ્રવેશ્યું. સદામ હુસેનને જીવતો પકડી લાવી તેને રાખવા માટે એક કોટડી પણ તૈયાર રાખી. રશિયાના વડા ગોર્બોચોવનો શાંતિ પ્રસ્તાવ અમેરિકાએ ફગાવી દીધો. કારણ એ હતું કે અમેરિકા રશિયાને કોઈ ક્રેડીટ આપવા માંગતું નહોતું.

છેવટ તા.૨૭-૧-૧૯૯૧ના રોજ ૪૧ દિવસના યુદ્ધ બાદ કુવૈતને આઝાદી મળી. એ દરમિયાન ઈરાકી સૈનિકોએ કુવૈતના ૫૦૦ જેટલા તેલના કૂવાઓને આગ લગાડી દીધી. પરંતુ અમેરિકા અને સાથી દેશોનાં દળોએ કુવૈતને આઝાદ કરાવી લીધું. કેટલાક ઈરાકી સૈનિકો કુવૈત છોડીને ઈરાક જતા રહ્યા. બાકીના ઈરાકી સૈનિકોને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા. બધા મળીને ૨૫,૦૦૦ ઈરાકી સૈનિકોને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા.

ઈરાક આ યુદ્ધ હારી ગયું.  

તા.૨૮-૧-૧૯૯૧ના રોજ કુવૈતના લોકોએ ઈરાકના શાસનના અંતને ઉલ્લાસથી ઉજવ્યો. જો કે ઈરાકી સૈનિકોએ કુવૈતને પણ તબાહ કરી દીધું હતું. આમ છતાં કુવૈતમાં પ્રવેશેલા અમેરિકી સૈનિકોનું કુવૈતના લોકોએ આલિંગન આપી સ્વાગત કર્યું.

ઈરાકના પ્રેસિડેન્ટ સદામ હુસેને અત્યાર સુધી છુપાવી રાખેલી ૬૨ સ્કડ મિસાઈલો, ૪૬ હજાર રાસાયણિક શસ્ત્રો અને ૩૦૦૦ ટન ઝેરી ગેસ પકડી પાડીને અમેરિકી દળોએ તેનો નાશ કર્યો. સદામ હુસેનની સુપરગન પણ પકડી પાડવામાં આવી.

તા.૨૮ ફેબ્રુઆરીના રોજ અખાતના યુદ્ધનો યુદ્ધ વિરામ જાહેર કરાયો, પરંતુ પ્રેસિડેન્ટ સદામ હુસેનને તે જ વખતે પકડી લેવાનું અમેરિકાના પ્રેસિડેન્ટ બુશનું સ્વપ્ન અધૂરું રહ્યું. જે બીજા અખાતના યુદ્ધ વખતે સિદ્ધ થયું.

તે પછી કેટલાંક વર્ષો બાદ ખેલાયેલા બીજા ગલ્ફવોરની વાત ફરી કોઈ વાર.

  • (સંપૂર્ણ)

Be Sociable, Share!