સિનેમા એ ભારતના લોકજીવનનો હિસ્સો છે. ફિલ્મ-સિનેમા એક અસરકારક માધ્યમ છે. ભારત જેવા દેશમાં ફિલ્મ જ એવું પરિબળ છે કે ગરીબથી માંડીને તવંગર એ સહુને સસ્તામાં મનોરંજન પૂરું પાડે છે. વિશ્વમાં ૧૦ હજારથી વધુ છબીઘરો છે. વિશ્વમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાંચ લાખ જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે.ભારતીય ફિલ્મ જગતના પિતામહ મહારાષ્ટ્રના ધુંડીરામ ગોવિંદ ઉર્ફે દાદાસાહેબ ફાળકે ગણાય છે. ૧૯૧૩માં દાદાસાહેબ ફાળકેએ તેમની પહેલી ફિલ્મ `રાજા હરિશ્વંદ્ર’ બનાવી હતી. અલબત્ત, એ ફિલ્મ મૂંગી હતી.
ભારતની પહેલી બોલતી ટોકી ફિલ્મ ૧૯૩૧માં `આલમ આરા’ બની. તેમાં ૧૦ ગીતો હતાં. આ ફિલ્મનું દિગ્દર્શન અરદેશર દુરાનીએ કર્યું હતું. ૧૯૩૨માં `ઈન્દ્રસભા’ નામની ફિલ્મ બની જેમાં ૭૦ ગીતો હતાં. આખી ફિલ્મ સંગીતમય હતી, પરંતુ આજે રાજ કપૂરની `શ્રી ૪૨૦’ ફિલ્મની વાત કરવી છે. ૧૯૫૫માં રજૂ થયેલી આ ફિલ્મને હવે ૭૦ વર્ષ થયાં. `શ્રી ૪૨૦’ એ ૧૯૫૫ની હિન્દી-કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મ તા. ૬ સપ્ટેમ્બર, ૧૯૫૫ના રોજ મુંબઈમાં અને તે પછી દેશભરનાં છબીઘરોમાં પ્રદર્શિત થઈ હતી. શ્રી ૪૨૦ એ ૧૯૫૫ની ભારતીય હિન્દી કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન અને નિર્માણ રાજ કપૂર દ્વારા ખ્વાજા અહમદ અબ્બાસ દ્વારા લખાયેલી વાર્તા પરથી કરવામાં આવ્યું હતું. જેના ૪૨૦ના નકારાત્મક અર્થ સાથે શ્રીનો ઉપયોગ વિવાદનું કારણ બન્યો હતો. નંબર ૪૨૦ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦નો સંદર્ભ આપે છે, જે છેતરપિંડીના ગુના માટે સજા સૂચવે છે, તેથી `શ્રી ૪૨૦’ એ છેતરપિંડી માટે અપમાનજનક શબ્દ છે. આ ફિલ્મ રાજ કપૂર પર કેન્દ્રિત છે, જે એક ગરીબ પરંતુ શિક્ષિત બેકાર છે, જે સફળતાના સપના સાથે બોમ્બે આવે છે. કપૂરનું પાત્ર ચાર્લી ચેપ્લિનની `લિટલ ટ્રેમ્પ’થી પ્રભાવિત છે, સંગીત શંકર જયકિશનની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું અને ગીતો શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખ્યાં હતાં. `શ્રી ૪૨૦’ એ ૧૯૫૫ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ હતી, જે તેની રજૂઆત સમયે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી અને મુકેશ દ્વારા ગાયેલું ગીત `મેરા જૂતા હૈ જાપાની’ લોકપ્રિય બન્યું હતું અને નવી મળેલી સ્વતંત્રતાનું અને દેશભક્તિનું પ્રતીક હતું.
યાદ રહે કે આ ફિલ્મના લેખક ખ્વાજા અહમદ અબ્બાસ ડાબેરી વિચારસરણીવાળા હતા અને તેમણે લખેલી તમામ ફિલ્મોમાં ગરીબો, શોષિતો અને શ્રમજીવીઓના જીવનની કથાઓ હતી. તેઓ શાયદ રશિયાની સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત હતા. તેમણે લખેલી અને રાજકપૂર દિગ્દર્શિત, નિર્મિત અને અભિનીત `શ્રી ૪૨૦’ ફિલ્મ રશિયામાં ખૂબ ચાલી હતી. `મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિસ્તાની સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ગીત હિન્દીમાં હોવા છતાં રશિયામાં પણ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મની રજૂઆત રશિયામાં થયા બાદ રાજકપૂર અને નરગિસ આજથી ૭૦ વર્ષે પૂર્વે રશિયા ગયાં ત્યારે રશિયનોએ રાજ કપૂર અને નરગિસને પતિ-પત્ની માની લીધાં હતાં. નોંધપાત્ર વાત એ છે કે એ વખતે ભારતના એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેટલી જ લોકપ્રિયતા રાજ કપૂરની હતી. હા, એ વાત સાચી કે રાજ કપૂર તો શ્રીમતી ક્રિષ્નાકુમારી સાથે પરણેલા હતા, પરંતુ રાજ કપૂર અને નરગિસ વચ્ચેના પ્રેમસંબંધો ભારતના ફિલ્મ જગતમાં ચર્ચામાં હતા.
ફિલ્મની કથામાં એવું આવે છે કે રણબીર રાજ (રાજ કપૂર) નામનો ગામડાનો એક ગરીબ પણ ભણેલો છોકરો રોજીરોટી માટે મુંબઈ આવે છે અને વિદ્યા (નરગિસ) નામની ગરીબ યુવતીના પ્રેમમાં પડે છે. એ યુવાનને પૈસા કમાવા છે. એક અપ્રમાણિક બિઝનેસમેનના સંપર્કમાં આવે છે. ફિલ્મમાં બિઝનેસમેન શેઠ સોનાચંદ ધર્માનંદનો રોલ નેમો નામના કલાકારે કર્યો હતો. શેઠ સોનાચંદ ગરીબ લોકોને છેતરીને વધુ ધનવાન બનવાની છેતરપિંડીયુક્ત યોજના હાથ ધરે છે. શેઠ સોનાચંદ એક પોન્ઝી સ્કિમ દ્વારા ગરીબ લોકોને રૂ.૧૦૦માં ઘર આપવાની જાહેરાત કરે છે. ગરીબો છેતરાય છે અને (રાજ કપૂર)નો તે ઉપયોગ કરે છે. વિદ્યા (નરગિસ) તેને આમાંથી પાછા ફરવા સમજાવે છે અને રાજને સારો માનવી બનાવવા ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. રાજ ધનવાન બની જાય છે, પરંતુ પાછળથી તેને ખબર પડે છે કે શેઠ સોનાચંદે તેની સાથે પણ છેતરપિંડી કરી છે અને ગરીબો સાથે પણ છેતરપિંડી કરી છે અને તે પછી રાજ શેઠ સોનાચંદના ઘરમાંથી ભાગી જવા પ્રયાસ કરે છે, પરંતુ શેઠ સોનાચંદ અને તેના બદમાસ સાથીઓ તેને પકડી પાડે છે અને શેઠ સોનાચંદ તેની પર ગોળીબાર કરે છે. રાજ બેભાન થઈને પડી જાય છે. ગોળીબારના અવાજ સાંભળી લોકો રાજ પાસે દોડી આવે છે, પરંતુ રાજ જાણે કે છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. પોલીસ આવી જતાં શેઠ સોનાચંદ પોલીસને કહે છે કે રાજ મારા ઘરમાં પૈસા ચોરી કરી ભાગી જતો હતો, તેથી મેં તેની પર ગોળીબાર કર્યો હતો.
પરંતુ છેવટે રાજ બચી જાય છે અને તે બુદ્ધિપૂર્વક શેઠ સોનાચંદના ગુનાઓને ખુલ્લા પાડી દે છે. શેઠ સોનાચંદ અને તેના ભાગીદારોની ધરપકડ કરવામાં આવે છે અને છેલ્લે વિદ્યા (નરગિસ) રાજ(રાજ કપૂર)ને માફ કરી દે છે. ફિલ્મના અંતમાં રાજ (રાજ કપૂર) બોલે છે: `આ લોકો ૪૨૦ નથી, પરંતુ `શ્રી ૪૨૦’ છે એટલે કે આદરપાત્ર ઠગ (આદરપાત્ર ગણાતા ઠગ) લોકો છે.
આ ફિલ્મમાં રાજકપૂર અને નરગિસ ઉપરાંત એ વખતની સુપ્રસિદ્ધ અભિનેત્રી નાદીરા `માયા’નો રોલ કરે છે. જાણીતાં અભિનેત્રી લલિતા પવારે `ગંગા માઈ’નો રોલ કર્યો હતો. એમ. કુમારે ભિખારીનો રોલ કર્યો હતો. આ ફિલ્મના અન્ય કલાકારોમાં નાના પલસીકર, રમેશ સિંહા અને રશીદ ખાનનો સમાવેશ થાય છે.
`શ્રી ૪૨૦’ ફિલ્મ એ ૧૯૫૫ની સહુથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. આંકડામાં જોઈએ તો આ ફિલ્મે એ વખતે રૂ. ૯ કરોડની કમાણી કરી હતી જે આજના હિસાબે રૂ. ૪૭૩ કરોડ થાય. આ ફિલ્મની આવકનો રેકોર્ડ આ ફિલ્મ રજૂ થયાના બે વર્ષ બાદ એટલે કે ૧૯૫૭માં રજૂ થયેલી ફિલ્મ `મધર ઈન્ડિયા’ એ તોડ્યો હતો. આ ફિલ્મ ૧૯૫૬માં સોવિયેત યુનિયન(રશિયા)માં રજૂ થઈ હતી અને તે વર્ષ સોવિયેત યુનિયન(રશિયા)માં રજૂ થયેલી ફિલ્મોમાં આવકની દૃષ્ટિએ બીજા નંબરે રહી હતી. એ વખતે સોવિયેત યુનિયન(રશિયા)ના ૩ કરોડ ૫૦ લાખ લોકોએ આ ફિલ્મ નિહાળી હતી.
જાણવા જેવી વાત એ છે કે `શ્રી ૪૨૦’ ફિલ્મમાં રાજ કપૂરનાં બાળકો રણધીર કપૂર, રીતુ અને રિશીકપૂર `પ્યાર હુઆ ઈકરાર હુઆ’ ગીતમાં બાળકલાકારો તરીકે દેખાયાં હતાં.
આ ફિલ્મનાં જાણીતાં ગીતોમાં (૧) દિલ કા હાલ સુને દિલ વાલા (ગાયક – મન્નાડે) (૨) મેરા જૂતા હૈ જાપાની (ગાયક – મુકેશ), (૩) મૂડ મૂડ કે ના દેખ (ગાયક – મન્ના ડે અને આશા ભોંસલે) (૪) પ્યાર હુઆ ઈકરાર હુઆ (ગાયક – લતા મંગેશકર અને મન્ના ડે) (૫) રમૈયા વસ્તા વૈયા (ગાયક – લત્તા મંગેશકર, મોહંમદ રફી, મુકેશ) (૬) ઈચક દાના બીચક દાના (ગાયક – લતા મંગેશકર, મુકેશ) (૭) ઓ જાને વાલે (ગાયક – લત્તા મંગેશકર) અને શામ ગઈ રાત આયી (ગાયક – લતા મંગેશકરનો સમાવેશ થાય છે.)
`શ્રી ૪૨૦’ ફિલ્મને ૧૯૫૬માં બે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા. બેસ્ટ સિનેમેટોગ્રાફર તરીકે રઘુ કરમાકરને અને બેસ્ટ એડિટિંગ માટે જી.જી. માયંકરને ફિલ્મફેર એવોર્ડ્સ એનાયત થયા હતા. ૧૯૫૬માં આ ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે `મેરા જૂતા હૈ જાપાની’ ફિલ્મ યુ.કે.માં રહેતી કેટલીક ગોરી મહિલાઓને પણ ગાતાં મેં સાંભળી છે. જ્યારે પ્યાર હુઆ ઈકરાર હુઆ ગીત તો એટલું બધું લોકપ્રિય થયું હતું કે કેટલીક કંપનીઓએ તેમની પ્રોડક્ટ માટેની વિજ્ઞાપનોમાં આ ગીતની પંક્તિઓનો ઉપયોગ કર્યો હતો. આ ગીત શૈલેન્દ્રએ લખ્યું હતું.
આ પ્રસંગે પાશ્વગાયક મુકેશને પણ યાદ કરવા જરૂરી છે. રાજ કપૂર માટે મુકેશ જ તેમનો સ્વર આપતા હતા અને ફિલ્મ પર આ ગીત ચાલતું હોય તો એમ જ લાગે કે રાજ કપૂર પોતે જ આ ગીત ગાઈ રહ્યા છે. રાજ કપૂર પણ મુકેશને તેમનો `આત્મા’ કહેતા હતા. `શ્રી ૪૨૦’ એ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ હતી અને ૧૯૫૫ પછી છેક ૧૯૬૦થી ૬૫ના સમયગાળા દરમિયાન અનેકવાર રી-રન તરીકે રજૂ થઈ હતી. આજે તો રાજ કપૂર પણ નથી નરગિસ પણ નથી, ખ્વાજા અહમદ અબ્બાસ પણ નથી, મુકેશ પણ નથી. લત્તા મંગેશકર પણ નથી અને મન્ના ડે પણ નથી. શૈલેન્દ્ર પણ નથી અને હસરત જયપુરી પણ નથી.
હા, એકમાત્ર પાશ્વગાયિકા આશા ભોંસલે હયાત છે. બાકીનાઓની તો સુમધુર અને લાસ્ટિંગ ઈફેક્ટ ધરાવતી યાદો જ છે.
અને છેલ્લે આ ફિલ્મનો એક સુંદર મેસેજ એ હતો કે મોટા મહેલોમાં રહેતા ધનવાનો કરતાં ફૂટપાથ પર રહેતા ગરીબો વધુ દિલવાળા હોય છે. સંદર્ભ ગીત: `દિલ કા હાલ સુને દિલ વાલા.’
અસ્તુ.



