Close

FRIENDSHIP DAY-ઈવા બોલી: પીટર, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે, હું તારા વગર રહી શકીશ નહીં

રેડ રોઝ | Comments Off on FRIENDSHIP DAY-ઈવા બોલી: પીટર, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે, હું તારા વગર રહી શકીશ નહીં
આજે `ફ્રે્ન્ડશિપ ડે’ છે.
ભારતવર્ષના ઈતિહાસમાં મૈત્રીનાં અનેક ઉદાહરણો છે. ગરીબ સુદામા ભગવાન શ્રીકૃષ્ણના શ્રેષ્ઠ મિત્ર હતા. મહાભારતના યુદ્ધ વખતે દુર્યોધન ભલે એક ખલનાયક હતો, પરંતુ તેની અને અંગરાજ કર્ણની મૈત્રી એક સીમાચિહ્ન હતી. મહાભારતના સમયમાં રાણી દ્રૌપદી પણ ભગવાન શ્રીકૃષ્ણને સખા જ કહેતાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન જેટલી જ મહત્ત્વની શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રી પણ પવિત્ર અને લાગણીસભર હતી. પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે શિશુપાલ પણ હાજર હતો. પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની અગ્રપૂજા કરી ત્યારે શિશુપાલે ભગવાન શ્રીકૃષ્ણ વિશે અપશબ્દો બોલવાનું ચાલુ કર્યું. ભગવાને શિશુપાલના ૧૦૦ અપશબ્દો-અપરાધો સહન કર્યા. ૧૦૦મા અપરાધ પછી ભગવાન શ્રીકૃષ્ણે પોતાના જમણા હાથની આંગળી ઊંચી કરી અને સુદર્શન ચક્ર પ્રગટ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર છોડી શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ ચક્ર વડે શિશુપાલનો વધ થવાથી ભગવાન શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું. સભામાં ઉપસ્થિત દ્રૌપદી દોડતી આવી અને પોતાની સાડીનો એક છેડો ફાડી નાંખી શ્રીકૃષ્ણની આંગળી પર તે બાંધી દીધો. આ જોઈ ભાવવિભોર થયેલા ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીને રક્ષાનું વચન આપ્યું. પાછળથી એ જ રાણી દ્રૌપદીનું વસ્ત્રાહરણ દુ:શાસન કરી રહ્યો હતો ત્યારે પાંડવો નતમસ્તક રહ્યા. દ્રૌણચાર્ય અને ભીષ્મપિતામહ પણ મૌન રહ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પ્રગટ થઈને દ્રૌપદીનાં ચીર પૂર્યાં અને મૈત્રીનું ઋણ અદા કર્યું. આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે ચાલો હવે બીજી કેટલીક સંવેદનશીલ કથાઓ પર નજર નાંખીએ.
ઈવા અને પીટરની કથા
ઈવા અને પીટર બંને નાનકડી વયમાં જ એકબીજાના પ્રિય મિત્રો હતાં. રોજ કલાકોના કલાકો એકબીજા સાથે ફોન પર વાતો કરતાં હતાં. એકબીજાને મેસેજીસ મોકલતાં હતાં. બંને વચ્ચે કદી ઝઘડો થયો નહોતો. બધું જ બરાબર ચાલતું હતું અને એક દિવસ પીટરે ઈવાના ફોન કોલનો જવાબ આપ્યો નહીં. ઈવાને ચિંતા થઈ કે આમ અચાનક પીટરને શું થયું કે તે ફોન ઉપાડતો નથી. એ આખી રાત ઊંઘી શકી નહીં. એના બેડરૂમમાં તે એકલી એકલી રડતી રહી.
બીજા દિવસે સવારે અચાનક ઈવાના મોબાઈલમાં રિંગ વાગી. પીટર બોલ્યો: `હાય!’
ઈવા બોલી: `તેં મને ફોન કર્યો તે બહુ સારું કર્યું. ગઈ કાલે તને શું થયું હતું?’
પીટર બોલ્યો: `ગઈ કાલે હું વ્યસ્ત હતો તેથી તારો ફોન ઉપાડી શક્યો નહીં.’
ઈવાને ખ્યાલ આવી ગયો કે કોઈ સમસ્યા તો છે જ. પીટર બોલ્યો: `ઈવા, મને લાગે છે કે આપણે હવે ફોન પર વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ.’
ઈવા આશ્ચર્ય વ્યક્ત કરતાં બોલી: `શું કહ્યું? શા માટે વાત કરવાની બંધ કરી દેવી જોઈએ?’ અને પીટરે ફોન કાપી નાંખ્યો. ઈવાને લાગ્યું કે કોઈએ એના ગાલ પર તમાચો ફટકાર્યો અને તે રડવા લાગી. તે કંઈ જ સમજી શકી નહીં. પીટર આમ અચાનક બદલાઈ કેમ ગયો? તે જાતજાતના વિચારો કરતાં રડતી રહી. તેને લાગ્યું કે તે હવે સાવ એકલી પડી ગઈ છે. તે ભાંગી પડી. તે ઘરના ધાબા પર ચડી ગઈ અને ચીસો પાડવા લાગી.
અને બીજા દિવસે ઈવાએ પીટર સાથે ફરી એકવાર છેલ્લી વાર વાત કરી લેવા નિર્ણય લીધો.
ઈવાએ પીટરને ફોન જોડ્યો. પીટરે ફોન ઉપાડ્યો. ઈવા બોલી, `હાય!’
પીટર બોલ્યો: `તું મને ફોન કેમ કરે છે?’
ઈવા બોલી: `મારે તને કંઈ કહેવું છે. કંઈ પૂછવું છે.’
પીટર બોલ્યો: `ઓ.કે. ગો અહેડ.’
ઈવાએ પૂછ્યું: `બધું બરાબર તો છે ને?’
એટલી વાત કરતાં કરતાં ઈવા ભાંગી પડી. સ્વસ્થ થતાં ફરી બોલી: `પીટર, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તું મારો એકમાત્ર મિત્ર છે. તારા વગર હું રહી નહીં શકું. બસ, એટલું જ મારે તને કહેવું છે.’
એટલું બોલતાં બોલતાં તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં અને ઈવાએ ફોન મૂકી દીધો. એ પછી ઈવાએ એક કાગળમાં કંઈક લખ્યું અને એ પત્ર બેડરૂમમાં જ મૂકી તે ઘરની બહાર ચાલી ગઈ.
પાંચ કલાક વીતી ગયા.
એ પછી પીટરના મોબાઈલ પર રિંગ વાગી. પીટરે ફોન ઉપાડ્યો. સામેથી એક મહિલા બોલી રહી હતી. એ બોલી: `હું ઈવાની મમ્મી છું. ઈવા હોસ્પિટલમાં છે. એ રસ્તા પર જઈ રહી હતી અને એક કાર સાથે અથડાઈ છે, ઈવા હોસ્પિટલમાં છે.’
પીટરે ફોન મૂકી દીધો અને તે સીધો જ હોસ્પિટલ દોડી ગયો. ગંભીર રીતે ઘવાયેલી ઈવા બેડ પર સૂતેલી હતી. પીટર બોલ્યો: `ઈવા…!’
ઈવાએ આંખો ખોલી. એણે પીટરને જોયો. પીટરે ઈવાનો હાથ પોતાના હાથમાં લીધો. પીટર માંફી માંગતાં બોલ્યો: `ઈવા, આઈ એમ સોરી. એ મારી જ ભૂલ હતી કે મેં તારી સાથે વાત કરવાની બંધ કરી દીધી, પણ હું તને વચન આપું છું કે ફરી હું એમ નહીં કરું.’
ઈવા બોલી: `પણ હું કદી સાજી નહીં થાઉં.’
`કેમ… પણ કેમ! એવું ન બોલ ઈવા.’
ઈવા બોલી: `મને તું એટલું જ કહે કે તેં મારી સાથે વાત કરવાની બંધ કેમ કરી દીધી?’
પીટર બોલ્યો: `સાચું કહું ઈવા? મને હૃદયરોગ છે. તું ચિંતા ન કરે એટલા માટે તને કદી એ વાત કહી નહોતી. તારું ભવિષ્ય ન બગડે એટલા માટે હું તારાથી દૂર જવા માંગતો હતો, જેથી તને બીજો કોઈ સારો ફ્રેન્ડ મળી જાય. હું લાંબું જીવવાનો નથી એમ ડૉકટર કહે છે. મેં આમ એટલા માટે કર્યું કે હું તને ચાહું છું. આઈ લવ યુ ઈવા.’
ઈવા બોલી: `આઈ લવ યુ ટુ.’
બીજી જ ક્ષણે ઈવાની આંખ મીંચાઈ ગઈ.
થોડી જ વારમાં ઈવાની મમ્મી આવી ગઈ. એણે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તપાસીને કહ્યું: `ઈવા હવે આ દુનિયામાં નથી. એનું હાર્ટ બંધ થઈ ગયું છે.’
પીટર મૃત ઈવાને જોઈ રહ્યો. ઈવાની મમ્મીએ કેટલીક વાર બાદ પીટરને કહ્યું: `ઈવાને હાર્ટ પ્રોબ્લેમ હતો. ડોક્ટરે પહેલાંથી જ કહ્યું હતું કે ઈવા બહુ નહીં જીવે.’
અને તે રડી પડી.
એની દસ મિનિટ બાદ પીટર પણ હાર્ટ એટેકથી ઈવાની સામે જ ઢળી પડ્યો. બંને મિત્રો હૃદયરોગના દર્દી હતાં, પરંતુ કોઈએ પહેલાંથી એ વાત એકબીજાને કહી જ નહીં. હવે બંને બેસ્ટ ફ્રેન્ડ સ્વર્ગમાં હશે. આ નાનકડી ઘટનાનો મેસેજ એ જ છે કે જો તમારા કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય તો તમારી લાગણીઓને મનમાં ને મનમાં રાખો નહીં, અભિવ્યક્ત કરો. કદાચ બીજી વાર એ વાત કરવાનો મોકો મળે જ નહીં.  00000000000000
હેલન કેલરનું બીજું બીજી વિધાન વાંચો: `પ્રકાશમાં એકલા ચાલવાના બદલે હું સાચા મિત્ર સાથે અંધારામાં ચાલવાનું પસંદ કરું!’
 શ્રેષ્ઠ મિત્રતાનાં અનેક ઉદાહરણો ભગવાન વેદવ્યાસ રચિત `મહાભારત’માં છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ગરીબ સુદામાની મૈત્રી જેવી મિત્રતા વિશ્વમાં ભાગ્યે જ જોવા મળે. સાંદીપનિ ઋષિના આશ્રમમાં એકસાથે ભણેલા શ્રીકૃષ્ણ પાછળથી દ્વારકા જેવા સમૃદ્ધ રાજ્યના રાજા બને છે જ્યારે સુદામા તો ગરીબ જ છે. ગરીબીથી ત્રસ્ત સુદામાને તેમનાં પત્ની શ્રીકૃષ્ણ પાસે મોકલે છે અને તે પણ એક તાંદુલની પોટલી સાથે. દ્વારિકામાં શ્રીકૃષ્ણના મહેલના દ્વારપાળો સુદામાને મહેલમાં પ્રવેશવા દેતા નથી. એ શોરબકોર સાંભળીને શ્રીકૃષ્ણ સુદામા શબ્દ કાને પડતાં જ પગમાં કંઈ જ પહેર્યા વિના બહાર દોડી જાય છે અને ગરીબ સુદામાને ભેટી પડે છે. સુદામાને માનપૂર્વક મહેલમાં લાવે છે, સિંહાસન પર બેસાડે છે અને ભગવાન જાતે જ સુદામાના પગ ગરમ પાણીથી ધુએ છે. શ્રીકૃષ્ણ સુદામાએ સંતાડી રાખેલી પોટલી લઈ તેમાંના તાંદુલને આરોગે છે. શ્રીકૃષ્ણની પટરાણીઓ પણ આ દૃશ્ય જોઈને આશ્ચર્ય ચકિત થઈ જાય છે, પરંતુ સુદામા પોતાની ગરીબીની વાત શ્રીકૃષ્ણને કહી શકતા નથી અને પોતાનું દારિદ્રય દૂર કરવાની વાત કર્યા વિના જ વિદાય લે છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો અંતર્યામી છે. તેઓ સમજી જાય છે કે મિત્રની જીભ ભલે ન ઊપડી, પણ એની હાલત અત્યંત ગરીબ છે. સુદામા ઘેર પહોંચે છે ત્યારે જુએ છે તો તેની ઝૂંપડી મહેલમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ કથાનો સંદેશ એ જ છે કે વગર માંગ્યે મિત્રની મુશ્કેલી સમજી તેને મદદ કરે એ જ સાચો મિત્ર.
યાદ રહે કે અનેક મિત્રો બનાવવા એ કોઈ ચમત્કાર નથી. ચમત્કાર તો એ છે કે લાખો લોકો તમારી વિરુદ્ધ હોય ત્યારે તમારી સાથે ઊભો રહે તેવો એક મિત્ર હોય અને હા, સાચા મિત્રનું મૌન દુશ્મનના અસભ્ય શબ્દો કરતાં વધુ દુ:ખ આપે છે.
આજના `ફ્રેન્ડશિપ ડે’ની શુભેચ્છા.
———————દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!