Close

PM મોદી હવે `વૈશ્વિક નેતા’ અને ભારત હવે `વર્લ્ડ લીડર’

રેડ રોઝ | Comments Off on PM મોદી હવે `વૈશ્વિક નેતા’ અને ભારત હવે `વર્લ્ડ લીડર’
ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદ સંભાળ્યાનાં નવ વર્ષ તા.૨૬મી મેના રોજ પૂરાં કર્યાં. હવે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની આડે એક જ વર્ષ બાકી છે ત્યારે તેમની કામગીરી પર નજર નાંખીએ.
સૌથી વધુ નોંધપાત્ર વાત એ છે કે જી-૭ની જાપાન ખાતે મળેલી સમીટમાં વિશ્વના શક્તિશાળી દેશોના વડાઓ પણ પી.એમ. મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલા જોવા મળ્યા. આ સમીટમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાંસ, ઈટાલી અને જર્મનીના વડાઓ હાજર હતા પરંતુ વિશ્વના એ શક્તિશાળી દેશોના નેતાઓની વચ્ચે પી.એમ. મોદીનો જ મેજિક છવાયેલો રહ્યો. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે મને તમારા ઓટોગ્રાફ લેવાની ઇચ્છા છે. તમે અમેરિકામાં પણ લોકપ્રિય છો. પ્રેસિડેન્ટ જો બાઈડન સામે ચાલીને પી.એમ. મોદી જ્યાં બેઠા હતા ત્યાં તેમની ખુરશીની નજીક જઈ તેમનું અભિવાદન કર્યું.
આ બેઠકમાં રશિયાના યુદ્ધથી ત્રસ્ત યૂક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી પણ હાજર હતા. તેઓ પણ આ યુદ્ધનો અંત આવે અને સમાધાનથી કોઈ માર્ગ નીકળે તે માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરમિયાનગીરીની આશા રાખીને બેઠા છે.
નોંધપાત્ર બાબત એ રહી કે જાપાનના હિરોશીમા ખાતે યોજાયેલી આ બેઠક દરમિયાન અમેરિકાએ ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ વખતે જે અણુબોમ્બ ફેંક્યો હતો અને ૧ લાખ ૪૦ હજાર લોકો મોતને ભેટ્યા હતા તેની કરુણ યાદમાં બનાવવામાં આવેલા શાંતિ સ્મારક સંગ્રહાલયની પણ PM મોદીએ મુલાકાત લીધી અને મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી. એ જ રીતે પીએમ મોદીએ હિરોશીમા ખાતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું અને કહ્યું કે આ પ્રતિમા અહિંસાના વિચારોને આગળ લઈ જવામાં મદદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનને બોધિ વૃક્ષ પણ ભેટ આપ્યું. જે એક પ્રકારનો વિશ્વને શાંતિનો સંદેશો હતો.
નોંધપાત્ર વાત એ છે કે ભારત G-7 સમૂહના દેશોનું સભ્ય નથી પરંતુ ભારત એક આમંત્રિત દેશ હતો. વડાપ્રધાન મોદીએ G-7ના દેશોના વડાઓને માનવીય મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો.
જાપાનમાં યોજાયેલી G-7ની બેઠક બાદ પી.એમ.મોદી ટાપુ રાષ્ટ્ર પાપુઆ ન્યૂ ગીની પહોંચ્યા ત્યારે એ દેશના વડાપ્રધાન જેમ્સ મારા પેએ પી.એમ. મોદીને ચરણસ્પર્શ કરી સહુને આશ્ચર્યચકિત કરી દીધા.
આ જ સમયગાળા દરમિયાન તાજેતરમાં જ વિશ્વના નેતાઓની લોકપ્રિયતાના સંદર્ભમાં થયેલો એક સરવૅ જાહેર થયો. તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૮ ટકાના રેટિંગ સાથે વિશ્વના સહુથી વધુ લોકપ્રિય નેતા તરીકે જાહેર થયા. લોકપ્રિયતામાં બીજા નંબરે સ્વિટ્ઝર્લેન્ડના વડા એલેઈન બેરેસ્ટ આવ્યા. તેમને ૬૨ ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું. ત્રીજા નંબરે ૬૨ ટકામાં રેટિંગ સાથે મેક્સિકોના વડા એન્ડ્રીઝ મેન્યુઅલ લોપેજ આવ્યા. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન ૪૨ ટકાના એપ્રૂવલ રેટિંગ સાથે સાતમા નંબરે અને યૂ.કે.ના વડાપ્રધાન ઋષિ સૂનક ૩૩ ટકાના એપ્રૂવલ રેટિંગ સાથે ૧૩મા નંબરે આવ્યા.
G-7ની બેઠક દરમિયાન વિશ્વને ટેલિવિઝન પર જે દૃશ્યો જોવા મળ્યાં તે હૃદયંગમ હતા. પી.એમ.મોદી જ્યાં પણ ગયા ત્યાં છવાયેલા રહ્યા. તેમની એક ઝલક જોવા માટે લોકો બેતાબ હતા. તેમની સાથે હાથ મિલાવવા માટે લોકો પડાપડી કરતા હતા. વિશ્વના મોટા મોટા નેતાઓ પણ તેમને ગળે લગાવતા હતા. સમગ્ર સમીટ દરમિયાન પી.એમ. મોદીનો જ ચાર્મ છવાયેલો રહ્યો. પી.એમ.મોદી હવે માત્ર વૈશ્વિક નેતા જ નહીં પરંતુ વિશ્વના સહુથી મોટા નેતા તરીકે ઉપસી આવ્યા છે એનું કારણ એ જ છે કે વિશ્વમાં અનેક સ્થળે નાનામોટા સંઘર્ષ ચાલી રહ્યાં છે ત્યારે વિશ્વશાંતિ માટે હવે સહુની નજર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે. અહિંસા એ જ વિશ્વશાંતિનો માર્ગ છે. તેમના આ સંદેશના કારણે વિશ્વમાં ભારતની તાકાત વધી છે.
પાછલાં નવ વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતને વિશ્વનો એક શક્તિશાળી દેશ બનાવી દીધો છે. આખી દુનિયાએ હવે ભારત શું વિચારે છે તેની નોંધ લેવી પડે છે.
હવે ઘર આંગણની વાત.
પી.એમ.મોદીના વડાપ્રધાન તરીકેનાં નવ વર્ષના કાર્યકાળનાં લેખાંજોખાં જોઈએ તો અહીં એ નોંધવું પડે કે પી.એમ.મોદીના કાર્યકાળ દરમિયાન દેશમાં કોઈ જ કોમી રમખાણો થયાં નથી.
જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી દઈને તેમણે જમ્મુ અને કાશ્મીરને બીજાં રાજ્યોની બરાબર કરી દીધું છે. આ કલમ દૂર થઈ તે પહેલાં જમ્મુ કે કાશ્મીરનો નાગરિક દિલ્હી કે મુંબઈમાં કરોડનો બંગલો ખરીદી કરવાનો અધિકાર ધરાવતો હતો પણ દિલ્હી કે મુંબઈનો નાગરિક કાશ્મીરમાં રૂ. પાંચ હજારનું ઝૂંપડું પણ ખરીદી શકતો નહોતો. આ વિસંગતતા હવે દૂર થઈ છે.
૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાંથી લાખો હિંદુઓ, જૈનો, શીખો, ખ્રિસ્તીઓ શરણાર્થી બનીને ભારત આવ્યા હતા, તેઓ શરણાર્થી શિબિરોમાં રહેતા હતા. તેમને ભારતનું નાગરિકત્વ અપાયું ન હોઈ તેઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં દાખલ કરાવી શકતા નહોતા. તેમનાં સંતાનોને સરકારી નોકરી મળતી નહોતી. ૭૫ વર્ષથી યાતના ભોગવતા આ શરણાર્થીઓને વડાપ્રધાન મોદીએ નાગરિકતા બક્ષી શરણાર્થીઓની દર્દભરી યાતનાઓ દૂર કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન જ થયેલા અથાગ પ્રયાસોના કારણે અયોધ્યાને હવે ભવ્ય રામમંદિર જોવા મળશે. તેમના સમયગાળા દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે બનારસ ખાતે ભવ્ય કાશીવિશ્વનાથ પરિસર પ્રાપ્ત થયું. એમના સમયગાળા દરમિયાન જ ઉજ્જૈન ખાતે મહાકાલના શિવાલય પરિસરને મોટું ભવ્ય અને આકર્ષક બનાવવામાં આવ્યું. નોંધપાત્ર વાત એ છે કે નવી દિલ્હી ખાતે આવેલી હાલનું સંસદભવન હવે જૂનું થયું હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શીતાના કારણે જ નવી દિલ્હીમાં હવે લોકસભા અને રાજસભાના એક હજાર કરતાં વધુ સાંસદો બેસી શકે તેવું ભવ્ય – નવું સંસદભવન હવે અસ્તિત્વમાં આવ્યું છે અને આજે જ વડાપ્રધાન નવા સંસદભવનનું ઉદઘાટન કરશે.
પાછલાં વર્ષો દરમિયાન કોરોનાની મહામારીએ વિશ્વના અનેક દેશોમાં લાખો લોકોનાં મોત નીપજ્યાં ત્યારે પી.એમ. મોદીએ સમયસર લૉકડાઉન જાહેર કરીને અને તે પછી દેશના કરોડો લોકોને મફતમાં વેક્સિન આપીને દેશની જનતાને મોટી ખુવારીમાંથી બચાવી લીધી.
આ સમયગાળા દરમિયાન જ ઉજ્જવલા યોજના દ્વારા ચૂલા પર રાંધતી દેશની ગરીબ મહિલાઓને ગેસ સિલિન્ડર આપી ચૂલાના ધુમાડાથી રાહત બક્ષી. ખેડૂતો માટે કિસાન સહાય યોજના દ્વારા ખેડૂતોને આપઘાત કરતાં અટકાવી દીધા.
વડાપ્રધાનપદનો કાર્યભાર સંભાળતાની સાથે જ પી.એમ.મોદીએ જનધન યોજના દ્વારા દેશના કરોડથી વધુ ગરીબ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડી તેમને અનેક યોજનાઓનો લાભ અપાવ્યો.
આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીની બાબતમાં પણ ઈન્ડિયા સેન્ટર સ્ટેજ રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે G-20ની બેઠક માટે ભારતને યજમાન બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ભારતે અમેરિકા અને રશિયા એ બંને દેશો સાથેના સંબંધો અને તટસ્થતાનું સંતુલન જાળવી રાખ્યું. યૂક્રેન યુદ્ધ બાદ યુરોપના દેશો ક્રૂડ માટે તલસતા રહ્યા ત્યારે ભારતે રશિયા સાથે વ્યક્તિગત સંબંધોને જાળવી રાખી સસ્તા ભાવનું ક્રૂડ રશિયા પાસેથી ખરીદ્યું જેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને ન પહોંચ્યા.
કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાને ભારતમાં છમકલું કરવા પ્રયાસ કર્યો ત્યારે પી.એમ. મોદીએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને સખત મેસેજ આપ્યો. એ જ રીતે ડોકલામમાં અળવીતરું કરવાનો પ્રયાસ કરનાર ચીનને પણ ભારતે ત્વરિત એક્શન લઈને નિયંત્રણમાં લાવી દીધું.
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને આફ્રિકાના દેશોથી માંડીને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના વડાપ્રધાનો સાથે અંગત ઘરોબો કેળવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું મિત્રવર્તુળ વધારવાની ડિપ્લોમસી અપનાવી. ટૂંકમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવ વર્ષનો કાર્યકાળ યશસ્વી રહ્યો.

Be Sociable, Share!