Close

૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

ચીની કમ | Comments Off on ૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

દરેક ઉમેદવારના નામની અલગ મતપેટી અને ગુલાબી રંગનાં મતપત્રો અપાતાં હતાં

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ૭૦ એમ.એમ.માં આવી રહેલી ૩ડી- ‘શોલે’ જેવી ગ્રાન્ડ સ્પેક્ટેક્યુલર ફિલ્મ જેવી બની રહી છે. તેમાં એક્શન છે, ઇમોશન્સ છે, ડ્રામા છે અને એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ પણ છે. અલબત્ત, આ ફિલ્મમાં જય અને વીરુ કોણ, ગબ્બરસિંહ કોણ,બસંતી કોણ, ઠાકુર કોણ, અને સાંબા કોણ એ નક્કી કરવું મુશ્કેલ છે. આઝાદીના આટલાં વર્ષો બાદ દેશની લોકસભાની ચૂંટણી પહેલી જ વાર મહિનાઓ અગાઉથી રસપ્રદ બની ગઈ છે. ચાલો, આ એક્શન ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાની ભારતીય લોકતંત્રની અગાઉની ચૂંટણીઓ પર નજર નાખીએ.

૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

બે હજાર રૂપિયા ફંડ

એક જમાનામાં અટલ બિહારી વાજપેયીને હરાવનાર સુભદ્રા જોશીએ આજથી ૨૦ વર્ષ પહેલાં ‘પંજાબ કેસરી’ના વરિષ્ઠ લેખક ડો. ચંદ્ર મિત્રાને જણાવ્યું હતું કે, “૧૯૫૨ની ચૂંટણીઓમાં મને અંબાલા મતવિસ્તારની ટિકિટ એકદમ આપી દેવામાં આવી હતી. મારો ત્યાં કોઈ જનાધાર નહોતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીનો જનાધાર મજબૂત હતો. મને કોંગ્રેસ કાર્યાલય પર બે હજાર રૂપિયા અને એક જૂની જીપ આપી દેવામાં આવી હતી અને આદેશ આપવામાં આવ્યો : “જાવ, ચૂંટણી લડો.” એ વખતે અંબાલા મતવિસ્તાર સીમલાથી કરનાર સુધી ફેલાયેલો હતો.

પર્વતીય વિસ્તારોમાં કે ગામડાંઓમાં કોઈ જ સડક નહોતી. ચૂંટણીયાત્રા પગે ચાલીને જ કરવી પડતી. જ્યાં સાંજ પડી જાય ત્યાં સૂઈ જવાનું. મારી સાથે ૧૦-૧૨ કાર્યકર્તાઓ જ ચાલી શકતા હતા. એક જૂનું માઈક અને એક બેટરી આપવામાં આવી હતી. એક મહિના સુધી ચાલીને હું ૯૦થી ૯૫ ગામો- શહેરો સુધી જ પહોંચી શકી હતી. ‘ગાંધી બાપુ અમર રહે અને પંડિત નહેરુ જિંદાબાદ’ના નારા જ ચાલતા હતા. મને માત્ર એક હજાર છાપેલી પત્રિકાઓ વહેંચવા આપવામાં આવી હતી, જેને પોસ્ટર પણ કહી ના શકાય. દરેક ગામમાં માંડ ૧૦ કે ૧૫ પત્રિકાઓ જ વહેંચતાં, પરંતુ જોશ અને ઉમંગ ભરપૂર હતાં. હું એ ચૂંટણી જીતી ગઈ. તે પછી બે મહિના સુધી દરેક ગામમાં ચક્કર માંડીને દિલ્હી આવી હતી.”

ગુલાબી મતપત્ર

૧૯૫૨માં દેશની લોકસભામાં કુલ ૪૦૧ બેઠકો હતી. તેમાં ૮૬ બેઠકો પર એકથી વધુ પ્રતિનિધિ ચૂંટવામાં આવતા હતા. અર્થાત્ બેઠકો ૪૦૧ હતી, પરંતુ ૮૬ બેઠકો ‘ડબલ ક્ષેત્ર’ કહેવાતી હોઈ તે બેઠક એક જ, મતદાતા એ જ, પણ પ્રતિનિધિ બે. આમ પહેલી ચૂંટણીમાં કુલ ૪૮૯ સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. દિલચશ્પ વાત એ છે કે, એ વખતે વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની સાથે જ થતી હતી. દરેક મતદાતાને ગુલાબી રંગના બે મતપત્ર આપવામાં આવતા હતા. લોકસભાની ચૂંટણી માટેના ગુલાબી મતપત્રની નીચે લીલા રંગની અને વિધાનસભાની ચૂંટણીના ગુલાબી મતપત્ર માટે નીચે ચોકલેટી રંગની પટ્ટી રહેતી. એક વખતે દરેક ઉમેદવારના નામની તખ્તીવાળી સ્ટીલની મતપેટી રાખવામાં આવતી હતી. અત્યારે એક જ મતપેટી હોય છે. એ વખતે જેટલા ઉમેદવાર એટલી એમના નામવાળી અલગ મતપેટીઓ રહેતી. મતદાતાઓ પોતાની પસંદગીના ઉમેદવારના નામવાળી અને ચિહ્નવાળી મતપેટીમાં મતપત્ર નાખવાનું રહેતું.

ચૂંટણી ફંડ પાછું આપ્યું

એ વખતે દેશમાં ૨ લાખ ૨૪ હજાર મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતાં. એ ચૂંટણી પ્રક્રિયા માટે ૧૦ લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કુલ મુદ્રિત મતપત્રોની સંખ્યા ૬૨ કરોડ હતી. એ વખતે દેશમાં કુલ ૧૦ રાષ્ટ્રીય પક્ષો અને ૩૯ પ્રાદેશિક પક્ષો હતા. બીજા અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં મેદાનમાં ઉતર્યા હતા. આખી ચૂંટણી માટે સરકારે રૂ. ૧૦.૪૫ કરોડ ખર્ચ કર્યું હતું. નોંધનીય વાત એ છે કે, કોંગ્રેસે તેના દરેક ઉમેદવારને ચૂંટણી ખર્ચ માટે રૂ. ૨૦૦૦નું ફંડ આપ્યું હતું. તેમાંથી પણ કેટલાક ઉમેદવાર એ રકમ પણ પૂરી વાપરી શક્યા નહોતા. એમાંથી ૧૧૦ ઉમેદવારોએ રૂ. ૨૦૦થી રૂ. ૧૧૦૦ જેટલું ચૂંટણી ફંડ કોંગ્રેસ પક્ષને પાછું આપ્યું હતું. એ વખતે આવા પ્રામાણિક ઉમેદવારો પણ હતા. ઇમાનદારી માટે એક સ્પર્ધા પણ હતી.

કોંગ્રેસને ૩૬૪ બેઠકો

૧૯૫૨માં દેશમાં કુલ ૧૭ કરોડ ૩૦ લાખ મતદારો હતા. દેશના પહેલા ચૂંટણી કમિશનર તરીકે સુકુમાર સેન હતા. તેમની તમામ ચૂંટણી વિષયક જાહેરાતો રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતી હતી. તેમણે એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવરાવી હતી જે દેશભરમાં પ્રર્દિશત થઈ હતી. એ વખતે ચૂંટણી લડવાવાળા મુખ્ય પક્ષોમાં કોંગ્રેસ ઉપરાંત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, સોશિયાલિસ્ટ પાર્ટી, હિન્દુ મહાસભા, ડો. આંબેડકરની રિપબ્લિકન પાર્ટી, આચાર્ય કૃપલાણીજીની કિસાન મજદૂર પ્રજા પાર્ટી અને ડો. શ્યામાપ્રસાદ મુકરજીનું ભારતીય જનસંઘ દળ પણ સામેલ હતું. ભારતના બંધારણના પિતામહ એવા ડો. બાબાસાહેબ આંબેડકર આ ચૂંટણીમાં મુંબઈમાં એક સામાન્ય ઉમેદવાર સામે હારી ગયા હતા. એ ચૂંટણીમાં ભારતીય જનસંઘ માત્ર ખાતું જ ખોલી શક્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુ સામે સ્વામી કરપાત્રેએ ચૂંટણી લડી હતી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને ૧૬ અને સોશિયાલિસ્ટ પાર્ટીને ૧૨ બેઠકો મળી હતી. કોંગ્રેસ ૩૬૯ બેઠકો પર વિજયી બની હતી. ૧૯૫૨ની પહેલી ચૂંટણીમાં મતદાન ૪૪.૮૭ ટકા થયું હતું.

હવે ૭૦ લાખ…?

હવે સમય બદલાઈ ગયો છે. ૨૦૧૪ની ૧૬મી લોકસભાની ચૂંટણીમાં ૮૧ કરોડ કરતાં પણ વધુ મતદાતાઓ છે. ગત ચૂંટણી કરતાં ૧૦ કરોડ નવા મતદાતાઓ ઉમેરાયા છે. ૧૯૫૨માં ચૂંટણીખર્ચ પેટે રૂ. ૨૦૦૦ પક્ષ તરફથી અપાતા હતા. ચૂંટણીપંચે હવે તે મર્યાદા ઉમેદવાર દીઠ રૂ. ૭૦ લાખની કરી દીધી છે. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, કોઈપણ ઉમેદવાર ૭૦ લાખમાં લોકસભાની ચૂંટણી લડી શકે તેમ નથી. ઘણા ઉમેદવારો લોકસભાની ચૂંટણી માટે હકીકતમાં રૂ. ૧૦ કરોડથી રૂ. ૫૦ કરોડનું ખર્ચ કરતાં હોવાનું મનાઈ રહ્યું છે. અત્યારે વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો રૂ. ૩ કરોડથી પાંચ કરોડની જરૂર રહે છે. ઉમેદવારોને જે તે ગામોનાં, જે તે દેવ-દેવીઓનાં મંદિરો માટે લાખોના દાન આપવા પડે છે. કહેવાય છે કે મતદીઠ રકમ વહેંચવી પડે છે. દારૂ, ચવાણું પણ વહેંચવા પડે છે. પોસ્ટરો, રેલીઓ, રેલીઓમાં લોકોને લાવવાનું ખર્ચ જુદું. જે લાખો-કરોડોમાં આવે છે. વાહનો, પેટ્રોલ-ડિઝલ અને મોબિલિટીનું ખર્ચ પણ મોટું આવે છે. શહેરોમાં નુક્કડ નાટક, પત્રિકાઓ, બિલ્લા માસ્ક, ભજન મંડળીઓ, ગીત-સંગીતની મંડળીઓનું ખર્ચ અલગ.

છે ને ગરીબ ભારતના અમીરોની ચૂંટણી !

Be Sociable, Share!