આવું પહેલી વાર જ નથી બન્યું. એવિએશનના ઇતિહાસમાં ૧૯૪૮ પછી આજ સુધીમાં ૮૦ વિમાનો ગુમ થઈ ચૂક્યાં છે. જેની ભાળ આજ સુધી મળી નથી. જોકે, તેની પણ પહેલાં ૧૯૩૭ની સાલમાં એમિલિયા ઈયરહાઈ નામની ૩૯ વર્ષની યુવતી એક નાનકડા વિમાન દ્વારા દરિયો ઓળંગી રહી હતી અને તેનું વિમાન અદૃશ્ય થઈ ગયું. આ વિમાનને શોધવા એ જમાનામાં અમેરિકાએ એક ડઝન નૌકાજહાજો, બોટ્સ અને વિમાનો પેસિફિક સમુદ્રમાં મોકલ્યાં હતાં, પરંતુ એ જ વિમાનના ગુમ થવાનું રહસ્ય કદી ન ઉકેલાયું. એ વિમાનને શોધવા ૪ મિલિયન ડોલરનું ખર્ચ કરવામાં આવ્યું હતું અને તા. ૧૯ જુલાઈ, ૧૯૩૯ના રોજ એ ખોજ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. વાત કંઈક આમ હતી. તા.૨ જુલાઈ, ૧૯૩૭ના રોજ મધ્યરાત્રિએ એમિલિયા અને ફેડ નૂનાને લેઈ એરપોર્ટથી ટેકઓફ કર્યું. તેઓ હોલેન્ડ આઈલેન્ડ જવા માગતાં હતાં. વહેલી સવારે ૭-૪૨ વાગ્યે એમિલિયાએ રેડિયો સંદેશો આપ્યો. “હવે અમે નજીક છીએ, પરંતુ ગેસ ખલાસ થવા આવ્યો છે. અમે ૧૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઊડી રહ્યાં છીએ.” તે પછી ૭-૫૮ વાગ્યે એમિલિયાએ રેડિયો મેસેજ પર કંટ્રોલ ટાવરને કહ્યું: “મને કાંઈ સંભળાતું નથી, મોટેથી બોલો.” હવે વોઈસ મેસેજ પહોંચતો નહોતો. ફ્રીકવન્સી બદલી પરંતુ એમિલિયા પ્લેનની દિશા નક્કી કરી શકતી નહોતી.
એ પછી એ નાનકડા વિમાનનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો. કેટલાક કહે છે કે, વિમાનમાંથી બળતણ ખૂટી પડતાં એમિલિયા અને નૂનાન પ્લેનમાંથી કૂદી પડયાં હતાં. બીજા થિયરી એવી છે કે, એમિલિયા જાપાનીઓ પર જાસૂસી કરતી હતી અને તે કામ તે વખતના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે તેને સોંપ્યું હતું. એ વિમાન દુર્ઘટનામાંથી તે બચી ગઈ હતી અને તે જાસૂસ હોઈ નામ બદલીને ન્યૂજર્સીમાં પાછળથી જીવન વિતાવતી રહી. ૧૯૬૬માં અમેરિકાની ટેલિવિઝન કંપનીના પત્રકાર ફ્રેડ ગોર્નરે એક પુસ્તક પ્રગટ કર્યું હતું તેમાં તેણે એવો દાવો કર્યાે હતો કે, એમિલિયા અને નૂનાન પ્લેન તૂટી ગયા બાદ મરિના આઈલેન્ડ પર પકડાઈ ગયાં હતાં અને એ ટાપુ એ વખતે જાપાનીઓના કબજામાં હોઈ જાપાની સૈનિકોએ એમિલિયા અને નૂનાનની હત્યા કરી નાખી હતી. તે પછી ૨૦૦૯માં એમિલિયાના એક સંબંધીએ એવું વિધાન કર્યું હતું કે, ” એમિલિયા અને નૂનાન પકડાઈ ગયા બાદ જાપાનની કસ્ટડીમાં હતાં અને તેઓ કસ્ટડીમાં જ મૃત્યુ પામ્યાં. જાપાનીઓએ એમિલિયાના નાનકડા વિમાનને કાપી તેના ટુકડા કરી ભંગાર દરિયામાં ફેંકી દીધો હતો.”
તે પછી પોસ્ટલ આર્મી યુનિટમાં કામ કરનાર થોમસ ઈ.ડિવાઈને “ઈઅીુૈંહીજજ : ંરી ટ્વદ્બીઙ્મૈટ્વ ીટ્વરિટ્વિી ૈહષ્ઠૈઙ્ઘીહં” પુસ્તકમાં લખ્યું કે, “મારી પાસે જાપાનના એક પોલીસ અધિકારીની દીકરીનો એવો પત્ર છે જેમાં એણે લખ્યું હતું કે મારા પિતાએ જ એમિલિયાને ફાંસી આપી દીધી હતી.”
આવાં તો બીજાં અનેક વિમાનો ગુમ થયેલાં છે, જેની ભાળ આજ સુધી મળી નથી. તા. ૧૬ માર્ચ, ૧૯૬૨ના રોજ લોકહ્યુ એલ-૧૦૪૯ સુપર કોન્સ્ટેલેશન ટાઈગર વિમાન ફિલિપાઈન્સના ક્લાર્ક એરબેઝથી ઉપડયું હતું, જેમાં ૩૯ જેટલાં અમેરિકન સૈનિકો હતા. એ વિમાન અચાનક ગુમ થઈ ગયું. એ વિમાનને શોધવા પેસિફિક મહાસાગર ખૂંદી વળ્યા બાદ પણ તેનો પત્તો આજ સુધી લાગ્યો નથી. તેનો ભંગાર કે માનવ મૃતદેહો પણ મળ્યા નથી.
એ પછી ૧૯૭૪માં ડગ્લાસ ડીસીએમ ટેમ-૫૨ વિમાન સાન્તા રોમી એરપોર્ટથી લા પાઝ ખાતે જવા ઊપડયું તે અધવચ્ચે જ ગુમ થઈ ગયું. એ વિમાનમાં ૨૧ ઉતારુઓ હતા. વિમાન કે ઉતારુઓની આજ સુધી કોઈ ભાળ મળી નથી.
તા. ૧૭ નવેમ્બર, ૧૯૬૫ના રોજ ૬૮ ઉતારુઓને લઈ આર્જેન્ટિના સી-૫૪ વિમાન કોસ્ટારિકા જઈ રહ્યું હતું. અધવચ્ચે જ તેનાં સિગ્નલ્સ તૂટી ગયાં અને વિમાન ગુમ થઈ ગયું. વિમાનનો ભંગાર કે માનવ મૃતદેહ તો ન મળ્યા પરંતુ ૨૫ જેટલી લાઈફ બોટ્સ મળી.
૨૦૦૩માં અમેરિકન એરલાઈન્સના વિમાન બોઈંગ ૭૨૭- ૨૨૩એ એંગોલાના એરપોર્ટ પરથી ઉડાન ભરી તે વખતે તેની સાઈટો બંધ થઈ ગઈ હતી અને ટ્રાન્સપોન્ડર કામ કરતું નહોતું. આ વિમાન પણ ગુમ થઈ ગયું. એફબીઆઈ અને સીઆઈએએ તેની વિશ્વવ્યાપી ખોજ કરી પણ તેનો કોઈ જ પત્તો લાગ્યો નહીં. તે વિમાન ક્યાં જતું રહ્યું તે આજે પણ એક રહસ્ય છે.
એ નોંધપાત્ર છે કે બર્મુડા ટ્રાયેંગલ પાસે આજ સુધીમાં ૧૦૦ જેટલાં વિમાનો અને સમુદ્રી જહાજો ગુમ થઈ ચૂક્યાં છે. આ ટ્રાયેંગલમાં દરિયામાં ગુમ થનારાં વિમાનો કે નૌકાજહાજોમાં મુસાફરી કરી રહેલા ૧૦૦૦ માણસો પણ ગુમ થઈ ગયા છે. ૧૯૪૫માં પાંચ અમેરિકન બોમ્બર વિમાનો તાલીમ માટે આ વિસ્તારમાં ઊડયાં હતાં અને એનો આજ સુધી કોઈ પત્તો નથી.
૧૯૪૮ અને ૧૯૪૯માં બે બ્રિટિશ સાઉથ અમેરિકન એરબેઝ વિમાનો પણ ઉતારુઓ સાથે ગુમ થઈ ગયાં. તેની ખોજ માટે અનેક સર્ચ મિશન મોકલવામાં આવ્યાં પરંતુ પરિણામ શૂન્ય. તા. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બીએસએ એ એવરો ટયૂડર ફાઈવ વિમાન ગુમ થઈ ગયું. જેની ભાળ આજ સુધી મળી નથી. તેમાં ૨૫ ઉતારુઓ અને છ ક્રૂ મેમ્બર્સ હતા. વિમાનનો ભંગાર કે મૃતદેહો પણ મળ્યા નથી.
તા. ૧૭ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ સ્ટાર એરિયલ વિમાને ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈથી કંટ્રોલ ટાવરને સંદેશો મોકલ્યો અને તે પછી વિમાન ગુમ થઈ ગયું, જેની ભાળ આજ સુધી મળી નથી.
તા. ૮ માર્ચ, ૨૦૧૪ના રોજ કુઆલાલુમ્પુરથી મિગ ૩૭૦ વિમાન સવારે ૬-૩૦ વાગ્યે ટેઈક ઓફ કર્યો હતો અને તેમાં ૨૨૭ મુસાફરો તથા ૧૨ ક્રૂ મેમ્બર્સ હતા. વિમાન ઊપડવાના એક કલાક બાદ વિમાનનો કંટ્રોલરૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લે છેલ્લે તે વિમાન મલેશિયાના પૂર્વ કિનારા પર આવેલા કોટાભારુ નગરથી ૧૨૦ નોટિકલ્સ માઈલ દૂર હતું. જેનો આજ સુધી પત્તો નથી.
મલેશિયન એરલાઈન્સના વિમાન મિગ ૩૭૦ સહિત બીજાં ૮૦ વિમાનો આજે પણ લાપતાં છે. દુનિયા પાસે શ્રેષ્ઠ ટેક્નોલોજી હોવા છતાં એ વિમાનો ગુમ છે. તે ક્યાં છે તે એક રહસ્ય છે.




