Close

તારા જેવી રૂપની પરી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ

કભી કભી | Comments Off on તારા જેવી રૂપની પરી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ

૨૦ વર્ષની પૂજા મૂળ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના શીતલપુર ગામની વતની હતી. તેના પિતા હોમગાર્ડમાં હતા. બીમારીના કારણે પિતાનું અચાનક મૃત્યુ નીપજતાં પૂજાની મા રાજવતી દીકરીને અને બીજા બે પુત્રોને લઈ રોજગારીની તલાશમાં ફેઝ ટુ, ગ્રેટર નોઈડા આવી. રાજવતી એક ભાડાના મકાનમાં રહેવા લાગી. એણે શાકભાજીની એક દુકાન પણ શરૂ કરી.બધાં જ ભાઈ-બહેનોમાં પૂજા સહુથી વધુ સુંદર અને તેજ દિમાગની હતી. રાજવતીએ પૂજાને નજીકની જ એક ફેક્ટરીમાં કામે લગાડી દીધી. એ જ ફેક્ટરીમાં સત્તો અને ભલ્લો નામની બે યુવતી પણ કામ કરતી હતી. એ બંને ૧૭-૧૮ વર્ષની હતી. ઉંંમર કરતાં પહેલેથી જ આગળ વધી ગયેલી હતી. તેમના અનેક મિત્રો હતા. તેમાંથી એક હતો સુનીલ. ૨૫ વર્ષની વયનોે સુનીલ ભાટી કુલેસરા, નોઈડાનો રહેવાસી હતો. તેના માતા-પિતા પાસે પૈસા ઘણા હતા. વળી તે ખુદ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. ભરપૂર જવાની અને ધનવૈભવના કારણે તે અવ્વલ નંબરનો ઐયાશ પણ હતો. ફેકટરીમાં કામ કરતી સત્તો અને ભલ્લો તેનાં પ્રિય પાત્રો હતા. સત્તો અને ભલ્લો એ બેઉ સખીઓ એકબીજાથી કાંઈ છુપાવતા નહોતા.

એકવાર સત્તો અને ભલ્લો ફેક્ટરીમાંથી બહાર નીકળીને ઘેર જઈ રહી હતી ત્યારે તેમની સાથે પૂજા પણ હતી. સામેથી આવી રહેલો સુનીલ પૂજાને જોઈ ગયો. પૂજા એને પહેલી નજરે જ ગમી ગઈ. સત્તો અને ભલ્લો કરતાં તે અત્યંત ખૂબસૂરત હતી. એ સાંજે સુનીલે સત્તો અને ભલ્લોને કહ્યુંઃ ”તમારી સાથે જે છોકરી હતી તેને રાજી કરી લ્યો.”

સત્તા બોલીઃ ”એ શક્ય નથી. એ અમારા જેવી નથી.”

સુનીલ બોલ્યોઃ ”એક કામ કરો. એ રાજી થઈ જતી હોય તો હું તમને દસ હજાર રૂપિયા આપીશ.”

સત્તો અને ભલ્લો દસ હજાર રૂપિયાની લાલચમાં આવી ગઈ. એક દિવસ બન્યું એવું કે ફેક્ટરીમાંથી છૂટતી વખતે પૂજાએ સત્તો અને ભલ્લોે પાસે બસો રૂપિયા ઉછીના માગ્યા. ભલ્લો બોલીઃ ”કમાલ છે, તારા જેવી રૂપની પરી માત્ર બસો રૂપિયા ઉધાર માગે છે?તારા જેવી પાસે તો હજારો રૂપિયા હોવા જોઈએ.”

પૂજા બોલીઃ ”આપણને કેટલા પૈસા મળે છે તેની તો તને ખબર છે ને! તું મને બસો રૂપિયા ઉછીના આપ. બે દિવસ પછી પાછા આપી દઈશ” પૂજા બોલી.

”યાર પૂજા!” ભલ્લો બોલીઃ ”પૈસા ઉધાર લેવાની શી જરૂર છે. તારી આસપાસતો પૈસા દેવાવાળા બહુ જ છે.”

ભલ્લોના કહેવાનો મતલબ પામી ગયેલી પૂજા બોલીઃ ”હું એ પ્રકારની છોકરી નથી.”

સત્તો ધીમેથી બોલીઃ ”પૂજા! અમે જાણીએ છીએ કે સાજીદ સાથે તારે સંબંધો હતા. તું બધા જ ખેલ એની સાથે કરી ચૂકી છે. એ વાત તેં જ અમને કરી હતી. જેવો સાજીદ એવો જ હવે બીજો કોઈ….”

પૂજા બોલીઃ પણ સાજીદ સાથે તો એટલા માટે હું માની ગઈ કે તેની સાથે મારી શાદી થવાની હતી. બાદમાં અનબન થઈ ગઈ. એકવાર ભૂલ કરી ચૂકી છું, બીજી વાર નહીં કરું. હવે તો જે મારી સાથે લગ્ન કરશે તેને જ મારું શરીર સોંપીશ.”

ધીમેથી સત્તો બોલીઃ ”આ તો સારી વાત છે. એક સુખી ઘરનો છોકરો મારા દિમાગમાં છે. એણે એક વાર તને જોયેલી છે. તે તારી પર વારી ગયેલો છે હું એને પૂછી જોઉં?”

”ના, પણ મેં એને જોયો નથી.”

”ચાલ. કાલે જ તને બતાવીશ. તને એ ગમે તો વાત આગળ વધારીએ. નહીંતર આપણે રમતાં નથી” સત્તો બોલી.

બીજા દિવસે અગાઉથી નક્કી કરેલી યોજના મુજબ સત્તો અને ભલ્લો સાથે પૂજા સુનીલના એક ફલેટ પર ગઈ. સુનીલ આમેય પ્રોપર્ટી ડીલરનું કામ કરતો હતો. તેની પાસે ઘણા મકાનોની ચાવીઓ હતી. એમાંનું ર્ફિનચરવાળું મકાન ભાડે આપવાનું હતું. એની ચાવી તેની પાસે હતી. પૂજા તો સુનીલનો ઠાઠ જોઈ પ્રભાવિત થઈ ગઈ. સુનીલ આમેય હેન્ડસમ હતો. પૂજા તેને જોતાં જ ભાવિ પતિની કલ્પનામાં સરી ગઈ. તે ફાલતુ મકાનમાં રહેતી હતી. જ્યારે આ ફલેટ તો સજાવેલો હતો. પૂજા અને સુનીલ વચ્ચે વાતચીત થઈ. સુનીલે કહ્યુંઃ ”જો પૂજા! હું સુખી ઘરનો પુત્ર છું, પરંતુ કોઈ ગરીબ યુવતી સાથે લગ્ન કરવા માંગુ છું. તું મને પસંદ છે.”

”પણ મને તો વિચારવા દો” પૂજા બોલી.

બીજી જ ક્ષણે સુનીલે પૂજાનો હાથ પકડી લેતાં કહ્યુંઃ તને જોતાં જ મને લાગે છે કે આપણે એકબીજાને સદીઓથી ઓળખીએ છીએ.”

પૂજા સુનીલના વાક્પ્રવાહમાં ખેંચાતી ગઈ. તે બોલીઃ”હા, મને પણ એવું જ લાગે છે કે આપણે જનમજનમથી એકબીજાને ઓળખીએ છીએ.”

સુનીલ બોલ્યોઃ ”હું અત્યારે જ તારી સાથે લગ્ન કરી લેવા માંગુ છું.”

”મને વિચારવાનો સમય આપો. મારી મમ્મી સાથે વાત કરવા દો.”

”ના” સુનીલ બોલ્યોઃ ”હું પણ માર ઘેર વાત કરવાનોે નથી. હું મારા પરિવારને વાત કરવા જઈશ તો તેઓ એક ગરીબ યુવતી સાથે લગ્નની પરવાનગી નહીં આપે. તારા ઘરવાળા તને મારા માટે કોઈ અન્ય વાત કહેશે બહેતર છે કે આપણે કાલે જ લગ્ન કરી લઈએ. ઘરવાળાઓને તે પછી વાત કરીએ. એકવાર આપણાં લગ્ન થઈ જશે પછી આપણને કોઈ અલગ કરી શકશે નહીં.”

પૂજાને સુનીલની દલીલ ગળે ઉતરી ગઈ. ઉતાવળમાં એણે પણ હા પાડી દીધી. બીજા જ દિવસે મંદિરમાં જઈ લગ્ન કરી લેવાની યોજના બનાવી. પૂજા રોજની જેમ સવારે ઘરેથી ફેકટરીએ જવા નીકળી, પરંતુ ફેક્ટરી પર જવાના બદલે તે સીધી સુનીલની ઓફિસે પહોંચી ગઈ. સુનીલે બધી જ તૈયારીઓ કરી રાખી હતી. તેઓ સીધા મંદિરમાં પહોંચી ગયાં. બંનેએ એકબીજાને ફૂલોની માળા પહેરાવી. સુનીલે પૂજાની માંગમાં સિંદૂર ભરી દીધું. મંદિરમાંથી સુનીલ પૂજાને પેલા ફલેટ પર લઈ ગયો.

ફલેટ પર પહોંચતા જ સુનીલે બારણું બંધ કરી દીધું. એણે પૂજાને સ્પર્શ કર્યો. પૂજાએ કહ્યુંઃ ”હજુ રાત પડી નથી.”

”પૂજા, તું ખોટી ખોટી શરમ અનુભવે છે. જાણે કે પહેલી જ વાર તું કોઈ પુરુષને સ્પર્શી રહી છે?”

”એટલે ?”

સુનીલે ભેદ ખોલતાં કહ્યુંઃ ”મને કોઈકે કહ્યું હતું કે આપણા લગ્નની પહેલાં પણ તું કોઈ સાજીદ નામના છોકરાના પ્રેમમાં હતી.”

પૂજા સ્તબ્ધ થઈ. એણે પૂછયુંઃ ”તમને કોણે કહ્યું?”

સુનીલ બોલ્યોઃ ”મને તો સત્તો અને ભલ્લોએ કહ્યું. પણ તું ચિંતા ના કર. હું પણ કયા દૂધે ધોયેલો છું. હું પણ તારા જેવો જ છું.”

યુવાનીનો ભેદ ખૂલતાં જ પૂજા હતપ્રભ થઈ ગઈ. એને દાળમાં કાંઈક કાળું હોવાનો પણ શક થયો. છતાં એને સંતોષ એ વાતનો હતો કે, યુવાનીની ભૂલ માટે સુનીલે કોઈ વાંધો લીધો નહોતો. એણે પોતાની જાત સુનીલને સર્મિપત કરી દીધી. પૂજાને એકલીને ફલેટ પર રહેવા દઈ સુનીલ તેની ઓફિસે ચાલ્યો ગયો.

સુનીલ ઓફિસ પહોંચ્યો ત્યારે રૂપિયા દસ હજારની રકમ લેવા સત્તો અને ભલ્લો તેનો પહેલેથી જ ઈન્તજાર કરતી હતી. સુનીલે કામ પાર પાડવા માટે એ રકમ ચુકવી દીધી. છતાં સત્તો અને ભલ્લો ડરેલી હતી. એમને હતું કે, પૂજા સાંજે ઘેર ન પહોંચે તો શું થશે? સુનીલે તેમને સમજાવી દીધું કે, ‘બસ્તીમાં વાત ફેલાવી દો કે પૂજા તેના આશિક સાજીદ સાથે ભાગી ગઈ છે.’

આ તરફ સુનીલે પૂજા માટે ફલેટમાં રસોઈનો સામાન તથા ગેસની વ્યવસ્થા કરી દીધી. તે દિવસે જ આવતો હતો. રાત્રે એના ઘેર જતો રહેતો હતો. પૂજાને એ વાત ખટકતી હતી. બીજી તરફ પૂજાની મા રાજવતી દીકરીને શોધતી જ રહી. પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી.

આ વાતને બે મહિના વીતી ગયા.

સુનીલ પતંગિયા જેવો હતો. હવે તેનું મન પૂજાથી ભરાઈ ગયું હતું. તેણે દિવસે પણ પૂજા જ્યાં રહેતી હતી તે ફલેટ પર આવવાનું ઓછું કરી નાંખ્યું. પૂજાને ખૂબ પૈસા,ખર્ચ અને ખૂબ કપડાં તેણે અપાવ્યા હતા. તેથી પૂજાને એટલા પૂરતો સંતોષ હતો. હા,પતિસુખ નહોતું. એક દિવસ પૂજા બજારમાં કાંઈક ખરીદી કરવા ગઈ હતી. એ વખતે સુનીલનો મિત્ર શાહીદ નામનો એક યુવક તેને જોઈ ગયો.શાહીદે પૂજાને સામાન ઊંચકવામાં મદદ કરી. બેઉ નજીકના દોસ્ત બન્યા. દોસ્તી આગળ વધી. પૂજા પાસે હવે બધું હતું, પરંતુ પતિ સુખ નહોતું. એ એણે શાહીદ પાસેથી મેળવી લીધું. જોગાનુંજોગ શાહીદ સુનીલનો કરીબ દોસ્ત હતો. વાત જાણે એમ હતી કે સુનીલે સામેથી જ શાહીદને કહ્યું હતું કે, ”પૂજાને પત્ની તરીકે હું ઘરમાં લાવી શકું તેમ નથી. હવે તું જ એને સંભાળ.”

એ પછી શાહીદ જ પૂજા સાથે ફલેટમાં રહેવા લાગ્યો હતો. પૂજાએ આ જિંદગી પણ સ્વીકારી લીધી. પૂજાને પણ ખ્યાલ આવી ગયો હતો કે સુનીલે તેની સાથે લગ્નનું નાટક જ કર્યું છે અને તેનું મન હવે ભરાઈ ગયું છે. એ પછી એને લાગ્યું કે સુનીલ કરતાં શાહીદ વધુ સારો છે જે મને સાચો પ્રેમ કરે છે. હવે તે શાહીદના પ્રેમમાં મગ્ન રહેવા લાગી. શાહીદ પણ તેનું શોષણ કરતો હતો. ધીમે ધીમે તેણે પણ આવવાનું ઓછું કરી દીધું. શાહીદ હવે સપ્તાહમાં એક જ દિવસ આવતો હતો જ્યારે સુનીલ પંદર દિવસે એક જ વાર આવતો હતો. પૂજાને ખ્યાલ આવી ગયો કે સુનીલ અને શાહીદ બેઉ તેનો ઉપયોગ જ કરે છે, છેતરે છે અને તેની જિંદગી ખરાબે ચડાવીને ગુમ રહે છે. તે હવે બદલો લેવા માંગતી હતી.

એક દિવસ પૂજા બજારમાં ફરતી હતી અને તેને તેનો પૂર્વ પ્રેમી સાજિદ રસ્તામાં મળી ગયો. સાજિદ હજુ સુધી પૂજાને ભૂલી શક્યો નહોતો. પૂજા તેનો પ્રથમ પ્રેમ હતો. પૂજા માટે પણ સાજિદ તેનો પ્રથમ પ્રેમ હતો. નાનીઅમથી વાતમાં તેમની વચ્ચે અનબન થઈ ગઈ હતી. પૂજાએ એને કોઈ ફરિયાદ ના કરી. એ જ રીતે સાજિદે પણ તેની કોઈ ફરિયાદ ના કરી. પૂજાએ રાત્રે એના પ્રથમ પ્રેમી સાજિદને ફલેટ પર લઈ ગઈ. પોતાની સાથે છેતરપિંડી કરનાર સુનીલ અને શાહીદની વાત એણે વિસ્તારથી કરી. બત્તીઓ બંધ થઈ. હવે તે બંને અત્યંત ધીમેથી વાત કરવા લાગ્યા. સાજિદ એટલું જ બોલ્યોઃ ”તંુ ચિંતા ના કર, પૂજા. હું બધું સંભાળી લઈશ. જો મારી યોજના એ છે કે….”

અને બીજા અઠવાડિયે શાહીદની લાશ કેનાલમાંથી મળી અને બીજા એક અઠવાડિયા બાદ સુનીલની લાશ એક ગેરેજમાંથી મળી.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!