૧૯૬૫માં બનેલી સ્પેક્ટેક્યુલર ફિલ્મ ‘ડો. ઝિવાગો’ના લેજન્ડરી અભિનેતા ઓમર શરીફનું ૮૩ વર્ષની વયે અવસાન થયું. આ ઇજિપ્શિયન અભિનેતાએ હોલિવૂડના બડાબડા એક્ટર્સને પણ પોતાના અભિનયથી પ્રભાવિત કરી દીધા હતા. ‘ડો. ઝિવાગો’ ફિલ્મ રશિયન લેખક બોરિસ પાસ્તારનાકની એ જ નામની નવલકથા પરથી બની હતી. આ નવલકથાની કથા અને લેખકના જીવનની કથા એક થ્રિલર જેવી છે.
કથાની શરૂઆત ૧૯૦૩ના ઈમ્પીરિયલ રશિયાના કાળથી થાય છે. એ વખતે રશિયામાં ઝારનું શાસન હતું. મોસ્કોથી બહુ દૂરના એક ગામમાં નાનકડા બાળક યુરી ઝિવાગોની માતાનું મૃત્યુ થતાં નાનકડા બાળક યુરી ઝિવાગોને તેના કાકા અને કાકી મોસ્કો લઈ ગયાં.
મોસ્કો લઈ ગયા પછી યુરી ઝિવાગો એક તબીબી કોલેજમાં દાખલ થયો. તે તેના કાકા-કાકી અને પિતરાઈ બહેન તોન્યા સાથે મોસ્કોના જ એક ભવ્ય મકાનમાં રહી ભણતો હતો. તોન્યા ભણવા માટે પેરિસ ગઈ. યુરી ઝિવાગોના કાકાને મોસ્કોના ઉચ્ચ-ભદ્ર પરિવારો સાથે સુંદર સંબંધો હતા. તેમાં એક કોમારોવસ્કી પણ હતો. એક દિવસ યુરી જિગાવોને કહેવામાં આવ્યું કે, “તોન્યા પેરિસથી પાછી આવી રહી છે.” યુરી ખુશ થઈ ગયો. યુરી ઝિવાગો અને તેનાં કાકા-કાકી તોન્યાને લેવા રેલવે સ્ટેશનગયાં. યુરી ઝિવાગોએ વર્ષો બાદ પહેલી જ વાર યુવાન થઈ ગયેલી તોન્યાને જોઈ અને તોન્યાએ પણ યુવાન ઝિવાગોને જોયો. ઝિવાગોની કાકીએ કહ્યું : “આ બંનેની જોડી કેવી સરસ લાગે છે ?” એ ૧૯૨૩ની સાલ હતી અને ઝિવાગોનું તબીબી શિક્ષણ હવે પૂરું થવામાં હતું.
એ વખતે મોસ્કોમાં એક ભ્રષ્ટ ધારાશાસ્ત્રી વિક્ટર કોમારોવસ્કી રહેતો હતો. એ વખતે રશિયામાં રશિયન ક્રાંતિ અને નાગરિક યુદ્ધ છેડાઈ ગયું હતું. એક બાજુ ઝાર અને બીજી બાજુ માર્ક્સવાદીઓ હતા. વિક્ટર બંને સાથે સંબંધો રાખતો હતો. વિક્ટર કોમારોવસ્કી એક બિઝનેસમેન પણ હતો. એક જમાનામાં તે અને યુરી ઝિવાગોના પિતા ધંધામાં ભાગીદાર હતા, પરંતુ યુરી ઝિવાગો પિતાના અચાનક અવસાન બાદ વિક્ટર કોમારોવસ્કીએ ઝિવાગો પરિવારની બધી જ સંપત્તિ હડપ કરી લીધી હતી. તેના રાજકીય સંબંધો સશક્ત હતા. એ સ્ત્રીઓનો પણ શોખીન હતોે. સંબંધો વિકસાવવાનું અને મિત્રો બનાવવાનું કૌશલ્ય તે જાણતો હતો. વેપારધંધામાં ભ્રષ્ટાચારી વિક્ટર કોમારોવસ્કી ફ્રાન્સથી આવેલી અમાલિયા નામની વિધવા સાથે સંબંધ ધરાવતો હતો. અમાલિયાને સોળ વર્ષની એક સુંદર દીકરી હતી, તેનું નામ લારા. વિક્ટરે લારાને જોઈ તે દિવસથી જ તે તરુણી પર તેની કુદૃષ્ટિ હતી. વિક્ટર કોમારોવસ્કીએ લારાને મોસ્કોની ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરાવી દીધી. ધીમેધીમે લારાની યુવાની ખીલી ઊઠી.
સમય જતાં લારા પાશા નામના યુવાન ક્રાંતિકારીના પરિચયમાં આવી. પાશા આદર્શવાદી હતો અને ઝારની રાજાશાહી તથા મૂડીપતિઓનો વિરોધી હતો. તે માર્ક્સવાદ પ્રમાણે ચળવળ ચલાવતો હતો. લારા પાશાની મિત્ર હતી. પાશા લારા સાથે પરણવા માગતો હતો. લારા પાશાની વાગ્દત્તા હતી. એ સમયગાળામાં રશિયાના ઈમ્પીરિયલ શાસક સામે કેટલાક લોકો શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા હતા. તેમાં પાશા મુખ્ય હતો. પાશા ખુદ લારા સાથે લગ્ન કરી લેવા માગતો હતો. દેખાવો દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં તે ઘવાયો અને સીધો લારા પાસે પહોંચી ગયો. તેની પાસે છુપાવેલી એક રિવોલ્વર હતી. પાશાએ એ રિવોલ્વર છુપાવી દેવા માટે લારાને સુપરત કરી.
એક દિવસ વિક્ટર કોમારોવ્સકી લારાની માતાને એક સાંજની પાર્ટીમાં લઈ જવા માગતો હતો. લારાની માતા અમાલિયાની તબિયત સારી ના હોવાથી એણે લારાને પાર્ટીમાં લઈ જવા કહ્યું. લારા પાર્ટીમાં ગઈ. મોસ્કોના શ્રીમંતોની વૈભવી પાર્ટી જોઈ લારા પાર્ટીથી અને વિક્ટર કોમારોવસ્કીથી ભારે પ્રભાવિત થઈ. વિક્ટર કોમારોવસ્કી લારાથી મોટી ઉંમરનો પ્રૌઢ હોવા છતાં લારાને પામવા માગતો હતો. પાર્ટીમાંથી પાછા આવતી વખતે મોસ્કોના રસ્તાઓ પર દોડતી ભવ્ય બગીમાં એણે બળજબરીથી લારાને ચુંબન કર્યું. લારા હજુ નક્કી કરી શકતી નહોતી કે વિક્ટર કેવો માણસ છે. લારા તેની તરફ થોડી આકર્ષાઈ પણ ખરી, પણ તે હજુ તેના તાબે થઈ નહોતી.
એક દિવસ લારાની માતા અમાલિયાને ખબર પડી કે તેનો પ્રેમી વિક્ટર હવે પોતાની દીકરી લારા સાથે પણ સંબંધ ધરાવે છે. એણે ઝેર પી લીધું. એ વખતે વિક્ટરે એક ડોક્ટરને તાબડતોબ બોલાવ્યા. તે ફિઝિશિયનની સાથે તેના સહાયક તરીકે ડો. ઝિવાગોને પણ સાથે લેતા આવ્યા. બંનેએ મળીને લારાની માતાને બચાવી લીધી, પરંતુ ડોક્ટર ઝિવાગોએ વિક્ટર કોમારોવસ્કીની લારા પરની નજર ચૂપચાપ નિહાળી લીધી.
એક દિવસ વિક્ટર કોમારોવસ્કીએ લારાને મોસ્કોની એક ભવ્ય હોટેલમાં રાતના સમયે ઉત્કૃષ્ટ ભોજન માટે નિમંત્રણ આપ્યું. કોમારોવસ્કીએ પહેલાંથી જ એક રૂમ બુક કરાવી રાખ્યો હતો. કોમારોવસ્કીએ વાઈનનો ઓર્ડર આપ્યો. બંને એકબીજાની સામે બેઠા. કોમારોવસ્કીએ લારાને વાઈનનો ગ્લાસ આપ્યો. લારાએ વાઈન પીધો. વિક્ટર કોમારોવસ્કીએ લારાના ભીના હોઠ પર આંગળીઓ ફેરવી, પણ ગમે તે કારણસર તે હવે આગળ વધવા માગતી નહોતી. એને ખબર હતી કે આ માણસને તેની મા સાથે પણ સંબંધ છે. તે ઊભી થઈ ગઈ અને હોટેલના રૂમમાંથી બહાર નીકળવા બારણા પાસે ગઈ. વિક્ટર કોમારોવસ્કીએ તેને પકડી લીધી. લારાની ઇચ્છા વિરુદ્ધ તેણે જબરદસ્તી કરી અને લારા પર બળાત્કાર કર્યો અને લારાને ક્ષતવિક્ષત હાલતમાં છોડીને ચાલ્યો ગયો. લારાને આ ના ગમ્યું. તે અંદરથી અપમાનિત થઈ હતી. તે હવે વિક્ટર કોમારોવસ્કી સાથે બળાત્કારનો બદલો લેવા માગતી હતી. લારા પાશા નામના ક્રાંતિકારી યુવાન સાથે લગ્ન કરવા માગે છે, તે પણ કોમારોવસ્કીને ગમ્યું નહોતું. એક દિવસ લારાએ તેના મિત્ર પાસાએ આપેલી રિવોલ્વર શોધી કાઢી. રાતનો સમય હતો. મોસ્કોમાં ભયંકર ઠંડી હતી. હળવી બરફવર્ષા થઈ રહી હતી. લારા રિવોલ્વર છુપાવીને કોમારોવસ્કીના ઘરે ગઈ. ખબર પડી કે કોમારોવસ્કી ક્રિસમસની પાર્ટીમાં ગયો છે. લારા પાર્ટીના સ્થળે જવા રવાના થઈ. બેન્કવેટ હોલની બહાર તેને તેનો મિત્ર પાશા મળ્યો, પણ લારા સંદિગ્ધ રીતે મૌન રહી અને પાર્ટી હોલમાં ગઈ. અંદર પાર્ટી ચાલતી હતી. પાશાએ આપેલી રિવોલ્વર છુપાવીને લારા એ પાર્ટીમાં પહોંચી ગઈ હતી અને અનેક લોકોની હાજરીમાં લારાએ વિક્ટર કોમારોવસ્કી પર ગોળી છોડી. વિક્ટર કોમારોવસ્કીનો હાથ ઘવાયો. એણે લારા સામે કોઈ પણ પગલું ના ભરવા હાજર સૌ કોઈને જણાવ્યું. એ વખતે ડો. ઝિવાગો અને તેની વાગ્દત્તા તોન્યા પણ પાર્ટીમાં હાજર હતાં. ડોક્ટર ઝિવાગોએ વિક્ટર કોમારોવસ્કીને સારવાર આપી અને પાટો બાંધી આપ્યો. એ જ રીતે લારાને હવે સમજાઈ ગયું હતું કે, વિક્ટર કોમારોવસ્કીએ જ તેની જિંદગી બરબાદ કરી નાખી છે, પરંતુ બીજી બાજુ વિક્ટરે તેની રાજકીય વગનો ઉપયોગ કરી લારા સામે કોઈ કાનૂની કાર્યવાહી થવા ના દીધી.
વિક્ટર કોમારોવસ્કીથી થાકી ગયેલી લારાએ હવે રશિયન ક્રાંતિકારી પાશા સાથે લગ્ન કરી લીધાં. તેનાથી તેને કાત્યા નામની એક દીકરી થઈ. આ તરફ ડોક્ટર ઝિવાગોને ઉછેરનાર તેની પાલક માતાનું મૃત્યુ થયું. તે પછી ડોક્ટર યુરી ઝિવાગોએ તેની પાલક માતાની દીકરી તોન્યા સાથે લગ્ન કરી લીધું.
એ પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું રશિયન સામ્રાજ્યે જર્મની સાથે યુદ્ધ જાહેર કર્યું. લારા સાથે લગ્ન કરનાર પાશા આમ તો એક રેલવે કર્મચારી હતો અને બોલ્શેવિક સિમ્પેથાઈઝર હતો, પણ પાછળતી તે યુરલ્સની એક સ્કૂલમાં શિક્ષક બની ગયો. તે લારાને બહુ જ ચાહતો હતો, પણ તે લારાના પાશમાંથી છૂટવા પણ માગતો હતો. તેણે લારાથી દૂર જવા માટે તે રશિયન ઈમ્પીરિયલ આર્મીમાં જોડાઈ ગયો. કેટલાક સમય બાદ લેફ્. પાશા યુદ્ધ સમયગાળામાં ગુમ થઈ ગયેલો જાહેર કરાયો. હકીકતમાં તે ઓસ્ટો-હેંગેરિયન લશ્કર દ્વારા પકડાઈ ગયો હતો,પરંતુ એક દિવસ તે યુદ્ધના કેદીઓની જેલમાંથી છટકી ગયો અને રશિયાના નવા રેડ આર્મીમાં જોડાઈ ગયો. હવે તેણે પોતાનું નામ બદલી નાખ્યું તે હવે જનરલ સ્ટ્રેલનિર્કાવ તરીકે જાણીતો બન્યો. એ પછી એણે પકડાયેલા અનેક સૈનિકો અને નાગરિકોની પણ હત્યા કરી હતી.
પરંતુ લારા હજુ તેના પતિ પાશાને શોધી રહી હતી. તેને ખબર નહોતી કે તેનો પતિ હવે નામ બદલીને રશિયાની રેડ આર્મીમાં જનરલ બની ચૂક્યો છે. લારાએ પતિને શોધવા માટે જ યુદ્ધમાં ઘવાયેલા લોકો અને સૈનિકોની યુદ્ધ છાવણીમાં નર્સ તરીકે કામ કરવા માંડયું. એ સમયગાળા દરમિયાન ડોક્ટર ઝિવાગો થકી તેની પત્ની તોન્યા પણ એક સંતાનની માતા બની ચૂકી હતી. ઘરમાં તાજું જ બાળક જન્મ્યું હોવા છતાં ડોક્ટર ઝિવાગોને પણ યુદ્ધભૂમિની ફિલ્ડ હોસ્પિટલમાં ઘવાયેલાઓની સારવાર માટે મોકલી દેવામાં આવ્યો. સંજોગવશાત્ લારા પણ આ જ ફિલ્ડ હોસ્પિટલમાં નર્સ બની ઘવાયેલાઓની સારવાર કરતી હતી. બેઉ પોતપોતાના ઘર-પરિવારથી એક જુદા જ વાતાવરણમાં હતા. બંને સાથે મળીને ઘવાયેલાઓની સારવાર કરવા લાગ્યા. છ મહિના સુધી સાથે કામ કરતાં કરતાં ડોક્ટર ઝિવાગો અને લારા એકબીજાને ચાહવા લાગ્યાં. આ સમયગાળા દરમિયાન રશિયામાં ક્રાંતિકારી ફેરફારો થયા. વ્લાડિમીર લેનિન મોસ્કોમાં આવ્યા. આ તરફ યુદ્ધ શાંત થતાં લારા અને ડોક્ટર ઝિવાગોએ હવે પાછા ફરવાનું હતું. ડોક્ટર ઝિવાગો લારાને ચાહતો હોવા છતાં તે તેની પત્ની તોન્યાને પ્રેમ અને જવાબદારીની બાબતમાં કોઈ જ અન્યાય કરવા માગતો નહોતો. લારા કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જઈ જીવન બસર કરવા માગતી હતી. તે ચાલી ગઈ, પણ એ ડોક્ટર ઝિવાગો પ્રત્યેના એના પ્રેમને પોતાના હૃદયમાં સંઘરીને ચાલી ગઈ.
ડોક્ટર ઝિવાગો હવે મોસ્કો પાછા ફર્યા. મોસ્કોમાં બધું બદલાઈ ચૂક્યું હતું. ઝાર હવે જેલમાં હતો. લેનિનનું આગમન થઈ ચૂક્યું હતું. સામ્યવાદીઓએ ડોક્ટર ઝિવાગોના કાકાના વિશાળ નિવાસસ્થાનનો કબજો લઈ લીધો હતો. કમ્યુનિસ્ટોની બનેલી કમિટીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું : “જ્યાં તેર પરિવાર રહી શકે છે ત્યાં એક જ કેમ ?”
ઝિવાગો, તોન્યા તેના નાનકડા પુત્ર અને તેના કાકાને ઉપરના માળે એક જ રૂમ ફાળવી આપ્યો. બાકીના ખંડનો સામ્યવાદીઓએ કબજો લીધો. એક સામ્યવાદી અધિકારીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું : “અત્યારથી જ નોકરી પર લાગી જાવ. નહીંતર રેશનકાર્ડ નહીં મળે. શહેરમાં ખતરનાક ચેપી રોગ ફેલાયો છે.”
ડોક્ટર ઝિવાગોને એક બીમાર દર્દી પાસે લઈ જવાયા. દર્દીને તપાસીને ડોક્ટર ઝિવાગોએ કહ્યું : “એને કોઈ બીમારી નથી, બીમારી તો છે મોસ્કોમાં ભૂખમરાની.”
સામ્યવાદી અધિકારીને ડોક્ટર ઝિવાગોની વાત ના ગમી. એક અધિકારીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું કે, “તમે જે કવિતાઓ લખો છો તે પણ સોવિયેત સામ્યવાદી સરકારને પસંદ નથી.”



