Close

જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન તે યોગ છે

રેડ રોઝ | Comments Off on જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન તે યોગ છે
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

‘યોગ’ શબ્દ ૫૦૦૦ વર્ષ પુરાણો છે. આ શબ્દનો સૌથી પહેલો પ્રયોગ ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના સમયે અર્જુનને આપેલા ઉપદેશ વખતે કર્યાે હતો. વિષાદ પામેલા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણે કર્મયોગ, જ્ઞાાનયોગ, ભક્તિયોગ તથા સાંખ્યયોગનું ઉત્કૃષ્ટ જ્ઞાાન આપ્યું હતું.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, “જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ-ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. બહારના વિષયભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દૃષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યાં છે, એવો મોક્ષ પરાયણ મુનિ ઇચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત છે. (મુનિ એટલે પરામાત્માનું સતત ચિંતન કરનાર) યોગમાં આદૃઢ થવા ઇચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું તે જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે.”

ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “જે વ્યક્તિ ઇન્દ્રિયોના ભોગોમાં અને કર્મમાં આસક્ત થતી નથી, તે સઘળા સંકલ્પોને ત્યાગી યોગરૂઢ થઈ કહેવાય છે. મનને તથા ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ના રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈ આત્માને નિરંતર પરમાત્મા જોડે, પવિત્ર ભૂમિ પર દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરીને ના ઘણા ઊંચા કે ના ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિરરૂપે સ્થાપીને તેની પર બેસી, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાને વશમાં રાખીને, મનને એકાગ્ર કરીને, માનવી અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. કાયા, મસ્તક અને ડોકને સીધાં તેમજ ટટ્ટાર ધારણ કરીને, સ્થિર થઈને, પોતાની નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ ટેકવીને, અન્ય દિશામાં ના જોતો બ્રહ્મચારી વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી મારા પરાયણ થઈ ધ્યાનમાં બેસે. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે.”

શ્રીકૃષ્ણ કહે છેઃ “આ યોગ ખૂબ ખાનારને સિદ્ધ થતો નથી તથા બિલકુલ ના ખાનારને પણ સિદ્ધ થતો નથી. તે જ રીતે ખૂબ ઊંઘનારને પણ સિદ્ધ થતો નથી અને હંમેશાં જાગનારનેય સિદ્ધ થતો નથી. દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરનારાને, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારને તથા યથાયોગ્ય ઊંઘનાર તથા જાગનારને સિદ્ધ થાય છે. સંપૂર્ણ રીતે વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે.

જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જિતાયેલા ચિત્તની કહેવાઈ છે.”

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભ પામીને એનાથી વધુ બીજા કશા લાભને માનતો નથી અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણાં દુઃખથી પણ વિચલિત થતો નથી. જન્મ-મરણનાં દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે તેને જાણવો જોઈએ. જેનું મન શાંત છે, નિષ્પાપ છે, જેનો રજોગુણ શાંત થઈ ગયો છે, એવા સચ્ચિદાનંદ ધન બ્રહ્મની સાથે એકાત્મકતા પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, જે યોગીની જેમ સઘળાં ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અને દુઃખ પણ સમ જુએ છે, તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે.”

યોગનો આધ્યાત્મિક અર્થ સમજાવતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકને એટલે કે સ્વર્ગને પામે છે. ત્યાં ઘણાં વર્ષો સુધી નિવાસ કર્યા બાદ શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘેર જન્મ લે છે. આ સિવાયના વૈરાગ્યવાન યોગભ્રષ્ટ માણસો એ લોકમાં ના જતાં જ્ઞાાનવાન યોગીઓના કુળમાં જન્મ લે છે. ત્યાં તેઓ પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગ-સંસ્કારોને પામે છે તથા જે શ્રીમંતોના ઘેર જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં પૂર્વજન્મના અભ્યાસના બળે ભગવાન પ્રત્યે આકર્ષાય છે, પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કારના બળે આ જન્મે જ સિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રોથીયે શ્રેષ્ઠ છે અને સકામ કર્મ કરનારાથીયે શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન, તું યોગી થા? સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માંથી મને ભજે છે, તે યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે.”

યોગનો આ તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આધ્યાત્મિક સંદેશ છે. ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ આ દેશની પ્રાચીન ધરોહર છે. ભારતમાં યોગને એક આધ્યાત્મિક પ્રક્રિયા કહે છે જેમાં શરીર, મન અને આત્માને એકસાથે લાવવા (યોગ)નું કામ થાય છે. આ શબ્દ, પ્રક્રિયા અને હિન્દુ ધર્મ,બૌદ્ધ, જૈન ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે. યોગ શબ્દ ભારતથી બૌદ્ધ ધર્મની સાથે ચીન, જાપાન, તિબેટ, દક્ષિણ પૂર્વ એશિયા અને શ્રીલંકામાં પણ ફેલાઈ ગયો.

યોગની બાબતમાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં આ શબ્દનો પ્રયોગ થયેલો છે. તેમાં ક્યારેક તે એકલો, તો ક્યારેક વિશેષણ જેમ કે બુદ્ધિયોગ, સંન્યાસ યોગ, કર્મયોગ તરીકે વપરાયો છે. વેદોત્તર કાળમાં તે ભક્તિયોગ અને હઠયોગના નામથી પ્રચલિત છે. મહાત્મા ગાંધીએ અનાસક્તિ યોગનો વ્યવહાર કર્યો. પાતંજલ યોગદર્શનમાં ક્રિયાયોગ શબ્દ જોવામાં આવે છે. એ સિવાય પાશુપત યોગ અને માહેશ્વર યોગ જેવા શબ્દો પણ ચર્ચામાં આવ્યા છે. ઘણા વિદ્વાનો યોગ શબ્દનો અર્થ કરવામાં ગૂંચવણમાં પડી ગયેલા જોવા મળે છે. કેટલીક વાર તે જુદાં જુદાં સ્થળો પર તેનો જે અર્થ કરવામાં આવ્યો છે તે એકબીજાના વિરોધી જેવો લાગે. તેથી ઘણાને યોગની પરિભાષા કરવી કઠિન લાગે છે. આમ છતાં ભગવાન શ્રીકૃષ્ણે કરેલું યોગનું અર્થઘટન શ્રેષ્ઠ અને માન્ય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘યોગઃ કર્મસુ કૌશલમ. (અર્થાત્ કર્મોમાં કુશળતાને યોગ કહે છે) કેટલાંક વિદ્વાનોનું કહેવું છે કે, જીવાત્મા અને પરમાત્માના ઐક્યને યોગ કહે છે.

બીજી બાજુ પતંજલિએ ‘યોગદર્શન’માં કહ્યું છેઃ “પૂર્ણપણે થંભી જવાનું નામ યોગ છે.” આ વાક્યના બે અર્થ છેઃ ચિત્તવૃત્તિઓના નિરોધની અવસ્થાનું નામ યોગ છે અથવા આ અવસ્થા લાવવાના ઉપાયને યોગ કહે છે.

યોગના અનેક પ્રકાર હોવાનું કહેવાયું છે. યોગની ઉચ્ચ અવસ્થા સમાધિ, મોક્ષ, કૈવલ્ય સુધી પહોંચવા અનેક સાધકોએ જે સાધનોનો ઉપયોગ કર્યો તેનું વર્ણન જુદાં જુદાં ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે. યોગના જે વિવિધ પ્રકારો છે તેમાં ૧. મંત્રયોગ ૨. હઠયોગ ૩. લયયોગ અને ૪. રાજયોગ જાણીતા છે. મનની ચંચળતાને રોકવી તે મંત્રયોગ છે. મંત્રથી ધ્વનિ તરંગો પેદા થાય છે. મંત્ર શરીર અને મન બેઉ પર પ્રતાપ નાખે છે. હઠયોગમાં હઠ દ્વારા કોઈ કાર્ય કરવું તેવો મતલબ છે.’હ’નો અર્થ સૂર્ય તથા ‘ઠ’નો અર્થ ચંદ્ર છે. સૂર્ય અને ચંદ્રની સમાન અવસ્થા તે હઠયોગ છે. શરીરમાં હજારો નાડીઓ છે. તેમાંથી ત્રણ પ્રમુખ નાડીનું વર્ણન આ પ્રમાણે છેઃ સૂર્યનાડી અર્થાત્ પીંગળા જમણા સ્વરનું પ્રતીક છે. ચંદ્રનાડી અર્થાત્ ઇડા તે ડાબા સ્વરનું પ્રતીક છે. આ બંનેની વચ્ચે એક ત્રીજી નાડી છે સુષુમ્ના. આ રીતે હઠયોગ તે પ્રક્રિયા છે જેમાં પીંગળા અને ઇડાના સહારે પ્રાણને સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરાવીને બ્રહ્મરંધ્રમાં સમાધિસ્થ કરવી. હઠયોગમાં ચાર અંગોનું વર્ણન છે, જેમાં આસન, પ્રાણાયામ, મુદ્રા, બન્ધ અને નાદાસુધાનનો સમાવેશ થાય છે.

લયયોગમાં સાધક જ્યારે ચાલતાં, બેસતાં, સૂતાં, ભોજન કરતાં હર સમયે બ્રહ્મમાં ધ્યાન રહે તેને લયયોગ કહે છે. જ્યારે રાજયોગ બધા યોગોનો રાજા કહેવાય છે. તેમાં બધા જ પ્રકારના યોગની કોઈ ને કોઈ સામગ્રી અવશ્ય મળે છે. રાજયોગનો વિષય ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો તે છે. મહર્ષિ પતંજલિ કહે છે કે, સમાહિત ચિત્તવાળાઓ માટે અભ્યાસ તથા વૈરાગ્ય તથા વિક્ષિપ્ત ચિત્તવાળાઓ માટે ક્રિયાયોગનો સહારો લઈ આગળ વધવાનો રસ્તો તેમાં દર્શાવ્યો છે. આ યોગથી ક્લેશનો નાશ થાય છે, ચિત્ત પ્રસન્ન થઈ જ્ઞાાનનો પ્રકાશ ફેલાય છે અને વિવેક પ્રાપ્ત થાય છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં જ્ઞાાનયોગ, કર્મયોગ અને સાંખ્યયોગનું વર્ણન છે. કર્મયોગમાં વ્યક્તિ પોતાની સ્થિતિ અનુસાર ઉચિત અને કર્તવ્યો અનુસાર કર્મોનો શ્રદ્ધાપૂર્વક નિર્વાહ કરે છે. ભક્તિયોગ એ ભક્તિનો યોગ છે. તેમાં ભગવદ કીર્તન, શ્રવણ જેવી ક્રિયાઓનો અનુરોધ છે. જ્ઞાાનયોગમાં જ્ઞાાન દ્વારા પરમેશ્વરને જાણવા અને જ્ઞાાનસર્જન કરવું તેમ કહેવાયું છે.

યોગ એ ગહન વિષય છે. યોગ એ જ્ઞાાન, વિજ્ઞાાન અને આધ્યાત્મના સંકલન દ્વારા મનની, શરીરની અને હૃદયની શાંતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓની સમગ્ર વિશ્વને ભારત દ્વારા અપાયેલી ભવ્ય ભેટ છે.

Be Sociable, Share!