Close

ગાંધીજીએ કેવા સ્વરાજની કલ્પના કરી હતી?

રેડ રોઝ | Comments Off on ગાંધીજીએ કેવા સ્વરાજની કલ્પના કરી હતી?
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  •  ગામડાંનો નાશ તો હિન્દુસ્તાનનો નાશ
  •  સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્તિ
  •  મારા સપનાનું સ્વરાજ તે ગરીબનું સ્વરાજ છે

તા. ૧૫મી ઓગસ્ટ ભારતનો ‘ઇન્ડિપેન્ડન્સ ડે’ છે.

દેશને સ્વતંત્રતા અપાવનાર ગાંધીજીની તો એક ભારતીયે જ હત્યા કરી નાખી હતી અને બદલાતા સમયની સાથે હવે ગાંધી વિચારો, આદર્શ અને મૂલ્યો પણ ક્રમશઃ અદૃશ્ય થઈ રહ્યાં છે. ગાંધીજી તો જ્હોન રસ્કીનના પુસ્તક ‘અન ટુ ધિસ લાસ્ટ’પુસ્તકથી પ્રભાવિત થઈ જાહેર જીવનમાં ગરીબોના વકીલ બન્યા હતા. તેમના સ્વપ્નનું પૂર્ણ સ્વરાજ કેવું હતું તે જાણી લો.

ગાંધીજીના પૂર્ણ સ્વરાજની કલ્પના તેમના જ શબ્દોમાં વાંચોઃ
ગાંધીજી અને પૂર્ણ સ્વરાજ

મારા સ્વપ્નનું સ્વરાજ એ ગરીબનું સ્વરાજ છે. રાજા અને ધનિકવર્ગ જીવનની જે જરૂરિયાતોનો ઉપયોગ કરે છે તે તેમને પણ સુલભ હોવી જોઈએ. ધનિક ભોગવતો હોય એવી જીવનની બધી સામાન્ય સગવડો ગરીબોને મળવી જોઈએ. એ બાબતમાં મને સહેજ પણ શંકા નથી કે જ્યાં સુધી સ્વરાજમાં આ સગવડોની ખાતરી આપવામાં નથી આવતી ત્યાં સુધી એ પૂર્ણ સ્વરાજ નથી. દેશપ્રેમનો ધર્મ આજે આપણને શીખવે છે કે વ્યક્તિએ કુટુંબ માટે મરવું જોઈએ. કુટુંબે ગામ માટે, ગામે પ્રાંત માટે અને પ્રાંતે દેશ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. તે જ રીતે જરૂર પડયે આખા જગતના હિતાર્થે મરી શકે – પોતાનો ભોગ આપી શકે તે માટે દેશ સ્વતંત્ર હોવો જોઈએ. સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠે બેઠે રાજ્યવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા, તે ઠેઠ નીચેથી દરેક ગામના લોકોએ ચલાવવી રહેશે.

ગાંધીજી અને શહેરીકરણ

આજે શહેરો ગામડાં પર સત્તા ચલાવી રહ્યાં છે. પરિણામે ગામડાં નાશ પામતાં જાય છે. જો આપણે અહિંસાની ભૂમિકા ઉપર સ્વરાજ્યની રચના કરવી હોય તો આપણે ગામડાંઓને તેમનું યોગ્ય સ્થાન પાછું આપ્યે જ છૂટકો છે.

હિન્દુસ્તાનનાં શહેરોમાં જે સંપત્તિ જોવામાં આવે છે તેથી આપણે છેતરાઈએ નહીં. તે ઈંગ્લેન્ડ કે અમેરિકાથી આવતી નથી. તે અત્યંત ગરીબ લોકોના લોહીમાંથી આવે છે.

આપણાં આજનાં દસ-પાંચ શહેરો તો આપણા પ્રજાશરીર પર બાઝેલા મેલનો પોપડો છે અને આપણાં ગામડાંનો જીવનરસ ચૂસવાનું પાપકાર્ય જ કરી રહ્યા છે. અત્યારે તો અનેક લોહી ઉકાળનારા જુલમોથી સબડતાં શહેરો ગામડાંની પ્રજાના જીવન અને સ્વાતંત્ર્યને માટે રાત-દિવસ ભયરૂપ છે.

મારી દૃષ્ટિથી શહેરો વધ્યાં છે, તે બૂરું થયું છે. એ માનવજાતની અને દુનિયાની કમનસીબી છે. શહેરોએ ગામડાંઓને ચૂસ્યાં છે. ગામડાંના લોહીની સિમેન્ટ વડે જ શહેરોની મોટી-મોટી મહેલાતો બંધાઈ છે.

મોટાં મોટાં શહેરો ઊભાં થવાં એ અર્થતંત્રના રોગની નિશાની છે.

ગાંધીજીને મતે ઉદ્યોગવાદ

આજે યંત્રોને પરિણામે લાખોની પીઠ ઉપર ખોબા જેટલા લોક સવાર થઈને બેઠા છે અને તેમને રોળવે છે, કારણ એ યંત્રો ચલાવવા પાછળ લોભ રહેલો છે,ધનતૃષ્ણા રહેલી છે, જનકલ્યાણ નથી રહેલું.

મારે સમય અને પરિશ્રમનો બચાવ જરૂર કરવો છે, પણ તે ખોબા જેટલા માણસો માટે નહીં, સમસ્ત માનવજાતિ માટે સમય અને પરિશ્રમનો બચાવ થઈ ખોબા જેટલા લોક ધનાઢય થઈને બેેસે એ મને અસહ્ય છે.

હિન્દુસ્તાનમાં ઉદ્યોગોને શહેરમાં લઈ આવવા ને મોટાં કારખાનાં મારફતે ચલાવવા એમાં ગામડાંનું અને ગામડાંની પ્રજાનું ધીમું પણ અચૂક મોત રહેલું છે.

તમે અહિંસાની રચના મિલોની સંસ્કૃતિ પર કરી શકવાના નથી, પણ એ સ્વાશ્રયી ગામડાં પર રચી શકાશે.

મને બીક છે કે ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે. એક પ્રજા બીજી પ્રજાને લૂંટે એ હંમેશને માટે ન ચાલી શકે. ઉદ્યોગવાદનો આધાર તમારી લૂંટવાની શક્તિ પર પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લા થવા પર અને હરીફોના અભાવ પર છે.

ગામડાંનો નાશ

હું કહેતો આવ્યો છું કે ગામડાંનો નાશ થશે તો હિન્દુસ્તાનનો પણ નાશ થશે. પછી એ હિન્દુસ્તાન નહીં રહે. જગતમાં એનું જે વિશિષ્ટ કાર્ય છે તે લુપ્ત થઈ જશે.

આર્િથક સમાનતાનો મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી છે. આર્િથક સમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવો. એનો અર્થ એવો થાય છે કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપત્તિનો મુખ્ય ભાગ એકઠો થયો છે, તેમની સંપત્તિ કમી કરવી અને બીજી બાજુથી અડધા ભૂખ્યાં ને નાગા રહેતા કરોડોની સંપત્તિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતા કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલુ રહે ત્યાં લગી અહિંસાના પાયા પર ચાલતો રાજ્યવહીવટ સંભવિત નથી. સ્વતંત્ર હિન્દુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલોને તેમની પડખે જ આવેલા ગરીબ મજૂર વસ્તીનાં કંગાળ બાળકો વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસ પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું.

જેના એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્ત્વાકાંક્ષા હોય છે તેના બીજે છેડે યુદ્ધ હોય છે.

હું એક એવા લોકતંત્રની કલ્પના કરી રહ્યો છું જ્યાં કોઈ પણ પ્રકારનો રાગ કે દ્વેષ ન હોય, જો કોઈ લોકતંત્રમાં એકબીજા પ્રત્યે દ્વેષ-રાગ હશે તો તે લોકતંત્રમાં ખાડામાં જશે. જે દેશમાં એકબીજા પ્રત્યે વેરભાવ હશે તે દેશનો નાશ તે દેશ પોતે જ કરશે. મારી દૃષ્ટિએ અહિંસાનું પાલન માત્ર એક વ્યક્તિ જ કરી શકે તેવું નથી, એક રાજ્ય પણ કરી શકે, કેમ કે આખરે રાજ્ય પણ વ્યક્તિઓથી જ તો બને છે. પ્રજાતંત્રનો અર્થ હું એ સમજું છું કે આ તંત્રમાં છેલ્લામાં છેલ્લી વ્યક્તિ અને ઊંચામાં ઊંચી વ્યક્તિ એમ બંનેને આગળ વધવાની સરખી તક મળવી જોઈએ.

જંગલ, જમીન વગેરે ઉત્પાદનનાં સાધનો જનતાના નિયંત્રણમાં રહેવાં જોઈએ. એટલે કે તેના પર જનતાનો અધિકાર રહેવો જોઈએ, ન કે સરકારનો. આ ઉત્પાદનનાં સાધનો જનતાને એવી રીતે ઉપયોગી થવાં જોઈએ જે રીતે હવા અને પાણી થઈ રહ્યાં છે. કોઈ પણ ભોગે તે બીજાના શોષણ દ્વારા ચાલતો વ્યાપાર ન બને. ઉત્પાદનનાં આ સાધનોનો એકાધિકાર અન્યાયપૂર્ણ છે.

ગરીબોની સામે આધુનિકતાની વાતો ન કરો, તેની સામે ઈશ્વરની વાત ન કરો, કેમ કે તેના માટે તો તેની રોટી જ ઈશ્વર છે. હું એવા ભારતની કલ્પના કરી રહ્યો છું જેમાં વસતી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ એ મહેસૂસ કરે આ દેશ તેનો છે. ગરીબ વ્યક્તિનો અવાજ પણ સાંભળવામાં આવે, ઊંચ-નીચનો કોઈ ભેદ ન હોય,અસ્પૃશ્યતાને સ્થાન ન હોય. મારા ભારતમાં સ્ત્રીઓને પણ એટલો જ અધિકાર મળે જેટલો પુરુષોને મળી રહ્યો છે. આપણે ન તો કોઈનું શોષણ કરીશું કે ન તો આપણું શોષણ થવા દઈશું.

સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ, પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની.

કેટલાંક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં, પણ બધા લોકો એ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું છે.

જો લોકો એક વાર શીખી લે કે આપણને અન્યાયી લાગે તે કાયદાને માન આપવું એ નામર્દાઈ છે, તો પછી આપણને કોઈનો જુલમ બંધન કરી શકતો નથી. તે સ્વરાજની ચાવી છે.

ગાંધીનું ગ્રામ સ્વરાજ

ગાંધીજીએ આઝાદી પહેલાંના સંજોગો અને રહેણીકરણી પ્રમાણે સાત લાખ ગામડાં (ત્યારે સાત લાખ હતાં, હવે છ લાખ છે.) કેવાં હોવાં જોઈએ તે તેમણે આ પ્રમાણે સમજાવ્યું હતું.

દરેક ગામ પોતાનું એક નાટયઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઈ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતાં કૂવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પડી શકશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજિયાત હશે. દરેક ગામમાં ગામની ફરજિયાત ચોકી માટે વારા પ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. નિયમ પ્રમાણેની નક્કી કરવામાં આવેલા ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે.

જાણીતા ગાંધીવાદી નાનુભાઈ નાયક ગાંધી વિચારોને આગળ ધપાવવા ગાંધી વિચારોને ગ્રંથસ્થ કરી રહ્યા છે. તેમના ‘મારા સપનાનું વિશ્વ’ પુસ્તકમાં આ વિચારોની ઝાંખી મૂકવામાં આવી છે.

ગાંધીજીની કલ્પનાનું સ્વરાજ આજે છે ખરું?

Be Sociable, Share!