Close

અરે ભાઈ, તમે પટેલ છો ને ? ૫૦૦૦ પાઉન્ડની લોન મંજૂર

ચીની કમ | Comments Off on અરે ભાઈ, તમે પટેલ છો ને ? ૫૦૦૦ પાઉન્ડની લોન મંજૂર

ચિનિકમ

“ભારતમાં દુષ્કાળ વખતે અમારી વ્યવસ્થા બરાબર ન હોઈ હું ભાત ખાતો નથી !”

બઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલે આઝાદી પૂર્વેના વર્ષોમાં લંડનના પ્રવાસ વખતે તેમની પટેલ અટક અને સરદાર સાહેબના નામના આકર્ષણના કેટલાક અનુભવો નોંધ્યા છે. તેઓ લખે છે :

“પટેલ અટક મારા માટે તો જીવ સમાન છે. એક વરદાન સમી નીવડી છે. ૧૯૪૬-૪૭માં હું લંડન ગયો હતો. એ વખતના સુખદ એવા બે પ્રસંગો નીચે રજૂ કરું છું. જે મારી પટેલ અટક ન હોત તો કદાચ ન બન્યા હોત. એક છે પ્રસંગ લોર્ડ પેથિક લોરેન્સ સાથેનો. ૧૭ વર્ષની ઉંમરે ૧૯૪૭ના ફેબ્રુઆરીમાં હું વધુ અભ્યાસ માટે લંડન ગયો હતો. મનમાં ઉચ્ચ અભ્યાસની ખેવના તો ખરી જ, પણ સાથેસાથે ભારતની આઝાદી માટેની તમન્ના પણ એટલી જ મન પર સવાર હતી. લંડન પહોંચીને તરત જ લોર્ડ પેથિક લોરેન્સને મેં એક પત્ર લખ્યો. લોર્ડ પેથિક લોરેન્સ એ વખતના Secretary of state for India હતા. બ્રિટિશ કેબિનેટમાં તેમનું ચોથું સ્થાન. મેં એ પત્રમાં મારી બાળકબુદ્ધિ પ્રમાણે લખ્યું હતું, “હું તમારી મુલાકાત ઇચ્છું છું. ભારતની આઝાદી માટે મારા કંઈક વિચારો છે એ મારે તમને જણાવવા છે.”

ચાર દિવસ પછી લોર્ડ પેથિક લોરેન્સના સેક્રેટરીનો મને ફોન આવ્યો, “Are you Mr. Ptatel ?”

મેં કહ્યું, “Yes.”

“Have you writen the letter ?”

મેં ફરી હા પાડી.

“Would you really like to meet his Lordship ?”

“Yes sir.”

“All right, hold on for a while, I will comeback to you.”

અડધા કલાક પછી ફરી તેમનો ફોન આવ્યો.

“Would you like to have lunch with his Lordship ?”

“Yes sir, I will be honoured.”

વળી પાછું મને કહે, “થોડી વાર થોભો, હું તમને ફરીથી ફોન કરું છું.”

મેં કહ્યું ભલે.

અડધા કલાકમાં પાછો ફોન આવ્યો.

“Mr. Patel, his Lordship invites you to lunch. Friday 1.00 o’clock, India House, 7th floor.”

થયું ભાઈ. આપણે તો જે કંઈ સારાં કપડાં હતાં એનાથી બનીઠનીને તૈયાર થઈને ઇન્ડિયા હાઉસમાં સમયથી પહેલાં પહોંચી ગયા. એ અમલદાર ત્યાં મારી રાહ જોતા હતા. તેઓ મને ઇન્ડિયા હાઉસના સાતમા માળે ત્યાંની રેસ્ટોરાંમાં નક્કી કરેલા એક ટેબલ પર દોરી ગયા, બેસાડયો અને રાહ જોવા કહ્યું. ખરેખર એક વાગ્યે એક-બે સાથીઓ સાથે લોર્ડ પેથિક લોરેન્સ દાખલ થયા. વધતી જતી વય, શરીરે પણ નાદુરસ્ત લાગે. કેડથી થોડા વાંકા વળી ગયેલા. ધીમેધીમે ચાલીને મારી સામે આવીને બેઠા. ખૂબ ધીમો અવાજ : “Are you Mr. Patel ?” થોડી ઔપચારિક વાતો કરી મારા વિશે. મારા કુટુંબ વિશે. લંડનમાં હું કયો અભ્યાસ કરવા માગું છું વગેરે પૂછયું, પણ હું પટેલ હતો ને ! એટલે તેમના મનમાં જે ઉત્કંઠા હતી એ પ્રશ્ન ધીરે રહીને પૂછયો :

“Do you know Sardar Patel ? What is he like ?”

હું સીધો જવાબ આપતાં જરા થોથવાયો.

એટલે મને પ્રોત્સાહન આપતાં કહે, “Come on, I want to know about him from a young man’s point of view.”

મેં મારી રીતે સરદાર માટે જે કંઈ જાણતો હતો એ વાતો કરી. હું જોઈ શક્યો કે લોર્ડ પેથિક લોરેન્સ ભારતના રાજકીય તખ્તા પર એક સૌથી અગત્યના ખેલાડી માટે બહુ જ તીક્ષ્ણતાથી પૂછપરછ કરી રહ્યા હતા. અમારી વાતો તો ચાલી, પણ કેવા હતા એ જમાનાના દેશનેતાઓ ! અમારું જમવાનું ચાલી રહ્યું હતું અને વાતો ચાલતી હતી એટલામાં વિક્ટર ભાત લઈને આવ્યો. મેં ભાત લીધા અને ખાવા માંડયો. લોર્ડશિપે ના પાડી.

મેં પૂછયું, “લોર્ડશિપ, આપ ભાત ખાતાં નથી ?”

તો કહે, “ના, નથી ખાતો.”

મેં આગળ પૂછયું, “કેમ, નથી ભાવતા ?”

તો કહે, “ના-ના, ખરેખર તો ખૂબ ભાવે છે, છતાં નથી ખાતો.”

મેં કારણ જાણવા માટે દબાણ કર્યું તો તેમણે મને સમજાવ્યું, “બંગાળમાં દુકાળ પડયો અને ત્રણ લાખ માણસો ભૂખમરાથી મરી ગયા. ભારતમાં પૂરતું અનાજ હતું,પણ અમારી ગેરવ્યવસ્થાને કારણે અમે અનાજ ત્યાં પહોંચાડી નહોતા શક્યા. હું ભારતનો અખત્યાર સંભાળતો પ્રધાન છું એટલે એ કાયમી પરિસ્થિતિ માટે મારી જાતને અંગત રીતે જવાબદાર ગણું છું. જે બન્યું એ બન્યું, પણ એના પ્રાયશ્ચિતરૂપે મને બહુ જ ભાવતો ભાત ખાવાનું મેં છોડી દીધું છે.”

મારા ભાણામાં આવેલો ભાત તો હું ખાઈ ચૂક્યો હતો, પણ લોર્ડશિપે ભાત ના જ લીધો. તેમને તો હું સરદાર પટેલ વિશે કેવી વાત કરું છું એ જ સાંભળવામાં રસ હતો.

પટેલ નામનો જાદુ કેવો હોય ? ૧૯૭૨ની વાત છે. લંડનમાં મારા મિત્ર નામે નરેશ પટેલ. તેના કુટુંબે યુગાન્ડાથી લંડનમાં સ્થળાંતર કરવું પડયું. ઈદી અમીને જ્યારે ત્યાંથી ભારતીયોને હાંકી કાઢયા હતા ત્યારની વાત છે. મારા મિત્રની યુગાન્ડામાં કેમેરાની ફિલ્મો ધોવાની લેબોરેટરી. યુગાન્ડામાં જે કોઈ ટૂરિસ્ટો આવે એ બધા તો ફિલ્મોના રોલ તેમની Colorama નામની લેબોરેટરીમાં ડેવલપ થવા આવે. લંડનમાં આવીને પણ આ જ ધંધો કરવો હતો એટલે તે તેના ભાઈઓ વગેરે એમ ત્રણ-ચાર પટેલ જ, એ નામવાળી ભાગીદારી તૈયાર કરી પૈસાની જરૂર હતી. એ જમાનામાં પાંચ હજાર પાઉન્ડની લોન માટે નરેશભાઈ બેંકમાં અરજી તૈયાર કરતા હતા. ત્યારે કોઈકે સૂચવ્યું કે આપણે પટેલ છીએ, એના કરતાં સાથે કોઈ સ્થાનિક ગોરા અંગ્રેજનું નામ ભેગું જોડોને તો એને કારણે આપણને બેંકમાંથી લોન મેળવવી સરળ થશે. એક સ્થાનિક અંગ્રેજને ઊભા કર્યા. તેમનું નામ : “Mr. Taylor. ભાગીદાર તરીકે તેમનું નામ ઉમેર્યું અને અરજી કરી. સ્થાનિક બાર્કલેઝ બેંકમાં પાંચ હજાર પાઉન્ડની લોન માટે અરજી કરી. ટેલરસાહેબને બેંક મેનેજર પાસે મોકલ્યા, લોન નામંજૂર થઈ.

બીજા દિવસે મેનેજરનો મારા મિત્ર પર ફોન આવ્યો, “મિસ્ટર પટેલ, આ તમારી અરજી છે ?”

મારા મિત્રે કહ્યું, “હા.”

“આ તમારી જ ભાગીદારીની પેઢી છે ? અને આ લેબોરેટરી એ તમારો જ ધંધો છે ?”

જવાબમાં ફરીથી કહ્યું, “હા.”

“તો પછી આ Taylor કોણ છે ?”
“અમારા ભાગીદાર છે.”

બેંક મેનેજર કહે, “જરા મને મળવા આવો ને !”

મારા મિત્ર તો ગયા બેંકમાં. મેનેજર કહે, “સાચું કહો, આ ટેલર માત્ર નામનો જ ભાગીદાર છે ને ?”

જવાબમાં “હા.”

“શું કામ ?”
“અમને એમ કે કોઈ અંગ્રેજનું નામ સાથે હોય તો અમને તમારી લોન મળી શકે.”
“અરે ભાઈ, એવું શું કામ ? તમે પટેલ છો ને ?”

તો કહે, “હા.”

જવાબમાં મેનેજરે કહ્યું, “અમારા માટે તમે પટેલ છો એટલું પૂરતું છે. તમારી પાંચ હજાર પાઉન્ડની લોન મંજૂર.”

તો આ હતો પટેલ નામનો મહિમા. પછી તો Colorama લેબોરેટરીનો ધંધો એટલો બહોળા પ્રમાણમાં વિસ્તર્યો કે આખા ગ્રેટ બ્રિટનમાં લગભગ ચાર હજાર કલેક્શન સેન્ટરોમાંથી ફિલ્મના રોલ તેમની કલેક્શન-લંડન ખાતેની લેબોરેટરીમાં ડેવલપ થવા આવે. એમાંથી આગળ વધીને તેમણે અબજો રૂપિયાના ધંધા વિકસાવ્યા. યુરોપા સ્ટોર્સની ચેન તેમણે વિકસાવી. અમેરિકામાં હોટેલો-મોટેલો. એક વખત તો ઇંગ્લેન્ડના સૌથી ધનિષ્ઠ દસ ભારતીય કુટુંબોમાં તેમનું નામ બોલાવા લાગ્યું.

– મુંબઈના પૂર્વ શેરિફની વાત અહીં પૂરી થાય છે. જે અટકના નામનો જાદુ હતો તેમણે જ હવે ઓબીસીમાં જવા રેલીઓ કાઢવી પડે છે એ પણ સમયનો તકાજો છે.

કોણ જવાબદાર ?

Be Sociable, Share!