સરદાર વલ્લભભાઈ પટેલનો અમદાવાદ શહેર સાથેનો નાતો નોંધનીય છે. સરદાર સાહેબ ઇંગ્લેન્ડથી બેરિસ્ટરની ડિગ્રી લઈ તા. ૧૩ ફેબ્રુઆરી, ૧૯૧૩ના રોજ ભારત પાછા ફર્યા હતા. તે વખતે મુંબઈના બંદર પર તેમને લેવા માટે નવ વર્ષનાં તેમનાં પુત્રી મણિબહેન અને સાત વર્ષના ડાહ્યાભાઈ હાજર હતા. તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પણ હાજર હતા.
એ વખતે મુંબઈમાં વડા ન્યાયાધીશ તરીકે સર બેસિલ સ્કોટ હતા. વલ્લભભાઈ એક ભલામણપત્ર સાથે સર બેસિલ સ્કોટને મળ્યા. સર બેસિલે તેમને માનપૂર્વક આવકાર્યા. સર બેસિલ સ્કોટના પિતરાઈ ભાઈઓએ વલ્લભભાઈ પટેલ ન્યાયાધીશ બને તેવી ઈચ્છા વ્યક્ત કરતો ભલામણપત્ર લખી આપ્યો હતો, પણ વલ્લભભાઈએ સર બેસિલ સ્કોટને કહ્યું કે, મારી ન્યાયાધીશ બનવાની ઇચ્છા નથી. તે પછી સર બેસિલ સ્કોટે તેમને મુંબઈમાં વકીલાત કરવાની ઇચ્છા હોય તો મદદરૂપ થવાની ઇચ્છા વ્યક્ત કરી. વલ્લભભાઈએ કહ્યું, “અહીં અસીલો મને ઓળખતા થાય તેમાં વર્ષો નીકળી જશે. આડત્રીસ વર્ષની મારી ઉંમરે મને રાહ જોવાનું પરવડે તેમ નથી.”
સર બેસિલ સ્કોટનો આભાર માની વલ્લભભાઈ ઘરે આવ્યા અને છૂટા પડતાં તેમણે સર બેસિલને કહ્યું : “હવે હું મારા વતન કરમસદથી ૫૦ માઈલ દૂર આવેલા અમદાવાદમાં જ વકીલાત કરીશ.”
બીજા જ દિવસે સવારે વલ્લભભાઈ પટેલ ગુજરાત જવા ઊપડયા. છોકરાંઓ ત્યાં જ રહ્યાં. મણિબહેનને મુંબઈની સેન્ટ જોસેફ કોન્વેન્ટમાં દાખલ કરવામાં આવ્યાં. ડાહ્યાભાઈને છોકરાઓની સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા, વલ્લભભાઈને અમદાવાદમાં અસીલોએ નવરા પડવા દીધા જ નહીં. બેરિસ્ટર થઈને આવેલા આ નવા વકીલનું વર્ણન કરતાં તેમના સાથી વકીલ અને લોકસભાનાપહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર લખે છે : “સરસ ફેશનદાર કપડાંમાં સજ્જ આ હોશિયાર યુવાન માથા પર ફેલ્ટ હેટ જરા બાંકી છટાથી પહેરતા. વર્તનમાં અતડા અને કડક વલ્લભભાઈની આંખ સાચા માણસનો તાગ કાઢતી. દુનિયાને થોડા તુચ્છકારની દૃષ્ટિએ જોતા. નવાસવા વકીલો આ નવા બેરિસ્ટરનું બારીકાઈથી નિરીક્ષણ કરતા. તેમનું વ્યક્તિત્વ અને વર્તન આકર્ષક હતું. લોકો તેમને આદર અને અહોભાવથી જોતા. બીજાઓ પ્રત્યે તુચ્છકારની ભાવનાના કારણે લોકોને તેમના માટે થોડો અણગમો પણ હતો. કોઈપણ ન્યાયાધીશ વિવેકની હદ સહેજ પણ છોડે કે પોલીસ પક્ષપાત કરે તો વલ્લભભાઈ સાંખી લેતા નહીં. ન્યાયાધીશ, સરકારી વકીલ કે પોલીસની કોઈ જ પરવા કર્યા વગર તડ ને ફડ સંભળાવી દેતાં.”
અમદાવાદની સેશન્સ કોર્ટમાં બે ભાઈઓ સામે ખૂન ખટલો ચાલી રહ્યો હતો. બંને ખેડાના વતની હતા. વલ્લભબાઈનું વતન પણ ખેડા અને એ જમાનામાં ખેડા જિલ્લો ગુનાખોરી માટે જાણીતો હતો. વલ્લભભાઈએ જામીન અરજી માટે અરજી કરી. પોલીસે વિરોધ કરતાં કહ્યું, “આ ખેડાનો કેસ છે અને તેથી આરોપીઓ ભયંકર માણસો છે, કારણ કે તેઓ ખેડાના છે.”
ન્યાયાધીશે પોલીસની રજૂઆતને માન્ય રાખી જામીન આપવા ઇનકાર કર્યો અને વલ્લભભાઈએ સીધું ન્યાયાધીશને સંભળાવ્યું : “ખેડાના આરોપીઓને આ અદાલતમાં ન્યાય મળતો નથી. પુરાવા ના હોય તો પણ આરોપીઓએ ઘાલમેલ કરી છે તેમ માની લેવામાં આવે છે. આખો જિલ્લો ગુનેગાર મનાતો હોવાથી આરોપીને શિક્ષા થવી જોઈએ તેમ માની લેવામાં આવે છે.”
ભરચક અદાલતમાં વલ્લભભાઈનું અનેક વકીલોની હાજરીમાં આ નિવેદન સાંભળી ન્યાયાધીશ સ્તબ્ધ થઈ ગયા. ન્યાયાધીશે કહ્યું : “પટેલ, તમે ઉશ્કેરાયેલા છો. આપણે અડધા કલાકના વિરામ પછી કામ ચલાવીશું.”
ન્યાયાધીશ પોતાની ચેમ્બરમાં ગયા અને જે જામીન અરજી તેમણે નકારી કાઢી હતી તેની મંજૂરી માટે હુકમ કર્યો. તે પછી ખટલો ચાલ્યો અને આરોપીઓ નિર્દોષ છૂટી ગયા.
૧૯૧૩થી ૧૯૧૭ના ગાળામાં વલ્લભભાઈ અમદાવાદમાં એક પ્રભાવશાળી વકીલ તરીકે કામ કરતા રહ્યા. આ સમયગાળા દરમિયાન તેમના હરીફોની ઇર્ષા અને પોતાના પ્રભાવનો, પોતાની કમાણીનો, મિત્રવર્ગનો, સુખ-સગવડ અને નવરાશનો પૂરો આનંદ માણ્યો. તે વખતે અમદાવાદના વકીલોમાં વલ્લભભાઈની ફી સૌથી વધારે હતી. અલબત્ત, તેઓ બહુ ઓછા કેસ લેતા. મુંબઈમાં તેમનાં સંતાનોનું ખર્ચ અને કરમસદમાં પોતાના કુટુંબીજનો અને મોટા ભાઈ વિઠ્ઠલભાઈને જરૂરી ખર્ચની રકમ આપી શકાય તેટલી જ કમાણી કરતા. વિઠ્ઠલભાઈ અમદાવાદ આવે ત્યારે વલ્લભભાઈ પાસે પોતાના બુટની દોરી છોડાવતા. વિઠ્ઠલભાઈ જવા નીકળે ત્યારે વલ્લભભાઈ ચૂપચાપ તેમના ખિસ્સામાં નોટોનાં બંડલ ઠાંસીને ભરી દેતા. ૧૯૨૧માં તેમણે કહ્યું હતું : “મારા ભાઈએ (વિઠ્ઠલભાઈ) ધીકતી વકીલાત છોડીને સમાજસેવાનું કામ શરૂ કર્યું છે અને ઘર ચલાવવાનો ભાર મારા માથે આવ્યો છે તેથી પાપ કરવાનું મારા ભાગે આવ્યું છે અને પુણ્ય બધાં તેમના હાથે થયાં…” એ જમાનામાં પૈસા રળવા તે પાપ અને રાજકારણમાં જોડાવું તે પુણ્ય ગણાતું હતું.
વલ્લભભાઈ પટેલ અમદાવાદમાં ભદ્ર પાસે બે માળના છ ઓરડાવાળા મકાનમાં રહેતા. તેની એક બાજુની શેરીમાં ગણેશ વાસુદેવ માવળંકર રહેતા અને બીજી બાજુ ગુજરાત ક્લબ હતી. ક્લબની બાજુમાં જ શહેરની મુખ્ય અદાલતો આવેલી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ ૪૦ વર્ષના થયા. તેમનાં પત્ની અગાઉ ગુજરી ગયાં હતાં. ફરી લગ્ન કરવાની મિત્રોની દરખાસ્ત અને પ્રલોભન તેમણે ફગાવી દીધાં હતાં. એ વખતના એમના કેટલાક મિત્રોને લાગ્યું કે, વલ્લભભાઈના વર્તનમાં હવે થોડી નરમાશ આવી છે, પણ બધાને એમ લાગ્યું નહોતું. ૧૯૧૩માં બારડોલીના કુંવરજી મહેતા તેમને પહેલી જ વાર મળ્યા ત્યારે તેમની ‘આડી નજર’ અને ‘આંખમાંથી ઝરતા તણખાથી’ ડરી ગયા હતા. તેમના મિત્રો કહેતા : “તેમના મુખમાંથી હંમેશાં વ્યંગ વાક્યો જ નીકળતાં અને તે હાસ્ય નહીં પણ ભયપ્રેરક હતાં. અસીલો બયાન રજૂ કરતા હોય ત્યારે તેમનો ચહેરો કરડો દેખાતો. આંગળીઓ મૂછ પર ફરતી. વિચાર કરવા માટે ઊભા થઈ આંટાફેરા લગાવતા. શાંતિ વખતે પણ આંતરિક અશાંતિ તેમને પજવતી.”
અમદાવાદમાં વકીલાત કરતી વખતે વલ્લભભાઈ જુદા જ વ્યક્તિ હતા. ફેશનવાળાં કપડાંના શોખીન અને કાંઈક અંશે વરણાગીયા પણ હતા. અમદાવાદના ધોબીકામથી તેમને સંતોષ ના થતાં પોતાના કોલર મુંબઈ મોકલી ધોવરાવતા. વલ્લભભાઈએ જાહેર જીવનમાં આવ્યા બાદ પાછલા દિવસોની યાદ કરતાં કબૂલ્યું હતું કે : “તે કાળે મને એવું લાગતું કે, પહેરવેશ અને બોલચાલ તથા તમામ બાબતોમાં પરદેશનું અનુકરણ કરવું તે જિંદગીની સરટોચ છે…” એ વખતે વલ્લભભાઈ અંગ્રેજીમાં જ બોલવાનો આગ્રહ રાખતા. લંડનમાં રહ્યા પછી તેમણે અંગ્રેજી ભાષાને જ પૂરેપૂરી અપનાવી લીધી હતી. એ સમયે અમદાવાદની અદાલતોમાં અને મિત્રવર્તુળમાં પણ અંગ્રેજીની બોલબાલા હતી. ખુદ વલ્લભભાઈએ કહ્યું છે કે, “સારું અને શુદ્ધ ગુજરાતી બોલવાનું પણ હું પણ ભૂલવા માંડયો હતો.”
મુંબઈમાં તેમનાં સંતાનો મણિબહેન અને ડાહ્યાભાઈ પણ અરસપરસ અંગ્રેજીમાં જ વાતો કરતાં. શાળામાં ફ્રેન્ચ શીખતાં. ગુજરાતી લખતાં કે બોલતાં તેમને ફાવતું નહીં. છોકરાંઓ પિતાને મળવા ભાગ્યે જ અમદાવાદ આવતાં અને વલ્લભભાઈ પણ ભાગ્યે જ મુંબઈ જતા. આવી એક મુંબઈની મુલાકાતને યાદ કરતાં પુત્રી મણિબહેને ૬૦ વર્ષ બાદ કહ્યું હતું : “અમે બાપુ જોડે કપડાં ખરીદવા ઘોડાગાડીમાં બેસીને નીકળ્યાં. તેમણે કોટ-પાટલૂન અને હેટ પહેર્યાં હતાં. મને યાદ છે કે તેમણે મને રેશમનાં ફરાક (ફ્રોક) અને રેશમનાં ચણિયાચોળી લઈ આપ્યાં હતાં.”



