Close

જ્યારે વલ્લભભાઈએ ‘સર’નો ખિતાબ લેવા ઈનકાર કર્યો !

ચીની કમ | Comments Off on જ્યારે વલ્લભભાઈએ ‘સર’નો ખિતાબ લેવા ઈનકાર કર્યો !
ચીનીકમ
અમદાવાદની ગુજરાત ક્લબમાં બ્રિજ રમતાં રમતાં વલ્લભભાઈ ગાંધીજીની મજાક કરતાઅમદાવાદમાં વકીલાત દરમિયાન બેરિસ્ટર વલ્લભભાઈ પટલ રોજ સાંજનો સમય ભદ્ર વિસ્તારમાં આવેલી ગુજરાત ક્લબમાં જ વિતાવતા. સિગારેટોના ડબા ખાલી કરતા, પત્તાં રમતા, નવાસવા વકીલોની ઠઠ્ઠા મશ્કરી કરતા, નવાજૂનીની આપ-લે કરતા, ક્યારેક રાજકારણની અથવા મ્યુનિસિપાલિટીના કારભારની ચર્ચા કરતા. વલ્લભભાઈ બ્રિજની રમત બોરસદમાં શીખ્યા હતા અને આ રમતમાં તેઓ એક્કા થઈ ગયા હતા. વલ્લભભાઈની હોશિયારી જાણીતી હતી. આમ તો એ વખતના પીઢ સોલિસીટર વાડિયાએ ગુજરાત ક્લબમાં બ્રિજ રમવાનું શરૂ કરાવરાવ્યું હતું અને તેઓ પોતાને આ રમતના નિષ્ણાત સમજતા હતા. તેમણે વલ્લભભાઈને બ્રિજ રમવા પડકાર ફેંક્યો અને બ્રોકર નામના વકીલ તેમની સાથે જોડાયા. વલ્લભભાઈએ પણ એક સાથીદાર શોધી તેમની સામે રમવું એવી દરખાસ્ત મૂકી. વલ્લભભાઈએ એ પડકાર સ્વીકારતાં શરત મૂકી : “સો પોઈન્ટના છ આના નહીં, પરંતુ પાંચ પાઉન્ડનો દાવ લગાવવામાં આવે તો જ હું રમીશ.”

એ શરત સ્વીકારવામાં આવી. બ્રિજની મત શરૂ થઈ. વાડિયા અને બ્રોકરે વલ્લભભાઈ સામે પહેલા જ દિવસે પંદરથી વીસ પાઉન્ડ ગુમાવ્યા. બીજા દિવસે રમત ફરી શરૂ થઈ ત્યારે ગુજરાત ક્લબના સભાસદો ગપ્પાં મારવાનું છોડી દઈ વલ્લભભાઈ અને વાડિયા-બ્રોકરની રમત નિહાળવા તેમના ટેબલની આસપાસ ઊભા રહી ગયા. બીજા દિવસે પણ વલ્લભભાઈ સામે વાડિયા-બ્રોકરે ત્રીસ પાઉન્ડની હાર ખાધી. ત્રીજા દિવસે વાડિયાનાં પત્નીએ તેમના પતિને ગુજરાત ક્લબમાં જવા દીધા જ નહીં, અને આ શરતી જુગાર ના રમવા તેમણે વલ્લભભાઈને વિનંતી કરી. બેરિસ્ટર વલ્લભભાઈએ એ વિનંતીનો સ્વીકાર કર્યો.

એક દિવસ વલ્લભભાઈ તેમના ઘરે બેઠેલા હતા અને અચાનક લંડનમાં તેમની સાથે ભણતા સહાધ્યાયી અંગ્રેજ ગોડફ્રે ડેવિસ તેમના ઘરે આવી ચડયા. બેઉ જૂના મિત્રો હતા. ગોડફ્રે ડેવિસ બ્રિટિશ સરકારમાં સનદી અધિકારી તરીકે જોડાયા હતા. તેમની અમદાવાદના નાયબ કલેક્ટર તરીકે નિમણૂક થઈ હતી. વલ્લભભાઈને ન્યાયાધીશનું પદ અથવા ખિતાબ-બેઉ મળવાના હતાં. સ્પષ્ટ વક્તા અને વ્યવહાર ચતુર વલ્લભભાઈ ‘સર’ વલ્લભભાઈ બને તે ભારત સરકાર અને એગ્રેજોના શાસનનો મહત્ત્વનો ટેકેદાર મળી જાય તેવો અંગ્રેજોનો ખ્યાલ હતો. અંગ્રેજો ઇચ્છતા હતા કે વલ્લભભાઈ તેમની સાથે રહે તો ભારતના ખડતલ અને દેશભક્ત અંગ્રેજી શાસનને મળી જાય અને ભારતનો આત્મા અંગ્રેજોના કબજામાં આવી જાય. આવા જ કોઈ કારણસર મુંબઈમાં સર બેસિલે વલ્લભભાઈ પટેલને ન્યાયાધીશ બનવા ઓફર કરી હતી જે વલ્લભભાઈએ નકારી કાઢી હતી. તે પછી પણ વલ્લભભાઈ ખિતાબ સ્વીકારે ભારતમાં રાજ કરતી બ્રિટિશ સરકાર ગમે તે કરવા તૈયાર હતી.

પણ વિધાતાની યોજના કાંઈ જુદી જ હતી. સમય વીતતો રહ્યો. વલ્લભભાઈને સરકારી તંત્રમાં સર્વોચ્ચ સ્થાને લઈ જવાની સીડી તૈયાર જ હતી, પણ વલ્લભભાઈ માટે કુદરતે કાંઈ બીજું જ વિચારી રાખ્યું હતું. ના તો તેમણે ન્યાયાધીશ બનવાનું પસંદ કર્યું કે ના તો ‘સર’નો ખિતાબ લેવાનું.

૧૯૧૫ના ગાળાના એપ્રિલ માસમાં મોહનદાસ કરમસંદ ગાંધી નામના બેરિસ્ટર દક્ષિણ આફ્રિકામાં વીસ વર્ષ ગાળ્યા બાદ સ્થાયી થવા અમદાવાદ આવ્યા. મો. ક. ગાંધી વલ્લભભાઈ કરતા છ વર્ષ મોટા હતા. દક્ષિણ આફ્રિકામાં ગોરા અને ભારતવાસીઓ વચ્ચે સમાનતા સ્થાવા આદરેલી લડતનાં અદ્ભુત પરિણામો હાંસલ કર્યાં હતાં. ભારતમાં પગ મૂક્યાને એક જ મહિનામાં તેમને ‘મહાત્મા’નું બિરુદ મળ્યું હતું. તે વખતે બેરિસ્ટર વલ્લભભાઈએ એવી ટીકા કરી હતી : “આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે.”

મોહનદાસ કરમચંદ ગાંધીએ અમદાવાદમાં કોચરબમાં આશ્રમ શરૂ કર્યો ત્યારે ગુજરાત ક્લબના ઘણા સભ્યો કુતૂહલવશ એ આશ્રમ જોવા જતા. ગાંધીજીની સત્યાગ્રહ અને અહિંસાની વાતો લઈને તેઓ આવતા. સત્યાગ્રહ અને અહિંસા જેવાં સાધનો જ ભારતીયોને પરદેશી ઘૂંસરીમાંથી મુક્તિ અપાવશે તેવું ગાંધીજી કહેતા. શિક્ષિત લોકોએ ચક્કી પીસવી જોઈએ અને શૌચાલયો જાતે જ સાફ કરવા જોઈએ તેવું ગાંધીજી કહેતા. ગાંધીજીના એ વિચારોની વાતો ગુજરાત ક્લબમાં જ બેસતા વકીલોમાં ચર્ચાતી. ગાંધીજીના આ ‘તેજસ્વી વિચારો’ અને ‘ચક્રમ’ સંબંધે ટીકાઓ કરી વલ્લભભાઈ હસતા અને બીજાઓને હસાવતા. કેટલાક સભાસદોના આમંત્રણથી ગાંધીજી ગુજરાત ક્લબમાં આવ્યા. ૧૯૧૬ની આ ઘટના છે. ગાંધીજી પ્રવચન પણ કરવાના હતા. સંખ્યાબંધ લોકો તેમનું ભાષણ સાંભળવા ગયા. એ વખતે વલ્લભભાઈ પત્તાં રમતા હતા. રવેશમાં પોતાનું પત્તાં રમવાનું ટેબલ વટાવીને લોકો ગાંધીજીની પાસે જાય તે બેરિસ્ટર વલ્લભભાઈને ગમ્યું નહીં. તેમણે કેટલાકને રોકવા પ્રયત્ન કર્યો. એ દિવસે વલ્લભભાઈ બ્રિજ રમતા હતા અને ગણેશ વાસુદેવ માવલંકર તેમની બાજુમાં બેસીને રમત નિહાળી રહ્યા હતા. ગાંધીજીને આવતા જોઈ માવલંકર ઊભા થઈ ગયા.

વલ્લભભાઈ પટેલે કહ્યું : “માવલંકર કેમ ઊઠયા ? ક્યાં જવું છે ?”

માવલંકરે કહ્યું : “જુઓ! ગાંધી આવ્યા છે.”

વલ્લભભાઈએ કહ્યું : “તેમાં શું થઈ ગયું ? અમારી બ્રિજની રમત જોશો તો તેમાં તમને વધારે જાણવા મળશે. વળી ગાંધી શું બોલવાના છે તે હું જ તમને કહી દઉં. તમને ઘઉંમાંથી કાંકરા વીણતાં આવડે છે કે નહીં, તેવું ગાંધી તમને પૂછશે અને આ પ્રવૃત્તિથી આઝાદી મળી જશે તેવું તમને ઠસાવશે.”

બધાં મોટેથી હસ્યા.
પણ માવલંકર તો ગાંધીને સાંભળવા ગયા જ.

માવલંકરના મતે ગાંધીજી માટે વલ્લભભાઈ આવી ભાષામાં વાત કરતા હોવા છતાં એક દિવસ તેઓ ગાંધી માટે આદર ધરાવતા થયા. આ ઘટનાના ૨૫ વર્ષ બાદ વલ્લભભાઈ પટેલે કબૂલ કર્યું હતું કે, ૧૯૧૫-૧૬ના ગાળામાં તેઓ ચાળીસમું વર્ષ વટાવી રહ્યા હતા ત્યારે ગાંધીજી સંખ્યાબંધ તેજસ્વી અને બુદ્ધિશાળી યુવાનોને પોતાની તરફ આકર્ષી રહ્યા હતા તે મારા માટે પારાવાર આશ્ચર્ય હતું.” એ વખતે ગાંધીજીથી આકર્ષાયેલા પાંચ યુવાનોાં દત્તાત્રેય કાલેલકર, સ્વામી આનંદ, કિશોરલાલ મશરુવાળા, મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ હતા. સમયના વહેણ સાથે વલ્લભભાઈ પણ બદલાવાના હતા. ત્યાગ માટેની દબાવી રાખેલી ભાવના ધીમેધીમે વલ્લભભાઈને ગાંધી તરફ ખેંચી રહી હતી. ઉપરછલ્લી મજાક કરવા છતાં ક્લબમાં બેસીને લોકસેવા થઈ શકે નહીં, તેવી તેમના સાથીદારોની ટીકાની અવગણના કરવાનું તેમના માટે શક્ય નહોતું. આ ટીકામાં સત્યનો રણકો હતો અને તેનાથી ગાંધીજીના વલ્ણને સમર્થન મળતું હતું.

Be Sociable, Share!