Close

નેન્સી નાદાન હતી પરંતુ હું તો સમજદાર હતો ને? (કભી કભી)

કભી કભી | Comments Off on નેન્સી નાદાન હતી પરંતુ હું તો સમજદાર હતો ને? (કભી કભી)

nancyકનિષ્ક એક હોશિયાર વિદ્યાર્થી હતો.

ઉત્તરાખંડ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાાનમાં એમ.એસસી. કર્યા બાદ રિસર્ચ કરવા તે દિલ્હી યુનિવર્સિટીમાં આવ્યો હતો.

કનિષ્ક એક ગરીબ પરિવારનો વિદ્યાર્થી હતો. રિસર્ચમાં તેને જે ફેલોશીપ મળતી હતી. તેમાંથી અડધી રકમ તે ઘેર મોકલી દેતો હતો. દિલ્હીમાં તે એક એંગ્લો ઈન્ડિયન પરિવારમાં પેઈંગગેસ્ટ તરીકે રહેતો હતો. દિવસભર તે રિસર્ચમાં વ્યસ્ત રહેતો હતો. રાત્રે જ ઘેર આવી શકતો હતો. મકાન માલિકણ સોફિયાની વય ૩૫-૩૬ વર્ષની હતી. તે એક મિશનરી હોસ્પિટલમાં નર્સ હતી. તેનો પતિ એન્થની બેકાર અને શરાબી હતો. સોફિયાને એક દીકરી હતી નેન્સી. નેન્સી ૧૯ વર્ષની વયની હતી. સોફિયાની નોકરી અને પેઈંગ ગેસ્ટ પાસેથી મળતા ભાડાથી તેનું ઘર ચાલતું હતું. એક સવારે કનિષ્કએ ઘરમાં બુમરાણ સાંભળી. તેણે જાગીને તેના રૂમની બહાર જઈ જોયું તો સોફિયા તેની દીકરી નેન્સીને માર મારી રહી હતી. કનિષ્કએ સોફિયાનો હાથ પકડી લેતાં કહ્યું: ‘નેન્સીને મારો છો કેમ?’

સોફિયાએ કહ્યું: ‘આ છોકરીએ દૂધ પીતા પીતા ગ્લાસ તોડી નાંખ્યો.’

સોફિયાના પતિએ આ અંગે કોઈ દિલચશ્પી બતાવી નહીં પરંતુ કનિષ્કએ સોફિયાને પકડી રાખી. નેન્સીને વધુ માર ખાતા બચાવી લીધી. ફર્શ પર પડેલા કાચના ટુકડા એક કાગળ પર વીણી લીધા. સોફિયા તેના રૂમમાં અને નેન્સી સ્કૂલે જતી રહી.

એ દિવસ રિસર્ચનું કામ પતાવી કનિષ્ક રાત્રે ઘેર આવ્યો તો તેના રૂમમાં તેના ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી. તેમાં લખ્યું હતું: ‘ સવારે તમે મને જે મદદ કરી અને મારી દીકરીને માર ખાતા બચાવી લીધી તે બદલ આભાર મારા રુક્ષ વ્યવહાર બદલ આપની માફી માગું છું… સોફિયા.

બીજા દિવસે રાત્રે ફરી એ ઘેર પહોંચ્યો ત્યારે તેના ટેબલ પર ફરી બીજી એક ચિઠ્ઠી પડી હતી. તેમાં લખ્યું હતું: ‘મારા રુક્ષ વ્યવહાર બદલ હું શરમ અનુભવું છું. આ રવિવારે હું ચર્ચમાં પ્રભુ ઈસુ પાસે માફી માંગીશ. શું રવિવારે તમે મારી સાથે બહાર આવશો ?- સોફિયા.’

કનિષ્ક વિચારમાં પડી ગયો. રવિવારે કનિષ્ક સોફિયાની સાથે બહાર જવાની ઈચ્છા રોકી ના શક્યો. વાત એમ હતી કે સોફિયાની આ બીજી શાદી હતી. તેનો પતિ દારૂ પીને પડયો રહેતો હતો. સોફિયા કનિષ્ક કરતાં દસ વર્ષ મોટી હતી. તે સાંવલી હોવા છતાં ઘાટીલી હતી. રવિવારે બેઉ બહાર ફરવા ગયા. બંનેને સારું લાગ્યું. કનિષ્કને લાગ્યું કે તે ગમે તે કારણસર સોફિયા પ્રત્યે આર્કિષત થઈ રહ્યો છે. અલબત્ત બેઉ પોતાની મર્યાદામાં હતા.

વર્ષાઋતુ આવી.

એક દિવસ ઘેર આવતી વખતે કનિષ્ક વરસાદમાં ભીંજાઈ ગયો. બીજા દિવસે તેને તાવ આવી ગયો. સવારે કનિષ્ક ચા-નાસ્તા માટે બહાર ના આવતાં સોફિયા તેના રૂમમાં ગઈ. પંખો બંધ હતો. કનિષ્ક ચાદર ઓઢીને સૂઈ ગયો હતો. તેણે કનિષ્કના માથા પર હાથ મૂક્યો. કનિષ્કનું કપાળ તપેલું હતું. સોફિયા બોલીઃ ‘આટલો બધો તાવ છે. તો મને બોલાવી કેમ નહીં?’

કનિષ્કએ સોફિયાનું કાંડું પકડી લેતાં કહ્યું: ‘દવાની જરૂર નથી, થોડીવાર મારી પાસે બેસો. ઠીક થઈ જશે મને.’

સોફિયા બોલીઃ ‘નેન્સીને પણ તાવ છે. હું ચા બનાવીને લાવું છું.’

થોડીવાર બાદ સોફિયા ચા બનાવીને ફરી કનિષ્કની પાસે આવી. કનિષ્કએ કહ્યું: ‘મેં તમને આજ બહુ પરેશાન કર્યાં.’

‘કનિષ્ક મારું તો કામ જ નર્સિંગનું છે’: સોફિયા બોલી : ‘હવે કેમ છે?’

‘પહેલાં કરતાં સારું છે.’

સોફિયા બોલીઃ ‘જુઓ કનિષ્ક, આજે મારી ઓપરેશન થિયેટરમાં ડયૂટી છે. મારે હોસ્પિટલ જવું પડશે. નેન્સી એકલી ઘરમાં છે. એના પપ્પા પણ બહાર છે. નેન્સીને તાવ છે તેનો ખ્યાલ રાખજો.’

કનિષ્કએ કહ્યું: ‘તમે આરામથી જાવ. હું નેન્સીનો ખ્યાલ રાખીશ.’

સોફિયા જતા જતા તોફાની નજર નાંખતા બોલીઃ ‘તમે જે સ્ત્રીના પતિ બનશો તે ખૂબ જ ખુશનસીબ હશે.’

કનિષ્ક બોલ્યોઃ ‘ધારો કે હું જ તમારો….’ એટલું બોલીને તે અટકી ગયો.

અને સોફિયા થંભી ગઈ. તે ગંભીર બનીને કનિષ્કને જોઈ રહી. સોફિયાની આંખો હવે એક છુપી લાગણી સાથે ભીની થઈ ગઈ હતી. અચાનક સોફિયા ફરી પલંગ પાસે આવી. એણે કનિષ્કને પોતાની સમીપ લઈ લીધો. કેટલીયે વાર સુધી તેને પોતાના સાનિધ્યમાં રાખ્યો. અલબત્ત, બંને પોતપોતાની મર્યાદામાં રહ્યા. થોડીવાર બાદ સોફિયા ડયૂટી પર જતી રહી.

એ પછી કનિષ્કને ઊંઘ આવી ગઈ.

કેટલીક વાર બાદ તે જાગ્યો. ઘરમાં તે અને નેન્સી બે એકલા જ હતા. સોફિયા ડયૂટી પર ગઈ હતી. તેનો પતિ એન્થની સવારથી જ ગાયબ હતો. કનિષ્ક નેન્સીની ખબર કાઢવા તેના રૂમમાં ગયો. એણે નેન્સીના કપાળમાં હાથ મૂક્યો. તે જાણવા માગતો હતો કે નેન્સીને તાવ છે કે કેમ ? તાવ નહોતો. નેન્સીએ આંખો ખોલી કનિષ્કએ હાથ લઈ લીધો પણ નેન્સીએ કનિષ્કનો હાથ પકડી લીધો. નેન્સી ૧૯ વર્ષની હતી. કનિષ્ક ૨૬ વર્ષનો હતો. અચાનક નેન્સીના શ્વાસ તેજ થઈ ગયા.

કનિષ્ક ત્યાંથી હટવા માગતો હતો. પણ નેન્સીએ તેનો હાથ છોડયો નહીં. રૂમમાં મધ્યમ અજવાળું હતું. કનિષ્ક કાંઈ સમજી શકે તે પહેલાં નેન્સીએ કનિષ્કને પોતાની તરફ ખેંચી લીધો. તેણે કનિષ્કને જકડી લીધો. નેન્સીના સ્પર્શ બાદ તે પણ પોતાની જાતને સંભાળી શક્યો નહીં.

તે જ્યારે હોશમાં આવ્યો ત્યારે એક તોફાન આવીને જતું રહ્યું હતું.

જાણે કે ચારે તરફ વિનાશ જ વેરાઈ ચૂક્યો હતો. તે ઘેરા આઘાતમાં સરી પડયો. નેન્સી ઊંડાણથી કનિષ્કને જોઈ રહી હતી. કનિષ્ક સીધો જ એના રૂમમાં ચાલ્યો ગયો. બરાબર બે કલાક સુધી તે કાંઈ મનોમંથન કરતો રહ્યો. બે કલાક બાદ તેણે સ્થાનિક પોલીસ સ્ટેશને ફોન કર્યોઃ ‘મેં એક કુંવારિકા સાથે દુષ્કર્મ કર્યું છે.’

પોલીસ આવી ગઈ. કનિષ્કએ ગુનો કબૂલ કરી લીધો. પોલીસ માટે પણ આશ્ચર્યની વાત એ હતી કે એક યુવાન સામેથી આવો એક ગુનો કબૂલ કર્યો હતો. પોલીસ કનિષ્કને પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસે ખબર આપી નેન્સીની માતા સોફિયાને પણ પોલીસ સ્ટેશન બોલાવી લીધી. તેની ખામોશ નજર કનિષ્ક બર્દાશ્ત કરી શક્યો નહીં. પોલીસને પણ હેરાની એ વાતની હતી કે નેન્સી અને કનિષ્ક વચ્ચે ઘટેલી ઘટના વખતે ઘરમાં એ વાતની સાક્ષી આપનાર કોઈ નહોતું. વળી નેન્સીએ તો કોઈ ફરિયાદ કરી જ ન હતી.

પોલીસે નેન્સીનું નિવેદન લીધું. નેન્સીએ પોતાનું બ્યાન આપતા કહ્યું: ‘પહેલ મેં કરી હતી. કનિષ્કએ મારી સાથે કોઈ જબરદસ્તી કરી નહોતી.’

પોલીસ માટે મૂંઝવણ એ હતી કે હવે કરવું શું ? કોઈ દુષ્કર્મની ફરિયાદ ના હોવા છતાં એક યુવાન પોતાનો ગુનો કબૂલ કરી રહ્યો હતો. પોલીસે કનિષ્કને અટકમાં તો લઈ જ લીધો.

બીજા દિવસે નેન્સી તેને મળવા કસ્ટડીમાં આવી પણ કનિષ્કએ નેન્સીને મળવા સાફ ઈન્કાર કરી દીધો.

તે પછી નેન્સીની મમ્મી સોફિયા કનિષ્કને મળવા આવી. તે પણ પરેશાન હતી. સોફિયાએ કનિષ્કને પૂછયું: ‘નેન્સીએ કોઈ ફરિયાદ કરી જ નહોતી તો તેં શા માટે સામેથી પોલીસ સમક્ષ ગુનો કબૂલ કરી લીધો?’

કનિષ્કએ કહ્યું: ‘સોફિયા, તમે મારી પર ભરોસો કર્યો હતો. તમે તમારી દીકરીનો ખ્યાલ રાખવાની જવાબદારી મારી પર છોડીને ગયા હતા. નેન્સીએ ભલે ગમે તે ભૂલ કરી પરંતુ મારે મારી જાત પર અંકુશ રાખવાની જરૂર હતી. હું તમારો ગુનેગાર છું. હું મારો ગુનો કબૂલ ના કરું તો કદી તમારી સામે આંખ મીલાવી ના શક્ત. નેન્સી નાદાન હતી પરંતુ હું તો સમજદાર હતો ને ! તેથી મારી ભૂલની સજા મને મળવી જ જોઈએ.’

– અને સોફિયાએ જોયું તો કનિષ્કની આંખોમાં પસ્તાવો હતો. સોફિયાની આંખોમાં પણ હવે આંસુ હતા. ક્યારે આવું પણ બનતું હોય છે.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!