ભાગવતમાં આવતી શ્રીકૃષ્ણની બાળલીલા અતિ મધુર છે. એમાં એક અતિ પ્રસિદ્ધ કથા શ્રીકૃષ્ણ બચપણમાં માટી ખાય છે તે છે. એક દિવસ બાળ કનૈયાએ વ્રજમાં માટી મોંમાં મૂકી અને તેમના મોટાભાઈ દાઉજી જોઈ ગયા. એમણે કનૈયાને કહ્યું: ‘લલ્લા, મિટ્ટી ખા રહે હો? અભિ જાકર મૈયા કો કહ દેતા હું’
કનૈયાએ કહ્યું: ‘મા, કનૈયા મિટ્ટી ખા રહા હૈં.‘
યશોદા ગુસ્સે ભરાયાં અને તાબડતોબ કનૈયાને ઘેર બોલાવી લાવવા કહ્યું. દાઉજીને તો આટલું જ જોઈતું હતુ. તેઓ દોડીને કનૈયા પાસે જઈને બોલ્યાઃ ‘ચલો મા બુલા રહી હૈ. આજ તુમ્હારી પીટાઈ હોનેવાલી હૈ.’
કનૈયાએ હોઠ પરથી માટી લૂછી નાંખી અને ભયભીત બનીને મા પાસે ગયો. યશોદા મૈયા તો હાથમાં લાકડી પકડીને જ ઊભાં હતાં. યશોદાજી તેને લડવાં લાગ્યાં: ‘પિછલે જન્મ મેં તુ ભૂંડ થા કયા?’
માનો ક્રોધ જોયા પછી કનૈયો રાજી થઈ હસવા લાગ્યો. યશોદાજી બોલ્યાઃ’મૈં તુમ્હે ડાંટ રહી હૂં ઔર તું હંસ રહા હૈ?’
કનૈયો હસતો એટલા માટે હતો કે, માએ ગુસ્સામાં આવીને જાણે કે સાચી જ વાત કહી દીધી હતી. કારણકે, ભગવાને અગાઉ વરાહ અવતાર પણ લીધો હતો. વરાહ એટલે ભૂંડ.
આ તરફ યશોદાજી વધુ ગુસ્સે થયાં: ‘બોલ, તુને મિટ્ટી ખાઈ થી યા નહીં’
કનૈયાએ મોં સીવી લીધુ. માએ બહુ આગ્રહ કર્યો એટલે કનૈયાએ કહ્યું.’અગર ઐસા હી હૈ તો દેખ લે મેરે મુંહ કી અંદર દેખલે અંદર મિટ્ટી હૈ કિ નહીં.’
માએ કહ્યું: ‘ઠીક હૈ. મુંહ ખોલ.’
અને કનૈયાએ મોં ખોલ્યું યશોદાજીએ જોયું તો કનૈયાના મુખની અંદર તો વિરાટનું દર્શન હતું. વિરાટના દર્શન થતાં યશોદાજીને બ્રહ્મદર્શન થઈ ગયું. તેમને ખ્યાલ આવી ગયો કે હું જેને મારો પુત્ર માનું છું તે તો સ્વયં બ્રહ્મ છે, આખા જગતનો પિતા છે. હું ભ્રમમાં રહી અને જગતપિતાને હાથમાં લાકડી લઈને મારવા દોડી.
આ જ્ઞાાન થતાં જ યશોદાજીએ બે હાથ જોડી કૃષ્ણની ક્ષમા માગી અને કૃષ્ણના ચરણોમાં વંદન કર્યા. યશોદાજી મા મટી ભક્ત બની ગયાં.
પણ હવે કૃષ્ણ ગભરાયા. મા, મા મટી ભકત બની જાય એ તેમને પરવડે તેમ નહોતું. તેઓ વિચારવા લાગ્યાઃ ‘અરે, હું જગતનો નાથ હોવા છતાં જાતે અનાથ હતો. એટલે તો મા પાસે સનાથ થવા આવ્યો હતો અને હવે તે મને તેની ગોદમાં બેસાડી મારા માથા પર હાથ ફેરવવાના બદલે મને પૂજાઘરમાં બેસાડી મારી આરતી ઉતારશે. એ મા મટી જશે તો પછી હું કોની ગોદમાં ખેલીશ?’
બ્રહ્મને પણ માની ગોદમાં ખેલવાનો અભરખો હતો. કૃષ્ણાવતારમાં બેબે માબાપ વાસુદેવ-દેવકી, અને નંદ-યશોદાના પુત્ર બની તેમના વાત્સલ્યની વર્ષા તેમણે માણી હતી. પરંતુ કૃષ્ણ હવે માની આગળ ઉઘાડા પડી ગયા કે તેઓ તો સ્વંય જગતપિતા છે. હવે શું કરવું? માની મમતાનો લહાવો ઝૂંટવાઈ જાય તે તેમને ચાલે તેમ નહોતું. કૃષ્ણએ માયાને આદેશ આપ્યો. માયાને કહ્યું કે, તું એવી કળા રચ કે મારી મા હું ઈશ્વર છું, તેવું ભૂલી જાય ને ફરી મારી મમતામયી મા બની જાય.
માયા પણ ધ્રૂજવા લાગી. જગતના નાથની માને કેવી રીતે વળ્તાવું? પણ કૃષ્ણની આજ્ઞાા હતી. છેવટે માયાએ વૈષ્ણવી માયાનું સ્વરૂપ ધારણ કર્યું અને યશોદા મૈયાના હૃદયમાં ફરી પુત્રસ્નેહના ફુવારા પ્રગટાવી દીધા. મા ભૂલી ગઈ કે કનૈયો જગતપિતા છે. માના હૃદયમાં ફરીથી પુત્રપ્રેમ જાગ્રત થયો. ફરીથી વાત્સલ્યભાવથી ઓતપ્રોત થઈ હાથમાંની લાકડી ફેંકી દીધી અને કનૈયાને ગોદમાં લઈ લીધો. મા ફરી કનૈયા પર પહેલાંની જેમ જ સ્નેહની વર્ષા કરવા લાગી ત્યારે જ કનૈયાને શાંતિ થઈ.
માનો આ મહિમા છે.
જેની આગળ આવીને અને જેની ગોદમાં બેસીને ભગવાન જગન્નાથને પણ સનાથ થવાનું અને વાત્સલ્યની હેલીમાં સ્નાન કરવાનું મન થાય છે. તેનું નામ છે મા.
આ ઘટનાને ભાગવતાચાર્યોએ સરસ રીતે સમજાવી છે. તેઓ આ કથાનું અર્થઘટન કરતાં કહે છે કે, કનૈયાએ વ્રજની માટી ખાધી હતી. વ્રજમાં વ્રજની રજનું જ મહત્ત્વ છે. વ્રજરજનું આટલુ બધુ મહત્ત્વ શા માટે? ‘વ્રજ’ એવું એ ભૂમિનું નામ શા માટે પડયું હશે? ‘વ્રજ’ એટલે પાછળ ફરવું તે. બ્રહ્મ પુત્ર બનીને મા યશોદાજીની પાછળ પાછળ ઉઘાડા પગે ચાલ્યા હતા. તેથી આ ભૂમિનું નામ વ્રજ પડયું. આમ વ્રજ શબ્દ સ્વયં માનો મહિમા ગાય છે કે બ્રહ્મ પણ યશોદાનો પુત્ર બની માની પાછળ પાછળ માતૃભૂમિમાં ઉઘાડા પગે ચાલ્યો. અને એ એવી ભૂમિ હતી કે જયાં મા ચાલી હતી. માનાં ચરણો જે ભૂમિ પર પડયાં હતાં. એવી એ ભૂમિની રજને અર્થાત્ વ્રજ રજને બ્રહ્મ જેવો બ્રહ્મ પણ પોતાના મોંમાં મૂકી માના મહાત્મ્યને સ્વીકારે છે. આ કારણથી જ બાળ કનૈયાએ વ્રજની માટી ખાધી હતી.
ભગવાન શ્રીકૃષ્ણ સો વર્ષ દ્વારિકામાં રહ્યા પરંતુ એ ભૂમિની રજને મોઢામાં મૂકી નથી, કારણકે દ્વારિકાની ભૂમિ પર મા યશોદા ચાલ્યાં નથી. જયારે વ્રજની ભૂમિ માના ચરણસ્પર્શથી પાવન થઈ છે. બ્રહ્મ જેવા બ્રહ્મ પણ મા યશોદાની પાછળ પુત્ર બની ઉઘાડા પગે ઘૂમ્યા એ ભૂમિની રજ ‘બ્રહ્મ રજ’ બની ગઈ. એ શબ્દના ચાર અક્ષરોમાંથી વચ્ચેના બે અક્ષરોનો લોપ થતાં એ ભૂમિનું નામ વ્રજ પડી ગયું.
દ્વારિકાના રાજા બન્યા બાદ શ્રીકૃષ્ણને માતા યશોદાની યાદ રાતોની રાત ઉજાગરા કરાવતી હતી. સવારે દ્વારિકાના નાથ પથારીમાંથી ઊઠે અને રાણી રુક્મિણી પથારી સંકેલવા જાય ત્યારે ઘણીવાર મખમલી ઓશીકું ભીનું હોય….એ વખતે રુક્મિણીજી સમજી જતાં કે દ્વારિકાના રાજા મા યશોદાને યાદ કરીને ચોક્કસ આખી રાત રડયા હશે. ભગવાન પણ માને યાદ કરીને રડયા છે.
ભાગવતના દશમ સ્કંધમાં એક કથા આવે છે. એકવાર સૂર્યગ્રહણ પ્રસંગે કુરુક્ષેત્રમાં યાત્રા અને સ્નાન નિમિત્તે ભારતભરમાંથી સહુ કોઈ આવ્યા હતા. ગોકુળથી પણ બધા આવ્યા હતા અને દ્વારિકાથી પણ બધા આવ્યા હતા. અહીં મા યશોદા અને શ્રીકૃષ્ણનું અચાનક મિલન થઈ ગયું: શ્રીકૃષ્ણના ઘેર પુત્રના ઘેર પણ પુત્રો હોવા છતાં મા યશોદા શ્રીકૃષ્ણને ગોદમાં લે છે છે અને હતા આંખમાંથી હર્ષનાં આંસુ વહાવે છે.
વાત એમ હતી કે, મા યશોદા રોજેરોજ ભગવાનને પ્રાર્થના કરતાં હતાં કે, ‘હે ઈશ્વર! મારી આંખનું તેજ જતું રહે તે પહેલાં મારા પુત્ર કનૈયાને જોઈ લેવા દેજે.’
આજે તેમની ઇચ્છા ફળીભૂત થઈ હતી. એ ટાણે શ્રીકૃષ્ણએ મા યશોદાને પૂછયું: ‘હું તને શું આપું, મા?’
મા યશોદાએ પૂછયું: ‘શું આપીશ, બેટા?’
શ્રીકૃષ્ણએ કહ્યું: ‘તું જે માગીશ તે આપીશ,મા.’
યશોદાજી બોલ્યાં: ‘બેટા, મારે બીજું કશું જોઈતું નથી, પણ તું મારી પાસે બેસી રહે એટલું જ ઇચ્છું છું.‘
– આવી હતી આ માતાની મહાનતા.



