માનો ત્યાગ
રોમાનિયાના વતની અને હવે ફ્રાંસમાં રહેતા એડવર્ડ ક્લીંચ પોતાની જિંદગીના અનુભવનું વર્ણન કરતાં કહે છેઃ ‘ મારી માતાને ફક્ત એક જ આંખ હતી. તેના કારણે તે કદરૂપી દેખાતી હતી. મારી સાથે સ્કૂલમાં ભણતા મારા મિત્રો એ કારણે મારી મજાક ઉડાવતા હતા એ કારણે મારી માથી દૂર રહેવા માટે મેં મારા વતનથી દૂર ફ્રાંસમાં જઈ ભણવાનો નિર્ણય કર્યો જેથી કોઈ મારી માતાને જોઈ ના શકે. હું ખૂબ ભણ્યો. ફ્રાંસમાં હું ધનવાન અને જાણીતો વ્યક્તિ બની ગયો. તે પછી ફ્રાંસમાં જ મેં લગ્ન કરી લીધું. લગ્ન પછી હું બે બાળકોનો પિતા બન્યો. અમારું પરિવાર ખુશ હતું. વળી અમે બધા મારી માથી દૂર હતા.મારી મા પાસે મારું ટપાલનું સરનામું હતું. એક દિવસ અચાનક મારી મા મને મળવા અગાઉથી જાણ કર્યા વિના મારા ઘેર આવી ગઈ. મારા બાળકોએ પહેલી જ વાર મારી માને જોઈ. મારી માની એક આંખની જગ્યાએ કાણું જોઈ મારા બાળકો ડરી ગયા. હું પણ આમ કહ્યા વગર અચાનક આવી ગયેલી મારી મા પર ગુસ્સે થઈ ગયો. મેં એને ઘરમાંથી તાત્કાલિક ચાલ્યા જવા કહ્યું. તે ચૂપચાપ ચાલી ગઈ.
એક દિવસ હું મારી બચપણની સ્કૂલના એક કાર્યક્રમમાં હાજરી આપવા મારા વતન રોમાનિયા ગયો. આ સ્કૂલમાં ભણીને બહાર શ્રેષ્ઠતાને પામેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું અહીં સન્માન થવાનું હતું. તેમાં હું પણ એક હતો. અહીં મારી સાથે ભણતા કેટલાક સિનિયર્સ મને મળ્યા. એ કાર્યક્રમ પૂરો થયા બાદ હું મારી મા જ્યાં રહેતી હતી તે મહોલ્લામાં ગયો. મેં જોયું તો અમારું ઘર બંધ હતું. મેં પડોશી મહિલાને પૂછયું તો તેમણે કહ્યું કે ‘તમારી ‘મા‘ છ મહિના પહેલા મૃત્યુ પામી છે પરંતુ તેમણે મૃત્યુ પામતાં પહેલાં અમને એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે જો મારો દીકરો કદીક અહીં આવે તો તેને મારો આ પત્ર આપજો.‘ અમારા એ પડોશીએ મારી માએ મને ઉદ્દેશીને લખેલો એ પત્ર મને આપ્યો, જે એણે એના મૃત્યુ પહેલાં લખ્યો હતો. એ પત્રમાં મારી માએ લખ્યું હતું: ‘બેટા! તું ખૂબ નાનો હતો ત્યારે તું લપસી પડયો હતો. તારી એક આંખમાં ખીલો ઘુસી ગયો હતો. તારી આંખ જતી રહી હતી. હું એ હાલત જોઈ શકી નહીં. ડોક્ટરોએ કહ્યું: ‘આ બાળકને હમણાં જ કોઈની આંખ મળી જાય તો તે બંને આંખે જોતો થઈ શકશે.‘ તારી હાલત જોઈને એજ વખતે મારી એક આંખ મેં તને આપી દીધી હતી, બેટા. ડોક્ટરોએ કામયાબીથી એ શસ્ત્રક્રિયા પાર પાડી હતી. મને આજે એ વાતની ખુશી છે કે તું મારી આંખથી દુનિયા જોઈ શકે છે…‘ તારી મા.
અને તે સ્તબ્ધ બની ગયો. જે કારણસર એ પોતાની માને ધિક્કારતો હતો એ બાબત તો તેના માટે માતાનું શ્રેષ્ઠ બલિદાન હતું.



