તાજેતરમાં અક્ષયકુમારની ‘રૂસ્તમ’ ફિલ્મ રજૂ થઈ. વર્ષો પહેલાં એટલે કે ૧૯૬૩માં સુનીલ દત્ત દ્વારા અભિનીત ફિલ્મ ‘યે રાસ્ત હૈ પ્યાર કે’ રજૂ થઈ હતી. આ બંને ફિલ્મો મુંબઈના નાણાવટી મર્ડર કેસ તરીકે ઓળખાતા મર્ડર કેસથી પ્રેરિત હતી. નાણાવટી મર્ડર કેસ એક હાઈપ્રોફાઈલ મર્ડર કેસ હતો. તેની અસલ કથા રસપ્રદ છે. ૧૯૫૯ના વર્ષની આ વાત છે. એ વખતે કાવસ માણેકશા નાણાવટી નામના એક નેવી ઓફિસર ભારતીય નૌકાદળમાં ફરજ બજાવતા હતા. તેઓ સ્માર્ટ અને રૂપાળા હતા.
માણેકશા યુવાન હતા અને તેમને એક મિત્ર હતો પ્રેમ આહુજા. બંનેને એકબીજાના ઘેર આવવા-જવાના સંબંધો હતા. પ્રેમ આહુજા ઉચ્ચ વર્ગમાં જાણીતા માણસ હતા. પ્રેમ આહુજા મલબાર હિલના જીવન જ્યોત એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા હતા. કહેવાય છે કે પ્રેમ આહુજા ‘લેડીઝ મેન’ તરીકે ભદ્ર વર્ગમાં જાણીતા હતા. અનેક સ્ત્રીઓ તેમના પ્રેમમાં પડી જતી. તેમને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ હોવાની વાતો હવામાં ઘુમરાતી હતી અને ઉચ્ચ આદમી અને એરફોર્સના અધિકારીઓેની સ્ત્રીઓ પણ તેમના પ્રેમમાં હોવાના આક્ષેપો હતા.
નેવી ઓફિસર કાવસ માણેકશા નાણાવટી જ્યારે ૨૪ વર્ષની વયના હતા ત્યારે એટલે કે ૧૯૪૯માં માત્ર ૧૮ વર્ષની બ્રિટનમાં જન્મેલી સિલ્વીયાના પ્રેમમાં પડયા હતા અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન જીવનના ૧૦ વર્ષ દરમિયાન તેઓ બે પુત્ર અને એક પુત્રીના માતા-પિતા બન્યા હતા.
એપ્રિલ ૧૯૫૭ના દિવસોની વાત છે. નેવી ઓફિસર નાણાવટી ડયૂટી યુદ્ધ જહાજ પર હોઈ ઘણીવાર છ છ મહિને તેઓ ઘેર આવતા તા. ૧૮ એપ્રિલ ૧૯૫૭ના રોજ લાંબી ડયૂટી બજાવ્યા બાદ તેઓ અચાનક ઘેર આવ્યા. ઘેર આવતાં જ તેમને સિલ્વિયામાં કેટલુંક પરિવર્તન જણાયું. સિલ્વિયા તનાવમાં હતી. નેવી ઓફિસર નાણાવટીને શંકા ગઈ કે કાંઈક ગરબડ છે. નાણાવટી વિચક્ષણ હતા. તેમના હાથમાં પુરાવા આવી ગયા કે જેથી તેમને ખ્યાલ આવી ગયો કે તેમની પત્ની સિલ્વિયા તેમના જ મિત્ર પ્રેમ આહુજા વચ્ચે અફેર છે. વાત સાચી હતી. નાણાવટી લાંબા સમય સુધી બહાર રહેતા હોઈ એકલતા દૂર કરવા સિલ્વિયાએ પ્રેમ આહુજાનો સહારો લીધો હતો. પ્રેમ આહુજાના વ્યક્તિત્વથી આમેય અનેક સ્ત્રીઓ આર્કિષત હતી. હવે સિલ્વિયા પણ પ્રેમ આહુજાના બાહુપાશમાં સમાઈ ગઈ.
નાણાવટીને આ વાતની ખબર પડી ત્યારે તેઓ એ વાત માનવા તૈયાર નહોતા કે પોતાનો મિત્ર પોતાની પત્ની સાથે આવું કરી શકે છે. નાણાવટીએ આ બાબત અંગે સીધો જ ખુલાસો સિલ્વિયાને પૂછયો. સિલ્વિયા નર્વસ હતી. કહેવાય છે કે, નાણાવટીએ કહ્યું : ‘સિલ્વિયા, તું જો હવે ફરીથી કદીયે પ્રેમ આહુજાને નહીં મળે એવી ખાતરી આપતી હોય તો હું તને માફ કરી દેવા તૈયાર છું અથવા તું પ્રેમ આહુજા સાથે લગ્ન કરી લેવા માગતી હોય તો પણ મને વાંધો નથી.’
પરંતુ કહેવાય છે કે સિલ્વિયા મૌન રહી.
બીજા એક અહેવાલ પ્રમાણે સિલ્વિયાએ પતિને કહ્યું હતું : ‘ તમે મને છૂટાછેડા આપતા હોય તો પ્રેમ આહુજા સાથે લગ્ન કરી લઈશ.’
પરંતુ સિલ્વિયાને એ શંકા હતી કે પ્રેમ આહુજા મારી સાથે લગ્ન ના પણ કરે.
એ પછી નેવી ઓફિસર નાણાવટીએ એક સખ્ત નિર્ણય લીધો. તેઓ સીધા જ નેવલ આર્મરી પર ગયા અને સ્વરક્ષણ માટે રિવોલ્વર અને છ કાટ્રીઝની માગણી કરી. સહી કરી રિવોલ્વર અને છ ગોળીઓ લીધી.
ઘેર આવીને નેવી ઓફિસર નાણાવટીએ પત્ની સિલ્વિયા અને બાળકોને તૈયાર થવા કહ્યું. પત્ની અને બાળકોને મુંબઈના મેટ્રો થિયેટરમાં ‘ટોમ થમ્બ’ ફિલ્મના મેટિની શોમાં બેસાડી દીધા. કારમાં મૂકવા જતી વખતે તેઓ ગજબનાક રીતે શાંત હતા. નાણાવટીએ પત્ની અને બાળકોને કહ્યું: ‘સાંજે છ વાગે શો પુરો થશે ત્યારે હું તમને લેવા આવીશ.
એ દિવસ તા. ૨૭ એપ્રિલ ૧૯૫૯નો હતો. પત્ની અને બાળકોને સિનેમા ઘરમાં બેસાડી નાણાવટી સીધા જ મલબાર હિલ ખાતેના પ્રેમ આહુજાના એપાર્ટમેન્ટ પર ગયા. પ્રેમ આહુજા બાથરૂમમાંથી સ્નાન કરી બહાર આવેલા હતા અને માથાના વાળ ઓળતા હતા. તેમણે બારણુ ખુલવાનો અવાજ સાંભળ્યો. એમણે જોયું તો તેમના મિત્ર નાણાવટી બારણામાં ઊભા હતા.
એક અહેવાલ પ્રમાણે નાણાવટીએ આહુજાને પોઈન્ટ બ્લેન્ક ગોળી મારી દીધી. બીજા એક અહેવાલ પ્રમાણે નાણાવટીએ આહુજાને કહ્યું હતું કે તમે સિલ્વિયા સાથે લગ્ન કરી લો તો તે યોગ્ય હશે? તેની સામે આહુજાએ નાણાવટીને ના ગમે તેવો જવાબ આપ્યો હોવાનું કહેવાય છે : ‘શું જેટલી સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવું છું તે બધાંની સાથે લગ્ન કરી લઉં ?’ આ જવાબ નાણાવટીને ગુસ્સે કરવા માટે પૂરતો હતો.
-એ પછી નાણાવટીએ પ્રેમ આહુજાને ગોળીઓ ધરબી દીધી અને પ્રેમ આહુજાનું મોત નીપજ્યું.
કહેવાય છે કે આહુજાની હત્યા કરી દીધા બાદ નાણાવટીએ એપાર્ટમેન્ટના ગાર્ડને જતાં જતાં કહ્યું હતું : ‘મેં આહુજાને મારી નાંખ્યો છે.’
તે પછી નાણાવટી સીધા જ તેમના મિત્ર અને ડેપ્યુટી પોલીસ કમિશનર જ્હોન લોબો પાસે ગયા અને કહ્યું: ‘ મેં પ્રેમ આહુજાની હત્યા કરી નાંખી છે.’
બીજા એક અહેવાલ પ્રમાણે નાણાવટી સીધા જ વેસ્ટર્ન નેવલ કમાન્ડ પહોંચ્યા હતા અને પોતે કરેલા અપરાધનો સ્વીકાર કરી લીધો હતો તે પછી તેમને પોલીસ સમક્ષ હાજર થઈ જવા સલાહ આપવામાં આવી હતી. નાણાવટીએ જ્હોન લોબો સમક્ષ ગુનો કબૂલ કરી ઘરની ચાવીઓ છબીઘરમાં બેઠેલી તેની પત્ની સિલ્વિયાને આપવા કહ્યું હતું.
પ્રેમ આહુજાના મર્ડરના સમાચાર આગની જેમ શહેરમાં ફેલાઈ ગયા. નાણાવટીને જ્યારે જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે ત્યારે મુંબઈની સ્ત્રીઓ તેમને જોવા કોર્ટમાં ઊભરતી. કોર્ટ રૂમ પણ ભરાઈ જતો. છ મહિના સુધી મુંબઈના અખબારોમાં આ જ કેસ અંગે હેડલાઈન્સ આવતી. એ વખતે જ્યુરીની પ્રથા હતી. લોકોની લાગણી નેવી ઓફિસર નાણાવટી સાથે હતી. જ્યુરીએ પોતાનો ચુકાદો આપ્યો : ‘નો ગિલ્ટી’!
જ્યુરીનો ચુકાદો નાણાવટીની તરફેણમાં હોવા છતાં સેશન કોર્ટે આ કેસ હાઈકોર્ટમાં રિફર કર્યો. હાઈકોર્ટે જ્યુરીના ચુકાદાને ડિસમિસ કર્યો અને આખાયે કેસની હાઈકોર્ટમાં ફરી સુનાવણી થઈ હાઈકોર્ટે નેવલ ઓફિસર નાણાવટીને પ્રેમ આહુજાના મર્ડર માટે દોષિત ઠેરવ્યા. અને જન્મટીપની સજા ફરમાવી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને માન્ય રાખ્યો.
નાણાવટીને જેલમાં મોકલી દેવાયા. તે પછી તેમના બાળકોને સ્કૂલમાં ઘણી તકલીફો પડી. સ્કૂલમાં જવાનું બંધ કરી દેવું પડયું. સિલ્વિયાની કાર, રેફ્રીજરેટર, કેમેરા એ બધું જ વેચી દેવું પડયું.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નાણાવટીએ માફી માટે અપીલ કરી. એ વખતે પંડિત જવાહરલાલ નહેરુના બહેન વિજયાલક્ષ્મી પંડિત મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા.
છેવટે નેવલ ઓફિસર નાણાવટીની માફીની અપીલ સ્વીકારવામાં આવી. ત્રણ વર્ષની જેલ બાદ નાણાવટી બહાર આવ્યા અને તે પછી નાણાવટી લોકોની નજરથી દૂર રહેવા માટે કાયમ માટે પરિવારને લઈ કેનેડા જતા રહ્યા. ૨૦૦૩માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ અને સિલ્વિયા સાથે હતા.
સિલ્વિયા હવે ૮૦ વર્ષની વયના છે અને એકાકી જીવન જીવે છે.
– દેવેન્દ્ર પટેલ



