Close

ભાભી, આજે રાત્રે તમે પાનેતર કેમ પહેર્યું છે ?

કભી કભી | Comments Off on ભાભી, આજે રાત્રે તમે પાનેતર કેમ પહેર્યું છે ?

kabhkabhiઅઠ્ઠાવીસ વર્ષનો કરણ

છેલ્લા કેટલાક સમયથી મુંબઈ આવ્યો હતો. તે મુંબઈમાં ટેક્સી ચલાવતો હતો. વિરારમાં એક સસ્તું મકાન ભાડેથી લીધું હતું. તેમાં એક રૂમ અને એક વરંડો હતો. એક વાર તેના વતન વલસાડથી જગદીશ નામનો દોસ્ત નોકરી ધંધાની શોધમાં મુંબઈ આવ્યો. જગદીશે કહ્યું : ‘યાર, મારા લગ્ન થયે બે વર્ષ થઈ ગયાં છે. મારી પત્ની મીનાને વલસાડમાં ફાવતું નથી. મુંબઈમાં મને કોઈ કામ ધંધો અપાવ તો હું મીનાને મુંબઈ લઈ આવું’?

કરણ દિલદાર હતો. એણે કહ્યું: ‘કાલે જ ભાભીને લઈ મારા ઘેર રહેવા આવી જા. તું અને ભાભી મારા રૂમમાં રહેજો. હું તો વરંડામાં રાત ગુજારી દઈશ. નોકરી તો તને દસ દિવસમાં અપાવી દઈશ.’

જગદીશ રાજી થઈ ગયો. કરણે પૂછયું: ‘દોસ્ત, લગ્નને બે વર્ષ થઈ ગયાં. કોઈ છોકરા છૈયાં છે કે નહીં’?

જગદીશે શરમાતા કહ્યું :’ના હજુ સુધી નથી.’

બીજા જ અઠવાડિયે જગદીશ તેની યુવાન પત્ની મીનાને લઈ મુંબઈ આવી ગયો. વિરારમાં કરણે તેના જ એક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. મીના શાંત અને સુંદર હતી. એણે કહ્યું: ‘દેવરજી, તમે મારા ઘરવાળા માટે નોકરી શોધો. આજથી તમારે બહાર ઢાબા પર ખાવાનું બંધ. તમારા બંનેની રસોઈ હું જ બનાવીશ.’

કરણ રાજી થઈ ગયો. વર્ષો પછી પહેલી જ વાર એને ઘરની રસોઈ ખાવાની તક મળી. મીના રસોઈ પણ સ્વાદિષ્ટ બનાવતી હતી. થોડા દિવસ પછી કરણે તેના મિત્ર જગદીશને એક કારખાનામાં મુકાદમની નોકરીએ લગાડી દીધો. બંને થાકીને ઘેર આવતા. મીનાની બનાવેલી રસોઈ ખાઈ બેઉ ઊંઘી જતા. મીના અને જગદીશ રૂમની અંદર સૂઈ જતા. બહાર વરંડામાં કરણ સૂઈ જતો.

એક દિવસ કરણ થાકીને વરંડાની લાઈટ બંધ કરીને ઊંઘી ગયો હતો. મોડી રાતે ભરનીંદરમાં સૂતેલા કરણને લાગ્યું કે કોઈ તેને સ્પર્શી રહ્યું છે. એણે આંખ ખોલી અને પૂછયું: ‘કોણ ?’

‘ધીમેથી બોલો. એ તો હું છું મીના.’

‘ભાભી તમે ? આટલી રાતે ? અહીં ?’ : કરણે પૂછયું.

‘હા. પણ… ?’

અને મીનાએ કરણના હોઠ પર આંગળી મૂકી દીધી. એ ધીમેથી બોલી : ‘તમારા ભાઈ મને બાળક આપી શકે તેમ નથી. હું તેમની સાથે પરણીને પસ્તાઈ છું. મારી સાથે છેતરપિંડી થઈ છે. મને ખરાબ ના સમજશો.’

કરણ સમજી ગયો. એ બોલ્યોઃ ઔ’ પણ તમે અહીં…. ?’

મીના મૌન રહી.

એ રાત્રે એક સામાજિક મર્યાદા અને નૈતિકતાનોે ભંગ થયો. બીજા દિવસે કરણે જોયું તો મીના તેની સાથે આંખો મીલાવી શકતી નહોતી. એ જ રીતે કરણ પણ તેની સાથે આંખો મીલાવી શકતો નહોતો. ના તો મીના બદચલન હતી કે ના તો કરણ પરંતુ સમય, સંજોગો, ઈચ્છા, અતૃપ્તી અને સંતાનની વાંચ્છનાનાં તેઓ ગુલામ હતા. એ દિવસ પછી કરણ રોજ રાત્રે ચૂપચાપ જમવા બેસી જતો. મીના ચૂપચાપ પીરસતી. એક દિવસ જગદીશે પૂછયું: ‘મીના, રોજ તો તું તારા દિયરને આગ્રહ કરીને જમાડતી હતી. હમણાં હમણાં એવું કાંઈ કરતી નથી. તમારી વચ્ચે કોઈ અબોલા છે ?’

મીનાએ ટૂંકાક્ષરી જવાબ આપ્યોઃ ‘ના. એવું કાંઈ નથી ?’

જગદીશે કરણને પૂછયું: ‘તારે અને તારી ભાભી વચ્ચે કોઈ ઝઘડો થયો છે ?’

કરણે જવાબ આપ્યો : ‘ના. એવું કાંઈ નથી ?’

જગદીશ કાંઈ સમજ્યો નહીં. સમજવા જેવું પણ કાંઈ હતું નહીં. આ ઓછું બોલવાનો સિલસિલો લાંબો ચાલ્યો. એક દિવસ જગદીશે કરણને ફરી પૂછયું: ‘તારી ભાભીની રસોઈ તને ભાવતી નથી ? તારી ઈચ્છા હોય તો અમે તારા માટે વતનમાંથી સારી છોકરી શોધીએ ?’

મીનાએ જગદીશની સામે જોઈ આંખો કાઢી. જગદીશ એ વાત પણ એ વાત સમજી શક્યો નહીં. પરંતુ કરણ બોલ્યોઃ ‘મારા માટે છોકરી શોધવાનું કામ તમને સોંપું છું .’

મીનાના ચહેરા પર કોઈ ના સમજાય તેવા ભાવ ઊપસ્યા. એણે કરણ સામે કરણના ભાવ નિરખવા પ્રયાસ કર્યો. કરણ પણ ભાભીના ભાવ કળી શક્યો નહીં.

આ વાતને બે મહિના વીત્યા.

એક દિવસ જગદીશને તેના વતન વલસાડ જવાનું થયું. એણે મીનાને કહ્યું: ‘જો મીના, હું બે-ત્રણ દિવસ માટે વલસાડ જાઉં છું. કરણ માટે મેં એક બે જગાએ વાત કરી રાખી છે, સારી છોકરી હોય તો જોતો પણ આવું છું. મારી ગેરહાજરીમાં તારા દિયરને ભૂખ્યો રાખીશ નહીં. બે-ત્રણ મહિનામાં તેને પરણાવી દેવો છે ?’

કરણ જગદીશ સામે જોઈ રહ્યો. તે ધીમેથી બોલ્યોઃ ‘મારા માટે છોકરી પસંદ કરે તો ભાભી જેવી જ પસંદ કરજે ?’ ‘એમ જ કરીશ. અદ્દલ મીના જેવી.’ કહી બીજા દિવસે ટ્રેન પકડી જગદીશ વલસાડ જવા રવાના થઈ ગયો.

હવે ઘરમાં કરણ અને મીના એકલાં જ હતા. મીનાએ કરણને કહ્યું: ‘આજે જવાનું નથી.’

‘કેમ ?’

‘બસ. ઘેર જ રહો.’

‘પણ કેમ ?’

મીના બોલી : ‘આપણને બંનેને એકલાં રહેવાની આવી તક ફરી નહીં મળે.’

‘પણ ભાભી ?’

‘હું કહું છું ને કે આજે ઘેર જ રહેવાનું છે’ : મીનાએ સત્તાવાહી સ્વરે કહ્યું.

‘પણ….’

‘પણ અને બણ છોડો’ : મીના એના નિર્ણયમાં મક્કમ હતી.

કરણ મીનાના આદેશને અનુસરીને ઘેર જ રહ્યો. આજે મીનાએ પૂરી રસોઈ બનાવી. મીઠાઈ પણ લઈ આવી. એણે કહ્યું: ‘આજે હું તમને મારા હાથે જ જમાડીશ.’

કરણ બોલ્યોઃ ‘ પણ ભાભી, આ બરાબર નથી. એકવાર જે ભૂલ થવાની હતી તે થઈ ગઈ પરંતુ તમે મારા દોસ્તના પત્ની છો. હું આજે પણ પસ્તાઈ રહ્યો છું.’

મીના બોલી : ‘મેં કહ્યું ને આજે તમારે મારા હાથની રસોઈ મારા હાથે જ જમવી પડશે.

કરણ નિઃસહાય હતો. એ રાત્રે મીનાએ પોતાના હાથે જ કરણને જમાડયો. કરણે અનિચ્છાએ મીનાના હાથે ભોજન કરવાનું સ્વીકાર્યું. રાત હવે પડી ગઈ હતી.

રૂમનું બારણું બંધ થઈ ગયું. મીનાએ બત્તી ચાલુ રાખી. એણે કહ્યું : ‘મને આજે સરસ સાડી પહેરવા દો. સરસ રીતે તૈયાર થવા દો.’

‘કેમ ?’

‘પછી કહું છું.’ કહેતાં મીનાએ ઉમેર્યું : ‘થોડી વાર બહાર જાવ.’

કરણ રાતના અંધારામાં બહાર ગયો. બારણું બંધ કરી મીનાએ એક બેગ ખોલી. બેગમાંથી પાનેતર કાઢયું. રેશમી ચણિયો પણ કાઢયો. સરસ પરણેતરના વસ્ત્રોમાં સજ્જ થઈ. મંગળસૂત્ર પહેર્યું. કપાળમાં બીંદી કરી. દર્પણમાં એક-બે વાર જોઈ લીધું. તે પછી બારણું ખોલી ધીમેથી એણે કરણને બૂમ મારી : ‘હવે આવો.’

કરણ તો મીનાને પરણેતરના વેશમાં જોઈ આભો જ બની ગયો. એણે પૂછયું : ‘ભાભી, આજે રાત્રે આ પાનેતર કેમ પહેર્યું ?’

મીનાએ કહ્યું: ‘ચૂપચાપ ઊભા રહો. મારે તમારી આરતી ઉતારવી છે.’

મીનાએ આરતી તૈયાર રાખી હતી. કરણ કાંઈ સમજી શકયો નહીં. તે મીનાના સંમોહનનો શિકાર હતો. મીનાએ કરણની આરતી ઉતારી અને કહ્યું : ‘આ થાળીમાં સિંદૂર છે તે મારી સેંથીમાં પૂરો.’

‘પણ ભાભી…. તમે તો મારા ભાભી છો.’

‘મેં કહ્યું એમ જ કરો’  : બોલતાં મીનાના હોઠ લડખડાતા હતા. તેના બોલવામાં ફરક પડી ગયો હતો. તેની આંખો બદલાઈ રહી હતી. તે ઊભી રહી શકતી નહોતી. સંતુલન ગુમાવી કહી હતી. કરણે મીનાને પકડી લીધી, તેને લાગ્યું કે કાંઈ ગરબડ છે. તે બોલ્યો : ‘ભાભી ! ભાભી ! તમને શું થઈ રહ્યું છે?’  મીના લડખડાતી જીભે બોલી : ‘દેવરજી ! મેં સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી પાપ કર્યું. મેં એ પાપમાં તમને પણ ભાગીદાર બનાવ્યા. હું પ્રેગ્નન્ટ છું. તમે જ એના પિતા છો. હું એ પાપ સાથે જીવવા માંગતી નથી. પણ મારા શરીરમાં તમારો અંશ છે. તેના પિતા માત્ર ને માત્ર તમે જ છો. મરતાં પહેલાં તમને એ બાળકના પિતા બનાવવા તમારી પરણેતર તરીકે મરવા માંગુ છું. મને અને તમારા બાળકને માફ કરજો.  એટલું બોલતાં તે કરણના ચરણોેમાં ઢળી પડી. મોંમાંથી ફીણ આવી ગયું. એણે પરિણીતા તરીકેના વસ્ત્રો પરિધાન કરતાં પહેલાં ઝેર પી લીધું હતું. મીના હવે આ દુનિયામાં નથી. ભૂલ બધાં જ કરે છે પરંતુ આવોે પૃાતાપ કોઈ ભાગ્યે જ કરે છે.

(બધા જ નામો પરિવર્તિત છે)

Be Sociable, Share!