Close

અફઘાનિસ્તાનથી આવ્યો ને મુંબઈનો ડોન બની ગયો !

કભી કભી | Comments Off on અફઘાનિસ્તાનથી આવ્યો ને મુંબઈનો ડોન બની ગયો !
કહેવાય છે કે અમેરિકાના અંડરવર્લ્ડના માફિયાઓ સૌથી પહેલાં શિકાગો શહેરમાં પેદા થયા તે રીતે ભારતમાં અંડરવર્લ્ડનો આરંભ મોહમયી નગરી મુંબઈથી થયો. એ બધામાં જાણીતું નામ છે- કરીમ લાલા.
કરીમ લાલાનું આખું નામ અબ્દુલ કરીમ શેરખાન. તે મૂળ અફઘાનિસ્તાનનો વતની હતો.
કરીમ લાલાનો જન્મ ૧૯૧૧માં અફઘાનિસ્તાનના કુનર પ્રાંતના શેરગીલ જિલ્લાના સમાલમ ગામમાં થયો હતો. તે પુશ્તુ ભાષા બોલતો પશ્તુન પઠાણ હતો.
૧૯૨૦માં તે પરિવાર સાથે મુંબઈ આવ્યો હતો. પૂરા બે દાયકા સુધી  તે મુંબઈના ત્રણ કુખ્યાત માફિયા ડોન્સ પૈકીનો એક હતો. કરીમ લાલા ઉપરાંત મુંબઈના બીજા બે નામચીન ડોન્સમાં હાજી મસ્તાન અને વરદ રાજન મુદલિયારનો સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાનથી ભારત આવ્યા બાદ કરીમ લાલા મુંબઈના ભીડભાડવાળા ભીંડી બજારમાં સ્થાયી થયો. રોજી રળવા ભારત આવેલા કરીમ લાલાએ તેની કારકિર્દીની શરૂઆત મુંબઈના બંદર પર એક શ્રામજીવી તરીકે શરૂ કરી. અહીં તેનો પરિચય ગેરકાનૂની કૃત્યો કરતી પઠાણ ગેંગ સાથે થયો. આ ગેંગ ગુજરાતી, મારવાડી તથા શાહુકારો કે જેઓ નાણાં ધીરવાનું કામ કરતા હતા. તેવા ઘનવાનોના પૈસા વસૂલ કરવાના, રિકવરી એજન્ટસ તરીકે કામ કરતી હતી. જે લોકો કર્જ લઈને નાણાં પરત કરતા નહોતા તેમની પાસેથી નાણાં વસૂલ કરવાનું કે તેમની પ્રોપર્ટી જપ્ત કરવાનું કામ આ પઠાણ ગેંગ કરતી હતી. ‘પઠાણી ઉઘરાણી’એ શબ્દ પણ આ રીતે જ જાણીતો બન્યો.
સમયના વહેણ સાથે કરીમ લાલા  જ એ પઠાણોનો બોસ બની ગયો. કરીમ લાલાનું  બીજું નામ ‘બડે બાબા’ પણ હતું ઃ ‘૬૦થી ‘૮૦ સુધીના  પૂરા બે દાયકા સુધી કરીમ લાલાનું આ કાર્યક્ષેત્ર મુંબઈના ડોંગરી, નાગપાડા, ભીંડી બજાર અને મોહંમદ અલી રોડ વિસ્તારમાં રહ્યું. બીજા શબ્દોમાં કરીમ લાલાની ગેંગ ‘પઠાણ ગેંગ’ તરીકે જાણીતી હતી. આ ગેંગ ગેરકાનૂની સટ્ટો, ગેરકાનૂની દારૂનું વેચાણ, ગેરકાનૂની રીતે પૈસા વસૂલી, ગેરકાનૂની રીતે જમીનો ખાલી કરાવવી, અપહરણ, પ્રોટેક્શન મની- અર્થાત્ હપતા વસૂલીથી માંડીને કોન્ટ્રાક્ટ કિલિંગ અર્થાત્ સોપારી લેવાથી માંડીને નાર્કોટિક્સ અને નકલી નોટોના વિતરણ જેવા અપરાધિક કૃત્યો કરતી રહી.
કરીમ લાલા હવે પઠાણ ગૅંગનો સૌથી ઉપરી બોસ બની ગયો હતો. લોકો તેના નામથી ફફડતા હતા.
આ દરમિયાન મુંબઈમાં બીજા બે માફિયા ડોન પણ પેદા થયા. તેમાંથી એક  હતો વરદ રાજન મુદલિયાર અને બીજો હતો હાજી મસ્તાન. એ બન્ને સાથે કરીમ લાલાએ એક મૌખિક સંધિ કરી લીધી. હવે આ ત્રણેયની ગેંગ પોતપોતાના ક્ષેત્રમાં મુક્ત રીતે અપરાધિક કૃત્યો કરી હતી.
કરીમ લાલાએ બે વખત શાદી કરી હતી.  બંને પત્નીઓ એક એક પુત્રીની  માતા બની હતી. તેને એક પૌત્ર પણ હતો.
કરીમ લાલાની માફિયા ડોન તરીકેની કારકિર્દી ટોચ પર હતી ત્યારે બોલિવૂડના કેટલાક કલાકારોને બોલાવતો હતો અને દાવત આપતો હતો. ખાસ કરીને ઈદ વખતે બોલિવૂડના કલાકારોને તે નિમંંત્રણ આપતો હતો. અત્રે એ નોંધવું જરૂરી  છે કે મુંબઈના ફિલ્મ જગતના કેટલાક અભિનેતાઓ કરીમ લાલાની વાતચીત કરવાની સ્ટાઇલ અને શૈલીની અભિનવ દરમિયાન નકલ કરતા હતા. ૧૯૭૩માં  મુંબઈની જાણીતી લેખક બેલડી સલીમ-જાવેદે ‘ઝંઝીર’ ફિલ્મ લખી હતી. આ ફિલ્મમાં શેરખાનનું એક પાત્ર આવે છે જે જાણીતા ખલનાયક પ્રાણે ભજવ્યું હતું. શેરખાન તરીકેના  પ્રાણના અભિનયમાં કરીમ લાલાના મેન રીઝમની છાંટ હતી. તેમણે ‘ઝંઝીર’ ફિલ્મ જોઈ. તેમને પ્રાણનો શેરખાન તરીકેનો અભિનયને આજે પણ યાદ છે. લેખક સલીમ એટલે આજના જાણીતા એક્ટર સલમાન ખાનના પિતા અને જાવેદ એટલે શબાના આઝમીના પતિ.
૧૯૭૦ના સમયગાળા બાદ કરીમ લાલાનું સ્વાસ્થ કથળવા લાગ્યું હતું. તબિયત નાદુરસ્ત રહેતા કરીમ લાલાએ તેની પઠાણ ગેંગનું નેતૃત્વ તેના ભત્રીજા સમદ ખાનને સોંપી દીધું. સમદ ખાને એે બધા પૈસા મુંબઈની હૉટેલ બિઝનેસ અને ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી. જો કે કરીમ લાલાએ  તેની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલુ રાખી હોવા છતાં તેણે બે હૉટેલો ઊભી કરી. તેનો કાયદેસરનો ધંધો પણ વિકસાવ્યો જેમાં એક ‘અલ કરીમ હૉટેલ’ અને બીજી ‘ન્યૂ ઈન્ડિયા હૉટેલનો સમાવેશ થાય છે.
એ વખતે મુંબઈમાં કાર્યરત એવી વરદ રાજન મુદલિયાર અને હાજી મસ્તાનની ગેંગ સાથે એણે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા. કરીમ લાલાએ ‘ન્યૂ ઇન્ડિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ નામની ટ્રાવેલ  અને પાસપોર્ટ એજન્સી પણ શરૂ કરી.
કરીમ લાલા દર અઠવાડિયે એક દરબારનું એટલે કે બેઠકનું આયોજન કરતો હતો. તેને દરબારમાં નાના અને ગરીબ લોકો તેમની તકલીફો અને દુઃખો રજૂ કરતાં. કરીમ લાલા તેના દરબારમાં આવેલા લોકોને તેની ગેંગના મસલ પાવરથી ન્યાય તોળતો અને ગરીબોને પૈસાથી મદદ પણ કરતો હતો. નિઃસહાય લોકોને ન્યાય પણ અપાવતો- પણ પોતાની શૈલીથી.
તા.૯ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ૯૦ વર્ષની વયે તેનું અવસાન થયું. એ વખતે તેનો નાનો ભાઈ અલી મોહંમદ અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રહેતો હતો. પરંતુ તે કદી તેના મોટાભાઈ કરીમ લાલાને  મળી શક્યો નહીં.
મુંબઈમાં કરીમ લાલાના માફિયા ડોન તરીકેના વ્યક્તિત્વ અને તેના મસલ પાવરને જોઈને ડોંગરી અને ભીંડીબજારમાં બીજા અનેક નાના માફિયા ડોન પણ પેદા થયા. તેમાંથી એક હતો અજિત દિલીપ. તે પણ એક મુસ્લિમ પરિવારમાંથી આવતો હતો અને ડોંગરી વિસ્તારમાં જુગારખાનાની એક ગેરકાનૂની કલબ ચલાવતો હતો. એની કલબમાં જ એનું પ્રાઇવેટ કિચન હતું. જ્યાં રોજ ચિકન બનતું. ૧૯૭૦ પછીના સમયમાં તેની કલબની નીચે જ શરાબની એક દુકાન હતી. જ્યાં એ જમાનામાં માત્ર ૬૦ રૂપિયાના ભાવે સ્કોચ વ્હિસ્કી મળતો. અજિત દિલીપ બપોરે કે સાંજે તેની કલબના મેડા પરથી નીચે ઊતરે ત્યારે કેટલાયે ગરીબ સ્ત્રી-પુરુષો મદદ માટે  યાચના કરતાં જણાતાં. અજિત દિલીપ ઉદાર હતો અને એ તમામને આર્થિક મદદ કરતો. કોઈ સ્ત્રીના સંતાનની સ્કૂલની ફી પણ તે ભરી દેતો. અજિત દિલીપ અમદાવાદ અને નડિયાદમાં પણ તેના મિત્રોને મળવા આવતો. એક દિવસ કોઈ કારણસર અજિત દિલીપની ગેંગના માણસોએ પઠાણ ગેંગના માણસની હત્યા કરી નાંખી. તેના બદલા રૂપે  પ્રતિસ્પર્ધી ગેંગના માણસોએે અજિત દિલીપને તલવારથી કાપી નાખી હત્યા કરી નાંખી હતી.
મુંબઈના અંડરવર્લ્ડનો ઇતિહાસમાં મુંબઈમાં અંડરવર્લ્ડનો આરંભ કરનાર તરીકે કરીમ લાલા એક પાયોનિયર માફિયા ડોન હતો.  પાછળના સમયમાં તેના ભત્રીજા સમદ ખાન અને તેના પ્રતિસ્પર્ધી શબીર ઇબ્રાહીમ કાસ્કર તથા દાઉદ ઇબ્રાહીમ કાસ્કર વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો.
કહેવાય છે કે કરીમ લાલા એના સમયના મુંબઈના એક ટોચના હિન્દુત્વવાદી સુપ્રીમોની પણ નજીક હતો.
આવનારો સમય અરુણ ગાવલી, દાઉદ ઇબ્રાહીમ, છોટા રાજન અને રવિ પૂજારીનો મુંબઈના ડોન તરીકેના ઉદયનો હતો.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!