Close

હસીના પારકર લેડી ડોનને મુંબઈની પોલીસ કદી પણ સ્પર્શી શકી નહીં !

કભી કભી | Comments Off on હસીના પારકર લેડી ડોનને મુંબઈની પોલીસ કદી પણ સ્પર્શી શકી નહીં !
હસીના પારકર
ડોન દાઉદ ઇબ્રાહીમની બહેનનું નામ છે.  ‘હસીના પારકર’  આ નામથી જ એક ફ્લ્મિ બની છે. ફ્લ્મિનું અસલ ટાઈટલ   ‘હસીના પારકર ઃ ક્વીન ઑફ્ મુંબઈ’ હતું. પાછળથી તે ટાઇટલ માત્ર હસીના પારકર જ રાખ્યું. એકટ્રેસ શ્રાદ્ધા કપૂરે હસીના પારકરનો રોલ કર્યો છે. જ્યારે શ્રાદ્ધા કપૂરના સાચૂકલા ભાઈ સિદ્ધાંત કપૂરે હસીના પારકરના ભાઈ દાઉદ ઈબ્રાહીમનો રોલ કર્યો છે. ડોન દાઉદની ગેરહાજરીમાં તેની બહેન હસીના પારકરનો દબદબો હતો. તે ‘ગોડ મધર ઑફ્ નાગપાડા’ તરીકે પણ જાણીતી હતી. ફ્લ્મિની નહીં, પરંતુ અસલી હસીના પારકરની કહાણી કંઈક આવી છે.
લેડી ડોન તરીકે જાણીતી ડોન દાઉદની બહેન હસીના પારકર મુંબઈમાં રહી દાઉદ ઇબ્રાહીમનો મુંબઈ ખાતેનો તમામ ગેરકાયદે બિઝનેસ સંભાળતી હતી. તા.૬ જુલાઈ ૨૦૧૪ ના રોજ હસીના પારકરનું ૫૧ વર્ષની વયે મુંબઈમાં મૃત્યુ નીપજ્યું. હસીના પારકર લેડી ડોન તરીકે જાણીતી હતી. તેના પરિવારમાં તે ‘આપા’ના નામથી જાણીતી હતી. દાઉદ ઇબ્રાહીમના પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ તે મુંબઈના ડોંગરી વિસ્તારમાં નાગપાડાના ગોર્ડન વિસ્તારમાં રહેતી હતી. ૧૯૯૧ માં અરુણ ગવળીએ તેના પતિ ઈસ્માઈલ પારકરની ડોંગરીમાં જ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. પતિના મૃત્યુ બાદ હસીના પારકરને ડી – કંપનીમાં સામેલ કરી દેવામાં આવી હતી. એણે ડોનના બિઝનેસ પર કાબૂ મેળવી લીધો હતો. એની ઝડપ માટે એક કિસ્સો જાણીતો છે. એકવાર એક ભવ્ય ઈમારતમાં એક એપાર્ટમેન્ટ જોવા ગઈ. એ એપાર્ટમેન્ટ એને પસંદ આવ્યો. એ બિલ્ડિંગના ૭ મા માળે રહેતા બીજા તમામ રહીશોને માત્ર અડધો જ કલાકમાં તેમનાં એપાર્ટમેન્ટ ખાલી કરી બહાર રવાના કરી દેવામાં આવ્યા હતા. એક પણ રહીશે હસીના સામે ફ્રિયાદ કરવાની હિંમત કરી નહોતી. એ પછી નાગાપાડા વિસ્તારના ગોર્ડન હાઉસનો આખોયે સાતમો માળ હસીના પારકરની માલિકીનો બની ગયો હતો. હસીના અહીં રહેવા આવી તે પછી દાઉદ ઈબ્રાહીમના ગેંગના માણસોએ બિલ્ડિંગની આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત બનાવી દીધો હતો. હસીના  ‘ગોડ મધર ઑફ્ નાગપાડા’ તરીકે પણ જાણીતી બની હતી. ડોંગરી વિસ્તારમાં દાઉદ ઇબ્રાહીમની બહેન દ્વારા ચાલતા ગેરકાયદે બિઝનેસને પોલીસે ‘કેર ટેકિંગ’  એવું નામ આપ્યું હતું. મુંબઈ પોલીસની ધારણા પ્રમાણે દાઉદ ઇબ્રાહીમે તેની ૪૫ જેટલી બેનામી મિલકતોને હેન્ડલ કરવાનું કામ હસીના પારકરને સોંપ્યું હતું. હસીના આ ઉપરાંત દાઉદ માટે ખંડણીનો બિઝનેસ, બોલિવૂડની ફ્લ્મિોનો ઓવરસીર્સ બિઝનેસ, હવાલા બિઝનેસ અને ટીવી કેબલ બિઝનેસ પણ સંભાળતી હતી. મોટી પ્રોપર્ટીઓના ઝઘડામાં મધ્યસ્થી બનીને તે વિવાદોનો ઉકેલ લાવવાનું અને તે કામ કરવા બદલ મોટી ફ્ી વસૂલ કરવાનું કામ પણ હસીના પારકર કરતી હતી.
મુંબઈ પોલીસમાં હસીના પારકર સામે છેતરપિંડી અને ખંડણીનો માત્ર એક જ કેસ હતો. હસીના પારકર જીવી ત્યાં સુધી ખુલ્લેઆમ મુંબઈની પોલીસના નાક નીચે ડોન દાઉદનો બિઝનેસ સંભાળતી રહી અને પોલીસે તેને પકડવાની હિંમત કરી નહોતી.
મુંબઈની ગુપ્તચર શાખાને ખબર હતી કે, હસીનાને જે ગેરકાયદે બિઝનેસ ગમી જાય તે ધંધો તે હાંસલ કરી લેતી હતી. જરૂર પડે તમામ ધંધાઓમાં તેના ‘કટ’  રાખતી. તમે તેને કમિશન, હપતો કે ખંડણી કહી શકો છો અને એ બધું જ દાઉદ ઇબ્રાહીમના નામે થતું. હસીના પારકરની જીવનશૈલી પણ *ગોડમધર* સ્ટાઇલની હતી. જેઓ તેને વફદાર રહેવાના સોગંદ લેતા તેની પૂરેપૂરી કાળજી તે લેતી હતી. પોતાના સાથીઓ વચ્ચે તેની પ્રતિષ્ઠા રોબિનહૂડ ટાઈપની હતી. હસીના પારકર ધાર્યા કરતાં ખૂબ ચાલાક હતી. હસીના પાકિસ્તાન સ્થિત તેના ભાઈ દાઉદ ઇબ્રાહીમ સાથે સીધો સંબંધ બહુ જ ઓછો રાખતી. તેની સાથેનો સીધો સંદેશાવ્યવહાર નહિવત્ હતો. જેથી ગુપ્તચર ખાતાના સર્વેન્સમાં તે આવી ના જાય. ગુપ્તચર ખાતું તેના ટેલિફેન્સને આંતરે છે તે વાતને તેને ખબર હતી. આ કારણથી હસીના તેના અંગત અને વિશ્વાસુ સંદેશાવાહકો દ્વારા જ દાઉદ ઇબ્રાહીમના સંપર્કમાં રહેતી. આ માટે તેની સંદેશાવાહકોનું એક ખાસ નેટવર્ક હતું. કહેવાય છે કે, ડોન દાઉદ ઇબ્રાહીમ દર મહિને રૂ. બે કરોડની રકમ નેટવર્ક ખર્ચ અને બીજા નિભાવ માટે હસીનાને મોકલતો હતો.
મુંબઈના માફ્યિાઓ પર પુસ્તક લખનાર લેખક હુસેન ઝૈદી એકવાર પુસ્તક લખતા પહેલાં હસીનાને મળવા ગયા હતા. હસીના એ રૂમમાં આવે તે પહેલાં તેઓ સોફ પર બેઠા હતા. તે પછી હસીના પ્રવેશી પણ હુસેન ઝૈદી બેઠેલા જ રહ્યા. ઘરની નોકરાણીએ તેમને પૂછયું ઃ * તમે કેમ ઊભા ન થયા ?’ એ પ્રશ્નના જવાબમાં લેખકે જણાવ્યું ઃ ‘હું ઊભો થાઉં એનો મતલબ એ થાત કે હું ભયના કારણે ઊભો થયો છું અને તે હસીના પા૨ક૨ માટે સાચું સન્માન ન હોત’! અને એ જવાબ સસ્મિત એણે સ્વીકારી લીધો હતો.
હસીના પારકરે તેની જિંદગીમાં ઘણા હાદસા નિહાળ્યા છે. ૨૦૦૬ માં તેનો પુત્ર દાનીશ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. તે પહેલાં ૧૯૯૧ માં તેના પતિ ઈસ્માઈલ પારકરની હત્યા થઈ ગઈ, એ પછી દાઉદ પોતાના બનેવીને મારનાર અરુણ ગવળીના માણસને જે.જે. હૉસ્પિટલ શૂટ આઉટમાં પતાવી દીધો હતો. આવી હસીના પારકર ઘણીવાર લોકોની નજરમાંથી અદૃશ્ય રહેતી, ઘણા તેને પાકિસ્તાનમાં જતી રહી છે તેમ માનતા, પરંતુ તે નાગપાડામાં જ હતી. મૃત્યુના એક અઠવાડિયા પહેલાં તેનો ડાયાબિટીસ અને શુગર વધી ગયા હતા. બ્લડપ્રેશર ઘટી રહ્યું હતું. અન્ય દેશમાં રહેલા તેના ભાઈને આ વાતની ખબર પડતાં તે ચિંતામાં પડી ગયો હતો. એ રાત્રે ૨.૩૦ વાગે હસીનાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેને તરત જ ડોંગરીની ૮૦ પથારીઓવાળી હબીબ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ હૉસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ તરીકે જાણીતી છે. મુંબઈના કેટલાક ટોચના ફ્િઝિશિયન્સ આ હૉસ્પિટલ સાથે સંલગ્ન છે. તે બધાને જ બોલાવી લેવાયા. તે બધા જ નિષ્ણાત તબીબોના શ્રોષ્ઠ પ્રયાસો છતાં કાર્ડિયાક એટેકના કારણે હસીનાનું મૃત્યુ થયું. પોલીસના કહેવા મુજબ ‘દાઉદના માણસો હસીનાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે પછી પળેપળની જાણકારી દાઉદને મોકલતા હતા. હસીના મૃત્યુ પામી ત્યાં સુધી આ સંદેશાવ્યવહાર જારી રહ્યો. એ વખતે દાઉદ સંયુક્ત આરબ અમીરાતમાં કોઈક સ્થળેથી બોલતો હતો અને બહેનના સમાચા૨થી ઘણો દુઃખી હતો. કેટલાક લોકો માનતા કે બહેનની અંતિમક્રિયા વખતે તે ભારત આવશે, પરંતુ પાછળથી એણે વીડિયો દ્વારા જ અંતિમક્રિયા નિહાળવાનો નિર્ણય લીધો હતો. કોઈએ સ્કાઇપ દ્વારા દાઉદને વીડિયો દૃશ્યો મોકલ્યાં હતાં.’
છેવટે હસીના પારકરને મરીન લાઇન કબ્રસ્તાન ખાતે દફનાવવામાં આવી.
૧૯૮૨ માં દાઉદ ઇબ્રાહીમે મુંબઈના બડા કબ્રસ્તાન ટ્રસ્ટને દાન આપી આખા પરિવારની દફનવિધિ માટે જગા નિર્ધારિત કરાવી હતી. આ કબ્રસ્તાન મુંબઈમાં ચંદનવાડી, મરીન લાઇન્સ ખાતે આવેલું છે, જ્યાં હસીનાને દફનાવવામાં આવી. દાઉદે પણ પોતાની દફનવિધિ માટે આ જગા બુક કરાવેલી છે. આજે પણ એ દફન સ્થળ માટે જરૂરી મેન્ટેનન્સ ફ્ી નિયમિત રીતે ચૂકવવામાં આવે છે. દાઉદ ઇબ્રાહીમની માતા આમેના બી, પિતા ઇબ્રાહીમ, ભાઈ સાબિર અને બનેવી ઈસ્માઈલ પારકરને પણ અહીં જ દફનાવેલાં છે. હવે બહેન હસીના પણ અહીં જ સૂતી છે. આ છે હસીના પારકરની અસલી કથા.
અત્રે નોંધવું જરૂરી છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) દ્વારા તાજેતરમાં જ ઇબ્રાહીમના નિકટના સગાઓ અને સાથીઓના ૧૦ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દાઉદની બહેન હસીના પારકરનાં મુંબઈ ખાતેનાં નિવાસ સ્થાને પણ તપાસ માટે હાથ ધરવામાં આવી છે. દાઉદની બહેન હસીના પારકરનું ઘર બંધ હાલતમાં છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. જોકે હસીના પારકર આજે હયાત નથી.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!