કેટલાક સમય પહેલાં મુંબઈ ખાતે છોટા રાજનની માતાનું અવસાન થયું હતું. અંતિમક્રિયા વખતે એક હજાર માણસો હાજર રહ્યા પરંતુ છોટા રાજન પોતાની માતાની અંતિમક્રિયામાં હાજર રહી શક્યો નહોતો.
છોટા રાજન એ અંડરવર્લ્ડનું જાણીતું નામ છે. છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિખાલજે છે. મહારાષ્ટ્રમાં જન્મેલા રાજેન્દ્રને બચપણમાં ‘નાના’ એવું નીકનેમ આપવામાં આવ્યું હતું. એ વખતે એક્ટર મિથુન ચક્રવર્તીનો જમાનો હતા. નાની વયથી જ મિથુન ચક્રવર્તીનો જબરદસ્ત ફેન હતો. તે મિથુન જેવાં વસ્ત્રો પહેરતો અને મિથુન જેવી જ હેરસ્ટાઇલ રાખતો. મિથુનની ‘સુરક્ષા’, ‘વારદાત’ અને ‘સાહસ’ જેવી ફ્લ્મિો અનેકવાર જોઈ કાઢી હતી. મુંબઈના સહકાર સિનેમામાં જયારે પણ મિથુનની ફ્લ્મિ આવે ત્યારે નાના તેના મિત્રો સાથે સિનેમાની ટિકિટોને બ્લેકમાં વેચી પૈસા કમાવા લાગ્યો હતો.
મિથુનની ‘સાહસ’ ફ્લ્મિ રજૂ થઈ ત્યારે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ વધી જતાં થિયેટરની બહાર પોલીસ ગોઠવવી પડી હતી. નાનાએ પોલીસથી ગભરાયા વગર ટિકિટોના બ્લેક જારી રાખતાં લોકોએ બૂમરાણ કરી દીધી. પોલીસે નાનાના સાગરીતો પર લાઠીચાર્જ શરૂ કર્યો. નાનાના છોકરાઓ નાસભાગ કરવા લાગ્યા. એણે પોલીસના હાથમાંથી જ લાઠી ખૂંચવી લીધી અને પોલીસની જ લાઠીથી પાંચ પોલીસ કોન્સ્ટેબલ્સને ઝૂડી નાખ્યા. પોલીસ ભાગી ગઈ. નાનાના આ પરાક્રમની નોંધ મુંબઈના અંડરવર્લ્ડે લીધી. અત્યાર સુધી તિલકનગર ખાતે આવેલા સહકાર પ્લાઝા સિનેમા પર જગદીશ શર્મા નામના ગુંડાના માણસો જ ટિકિટોનાં કાળાં બજાર કરતા હતા. જગદીશ શર્મા થોડોક બહેરો હતો, ‘ગૂંગો’ નહોતો, પરંતુ તે’ગૂંગા’ ના નામે જાણીતો હતો. એ ઘટના બાદ નાનાની પણ એક આગવી ઓળખ ઊભી થઈ. એ ઘટના બાદ નાના અને તેના મિત્રોની ધરપકડ થઈ પરંતુ એ સમયના ડૉન રાજન નાયરે ગુંગાને કહ્યું કે, ‘એ છોકરાઓની કાળજી લો.’ રાજન નાયરના કારણે નાના અને તેના મિત્રોને જામીન મળી ગયા.
હવે આખાયે વિસ્તારમાં નાનાની ગેંગ જાણીતી બની ગઈ. મુંબઈના તિલકનગર અને ચેમ્બુર વિસ્તારમાં નાનાની ગેંગની વાતો ચર્ચાવા લાગી. એ વખતે મુંબઈના નોર્થ ઈસ્ટ સબર્બમાં રાજન નાયરની ગેંગનો પ્રભાવ હતો. નાના જેલમાંથી બહાર આવતાં જ રાજન નાયરે તેને બોલાવી તેની હિંમતની પ્રશંસા કરી ઃ ”અચ્છા હીરોગીરી કિયા ઉસ દિન.”
એ ૮૦ નો દાયકો હતો. એ વખતે નીચલા મધ્યમ વર્ગમાંથી આવતા છોકરાઓને નોકરી મળતી નહોતી. એ વખતે નાનાની વય ૨૫ વર્ષની હતી. ધીમે ધીમે સિનેમાની ટિકિટોના કાળાબજાર કરી તેણે સારી કમાણી કરી લીધી હતી. કેટલાક સમય બાદ ‘ગૂંગા’ એ નાનાને બ્લેક માર્કેટ ટિકિટ સેલર્સ ટીમનો વડો બનાવ્યો. નાનાએ છબીઘરોના માલિકોને જ ટિકિટોના કાળાબજારમાં ભાગીદાર બનાવી દીધા. થોડી જ ટિકિટો બારી પર વેચાતી, બાકીની ટિકિટોના બ્લેક થતાં અને તેમાં છબીઘરના માલિકોનો પણ ભાગ રહેતો. નાના હવે જાણીતો બની ગયો હતો.
એ સમયગાળા દરમિયાન એ સમગ્ર વિસ્તારના ડૉન રાજન નાયરની એસ્પ્લાનેડ કોર્ટ પાસે એક રિક્ષાવાળાએ હત્યા કરી નાખી. આ હત્યા અબ્દુલ સંજુ નામના પ્રતિસ્પર્ધી મોટા ગુંડાએ કરાવી નાખી હતી. નાના અને ગૂંગો એ બેઉ રાજન નાયરના માણસો હતા. રાજન નાયરનું ખૂન થઈ જતાં નાના વિચલિત થઈ ગયો. એણે એના બૉસ રાજન નાયરની હત્યાનો બદલો લેવા મનોમન નિર્ણય કરી લીધો. રાજન નાયર ‘બડા રાજન’ તરીકે પણ ઓળખાતો હતો. બૉસના મૃત્યુ બાદ નાનાએ તેનો કારભાર સંભાળી લીધો અને બૉસની હત્યા કરાવનાર અબ્દુલ કુંજુને પતાવી દેવાનો નિર્ધાર જાહેર કર્યા બાદ નાના હવે ‘છોટા રાજન’ તરીકે ઓળખાવા લાગ્યો.
નાના ઉફ્ર્ે છોટા રાજનનો આ નિર્ધાર જાહેર થતાં એ વખતના મુંબઈના માફ્યિા બૉસ ડૉન દાઉદ ઈબ્રાહીમ પણ પ્રભાવિત થયો. મુંબઈના નોર્થ ઈસ્ટની બધી જ ગેંગો હવે છોટા રાજન તેમની સાથે જોેડાય તેવું ઇચ્છતી હતી. છોટા રાજન અબ્દુલ કુંજુને ઉડાડી દેવાની યોજના બનાવી રહ્યો હતો. દાઉદ ઈબ્રાહીમ બીજી બધી જ પૃાદભૂમિકાઓ ધરાવતા લોકો તેની ગેંગમાં સામેલ કરવા માંગતો હતો. દાઉદને હતું કે હાજી મસ્તાન કે કેટલાક પઠાણ છોટા રાજનને તેમની ગેંગમાં સામેલ કરી લે તે પહેલાં તે પોતાની ગેંગમાં આવી જાય તો વધુ સારું.
ખૂબ જ ત્વરાથી એક દિવસ દાઉદ ઈબ્રાહીમે છોટા રાજનને પોતાના હેડક્વાર્ટર પર મળવા બોલાવ્યો. એવું કહેવાતું હતું કે મુંબઈનો કોઈ પણ માણસ દાઉદના આવા નિમંત્રણનો અસ્વીકાર કરી શકે નહીં. છોટા રાજનનું એવું સ્વપ્ન હતું કે એક દિવસ દાઉદ ઈબ્રાહીમ સાથે કામ કરવું અને તે આજે સાચું પડતું લાગ્યું. દાઉદ ઈબ્રાહીમ છોટા રાજનના બૉસ બડા રાજન કરતાં પણ મોટો ડૉન હતો. દાઉદનો અંડરવર્લ્ડમાં એક કરિશ્મા હતો.
દાઉદે છોટા રાજનને તેના ઘેર બોલાવ્યો હતો, તેના એક પણ સાગરીતને આમંત્રણ નહોતું. છોટા રાજનનું દાઉદે ભવ્ય સ્વાગત કર્યું. છોટા રાજન દાઉદ ગેંગમાં સામેલ થવા સંમત થયો પરંતુ છોટા રાજનનો આ નિર્ણય તેના સાગરીતોને ગમ્યો નહીં. સાથીઓએ કહ્યું ઃ ‘દાઉદ સાથે સીધા જોડાયા વગર પણ આપણું નામ છે જ. દાઉદ સાથે જોડાવાથી આપણું નામ નાનું થઈ જશે.’
ભારે પરિશ્રામ બાદ છોટા રાજને પોતાના સાગરીતોને સમજાવી લીધા. છોટા રાજને કહ્યું ઃ ‘અત્યાર સુધી આપણે શેરીઓના ગુંડા હતા. હવે સાચા માફ્યિા બની જઈશું. આપણો પ્રભાવ વધશે.’
છોટા રાજનની આ દલીલની ભારે અસર થઈ. છોટા રાજન હવે દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ગયો. દાઉદ ઈબ્રાહીમની ગેંગ સાથે જોડાયા બાદ તેણે પહેલું કામ તેના અસલી બૉસ વડા રાજનની હત્યા કરાવનાર અબ્દુલ કુંજુને પતાવી દેવાનું કર્યું. કુંજુ ઘાટકોપરમાં ક્રિકેટ રમતો હતો તે વખતે જ તેની હત્યા કરી દેવાઈ. આ ઘટના બાદ છોટા રાજનનો મુંબઈના અંડરવર્લ્ડમાં દબદબો વધ્યો.
થોડાક સમયમાં છોટા રાજન ડૉન દાઉદ ઈબ્રાહીમનો જમણો હાથ બની ગયો. દાઉદનો વિશ્વાસુ બની ગયા પછી દાઉદનું બ્રેઈન પણ છોટા રાજન જ બની ગયું. ૧૯૮૬ ની ઘટનાઓ બાદ દાઉદ ઈબ્રાહીમ મુંબઈથી ભાગી ગયો ત્યારે તેનાં તમામ કારોબાર છોટા રાજન સંભાળવા લાગ્યો. દાઉદની ગેરહાજરીમાં આખીયે ગેંગ, વહીવટ અને નાણાકીય બાબતો તેણે ભારે કુશળતાથી સંભાળ્યાં. છોટા રાજન એક સરળ અને નમ્ર સ્વભાવનો વ્યક્તિ હોઈ તે અનેક સાગરીતોને સાથે રાખી શક્યો. અહંકાર અને ઘમંડથી દૂર હોઈ તેણે ગેંગને વધુ સબળ અને સક્ષમ બનાવી.
દાઉદ હવે દુબઈમાં રહેતો હતો. તેને છોટા રાજન જેવી વ્યક્તિની દુબઈમાં જરૂર હતી. આ તરફ્ મુંબઈની પોલીસે મુંબઈમાં દાઉદના અડ્ડાઓ અને ધંધાનાં સ્થળો પર ત્રાટકવાનું શરૂ કર્યું હતું. દાઉદના માણસો પણ પકડાવા લાગ્યા હતા. દુબઈમાં બેઠેલા દાઉદને લાગ્યું કે છોટા રાજન પણ જેલમાં જાય તે તેને પરવડે તેમ નથી. યોજનાપૂર્વક ૧૯૮૭માં છોટા રાજન પોલીસની આંખમાં ધૂળ નાખી દુબઈ જતો રહ્યો અને ફ્રી તેના બૉસ દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ગયો. દુબઈમાં પણ તેણે પોતાની વહીવટી કુશળતાનો લાભ દાઉદને આપ્યો. દુબઈમાં રહીને પણ તેણે મુંબઈના દાઉદનો ધંધો વિકસાવી આપ્યો.
એક સમયે દાઉદ ઇબ્રાહીમના ખાસ માણસ તરીકે રહી ચુકેલા છોટા રાજનને મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવનાર દાઉદ ઇબ્રાહીમ સાથે પાછળથી ગંભીર મતભેદો થયા. છોટા રાજને ભારતીય ગુપ્તચર વિભાગને દાઉદના નેટવર્કની માહિતી પૂરી પાડી દીધી. આ બાબતની ખબર પડતાં દાઉદને છોટા રાજન સાથે ભારે દુશ્મનાવટ થઈ. છોટા રાજને મુંબઈ બોમ્બ ધડાકા માટે જવાબદાર ૧૦ આરોપીઓને પતાવી દીધા. તે પછી છોટા રાજન બનાવટી પાસપોર્ટ પર બૅગકોક જતો રહ્યો. દાઉદના માણસોએ તેનું લોકેશન શોધી કાઢયું અને તેની હત્યા કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે બચી ગયો. ગંભીર રીતે ઘવાયેલા છોટા રાજનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સાજા થયાં બાદ તે પહેલાં ઑસ્ટ્રેલિયા જતો રહ્યો અને ત્યાંથી બાલી જતો રહ્યો, ઑસ્ટ્રેલિયાની પોલીસની બાતમી બાદ ઈન્ડોનેશિયાની પોલીસ દ્વારા તેને બાલી શહેરમાંથી પકડી લેવાયો અને છેવટે છોટા રાજનને ભારતને સોંપી દેવામાં આવ્યો. ખંડણી, અપહરણો, મર્ડર, દાણચોરી અને ડ્રગ ટ્રાફિકિંગ તથા ૭૦ જેટલી હત્યાઓના આરોપસર તે મોસ્ટ વોન્ટેડ હતો.
દિલ્હીની સીબીઆઈ કોર્ટે છોટા રાજનને બનાવટી પાસપોર્ટના ગુનાસર સાત વર્ષની આકરી સજા ફરમાવી. જ્યારે મહારાષ્ટ્રની મકોકા કોર્ટે પત્રકાર જે ડેની હત્યાના ગુનાસર છોટા રાજનને આજીવન કેદની સજા ફરમાવી. નીચલી કોર્ટોના કેટલાક ચુકાદાઓ સામે તેણે ઉપલી કોર્ટમાં અપીલ કરી છે. હાલ તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.
– દેવેન્દ્ર પટેલ




