Close

બેલી ડાન્સર- સુઝાન તમીમ મુસ્તફાની મિસ્ટ્રેસ બની ગઈ

કભી કભી | Comments Off on બેલી ડાન્સર- સુઝાન તમીમ મુસ્તફાની મિસ્ટ્રેસ બની ગઈ
‘અરેબિયન નાઇટ્સ’ કથાઓ જાદુ-મંતર અને તિલસ્મી દુનિયાના ભેદભરમથી ભરપૂર પ્રસંગો માટે જાણીતી છે પરંતુ આજકાલ દુબઈ, શારજાહ, દોહા કે મસ્કત એ બધા રાષ્ટ્રોના તેલના કારણે રાતોરાત અબજોેપતિ થઈ ગયેલા આરબ શેખોની કથા શરાબ અને વિલાસ વાર્તાઓથી રસપ્રચુર બની રહી છે.
આરબ રાજ્યોમાં સંખ્યાબંધ શેખ ‘રિચ ઍન્ડ ફેમસ’ છે. હિશામ તલાર મુસ્તફા તેમાંના એક છે. તેમની પાસે છ બિલિયન ડૉલરથી વધુ રકમની સંપત્તિ છે. અનેક આરબ રાષ્ટ્રોમાં મુસ્તફા ગ્રૂપ રીઅલ એસ્ટેટમાં કામ કરે છે. આ અબજોેપતિ મુસ્તફા એક રાત્રે એક બારમાં ગયા. બારમાં સુઝાન તમીમ નામની એક લેબેનીઝ પોપસ્ટાર નાચી રહી હતી.
મુસ્તફા સુઝાનનું ગીત અને તેનો બેલી ડાન્સ જોેઈ ખુશ થઈ ગયા. આખું શરીર સ્થિર હોય અને માત્ર નિતંબને હલાવવામાં આવે તેને બેલી ડાન્સ કહે છે. આરબ સુંદરીઓ બેલી ડાન્સમાં નિપુણ હોય છે.
મુસ્તફા સુઝાનના પ્રેમમાં પડી ગયા. તેમણે સુઝાનને સાંજના ડિનરમાં આવવાનું આમંત્રણ આપ્યું. દોસ્તી થઈ. ડ્રિંકસ લેવાયું. મુસ્તફા અબજોેપતિ હતા. એક મોટું નામ હતું. મુસ્તફા ઇજિપ્શિયન છે અને ઇજિપ્તના પૂર્વ પ્રેસિડેન્ટ હોશની મુબારકની સરકારની એક મહત્ત્વની કાઉન્સિલના સભ્ય પણ હતા. હોશની મુબારકના પુત્ર ગમાલ મુબારકના તેઓ અંગત મિત્ર પણ છે. આવડી મોટી હસ્તી સાથે થયેલા પરિચય બાદ પોપ ગાયિકા સુઝાનને મુસ્તફાની નજીક પહોંચવામાં જરા પણ વાર લાગી નહીં.
બધાને સામાન્ય રીતે કાળી, બદામી કે ભૂરી આંખો હોય છે પરંતુ સુઝાનની આંખો લીલા રંગની હતી. એની અલમસ્ત અદાઓ પર મુસ્તફા વારી ગયા હતા. પછી તો મુસ્તફા અને સુઝાન અવારનવાર મળતાં રહ્યાં. ધીમે ધીમે સુઝાન ઇજિપ્શિયન બિઝનેસમેન મુસ્તફાની અંગત ફ્રેન્ડ  બની ગઈ.
પણ એ લાંબું ચાલ્યું નહીં.
ગમે તે કારણસર કેટલાંક સમય બાદ પોપ ગાયિકા – ડાન્સર સુઝાન તમીમે મુસ્તફાને મળવાનું બંધ કરી દીધું. બીજા અનેક શેખ અબજોપતિઓ સુઝાનના બેલી ડાન્સ પાછળ પાગલ હતા. મુસ્તફાને લાગ્યું કે સુઝાને તેમને દગો દીધો છે એટલે મુસ્તફાએ સુઝાનની હત્યા કરી દેવાની સોપારી આપી. કોન્ટ્રાક્ટ કિલિંગ માટે તેમણે મોહસીન-અલ- સુકરી નામના એક માણસને કામ સોંપ્યું. મોહસીન આરબ દેશોની ફાઇવ સ્ટાર હોટેલોમાં સિક્યોરિટી પૂરી પાડવાનું કામ કરતો હતો. મુસ્તફા ખુદ અરેબિયન પ્રિન્સ અલ-વાલિદ બિન તલાલ સાથેની ભાગીદારીમાં હોટેલો ધરાવે છે.
જેને કોન્ટ્રાક્ટ ડિલિંગનું કામ સોંપવામાં આવ્યું તે મોહસીન સુકરી ખુદ ઇજિપ્શિયન હતો. સુઝાનને ખતમ કરી દેવાનો કોન્ટ્રાક્ટ ૨૦ લાખ ડૉલરમાં અપાયો હતો.
મોહસીન સુકરીને ઍડ્વાન્સ પેટે કેટલીક રકમ આપવામાં આવી તે હવે આરબ શેખ મુસ્તફાની પૂર્વ મિસ્ટ્રેસ સુઝાનની ખોજ કરવા લાગ્યો. તપાસ કરતાં ખબર પડી કે સુઝાન લંડનમાં છે. મોહસીન સુકરી લંડન પહોંચ્યો. પરંતુ તેને લાગ્યું કે લંડનમાં તે તેનું મિશન પૂરું કરી શકશે નહીં.
સુઝાન હવે લંડનથી દુબઈ આવી.
મોહસીન સુકરી તેનો પીછો કરતાં કરતાં દુબઈ આવ્યો. સુઝાન પાસે પણ ઘણા પૈસા હતા. એણે દુબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદી રાખ્યો હતો. આ એપાર્ટમેન્ટ મરિના કોમ્પ્લેકસમાં આવેલો છે.
તા. ૨૮ મી જુલાઈના રોજ મોહસીન સુકરી રીઅલ એસ્ટેટ એજન્ટ બનીને સુઝાનના એપાર્ટમેન્ટ પર ગયો. સુઝાને જેની પાસેથી આ પ્રોપર્ટી ખરીદી હતી તેના એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી. એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા બાદ એણે બારણું બંધ કરી દીધું. અને પોપ ગાયિકા ડાન્સર સુઝાનની ધારદાર અસ્ત્રાથી ગળું કાપીને હત્યા કરી નાંખી. ઠંડા કલેજે કામ પતાવી સુઝાનને લોહીના ખાબોચિયામાં ઢાળી દઈ, ધીમેથી તે બહાર નીકળી ગયો. લોહીવાળાં કપડાં ગાર્બેજમાં પધરાવી, ફ્લાઇટ પકડી સીધો કેરો ( ઇજિપ્ત ) પહોંચી ગયો.
હવે દુબઈની પોલીસ સુઝાનના એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ. મૃતદેહનો કબજો લીધો. મરીના કોમ્પ્લેક્સમાં કોણ ક્યાંથી પ્રવેશે છે અને ક્યાં જાય છે તેનું ચોવીસે કલાક વીડિયો રેકોર્િંડગ થાય છે. પોલીસે સિક્યુરિટી કૅમેરા દ્વારા કરાયેલું વીડિયો રેકોર્િંડગ જોયું. મોહસીનને પ્રવેશતો, લોહીવાળાં વસ્ત્રો ડસ્ટબિનમાં નાંખતો દેખાઈ ગયો. કપડાં પરના લોહીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. મોહસીન સુકરીને ઓળખી કાઢવામાં આવ્યો. તે કેરો જતો રહ્યો છે તે પણ શોધી કાઢવામાં આવ્યો.
મોહસીનને કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ સોંપનાર મુસ્તફા એ વાત ભૂલી ગયા હતા કે મોહસીન કે જે મુઆબચી નામની ઠગ જાતિનો માણસ હતો તે લોકો નિર્દય થઈ ગમે તેની કતલ કરી શકે છે પરંતુ જાડી બુદ્ધિના હોય છે. બધું જ કૅમેરામાં પકડાઈ ગયું હતું. આ કામ એણે અન્યત્ર પાર પાડવું જોઈતું હતું.
દુબઈની પોલીસ કેરો પહોંચી. ઇજિપ્તની પોલીસની મદદથી દુબઈની પોલીસે મોહસીન સુકરીને પકડી પાડયો. વળી સુઝાન તમીમ દુબઈથી માંડીને કેરો સુધી જાણીતી અને અત્યંત લોકપ્રિય પોપસિંગર હતી. આખુંયે ષડ્યંત્ર દબાવી દેવું મુશ્કેલ હતું.
દુબઈની પોલીસના હાથમાં આવી ગયા બાદ મોહસીન સુકરી જાડા દિમાગનો હતો. તે બધું જ પોપટની જેમ બોલી ગયો, ‘મને તો ઈજિપ્શિયન બિઝનેસમેન શેખ મુસ્તફાએ સુઝાનને પતાવી દેવાની સોપારી આપી હતી.’ દુબઈની પોલીસ હવે મુસ્તફાને પકડવા માગતી હતી પરંતુ મુસ્તફા ઈજિપ્તના પ્રેસિડેન્ટનો ખાસ માણસ હોઈ ઈજિપ્તની પોલીસે આનાકાની કરવા માંડી. મુસ્તફા ગમે ત્યારે પ્રેસિડેન્ટના પૅલેસમાં જઈ શકતો. પ્રેસિડેન્ટનો પુત્ર ખુદ મુસ્તફાના બિઝનેસમાં ભાગીદાર હતો. આ ઉપરાંત બીજા ધંધાદારી ડીલ પણ મુસ્તફા પ્રેસિડેન્ટના પુત્રો સાથે કરી આપતો. આ કારણસર મુસ્તફાની આસપાસ સુરક્ષાકવચ હતું. વળી મુસ્તફા ઇજિપ્તની સરકારની સુપ્રીમ પૉલિસી કાઉન્સિલનો સભ્ય પણ હતો.
આ બધું હોવા છતાં દુબઈની પોલીસ દુબઈમાં થયેલા ક્રાઈમ માટે જવાબદાર વ્યક્તિ ગમે તેટલી મોટી હોય પરંતુ દુબઈમાંથી ગુનાખોરીને ખતમ કરી નાંખવા સુઝાન મર્ડર કેસમાં જવાબદાર મુસ્તફાને પકડી એક દાખલો બેસાડવા માંગતી હતી. આખોય કેસ હાઈપ્રોફાઈલ કેસ બની ગયો. આરબ દેશોના મીડિયાએ પણ મુસ્તફા અને સુઝાનની રક્તરંજિત સ્ટોરીઝ પ્રસારિત કરવા માંડી હતી. ટીવી અને પ્રિન્ટ મીડિયા પર એવા સમાચાર પણ વહેતા થયા કે મરનાર સુઝાનનો પ્રેમી મુસ્તફા ઇજિપ્તના પૂર્વ પ્રેસિડેન્ટ હોશની મુબારકનો ખાસ માણસ છે.
મીડિયામાં આવતા અહેવાલોથી ઇજિપ્તના એ વખતના  પ્રેસિડેન્ટ હોશની મુબારક ચોંકી ગયા. તેમને લાગ્યું કે તેમની ઈમેજને છાંટા ઊડી રહ્યા છે. પ્રેસિડેન્ટ મુબારકે મુસ્તફાને આપેલું રાજકીય રક્ષણ હટાવી લીધું અને ઇજિપ્તની પોલીસને હુકમ કર્યો કે દુબઈની પોલીસને તમામ સહકાર આપો.
ઇજિપ્તની પોલીસની મદદથી દુબઈની પોલીસે મધ્યરાત્રિએ જ મલ્ટિ બિલિયોનેર મુસ્તફાના પૅલેસ પર દરોડો પાડી મુસ્તફાની ધરપકડ કરી. મુસ્તફાને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ઇજિપ્તના પ્રેસિડેન્ટ તેની ગિરફતારી થવા દેશે. તે પછી કોર્ટે તેને દેહાંત દંડની સજા આપી.
દુબઈની પોલીસ મુસ્તફાને ખાસ વિમાન દ્વારા કેરોથી દુબઈ લઈ ગઈ. મુસ્તફાને જેલમાં પૂરી દીધો.
આરબ શેખોની વિલાસી રાતો અને શેખોના પ્રેસિડેન્સિયલ પૅલેસ સાથેના સંબંધોની બીજી અનેક કથાઓ સેક્સ અને સ્કેન્ડલ્સથી ભરેલી છે. બહારથી સુખી  દેખાતા આરબ રાષ્ટ્રોના અબજોપતિ શેખો રાત પડતાં જ બેલી ડાન્સરોના નિતંબ – નાચ જોવા વિહ્વળ થઈ જાય છે. તેમાં પ્રેસિડેન્ટ્સ, રાજાઓ, શેખ અને અમીરો પણ બાકી નથી. તેલથી કમાયેલા શેખો પાસે ઊંચી ગગનચુંબી ઇમારતો, સોનાનાં નવાં ઝવેરાતથી ચમકતાં ઝુમ્મરો, દરિયામાં નાંખેલા પ્લાન્ટ્સ દ્વારા મીઠા બનાવાયેલા જળથી નવપલ્લવિત હરિયાળી અને એ બધાની પણ ભીતર અબજોનાં કૌભાંડો, વિલાસી રાતો અને એક લાખ ડૉલરની કિંમતની ડોમ પરિગ્નોન કે પિંક ગોલ્ડની બોટલોથી અરેબિયન નાઇટ્સ આજે   મસ્ત અને મદહોશ બની જાય છે.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!