અબુ સાલેમ મુંબઈના અંડરવર્લ્ડનું એક કુખ્યાત નામ છે. અબુ સાલેમ મુંબઈના ફિલ્મ ઉદ્યોગની વ્યક્તિઓ પાસેથી ઓવરસીઝ વિતરણના હક્કો મેળવવા માટે ડરાવનાર અને એ બધાં પાસેથી પૈસા પડાવનાર ડોન તરીકે નામચીન છે. એવું માનવામાં આવે છે કે બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ જેવા કે ગુલશનકુમાર, સુભાષ ઘાઈ, રાજીવ રાવ અને રાકેશ રોશનને ધમકી આપીને પૈસા પડાવનાર ગેંગસ્ટર હતો. ૧૯૯૭માં ગુલશનકુમારની હત્યા પાછળ તેની જ ગેંગના માણસો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. એ સિવાય પણ બીજી કેટલીક હત્યાઓ અને ખંડણી વસૂલી જેવી ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે પણ તેનું નામ જોડાયેલું હોવાનું મનાઈ રહ્યું છે.અબુ સાલેમનો જન્મ ૧૯૬૨માં ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના સરાઈમીર ગામે થયો હતો. તેના પિતા ધારાશાસ્ત્રી હતા. પિતાનું એક રોડ અકસ્માતમાં મોત નીપજ્યા બાદ અબુ સાલેમે તેના હોમ ટાઉનમાં મોટર મિકેનિક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. એણે આઝમગઢની એક પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું હતું. કોલેજમાં ઇન્ટર સુધી ભણ્યા બાદ તે દિલ્હી જતો રહ્યો હતો. દિલ્હીમાં તેણે ટેક્સી ડ્રાઇવર તરીકે કામ શરૂ કર્યું હતું.
૧૯૮૫માં તે મુંબઈ આવ્યો. મુંબઈમાં એણે બ્રેડ ડિલિવરી બૉય તરીકે કામ શરૂ કર્યું. તે પછી તેણે અંધેરીમાં તૈયાર વસ્ત્રોની દુકાન પણ કામ કર્યું. ૧૯૮૮માં પૈસાની બાબતમાં ઝઘડો થતાં એણે તેના એક સાથીને ઘાયલ કરી દીધો હતો. અંધેરી પોલીસ સ્ટેશનમાં તેની સામે નોંધાયેલો આ પ્રથમ ગુનો હતો. આ દરમિયાન જોગેશ્વરીમાં રહેતી સમીરા જુમાની નામની યુવતી સાથે લગ્ન કર્યાં હતા અને પાછળથી છૂટાછેડા પણ લઈ લીધા હતા. સમીરા દ્વારા તે બે પુત્રોનો પિતા બન્યો હતો. અબુ સાલેમને ફિલ્મોનો શોખ હતો અને તેના પુત્રોને બોલિવૂડના એક્ટર્સનાં નામ આપ્યા હતા.
અબુ સાલેમ અંધરીમાં એક સસ્તી ઇલેક્ટ્રિક શોપમાં કામ કરતો હતો ત્યારે તેનો પિત્રાઈ ભાઈ અખ્તર પણ ત્યાં જ નોકરી કરતો હતો જે દાઉદ ઈબ્રાહીમના સૈયદ ટોપી નામના માણસના સંપર્કમાં આવ્યો હતો. તે પછી તેણે સાન્તાક્રૂઝમાં એક ટ્રાવેલ એજન્સી શરૂ કરી. એમાં દાઉદ ઈબ્રાહીમનો બીજો એક માણસ જે.કે. ઈબ્રાહીમ પણ તેનો ભાગીદાર હતો. આ સંપર્કોના કારણે અબુ સાલેમને દાઉદ ઈબ્રાહીમની ‘ડી-કંપની’ માટે ડ્રાઈવર તરીકેનું કામ મળ્યું. એ જે વાહન ચલાવતો હતો તે વાહન શસ્ત્રો, ગેરકાનૂની કેશ અને બીજી વસ્તુઓની ડી-ગેંગના માણસોને ડિલિવર કરવા માટેનું હતું. રાઇટ
ટાઈમે રાઈટ ચીજ વસ્તુઓ પહોંચાડવાની તેની કાર્યક્ષમતાના કારણે તેને ‘અબુ સામાન’ તરીકેનું નીકનેમ મળ્યું. ૧૯૯૨માં તેણે બોલિવૂડના એક જાણીતા ફિલ્મ એક્ટરને વેપન્સ સપ્લાય કર્યો હોવાનું કહેવાય છે. પરંતુ ૧૯૯૩માં મુંબઈમાં જે બોમ્બ ધડાકા થયા તેમાં તેણે સક્રિય રોલ ભજવ્યો હતો. આ બોમ્બ ધડાકાઓના કારણે મુંબઈમાં ૨૫૦ જેટલી વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતા. બીજા ૭૦૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ ધડાકાઓના કારણે મુંબઈમાં સ્થાવર મિલકતોને ૨૭૦ મિલિયન રૂપિયાની કિંમતનું નુકસાન થયું હતું.
અબુ સાલેમને હવે પોલીસ પકડવા માગતી હતી પરંતુ પોલીસ પકડે તે પહેલાં તે દુબઈ ભાગી ગયો હતો. દુબઈમાં તેણે મોટરકારો વેચવાનો શો રૂમ શરૂ કર્યો.
૧૯૯૦ના ગાળામાં છોટા રાજન દ્વારા અને પોલીસ એન્કાઉન્ટર્સમાં ડી-કંપનીના કેટલાક શાર્પ શૂટર્સ માર્યા ગયા. એ પછી દુબઈમાં બેઠાં બેઠાં અબુ સાલેમે તેના વતન આઝમગઢમાંથી કેટલાક બેકાર યુવાનોને મુંબઈ મોકલ્યા અને તેમને શાર્પ શૂટર્સ બનાવી દીધા. એ પછી દાઉદ ઈબ્રાહીમના ભાઈ અનીસ ઈબ્રાહીમનો તેને સાથ સહકાર મળ્યો અને તે એક મોટા ગેંગસ્ટર તરીકે જાણીતો બન્યો. અબુ સાલેમ વાતચીત કરવામાં મીઠો હતો. આ કારણથી તેને બોલિવૂડમાં બનતી ફિલ્મોના વિતરણનાં ડીલનું કામ સોંપવામાં આવ્યું. આ બધું તે દાઉદ ઈબ્રાહીમ માટે કરતો હતો.
દુબઈમાં તેણે બોલિવૂડના કલાકારોને બોલાવીને કેટલાક શૉ ગોઠવ્યા. સાથે સાથે મુંબઈના ફિલ્મ ઉદ્યોગની પ્રતિભાઓ પાસેથી ખંડણી વસૂલ કરવાનું પણ શરૂ કર્યું . દાઉદના ફાઈનાન્સવાળી ફિલ્મોમાં સૌથી પહેલાં ડેઈટસ આપવા તે ફિલ્મ કલાકારો પર દબાણ કરવા લાગ્યો.
અબુ સાલેમે પહેલાં છોટા શકીલના હાથ નીચે કામ કર્યું. પરંતુ પાછળથી તેનાથી અલગ થઈ ગયો અને દુબઈથી પાકિસ્તાન જઈ દાઉદના ભાઈ હુમાયુનની શાદીની વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત થઈ ગયો. તા. ૧૨ ઓગસ્ટ ૧૯૯૭ના રોજ મ્યુઝિક બેરન ગુલશનકુમારજીની હત્યા કરવા પાછળનું માસ્ટર માઈન્ડ તે જ હતો. પરંતુ આ કૃત્ય કરવા માટે તેણે દાઉદની પરવાનગી લીધી નહોતી. એ પછી એની ગેંગના માણસોએ બોલિવૂડના બીજા કેટલાક ફિલ્મ નિર્દેશકોની પણ હત્યા કરવા પ્રયાસ કર્યો. આ બધા કૃત્યોમાં દાઉદની ઈચ્છા કે પરવાનગી ના હોવાથી દાઉદના ડરના કારણે તે ફરી દુબઈ જતો રહ્યો. ૧૯૯૮માં દાઉદ ઈબ્રાહીમે તેને હાંસિયામાં ધકેલી દીધો. એના છૂટા પડવાનું બીજું કારણ છોટા શકિલ હતું. છોટા શકિલ દાઉદનો માણસ હતો અને છોટા શકિલ સાથે અબુ સાલેમને મતભેદો થયા હતા.
૨૦૦૦ની સાલમાં અબુ સાલેમે મિલ્ટન પ્લાસ્ટિકના માલિકનું અપહરણ કરી ૩૦ મિલિયન રૂપિયા ખંખેરવાનું આયોજન કર્યું. જાન્યુઆરી, ૨૦૦૧માં તેણે ફિલ્મ અભિનેત્રી મનીષા કોઈરાલના અંગત સચિવ અજિત દિનાનીની તેના માણસો દ્વારા હત્યા કરાવી દીધી. ૨૦૦૧માં તેના માણસો બોલિવૂડના ફિલ્મ એક્ટર્સ જેવા કે આમિરખાન, આસુતોષ ગોવરીકર અને ઝામુ સુગંધ પર ત્રાટકે તે પહેલાં જ તેના ચાર માણસોને બાન્દ્રામાં મારી નાખવામાં આવ્યા. ૨૦૦માં તેની ગેંગના માણસોએ ફિલ્મ ડાયરેક્ટર લૉરેન્સ ડિસોઝા પર ગોળીઓ ચલાવી પણ તે બચી ગયા.
૧૯૯૩માં મુંબઈના બૉમ્બ ધડાકાઓ, ગુલશનકુમારની હત્યા અને બીજા ૫૦ જેટલા ગુનાઓ માટે તેને કસૂરવાર ઠરાવવામાં આવ્યો.
પરંતુ અબુ સાલમે દુબઈ, અમેરિકા જેવા દેશોમાં ફરતો રહેતો હતો. તા. ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ તે મોનિકા બેદી સાથે પોર્ટુગલ દેશના લિસ્બન ઍરપોર્ટ પર ઊતર્યો પરંતુ ઇન્ટરપોલે તેની તથા મોનિકા બેદીની ધરપકડ કરી. મોનિકા બેદી એક ફિલ્મ અભિનેત્રી હતી અને તેની સાથે અબુ સાલેમને ધનિષ્ઠ સંબંધો હતા. ભારત સરકારે અબુ સાલેમને પોર્ટુગલથી ભારત લાવવા ડિપ્લોમેટિક પ્રયાસો હાથ ધર્યા. ફેબ્રુઆરી, ૨૦૦૪માં ૧૯૯૩માં મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવવાના આરોપસર પોર્ટુગલની કોર્ટે અબુ સાલેમને ભારત સોંપી દેવા મંજૂરી આપી.
નવેમ્બર, ૨૦૦૫માં પોર્ટુગલની સરકારે અબુ સાલેમ ભારતને સુપરત કરી દીધો પરંતુ તેમાં એક શરત મૂકી કે ભારત સરકારે તેને મૃત્યુદંડની સજા ના કરે. અબુ સાલેમની સાથે મોનિકા બેદીને પણ બનાવટી પાસપોર્ટના ગુનાસર પોર્ટુગલ સરકારે ભારત સરકારને સોંપી. ભારત આવ્યા બાદ મોનિકા બેદીને જેલની સજા થઈ પરંતુ તે અબુ સાલેમની અપરાધિક પ્રવૃત્તિઓમાં સામેલ નહોતી.
તા.૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પ્રદીપ જૈન નામના એક બિલ્ડરની તેના જુહૂ ખાતેના બંગલાની બહાર જ હત્યા માટે અબુ સાલેમને દોષી ઠેરવવામાં આવ્યો. અંતે અબુ સાલેમને મૃત્યુદંડ તો ના અપાયો પરંતુ તેને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી. ૧૯૯૩ના મુંબઈના બોમ્બ ધડાકાઓે અને બીજો અપરાધિક કૃત્યો બદલ આજીવન સજા ભોગવી રહેલો અબુ સાલેમ હવે મુંબઈની આર્થર રોડ જેલમાં છે.
અબુ સાલેમ આજે જેલમાં છે પરંતુ તે ૫૫ બિલિયન રૂપિયાની સંપત્તિનો માલિક હોવાનું કહેવાય છે.
અબુ સાલેમની પૂર્વ પત્ની સમીરા જુમાની હાલ જ્યોર્જિયા અમેરિકામાં રહે છે. અબુ સાલેમ અને મોનિકા બેદીની પોર્ટુગલમાં ધરપકડ થઈ ત્યારે અમેરિકામાં રહેતી તેની એક્સ વાઈફ સમીરાએ કહ્યું હતું કે, ‘હું ૧૯૯૧માં જ્યારે ૧૭ વર્ષની જ કૉલેજ ગર્લ હતી ત્યારે જ અબુ સાલેમે મારી સાથે બળજબરીપૂર્વક શાદી કરી હતી. અબુ સાલેમ ‘વાયોલન્ટ સાઇકીક માણસ છે.’
આ છે કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમની કહાણી.
દેવેન્દ્ર પટેલ



