Close

પ્રેસિડેન્ટ પુતિનનું ‘પ્રણય-સંતાન’ લુઈઝા રોઝોવા – ‘અ સિક્રેટ ડોટર’

રેડ રોઝ | Comments Off on પ્રેસિડેન્ટ પુતિનનું ‘પ્રણય-સંતાન’ લુઈઝા રોઝોવા – ‘અ સિક્રેટ ડોટર’
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની એક સિક્રેટ ડૉટર-દીકરી પણ છે જેને પુતિનનું ‘લવ ચાઈલ્ડ’ પણ કહી શકાય.
એનું નામ લુઈઝા રોઝોવા ઉર્ફે એલિગાવેતા ક્રીવોનોગીલ છે. એની વય ૧૯ વર્ષની છે.
કહેવાય છે કે વ્લાદિમીર પુતિન ૧૯૯૦ પછીના ગાળામાં સ્વેતલાના ક્રીવોનોગીખ નામની એક મહિલા સફાઈ કર્મચારીના પ્રેમમાં પડયા હતા. પુતિનથી થયેલી તેમની આ સિક્રેટ ડોટર -પુત્રી તે જ લુઈઝા રોઝોવા છે.
કહેવાય છે કે પુતિનના આ લવ ચાઈલ્ડનો ઉછેર રશિયાના ભવ્ય અને લક્ઝુરિયસ પેન્ટ હાઉસમાં થયો છે જ્યાં તે તેની માતા સાથે રહે છે. આ ભવ્ય પેન્ટ હાઉસ રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતેના એક પોશ વિસ્તારમાં આવેલું છે. પુતિનના આ લવ ચાઈલ્ડની માતા પહેલાં તો એક સામાન્ય મહિલા હતી પરંતુ પુતિન સાથેના પ્રેમસંબંધ બાદ તે મિલિયોનર થઈ ગઈ છે. વ્લાદિમીર પુતિન ૬૫ વર્ષના છે પરંતુ તેમની આ ગુપ્ત પ્રેયસી હજુ ૪૫ જ વર્ષની છે.
લુઈઝા અને તેની માતા જે પેન્ટ હાઉસમાં રહે છે તે ૪૮૦૦ ચોરસ ફીટમાં વિસ્તરેલું છે. બિલ્ડિંગમાં આવાં ૨૧ લક્ઝુરિયસ નિવાસસ્થાનો છે. આ રહેઠાણ યુનિટ ત્રણ માળનું છે તેની પર એક ટેરેસ પણ છે. આ બિલ્ડિંગ નેવા નદીના કિનારે આવેલું છે. આ પેન્ટ હાઉસનો પહેલો માળ લીવિંગ રૂમ છે. બીજો માળ શયનખંડો અને ચાઈલ્ડ્સ પ્લેરૂમ ધરાવે છે. ત્રીજા માળે વેટબાર, હોમ થિયેટર અને સન લોંજ છે.
કહેવાય છે કે વ્લાદિમીર પુતિનની અગાઉની પત્નીથી થયેલી બે હાઈ પ્રોફાઈલ દીકરીઓ મારિઆ વોરોન્તોસોવા અને કેટરિના તિખોનોવા ઉપરાંત આ બીજી જ પ્રેયસીથી થયેલી દીકરી તે લુઈઝા છે. પ્રથમ બે દીકરીઓ તો જાણીતી છે પરંતુ આ ત્રીજા લવ ચાઈલ્ડ વિશે દુનિયા બહુ ઓછું જાણે છે. યૂક્રેન પર રશિયાના આક્રમણ બાદ પુતિનની પ્રથમ પત્નીથી થયેલી બંને પુત્રીઓની રશિયાની બહારના જે જે દેશોમાં અબજોની મિલકતો છે તેની પર યુરોપ અને અમેરિકાએ કેટલાક પ્રતિબંધ મૂકી દીધા છે પરંતુ ત્રીજા લવ ચાઈલ્ડ વિશે કોઈ અધિકૃત જાહેરાત થઈ ન હોવા છતાં તેની સંપત્તિ ક્યાં ક્યાં છે તેની ખોજ આંતરરાષ્ટ્રીય મીડિયા કરી રહ્યું છે.
અલબત્ત, લુઈઝા રોઝોવા અને તેની માતા સ્વેતલાના રશિયાના પીટર્સબર્ગ ખાતેના જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની કિંમત ૨.૨ મિલિયન ડૉલરની ગણાય છે. આ માત્ર એપાર્ટમેન્ટ જ નથી પરંતુ એક પ્રકારનો લક્ઝરી પેલેસ જ છે. વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવાં ભવ્ય ઝુમ્મરો અને ક્લાસિક ફર્નિચર છે. દરેક બેડરૂમ સાથે ભવ્ય બાથટબ ધરાવતાં સ્નાનાગાર છે.
આ સિવાય પુતિનનું આ લવ ચાઈલ્ડ અને તેની માતા સ્વેતલાના મોનેકા ખાતે ચાર મિલિયનનું એસ્ટેટ ધરાવે છે. લુઈઝાની માતા સ્વેતલાના રશિયાની મુખ્ય બેંકોમાં પણ મોટો હિસ્સો ધરાવે છે. એ બધી થઈને ૧૦૦ મિલિયન ડૉલરની સંપત્તિ હોવાનું કહેવાય છે.
યૂક્રેન પરના આક્રમણ બાદ રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના આ લવ ચાઈલ્ડની વાત બહાર આવતાં જ લુઈઝા રોઝોવા અચાનક સમાચારોમાં ચર્ચાનો વિષય બની હતી પરંતુ રશિયાના યૂક્રેનમાં નરસંહાર બાદ આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયામાં રશિયા ટ્રોલ થવા માંડયું હતું. એટલે કે રશિયા લોકોની ટીકાઓનો ભોગ બનવા માંડયું હતું. તે પછી લુઈઝા રોઝોવા કે જેના સોશિયલ મીડિયા પર ૮૪૦૦૦ ફોલોઅર્સ હતા તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેણે ડિલીટ કરી નાંખ્યું હતું, કારણ કે લુઈઝા પણ આ આક્રમણ બાદ ટીકાઓનો ભોગ બનવા માંડી હતી. હવે કોઈ લુઈઝાનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કરવા પ્રયત્ન કરે છે તો રશિયન ભાષામાં ‘યુઝર નોટ ફાઉન્ડ’ નો મેસેજ આવે છે. કારણ એ હતું કે લુઈઝાના ફોલોઅર્સ પુતિનના યૂક્રેન પરના આક્રમણ બાદ લુઈઝાને હત્યારાની પુત્રી, વૉર ક્રિમિનલ, સાયકોપાથ અને ડ્રગ એડિક્ટની પુત્રી કહીને સંબોધવા માંડયા હતા. કહેવાય છે કે પ્રેસિડેન્ટ પુતિને જ તેમની આ સિક્રેટ ડોટરનું આ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવી દેવરાવ્યું હતું.
આ યુદ્ધ શરૂ થયા બાદ સોશિયલ મીડિયા પર લુઈઝાના ફોલોઅર્સ તેને જ પૂછતા હતા કે, ‘શું એક ઉંદરની જેમ તે બંકરમાં ભરાઈ ગઈ છે?’
હવે મજાની વાત એ છે કે સ્વેતલાના તેમની આ દીકરી પ્રેસિડેન્ટ પુતિનનું જ લવ ચાઈલ્ડ છે તે અંગે જાહેરમાં કાંઈ પણ કહેવા તૈયાર નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સના પત્રકારો પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની કિશોરાવસ્થાની તસવીરની બાજુમાં જ ટીન એજ લુઈઝની તસવીર મૂકીને બંને તસવીરોની સરખામણી કરે છે. કિશોરાવસ્થાનો પુતિનનો ચહેરો અને આજની લુઈઝાનો ચહેરો એક બીજાને એકદમ મળતો જ આવે છે ને સ્પષ્ટ જણાય છે કે લુઈઝા એ વ્લાદિમીર પુતિનની જ પુત્રી છે.
લુઈઝાની માતા સ્વેતલાનાએ વ્લાદિમીર પુતિન સાથે કાયદેસરનું લગ્ન કરેલું નથી. આ તેમનો લગ્ન બાહ્ય સંબંધ હતો. આ લવ અફેર સહુ પ્રથમ રશિયાનું જ એક સ્વતંત્ર મીડિયા આઉટલેટ પ્રકાશમાં લાવ્યું હતું. હવે રશિયાએ તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ હવે કશું ગુપ્ત રહ્યું નથી. પ્રેસિડેન્ટ પુતિન અને તેમની પ્રેયસી સ્વેતલાનાની પુત્રી લુઈઝાની તસવીરો આખી દુનિયાના મીડિયા પાસે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા કહે છે કે લુઈઝાની માતા એક સમયે સફાઈ કર્મચારી હતી અને ગરીબો માટે બનેલા કોમ્યુનિટી એપાર્ટમેન્ટમાં રહેતી હતી તે સ્વેતલાના આજે ૧૦૦ મિલિયન ડૉલરની સંપત્તિ ધરાવે છે.
પ્રેસિડેન્ટ પુતિનના આ લવ ચાઈલ્ડની વાત બહાર આવ્યા બાદ લુઈઝાએ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કર્યું છે પરંતુ તેના કેટલાયે ચાહકો પણ છે જેઓ સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ એવી પોસ્ટ મૂકી રહ્યા છે કે, ‘લુઈઝા, તેં તારું ઈન્સ્ટાગ્રામ સ્થગિત કરી દીધું છે પરંતુ તું પાછી આવ…પ્લીઝ કમ બૅક લુઈઝા.’
અત્રે એ નોંધવું જરૂરી છે કે પુતિન કે સ્વેતલાનાએ તેમના કહેવાતા સંબંધો પર કશું જ કહ્યું નથી. તેમણે કોઈપણ કોમેન્ટ કરી નથી.
બીબીસીના પત્રકાર એન્ડ્રે ઝાખારોવ કે જેમણે પ્રેસિડેન્ટ પુતિનની આ સિક્રેટ ડોટર-પુત્રીની સ્ટોરી પહેલી જ વાર પ્રકાશમાં આણી હતી. તેમણે લુઈઝાને પૂછયું હતુંઃ ‘મેં આ ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરી બ્રેક કરી તેથી તમને કોઈ આઘાત તો લાગ્યો નથીને?’
આ પ્રશ્નના જવાબમાં લુઈઝાએ કહ્યું હતુંઃ ‘ના…જરા પણ નહીં. એથી ઊલટું મારું જીવન કે જે સાવ નિરસ અને સ્થગિત થઈ ગયું હતું તેને તમે લાઈમલાઈટમાં લાવી દીધું છે. અલબત્ત, હું લોકપ્રિયતાની પાછળ કદી નહોતી. છતાં હવે મને સારું લાગે છે બસ…મારી ચિંતા ન કરો…માય લાઈફ ગોઝ ઓન એન્ડ ઓલ ઈઝ વેલ.’
ચાલો, હવે વિશ્વના બીજા નેતાઓના જીવનની પાનખરમાં ખીલેલી વસંતની વાત પર આવીએ. જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ ઈવા બ્રાઉન નામની એક સામાન્ય પરિવારમાંથી આવેલી મહિલાના પ્રેમમાં હતો. જર્મની યુદ્ધ હારી ચૂક્યું હતું ત્યારે આત્મહત્યા કરવાના આગલા દિવસે એડોલ્ફ હિટલરે તેમની પ્રેયસી સાથે લગ્ન કરી તેને પત્નીનો દરજ્જો આપ્યો હતો. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી પણ જેવેલીન કેનેડી સાથે પરણેલા હોવા છતાં એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરેલિન મનરોના પ્રેમમાં હતા પરંતુ મેરેલિન મનરોએ કોઈ અંગત કારણસર ભરયુવાનીમાં જ ઊંઘવાની ગોળીઓ લઈ આત્મહત્યા કરી લીધી હતી.
પૂર્વ ફ્રાન્સના પ્રેસિડેન્ટ નિકોલસ સાર્કોઝી પરિણીત હોવા છતાં એક મૉડેલ યુવતીના પ્રેમમાં પડયા હતા અને એ પ્રેમપ્રકરણ વધુ ચર્ચાસ્પદ બને તે પહેલાં તે પરણી ગયા હતા. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન લુડમિલા સાથે પરણેલા હોવા છતાં તેમનાથી અડધી ઉંમરની ઓલિમ્પિક જિમ્નાસ્ટ એલિના કાઈબાવા (ઉંમર ૨૪) ના પ્રેમમાં પડી ગયા હતા. હવે પુતિનનું સફાઈ કર્મચારી મહિલા સાથેનું નવું ગુપ્ત પ્રેમપ્રકરણ બહાર આવ્યું છે અને તેમના આ સિક્રેટ લવ અફેરનું લવ ચાઈલ્ડ તે જ લુઈઝા રોઝાવા જેની સ્ટોરી અહીં આ કડીમાં પ્રસ્તુત કરાઈ છે. પાકિસ્તાનના પૂર્વ પ્રેસિડેન્ટ મુશરર્ફ પણ પરિણીત હોવા છતાં પાકિસ્તાનની બ્યુટી ક્વીન – મહલીજ સરકારી નામની ‘મિસ પાકિસ્તાન’ના પ્રેમમાં હોવાની વાતો ચર્ચાતી હતી. પાકિસ્તાનની એ વખતની ૨૫ વર્ષની આ બ્યુટી ક્વીને એક ટ્રેનની દીવાલ પર લાગેલા પ્રેસિડેન્ટ મુશરર્ફના પોસ્ટરને કિસ કરી લીધી હતી.
આ તસવીર અખબારોમાં છપાયા બાદ મહલીજ સરકારીએ કહ્યું હતુંઃ ‘હું માત્ર પોસ્ટરને જ નહીં પરંતુ રિયલ મુશરર્ફને કિસ કરવા માગું છું.’
પાકિસ્તાનની એ બ્યુટી ક્વીનનો પ્રેસિડેન્ટ મુશરર્ફ માટેનો એકતરફી એટલે કે પ્લેટોનિક લવ હતો.

Be Sociable, Share!