Close

લોકોના દુઃખની જ્વાળા મારી ચિતાની સાથે જ શાંત થશે

કભી કભી | Comments Off on લોકોના દુઃખની જ્વાળા મારી ચિતાની સાથે જ શાંત થશે
સુપ્રસિદ્ધ બાંગ્લા લેખિકા અને સમાજ સેવિકા મહાશ્વેતા દેવીનું કેટલાંક સમય પહેલાં કોલકાત્તામાં ૯૧ વર્ષની વયે અવસાન થયું. જાણે કે બાંગ્લા સાહિત્યનો એક યુગ સમાપ્ત થઈ ગયો.
મહાશ્વેતા દેવીને ઓળખવા હોય તો ગુજરાતના લોકોએ ‘રુદાલી’ ફિલ્મ યાદ કરવી જોઈએ. ‘દિલ હુમ હુમ કરે…’ એ ગીતને યાદ કરવું જોઈએ. ‘રુદાલી’ મૂળ તો મહાશ્વેતા દેવીની કલમે લખાયેલી એક ટૂંકી વાર્તા હતી. કલ્પના લાજમીએ એ કથા પર આધારિત સુંદર ફિલ્મ બનાવી હતી.
મહાશ્વેતા દેવીએનો અદ્ભુત સાહિત્ય કૃતિઓ સર્જી તેમાં (૧) હજાર ચોરાસી કી માં (૨) અરણ્યેર અધિકાર (૩)  અગ્નિગર્ભા (૪) સિન્ધુ કન્હુર ડાકે (૫) માસ્ટર સાબ વગેરે જાણીતી છે. જ્યારે (૧) રુદાલી (૨) બેહુલા (૩) બાઢ (૪) શિકાર અને (૫) દ્રૌપદી તેમની બહુ ચર્ચિત વાર્તાઓ આજે ય લોકપ્રિય છે.
મહાશ્વેતા દેવી કેવી રીતે લખતાં હતાં તે પણ જાણવા જેવું છે. તેઓ પહેલેથી જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના વ્યક્તિત્વથી પ્રભાવીત હતાં. એ વિષય પણ તેમણે એક નવલકથા લખવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષની હતી. ૧૯૫૬ની સાલમાં તેઓ  એ ઉંમરમાં એકલાં ઝાંસી- ગ્વાલિયર ગયાં ત્યાંના લોકોને મળ્યાં. ઝાંસીની રાણી વિશેની કથાઓ એકત્ર કરી. શિયાળાની રાત્રે ગામોના ચબૂતરા પર બેસીને લોકોની વાતો સાંભળી. રાણી લક્ષ્મીબાઈની જીવનકથાઓથી અભિભૂત થઈને તેમણે એ કથાઓ એક નવલકથાના સ્વરૂપમાં શબ્દોમાં ઢાળી.
મહાશ્વેતાનો જન્મ આઝાદી પહેલાંના બાંગ્લા બુદ્ધિજીવી પરિવારમાં તા.૧૪ જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ ઢાકામાં થયો હતો. તેમના પિતા મનીષ ઘટક બંગાળના લોકપ્રિય કવિ અને નવલકથાકાર હતા. તેમનાં માતા ધરિત્રી દેવી સમાજસેવિકા અને કવિયત્રી હતાં. તેમના કાકા ઋત્વિક ઘટક સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક હતા.
તેમનું શરૂઆતનું ભણતર ઢાકામાં થયું પરંતુ આઝાદી વખતે દેશનું વિભાજન થતાં તેમનું પરિવાર કોલકત્તા આવી ગયું. મહાશ્વેતા દેવીએ આગળનો અભ્યાસ શાંતિનિકેતન અને વિશ્વભારતીય વિશ્વવિદ્યાલયમાં કર્યો. કોલકાત્તા યુનિવર્સિટીમાં એમ.એ. કર્યું. ૧૯૬૪માં તેમને દક્ષિણ કોલકાત્તાની બિર્જાયગઢ કૉલેજમાં અંગ્રેજી ભાષાના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી.
તેમના સાંસારિક જીવનને લાગેવળગે છે ત્યાં સુધી ૧૯૪૭માં તેમનાં લગ્ન એ વખતના સુપ્રસિદ્ધ નાટયલેખક બિજોન ભટ્ટાચાર્ય સાથે થયાં. ૧૯૬૨માં તેમનાં લગ્નનો વિચ્છેદ થયો. તે પછી તેઓ અસિત ગુપ્ત સાથે પરણ્યાં. પરંતુ એ રિશ્તો પણ ૧૯૭૫માં સમાપ્ત થઈ ગયો. મહાશ્વેતા દેવીના પુત્ર નાબારુન ભટ્ટાચાર્ય પણ બાંગ્લા સાહિત્યમાં એક જાણીતું નામ છે.
અલબત્ત, આ બધા સમયગાળા દરમિયાન તેઓ માત્ર લેખિકા જ ના રહ્યાં. તેઓ અધ્યાપિકા પણ હતા. ત્યારથી જ તેઓ આદિવાસી સમાજ અને ખાસ કરીને દલિત  મહિલાઓના ઉત્થાન માટે કામ કરવા લાગ્યા હતા. પિૃમ બંગાળ, ઓડિસા અને ઝારખંડના આદિવાસીઓની વચ્ચે જઈને તેઓ અધિકારો માટે કામ કરવા લાગ્યાં હતા. આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે અનેક મંડળીઓની પણ રચના કરી.
તેમના પહેલા પતિ ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા હતા પરંતુ પિૃમ બંગાળમાં ડાબેરીઓની સરકારની કામગીરી જોયા બાદ મહાશ્વેતા દેવીને લાગ્યું કે  કામ બરાબર થતું નથી.  તેમણે મમતા બેનરજીને સમર્થન આપ્યું. સિંગુરમાં ખેડૂતોની પચાવી પાડવામાં આવેલી જમીન ખેડૂતોને પાછી અપાવવામાં તેઓે મમતા બેનરજીની સાથે રહ્યાં. મહાશ્વેતા દેવી રહ્યાં નથી એવી ખબર પડતાં જ પિૃમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દિલ્હીના તમામ કાર્યક્રમો પડતા મૂકી કોલકાત્તા ગયા હતા અને મહાશ્વેતા દેવીની અંતિમક્રિયાની વ્યવસ્થાની ગોઠવણમાં વ્યસ્ત થઈ ગયાં.
મમતા બેનરજી કહે છે ઃ ‘ભારતે એક મહાન લેખિકા અને બંગાળે એક ગૌરવશાળી માતા ગુમાવ્યાં છે. મેં એક  શ્રોષ્ઠ માર્ગદર્શિકા ગુમાવ્યા છે.’
ફિલ્મ મેકર મહેશ ભટ્ટે કહ્યું ઃ ‘મહાશ્વેતા દેવી હંમેશાં  નિરાધારો સાથે ચાલ્યાં અને મોટા માણસો સાથે બેસવા ઇનકાર કર્યો.
સુપ્રસિદ્ધ બાંગ્લા લેખિકા તસલીમા નસરીને  કહ્યું ઃ ‘મહાશ્વેતા દેવી મારા ખરાબ સમયમાં મારી સાથે રહ્યાં.’
આવાં મહાશ્વેતા દેવીએ એક અખબારી મુલાકાતમાં કહ્યું હતું ઃ ‘હું બ્રિટિશ રાજના સમયમાં જન્મી છું. મેં દેશને આઝાદ થતાં અને તમામ પરિવર્તનોમાંથી ગુજરતાં નિહાળ્યો છે. હું સો વર્ષ સુધી જીવવા માંગું છું. જેથી એ બદલાવો પર લખી શકું. સોળમી સદીના કવિ મુકુંદરાય ચક્રબોર્તીનેતો મારા માર્ગદર્શક માન્યા છે. અને કવિ રવીન્દ્રનાથ ટાગોર મારા આદર્શ છે. મેં શાંતિનિકેતનમાં લાંબો સમય વિતાવ્યો છે તેથી તેની પ્રકૃતિને પણ બહુ જ પ્રેમ કરું છું.’
મહાશ્વેતા દેવીએ નગરવધૂઓ (રૂપજીવીનીઓ) પર પણ ઘણું લખ્યું છે. તેઓ કહે છે ઃ ‘રૂપજીવીનીઓ પણ આપણા જેવી  સામાન્ય સ્ત્રીઓ  જ છે. અંગ્રેજોના શાસન વખતે પણ રૂપજીવીનીઓના પ્રશ્નો અંગે મેં ઘણું કામ કર્યું હતું. મેં એમના જીવનને નિકટતાથી નિહાળ્યું છે.  સમજવા કોશિશ કરી છે  મેં હંમેશાં એવી ઇચ્છા રાખી છે કે તેઓ પણ સમાજની મુખ્ય ધારાનો એક હિસ્સો બને.’
ક્રાંતિકારી વિચારો ધરાવતા મહાશ્વેતા દેવી કહે છે ઃ ‘લખવાની પ્રવૃત્તિ મને આંદોલિત કરે છે. હું સ્ત્રીવાદી કરતાં વધુ માનવતાવાદી છું. હું એવા લોકો માટે લખું છું કે જેઓ સમાજમાંથી હાંસિયા પર ધકેલાઈ ગયા છે. જો તમે ગરીબ છો, શક્તિહીન છો તો પછી ભલે તમે સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે વૃદ્ધ હોવ, તમારું શોષણ થશે. મારી કથાઓ ફક્ત સ્ત્રીઓ માટે નથી પરંતુ પૂરા સમાજને પ્રતિબિંબિત કરવા માટે છે.’
બહુ ઓછા લોકો આવું કરી શકે જે મહાશ્વેતા દેવીએ કર્યું. તેમને વિવિધ ઍવોર્ડસ્ અને સન્માનથી જે ધનરાશિ મળી તે તમામ રકમ તેમણે આદિવાસીઓના કલ્યાણ માટે આપી દીધી. જ્ઞાનપીઠ પુરસ્કારમાં તેમને જે રૂ. પાંચ લાખની રકમ મળી તે રકમ પણ તેમણે પુરુલિયા આદિવાસી સમિતિને આપી દીધી. એવું પણ નહોતું કે તેઓ ધનવાન હતા. તેમણે જીવનભર પછાત વર્ગોના લોકો માટે કામ કર્યું પરંતુ  પોતાના માટે પણ ઘણું દુઃખ ભોગવ્યું.  ક્યારેક  તેમણે બાળકોને ભણાવીને ઘર ખર્ચ ચલાવ્યું તો ક્યારેક તેમણે કેન્દ્ર સરકારની ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ઑફિસમાં અપર ડિવિઝન કલાર્કની નોકરી કરી.
કારણ કે તેમના પતિ કમ્યુનિસ્ટ હતા. તેથી તેમને નોેકરીમાંથી કાઢી મૂક્યા હતા. તે પછી તેમણે સાબુ વેચ્યાં અને ટયૂશન કરી ઘર ખર્ચ ચલાવ્યું. ૧૯૫૭માં તેમને એક સ્કૂલમાં શિક્ષકની નોકરી મળી.
મહાશ્વેતા દેવીએ જીવનભર જે પીડા સહન કરી એ બધું જ એમના લખાણોમાં ઢળતું ગયું. મહાશ્વેતા દેવીને પછાત વર્ગના લોકો અને આદિવાસીઓ પોતાની ‘મા’ માનતા હતા.
એકવાર તેમણે લખ્યું હતું ઃ ‘લાંબા સમયથી મારી ભીતર જનજાતીય  સમાજ માટે દુઃખની જે જ્વાળા પ્રજવલિત થયેલી છે તે મારી ચિતાની સાથે જ શાંત થશે.’
અને એમ જ થયું.
આવા હતાં, મહાશ્વેતા દેવી.
તેઓ જેવું લખતાં હતાં તેવું જ તેમનું જીવન હતું.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!