Close

શહેર સૂબા ડૉ. જયંતીભાઈ ઠાકોર ૧૯૪૨માં અમદાવાદમાં જનતા કરફ્યૂનું એલાન આપ્યું હતું

કભી કભી | Comments Off on શહેર સૂબા ડૉ. જયંતીભાઈ ઠાકોર ૧૯૪૨માં અમદાવાદમાં જનતા કરફ્યૂનું એલાન આપ્યું હતું
આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આજે અમદાવાદના ‘શહેર સૂબા’ તરીકે જાણીતા ડૉ.જયંતીભાઈ ઠાકોર નામના એક ક્રાંતિકારીની કથા અહીં પ્રસ્તૂત છે. તેઓ શહેરમાં ‘જનતા કરફ્યૂ’નું એલાન આપે એટલે આખું શહેર તેમના એલાનને માન આપી ઘરમાં  જ કેદ થઈ જાય.
આઝાદીના એ જંગ દરમિયાન અમદાવાદના એક સ્વાતંત્ર્ય સેનાની જયંતી ઠાકોર ‘શહેર સૂબા’ તરીકે  જાણીતા હતા. તેઓ જે આદેશ આપે તેનો બીજા દિવસે અમલ થઈ જતો હતો. શહેર સૂબા જયંતી ઠાકોરે ‘આઝાદ ભારત’ના ચાંદીના સિક્કા બહાર પાડયા હતા. લોકો એક સિક્કાના ૧૦૦ રૂપિયા આપતા હતા. શહેર સૂબાએ અંગ્રેજો સામે ‘જનતા કરફ્યૂ’નું પણ એલાન આપ્યું હતું અને લોકો સ્વયંભૂ ઘરમાં જ રહેતા. શહેરના લોકો ‘શહેર સૂબા’ને જોવા માગતા હતા પરંતુ તેઓ એક પોળના મકાનમાં રહી અંગ્રેજો સામેની લડત ભૂગર્ભમાં ચલાવતા હતા. અંગ્રેજો વિરુદ્ધ પત્રિકાઓ બહાર પાડતા હતા. અચાનક પોલીસ આવી જાય તો બીજી ત્રણ પોળોમાં ભાગી જવાય તેવી યોજના ગોઠવેલી હતી. જયંતીલાલ પ્રાણલાલ ઠાકોરનો જન્મ જામનગર રાજ્યના લાલપુર ગામમાં, બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં તારીખ ઃ ૦૪/૦૩/૧૯૧૩ ના રોજ થયો. તેમના માતૃશ્રાીનું નામ વિજ્યાગૌરી પ્રાણલાલ ઠાકોર હતું. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. છાપા નાખવાની કામગીરીથી દર મહીને ચાર રૂપિયા કમાઈ લેતા, સને ૧૯૩૦માં મેટ્રિકમાં આવ્યા પરંતુ તે સમયે સત્યાગ્રહના વિવિધ કાર્યક્રમો જેવાકે બિટિશ માલનો બહિષ્કાર કરવો, સભા, સરઘસ, પિકેટિંગ વગેરે કાર્યક્રમોમાં ભાગ લેવાના કારણે ૧૯૩૨ની સાલ માં મેટ્રિક પાસ થયા અને બી.જે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, પણ સત્યાગ્રહ ચાલુ હતો અને મનમાં પ્રશ્નોે થતા કે અગાઉ તેમને વિલાયતી કાપડના પિકેટિંગ, દારૂની દુકાન પર પિકેટિંગ, સભા સરઘસ, સરકારી મકાન પર ધ્વજ ચઢાવવો વગેરે કાર્યક્રમોમાં ભાગ લેતા હતા તેથી પોલીસ ગમે ત્યારે ધરપકડ કરે તેથી અભ્યાસ કરવાનું છોડી દીધું. આઝાદીની ચળવળ દરમિયાન જયંતીભાઈ તા.૦૩/૦૧/૧૯૩૧થી તા.૨૫/૦૨/૧૯૩૧ સુધી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અને ત્યાંથી તા.૨૬/૦૨/૧૯૩૧થી તા.૦૭/૦૩/૧૯૩૧ સુધી યરવડા જેલમાં રાજકીય કેદી તરીકે રહ્યા.
અમદાવાદમાં આવીને જયંતીભાઈએ સંકલ્પને નજર સમક્ષ રાખીને આજીવિકાનો વિચાર કરવાનો હતો. ભરૂચમાં દંતચિકિત્સક તરીકેની લીધેલ તાલીમ તે જ વ્યવસાય બને અને આઝાદી માટે લીધેલ સંકલ્પ. બંને ધ્યાને રાખી દંત ચિકિત્સા માટે એક જાહેર સંસ્થા બનાવવી તેમાં પગારદાર તરીકે ઓછામાં ઓછો પગાર લઈ કામ કરવું અને સાદાઈથી જીવન જીવવું અને એક સંસ્થા બનાવી જેનું નામ ‘ડેન્ટલ ઇન્સ્ટિટયૂટ’ રાખ્યું. આ સંસ્થા જાહેર ટ્રસ્ટ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગને અનુકૂળ આવે તેવા વિસ્તારમાં દાંતનું દવાખાનું શરૂ કરવાના હેતુથી પાંચકૂવા સિનેમા પાસે પહેલી ઓગસ્ટ ૧૯૩૬થી દાંતના દવાખાનાની શરૂઆત થઇ. ટ્રસ્ટના હેતુથી શરૂ કરવામાં આવેલી હોસ્પિટલ સેવાલક્ષી હોવાથી ૧૫ ટકા દર્દીઓ સારવાર લીધા પછી પૈસા બાકી રાખીને જાય, આવા દર્દીઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોવાથી ઉઘરાણી શક્ય ના બને તેથી તે રકમ માંડવાળ કરવી પડે. સને ૧૯૪૧માં મહાત્મા ગાંધીજીએ વ્યક્તિગ્રહ સત્યાગ્રહની હાકલ કરી અને જયંતીભાઈએ તેમાં જોડાવાનો નિર્ણય કર્યો અને ડેન્ટલ ઇન્સ્ટિટયૂટના ટ્રસ્ટીઓને જાણ કરી જયંતીભાઈ જેલમાં ગયા અને જેલ દરમિયાન દવાખાનું ચાલુ રહે તે માટે તેમના મિત્ર ડૉ.હરિવદન દીવાનજીને દવાખાનાની જવાબદારી સોંપી. સત્યાગ્રહમાંથી છૂટીને ફરીથી દવાખાનામાં જોેડાયા. થોડો સમય કામ કરીને ઓગસ્ટ-૧૯૪૨ની લોકક્રાંતિમાં જોડાયા. એમાં અમદાવાદ શહેરની અને જિલ્લાની કામગીરી ઉપાડી લીધી. શરૂઆતના ૧૬થી ૧૮ માસ અંડર ગ્રાઉન્ડમાં રહી કામકાજ કર્યું, સરકારે પકડવાનું જાહેરનામું બહાર પાડયું, સરકાર પકડી શકી નહીં.
સને ૧૯૪૨ની લોક ક્રાંતિ ઃ
સને ૧૯૪૨માં મહાત્મા ગાંધીજી એ ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટનું એલાન આપ્યું. જયંતીભાઈ ઠાકોરે અમદાવાદ શહેરમાં એક સંગઠન તૈયાર રાખ્યું હતું, આ સંગઠનના બે પ્રકાર હતા એક ખુલ્લું અને બીજું ભૂગર્ભ. જયંતીભાઈ મુંબઈ પહોંચી ગયા, મુંબઈથી ધરપકડ ના થાય તે હેતુથી અમદાવાદ આવીને ભૂગર્ભમાં ચાલ્યા ગયા. તારીખ ઃ ૦૮/૦૮/૧૯૪૨ દિવસે ગાંધીજી એ ‘કરેંગે યા મરેંગે’નું સૂત્ર આપ્યું, બ્રિટિશરોએ કોંગ્રેસના તમામ આગેવાનોની રાત્રે ધરપકડ કરી.જયંતીભાઈ બહારગામ જતા રહ્યા, આગેવાનોની ધરપકડ થવાથી તા.૯/૮/૪૨ના રોજ ખાડિયાના યુવાનો ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ ‘ભારત છોડો’ ‘કરેંગે યા મરેંગે’ના સૂત્રો લલકારતા ભેગા થયા અને પોલીસ પર પથ્થર મારો કર્યો, ઉમાકાંત ખાડિયાના યુવાનોમાં ભળી ગયા હતા, અને યુવાનોને પ્રોત્સાહિત કરતા હતા. એટલામાં ડીએસપી એ ગોળીબાર કર્યો. ગોળીબારથી ઉમાકાંત જમીન પર પટકાયા અને તેઓ શહીદ થયા, ખાડિયાની ધરતી કંકુવર્ણી થઈ.
તા.૦૫/ ૦૮/૧૯૪૨થી તા.૧૬/૮/ ૧૯૪૨ સુધી જયંતીભાઈના સંગઠને ‘રાજદ્રોહ’ સાયક્લોસ્ટાઇલ પત્રિકા શહેરના આખા પરા વિસ્તારોમાં વહેંચી. ધીમે ધીમે આખા દેશમાં ક્રાંતિની જ્વાળાઓ ભભૂકી ઊઠી.મુંબઈના બજારો બંધ રહ્યા અમદાવાદમાં કાર્યકરોની ધરપકડો થઇ, બધાની એક જ માંગ થઇ કે ‘હિન્દ આઝાદ હો -આઝાદ હો’  અમદાવાદની કોલેજોે બંધ રહી, બજારો બંધ રહ્યા, કોંગ્રેસ પત્રિકાઓનું વિતરણ વધારે થવા માંડયું. ઇન્કિલાબ ઝિંદાબાદના નારાઓ ગુંજી ઊઠયા, સરકારી ઓફિસો ઉપર ખાનગીમાં ધ્વજ ફરકવા લાગ્યા, ગામડાઓ તથા નાના શહરોમાં ઇન્કિલાબનો નાદ ગુંજતો થયો. આઝાદ દિનની ઉજવણીઓ શરૂ થઇ ૧૯૪૨ની ક્રાંતિનો રંગ જામવા લાગ્યો. કેટલાયે લોકો શહીદ થયા.  તા.૨૮/૦૯/૧૯૪૨નો દિવસ શહીદ દિન તરીકે મનાવવામાં આવ્યો. ‘શહીદો અમર રહો’ના નારા ગુંજવા લાગ્યા. શહીદોના ચિત્રો દીવાલો પર ચોંટવા લાગ્યા.
સને ૧૯૪૨ના શહેર સૂબા જયંતી ઠાકોર
 મુંબઈ પ્રાંત ની આઝાદ સરકારે તા.૦૧-૦૯-૧૯૪૨ના ગૃહખાતાના વટહુકમ નંબરઃઊૈં ૧૫૧થી આઝાદ હિન્દ સંરક્ષણ ધારાની કલમ ૩૧/૨/ ક મ ૭/ પ્રમાણે મળેલી સત્તાથી અમદાવાદ વિસ્તારમાં અમલ કરવાની પરવાનગી આઝાદ અમદાવાદના શહેર સૂબા જયાનંદ (જયંતી ઠાકોર)ને આપી.
 અમદાવાદ શહેર સમિતિની કચેરી તા.૩૦/૦૯/૧૯૪૧થી શહેર સૂબા જયાનંદે એટલે કે ડૉ. જયંતીભાઈ ઠાકોરે હુકમ કર્યો કે તા.૦૨/૧૦/૧૯૪૨ ગાંધી જયંતી સપ્તાહનો પહેલો દિવસ ‘કરફ્યૂ દિન’  તરીકે ઊજવવામાં આવશે અને મજકુર દિવસે શહેર અમદાવાદના મ્યુનિસિપલ વિસ્તારમાં સવારના દસ વાગ્યાથી તા.૦૩/૧૦/૪૨ના પાંચ વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિએ પોતાના મકાનની બહાર ના નીકળે, શહેરમાં સંપૂર્ણ હડતાલ રહેશે. સવારના સાડા નવ સુધી ફક્ત દૂધવાળા અને શાકવાળા ફરી શકશે. દવાખાના ખુલ્લા રાખી શકાશે, તે પછી કોંગ્રેસના નિરીક્ષકો સિવાય બીજું કોઈ બહાર નીકળી શકશે નહી, આ હુકમનો ભંગ કરનારને યોગ્ય નશ્યત કરવામાં આવશે. જનતા કરફ્યૂનું આ એલાન સફળ રહ્યું.
સ્વતંત્રતા બાદ તેઓ નિસર્ગોપચાર-નેચર ક્યોરના માર્ગે પ્રવૃત્ત થયા. બચપણથી જ તેઓ કુદરતી ઉપચારોમાં રસ ધરાવતા હતા. અગાઉ ૧૯૩૬માં ડૉ. મહાદેવપ્રસાદ કથારિયાએ નિસર્ગોપચારના વર્ગો શરૂ કર્યા હતા. જયંતીભાઈ અને તેમના સાથી વસંતરાવ હેગીસ્ટે તેમાં જોડાવવા નિસર્ગોપચારનું ઘનિષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
૧૯૭૦થી ૧૯૭૮ સુધી ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ગાયકવાડના નેજા હેઠળ ‘કૉલેજ ઑફ નેચરક્યોર એન્ડ હાયજીન’નો નેચરક્યોરનો સાડાચાર વર્ષનો કોર્સ શરૂ કર્યો જેના ડીન તરીકે જયંતીભાઈએ જવાબદારી નિભાવી.
સાથી બિરાદર શ્રાી વસંતરાવ હેગીસ્ટે જોડે કરેલા સંકલ્પ પૂરો કરવા પહેલા જ સને ૧૯૪૬ના કોમી હુલ્લડ સમાવવાની કામગીરી કરતા કરતા જ હિંદુ મુસ્લિમ એકતાના પ્રયત્નોમાં જ વસંતરાવ શહીદ થઈ ગયા. તેમની કાયમી સ્મારક તરીકે તત્કાલીન કોંગ્રેસી અગ્રણીઓને જયંતીભાઈ વારંવાર સૂચન કરતા હતા છતાં કોઈ પરિણામ ના મળતા સને ૧૯૪૮ની સાલમાં વસંતરાવની યાદમાં ‘વસંત નેચરક્યોર હૉસ્પિટલની સ્થાપના કરવામાં આવી.
સને ૧૯૫૪માં નવરંગપુરા નદીના કિનારે જયંતીભાઈએ પોતાના પૈસાથી જમીન રાખી, પોતાના માટે રહેવા માટે સારું એક નાનકડું મકાન બાંધી અને સને ૧૯૫૫માં ૨,૭૩૬ વારનો પ્લોટ  એક પણ પૈસો લીધા વિના વસંત નેચરક્યોર હૉસ્પિટલ અને પ્રતિભા મેટરનિટી હૉસ્પિટલ ટ્રસ્ટના નામે કરી આપ્યો અને પોતાના ખર્ચે નિસર્ગોપચારની સારવાર માટે નવ ઓેરડા સાથેનું હૉસ્પિટલનું મકાન બાંધ્યું જેનું ઉદ્ઘાટન શ્રાી ગણેશ વાસુદેવ માવલંકરના હસ્તે કરવામાં આવ્યું. ૧૯૫૫માં નિસર્ગોપચારના વધુ અભ્યાસ માટે તેઓ લંડન જઈ ગ્દ.ડ્ઢ.ડ્ઢ.ર્ં-ન્ર્ંગ્દર્ડ્ઢંગ્દ ની ડિગ્રી પણ લઈ આવ્યા.
આજે વસંત નેચર હૉસ્પિલ અમદાવાદમાં થલતેજના ટેકરા ખાતે કાર્યરત છે.  પ્રજાના આરોગ્ય માટે અથાગ મહેનત કરનાર, સતત પરિશ્રામી, નીડર અને અણનમ યોદ્ધા જેવા સ્વાતંત્ર્ય સેનાની ડૉ. જયંતીભાઈ ઠાકોરે ૯૧ વર્ષની જૈફ વયે ૨૦૦૪ની સાલમાં દુનિયાને અલવિદા કરી દીધી.
આવા સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!