૧૯૬૨-૬૩ના અરસાની આ વાત છે. એ વખતે એક સાધુ સંત વડનગરમાં આવ્યા. ગામમાં રિવાજ હતો કે કોઈ સાધુ મંદિરમાં આવીને રહે તો તેમના ભોજનનો પ્રબંધ વારાફરતી જુદા જુદા પરિવારોમાં થાય. એક દિવસ એ સાધુ મહારાજ વડનગરમાં એક પરિવારમાં ભોજન માટે પધાર્યા. ભોજન બાદ બાળકોનાં માતાને કહ્યુંઃ ‘તમારા કોઈ કુટુંબીજનના જન્માક્ષર હોય તો મને આપો. હું ભવિષ્ય જોઈ આપું?’માતાએ તેમના પુત્રોના જન્માક્ષર આપ્યા. મહારાજે મોટા દીકરાની જન્મકુંડળી જોઈને કહ્યું ઃ ‘આ બાળક સરળ જિંદગી જીવશે અને તેને એકવાર જેલમાં જવું પડશે.’ બીજા પુત્રની જન્મકુંડળી જોઈને સાધુ મહારાજે કહ્યું ઃ ‘આ બાળક મોટો થઈને રાજકારણમાં જશે તો ચક્રવર્તી થશે અથવા શંકરાચાર્ય જેવો મહાન સંન્યાસી થશે !’
-આ નાનું બાળક તે બીજું કોઈ નહીં પણ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી. મોટાભાઈ, કે જેમનું નામ સોમાભાઈ મોદી, માતા તે બીજું કોઈ નહીં પરંતુ હીરાબા.
સોમાભાઈ મોદી કહે છે ઃ ‘મહારાજ સાચા પુરવાર થયા. હું સેનિટરી કામદારોના યુનિયનનો પ્રમુખ હતો ત્યારે એક વખત ચારથી વધુ માણસોના ભેગા થવા પર પ્રતિબંધ હતો. મેં તેનો પ્રતિકાર કર્યો અને મારે બે-ત્રણ દિવસ જેલમાં રહેવું પડયું.’
નરેન્દ્રભાઈ નાના હતા ત્યારે એમના બચપણનો એક પ્રસંગ રોચક છે. યુવા નરેન્દ્રને તરવાનો બહુ શોખ. વડનગરનું શર્મિષ્ઠા તળાવ તરવા માટેનું એમનું પ્રિય સ્થાન. તળાવમાં મગરો ઘણા હતા. પ્રાચીન સમયથી તળાવની વચ્ચોવચ્ચ એક ખડક પર નાનકડી દેરી હતી. પ્રતિવર્ષ ભાદરવા સુદ અગિયારસના દિવસે એ દેરી પર ધજા બદલવાની પ્રણાલિકા હતી. એક વર્ષે એવું બન્યું કે વરસાદ બહુ પડયો. તળાવ છલોછલ ભરાઈ ગયેલું. તળાવમાં સેંકડો મગરો હતા. આ કારણથી કોઈનીયે હિંમત નહોતી કે તે તળાવમાં કૂદી પડી ખડક પાસે જઈ દેરીની ધજા બદલે. માત્ર ૧૨ જ વર્ષના કિશોર નરેન્દ્રએ બીડું જડપ્યું. તેને ભગવા રંગની ધજામાં અપાર શ્રાદ્ધા હતી. બધા ના પાડતા રહ્યા પરંતુ એ નાનકડા કિશોર નરેન્દ્રએ હાથમાં નવી ધજા લઈને તળાવમાં ઝંપલાવ્યું. સેંકડો મગર મચ્છોની પરવા કર્યા વિના એ કિશોર સીધો તળાવની વચ્ચે પહોંચ્યો. ખડક પરની દેરીએ જઈ ધજા બદલી નાંખી. તળાવના કિનારે ઊભેલા સેંકડો લોકોએ નગારાં વગાડી હર્ષનાદ કર્યો અને નાનકડો બાળક નરેન્દ્ર તરતો તરતો હેમખેમ પાછો કિનારે આવી ગયો. આૃર્યની વાત એ હતી કે તળાવમાંથી બહાર નીકળતી વખતે એ બાળકે મગરનું એક બચ્ચું પણ પકડી લીધું અને એ બચ્ચું ઘેર લઈ જઈ માતા હીરાબાને બતાવ્યું. બાએ પૂછયું ઃ ‘બેટા, આ તું શું લાવ્યો છે?’
બાળકે કહ્યુંઃ ‘મગરનું બચ્ચું. બધા લોકો તળાવમાં કૂદી દેરીની ધજા બદલવા જતાં ડરતા હતા. હું તળાવમાં પડયો. ધજા બદલીને પાછા આવતા બધાને સબક શીખવવા હું મગરનું આ બચ્ચું લેતો આવ્યો.’
ચિંતાતુર થઈ ગયેલા હીરાબાને કિશોર નરેન્દ્રને મગરનું બચ્ચું તળાવમાં પાછું મૂકી આવવા કહ્યું, અને કિશારાવસ્થા ધરાવતા નાનકડા નરેન્દ્રએ ફરી વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે જઈ મગરના બચ્ચાને હેમખેમ પાણીમાં છોડી દીધું.
આજના શક્તિશાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નીડરતાને સમજવા માટે તેમના બચપણનો આ કિસ્સો જ કાફી છે.
આગામી તા.૧૭મી સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં તેમનો બચપણની આ બે ઘટનાઓ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈનું બચપણ અનેક સંઘર્ષોમાં ગુર્જ્યું. તેઓ બચપણથી જ નોખી માટીના રહ્યા. ગામમાં અભ્યાસ બાદ માત્ર ૧૭ વર્ષની વયે જ ગૃહત્યાગ કર્યો. એટલી ઓછી વયે અધ્યાત્યની ખોજમાં હિમાલય ભ્રમણ કરવા નીકળી પડયા. સતત બે વર્ષના ભ્રમણ બાદ તેમણે જિંદગીનો ધ્યેય નક્કી કરી લીધો. પૂરા બે વર્ષના ભ્રમણ બાદ એક નાનકડી બેગ સાથે વડનગર તેમના ઘેર પાછા ફર્યા ત્યારે પુત્રને પાછો આવેલો જોઈ તેમનાં માતા હીરાબા તો ગાંડાઘેલાં થઈ ગયા. એ પ્રસંગને યાદ કરતાં તેમના માતા કહે છે ઃ’બે વર્ષ સુધી નરેન્દ્રના કોઈ જ સમાચાર નહોતા. એ દિવસે હું રસોડામાં હતી. મારી દીકરી અચાનક બોલવા લાગી ઃ ‘ભાઈ આવ્યા. ભાઈ આવ્યો. નરેન્દ્રને જોઈ હું તો રડવા લાગી. મેં નરેન્દ્રને પૂછયું ઃ ‘તું કયાં ગયો હતો? ‘
તો એણે કહ્યુંઃ ‘હિમાલય’.
મેં કહ્યુંઃ ‘રોટલાને શાક બનાવ્યા છે. લાવ તારા માટે થોડી સેવ બનાવી દઉં.’ પરંતુ એણે ના પાડતાં કહ્યુંઃ ‘મને રોટલાને શાકમાં જ આનંદ આવશે.’
એ પછી નરેન્દ્ર ગામમાં લટાર મારવા ગયો. ઘરમાં હું અને મારી દીકરી જ હતાં. એની બેગમાં શું છે તે જાણવાની મને ઈન્તેજારી હતી. મેં એની બેગ ખોલી. એમાંથી એક જોડ કપડાં જ મળ્યાં. એક અડધું પેન્ટ અને એક અડધી બાયનું પહેરણ. ભગવા રંગની શાલ અને મારો ફોટો. બસ, એ પછી નરેન્દ્ર ઘેર એક જ રાત રહ્યો અને તે પછી જતો રહ્યો.
હીરાબાની વાત અહીં પૂરી થાય છે.
ગુજરાતના આર.એસ.એસ.ના પહેલાં પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદારે એ વખતના યુવાન નરેન્દ્ર મોદીને સંઘના સ્વયંસેવક બનાવ્યા. સ્વયંસેવક બનતાં જ યુવાન નરેન્દ્રએ મીઠું અને તેલ ખાવાનું બંધ કરી દીધું. આ વાતની ખબર પડતાં માતા અને ભાઈઓએ ચોંકી જતાં પૂછયુંઃ ‘મીઠું (નમક) અને તેલ ખાવાનું બંધ કેમ કરી દીધું?’
યુવાન નરેન્દ્રએ જવાબ આપ્યોઃ’હું દેશની સેવા કરવા માગું છું. આજે દેશને મારી જરૂર છે.’
ભાઈએ પૂછયુંઃ ‘દેશને તારી જરૂર છે એ વાત તો ઠીક છે પરંતુ મીઠું અને તેલ ના ખાવા સાથે દેશની સેવાને શું સંબંધ છે?’
યુવાન નરેન્દ્રએ જવાબ આપ્યા ઃ ‘એક પ્રચારક સ્વાદિષ્ટ પકવાનની કલ્પના કેવી રીતે કરી શકે? દેશ સેવા માટે તો ભૂખ્યા અને તરસ્યા પણ રહેવું પડે.’
અને તે પછી તેઓ સંઘના ચુસ્ત પ્રચારક બની ગયા. પ્રચારક તરીકેની કારકિર્દીની શરૂઆત સાદગીપૂર્ણ જીવનયાત્રાથી કરી એક મેડા પર રહી રોજ સવારે ઊઠીને દૂધ લેવા જવું, અન્ય સાથીઓ માટે ચા બનાવવી, ગુજરાત આર.એસ.એસ.ની કચેરી હેડગેવારભવનના કમરાઓની સાફસૂફી કરવી- એ બધું જ કામ યુવાન નરેન્દ્ર કરી લેતા હતા. એ બધું પતે એટલે તેઓ સંઘના પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદારના વસ્ત્રો પણ ધોઈ નાખતાં. આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ કામ પણ કર્યું છે. ‘વકીલસાહેબ’એ તેમને ઉત્તમ સ્વયંસેવક બનવાની તાલીમ આપી અને તેનું ઉત્કૃષ્ઠ પરિણામ આજે આપણી નજર સામે છે.
તે પછી ૧૯૭૨માં તેમણે સંઘના પ્રચારક તરીકે વિધિપૂર્વકનું કામ શરૂ કર્યું. એસ.ટી. બસમાં બેસીને ગામે ગામ ફરવાનું શરૂ કર્યું. બાયડ જેવા ગામમાં માધુભાઈ પટેલના ઘરના મેડા પર રહેતા અને નાના સમૂહને સંબોધતા.
તા.૨૬ જૂન ૧૯૭૫ના રોજ ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી. અખબારો પર સેન્સરશિપ આવી. રાષ્ટ્રીય સ્વયંસેવકે કટોકટીનો વિરોધ કરવા લોકસંઘર્ષ સમિતિની રચના કરી. સંઘના પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદારના નેતૃત્વ હેઠળ ભૂગર્ભ આંદોલન શરૂ થયું. બીજા કાર્યકર્તાઓની સાથે યુવા પ્રચારક નરેન્દ્ર મોદી પણ ભૂગર્ભમાં જતા રહ્યા. એક દિવસ પ્રભુદાસ પટવારીના ઘેર જ્યોર્જ ફર્નાન્ડિઝ સાથે ગુપ્ત મિટિંગ કરી. ફર્નાન્ડિસ વેશપલટો કરેલો હતો. તે પછી ગુપ્ત મિટિંગો મળતી રહી. યુવાન નરેન્દ્ર મોદી પણ વેશપલટો કરતા રહ્યા. કોઈવાર સાધુ જેવાં વસ્ત્રો પહેરતા, તો કોઈ વાળ, દાઢી વધારી માથે સાફો પહેરતા. એકવાર તો દાઢી વધારીને માથે શીખ પાઘડી પહેરીને સરદારજી બની ગયા હતા. આ બધું એક થ્રીલર જેવું લાગે છે. કટોકટીનો વિરોધ કરનાર જે કાર્યકર્તાઓ જેલમાં હોય તેમના પરિવારોને સહાય માટે તેઓ ભંડોળ ભેગું કરીને મદદ મોકલતા. આ એક કપરો સમય હતો પણ કુશળતાથી અને નીડરતાથી તેમણે કામગીરી બજાવી. તા.૨૬ જૂન ૧૯૭૫થી લદાયેલી કટોકટીનો તા. ૨૨ માર્ચ, ૧૯૭૫ના રોજ અંત આવ્યો અને યુવાન નરેન્દ્ર મોદી એક પકવ આંદોલનકારી અને શક્તિશાળી નેતા તરીકે ઉપસી આવ્યા.
એ પછીનો ઈતિહાસ જાણીતો છે. આજે નરેન્દ્રભાઈ દેશના જ નહીં પણ વિશ્વના એક શક્તિશાળી નેતા છે. .
વેનેશિયન કેન્સના રિસોર્ટના માલિક કહે છે કે ‘સફળતાનોે એક જ મંત્ર છે- અણીના વખતે સાચો નિર્ણય લો.’
વડાપ્રધાનપદ સંભાળ્યા બાદ ભારત સાથે અડપલાં કરનાર પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવા તેમણે પાકિસ્તાન હસ્તકના આતંકવાદી કેન્દ્ર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી. છેલ્લા ૭૫ વર્ષથી પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકતા બક્ષી તેમની યાતનાઓનો અંત લાવ્યા. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ ને નાબૂદ કરી દીધી. સિટિઝન એમન્ડમેન્ટ એક્ટ પણ લાવ્યા. ઉજ્વલા યોજના લાવી ગરીબ પરિવારોને ગેસના ચૂલા ને ગેસના સિલિન્ડર આપ્યા.વિશ્વભરમાં કોરોના મહામારીનો આતંક ફેલાયો હતો ત્યારે ભારત જેવા વિશાળ દેશમાં સમયસરનું લૉકડાઉન કરીને દેશની પ્રજાને મહામારીના મહાવિનાશમાંથી બચાવી. દેશના કરોડો લોકોને કોરોનાથી બચાવતા મફત વેક્સિન આપી. આ યાદી લાંબી છે.
નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના લાવી ગુજરાતના ગામડાંઓને ચોવીસકલાક વીજળી આપી. પાણી વગર તરસતી ઉત્તર ગુજરાતની ભૂમિ પર ‘સુજલામ્ સુફલામ્’નહેર લાવી કરોડો હેકટર જમીનને જળથી સિંચિત કરી.
ચાણક્ય કહે છે ઃ ‘પ્રજા પણ તે રાજાને સાથ આપતી નથી, જે શક્તિશાળી ના હોય, પક્ષીઓ પર એ વૃક્ષ પર બેસતા નથી, જેની પર ફળ ના હોય.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રજા આટલો પ્રચંડ સાથ કેમ આપે છે તે ચાણક્યના એક જ વાક્યમાં આવી જાય છે.
– દેવેન્દ્ર પટેલ



