લંડનના થોર્નટન હીથ બસ ગરાજ તરફથી એક આવી રહી છે. વહેલી સવારે કામ પર જવા માંગતા ઉતારુઓ સાઉથ લંડનની સ્ટ્રીટના બસ સ્ટેન્ડ ઉપર ઊભા છે. ડબલ ડેકર બસ આવતી જોઈને પેસેન્જર્સમાં સળવળાટ થાય છે. લોકો કૌતુકભરી નજરે બસને જોઈ રહ્યાં છે, કારણ કે બસમાં ડ્રાઇવર જ નથી. ડ્રાઇવર વગરની બસ આવતી જોઈને લોકો વિચારમાં પડી જાય છે. પરંતુ બસ નજીક આવે છે ત્યારે જ ખબર પડે છે કે બસમાં ડ્રાઇવર તો છે જ અને તે પણ એક યુવતી છે. બસ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તેનો ચહેરો દેખાય છે. મહિલા ડ્રાઇવર બટન દબાવે છે. બારણું ઑટોમેટિક ખૂલી જાય છે.ગોરા ઉતારુઓ બસમાં ચડે છે. એક ગુજરાતી યુવતી સ્ટિયરિંગ પર બેઠી છે. તેની બાજુમાં જ ટિકિટ બોક્સ છે. દરેકને ટિકિટ આપતી જાય છે. બધાં જ ઉતારુઓ આ નમણી યુવતીને જોેઈ રહે છે.
એક અંગ્રેજ પૂછે પણ છે ઃ ‘કેન યુ ડ્રાઇવ ધીસ ડબલ ડેકર ? ‘
‘યસ… ઑફકોર્સ.’ લેડી ડ્રાઇવર જવાબ આપે છે.
ઉતારુઓ બેસી જાય છે.
બટન દબાવી બારણાં બંધ કરે છે અને બસ ટ્રફાલ્ગર સ્કવેર તરફ દોડતી જણાય છે.
યુવતી હસતી રહે છે.
લંડનમાં બસ ચલાવતી એક માત્ર ઇન્ડિયન બલ્કે ગુજરાતી યુવતીનું નામ છે ભાવના પટેલ. એ ભાવના પટેલ બની એ પહેલાં ભાવના ગોર હતી. આ જ અખબારમાં અને આ જ કૉલમમાં ૧૨ વર્ષ પહેલાં એ ‘નાનકડી બાલ જાદુગરણી’ના શીર્ષક સાથે ચમકી હતી.
ભાવના અમદાવાદની જ યુવતી છે. એના પિતા નટવરલાલ ગોર અમદાવાદની ફિઝિકલ લેબોરેટરીમાં કામ કરતા હતા. નટવરલાલ ગોર શોખથી જાદુગર હતા. ધંધાદારી જાદુગર નહોતા. ઑફિસમાં , ક્લબમાં કે મિત્રોના સમૂહમાં ભાતભાતના જાદુ કરી બતાવતા. પત્તાંની ગજબની કળા એમણે હાંસલ કરી હતી. કોઈપણ વ્યક્તિ ગમે તેટલો ગંજીફો ચીપે તો પણ ત્રણ એક્કા કાઢી બતાવતા. નાનકડી ૧૨ વર્ષની વયે જ ભાવના એના પિતા પાસેથી જાદુ શીખી હતી. જાદુ એ કળા છે અને તેમાં લાંબી પ્રેક્ટિસ અને અથાગ પરિશ્રામની જરૂર હોય છે. એટલી નાની ઉંમરે જ તે ધગધગતા અંગારા ખાઈ જતી.
લોકો ચકિત થઈ જતા. મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી આ કન્યાને કોડ હતા કે ‘એક દિવસ હું લંડન જઈશ.’ મુશ્કેલી એ હતી કે, ભાવનાનાં કોઈ સગાંસંબંધી પરદેશમાં નહોતાં, કોઈ સ્પોન્સર કરનારું પણ નહોતું. કોઈ મિત્રો પણ નહોતા. કૉલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ અમદાવાદની એક ફાર્માસ્યૂટિકલ્સ કંપનીમાં એણે જોેબ સ્વીકારી હતી, પરંતુ એનું મન લંડન જવાનો સ્વપ્રવિહાર કરતું હતું.
એવામાં એને ખબર પડી કે ગરબાનું એક ગ્રૂપ નવરાત્રિના સમયમાં લંડન જઈ રહ્યું છે. ૧૯૮૮ની એ સાલ હતી. એણે આયોજકોનો સંપર્ક કર્યો. એની પાસે થોડીઘણી બચત હતી. ભાવનાના પિતા એમની સાહસપ્રિય પુત્રીને
સાવ એકલી પણ લંડન મોકલવા તૈયાર હતા. એમના જીવનની બચત પણ કુંવારી પુત્રીને અર્પણ કરી. ભાવનાને ગરબાના ગ્રૂપ સાથે ઈંગ્લૅન્ડ જવાના વીસા મળ્યા.
એ લંડન પહોંચી.
નવરાત્રિના ગરબા પૂરા થઈ ગયા બાદ બીજી યુવતીઓ તો પાછી આવી ગઈ. પરંતુ ભાવનાને તો લંડન ગમી ગયું હતું. એણે આ શહેર કદીયે ના છોડવા નિર્ણય લઈ લીધો હતો. લંડન એક સુંદર શહેર છે. દુનિયાભરના લોકોને અહીં જોેઈ શકાય છે. એનો આગવો ભપકો ને આગવો ઇતિહાસ છે. ભાવના તો લંડનના પ્રેમમાં જ પડી ગઈ. નવરાત્રિના દિવસો દરમિયાન એણે કેટલાક સાથે મૈત્રી કેળવી લીધી. ગરબા મહોત્સવ પૂરો થતાં જ એણે પિતા પાસેથી શીખેલી જાદુવિદ્યાના પ્રયોગો શરૂ કરી દીધા.
થોડાક જ વખતમાં એણે પરિચય વધારી મિત્રો બનાવી લીધા. કોઈકની મદદથી એણે વીસાની મુદત વધારી લેવડાવી. એક ફેમિલીમાં એણે એક રૂમમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું શરૂ કર્યું. નાનું મોટું કામ પણ એણે શોધી કાઢયું હતું. અવારનવાર એ જાદુના કાર્યક્રમો પણ આપતી.
ગરબા મહોત્સવ દરમિયાન એને કેટલીક વ્યક્તિઓ સાથે પરિચય થયો હતો. એમાંથી એક યુવાન એને ગમી ગયો હતો. એ યુવકને ભાવના પણ ગમી ગઈ હતી. ખેડા જિલ્લાના બાંધણી ગામનો મનોજ લંડનમાં કાયમી સ્થાયી થયેલો હતો , પરિચય અને પરિણય બાદ મનોજે જ પ્રસ્તાવ મૂક્યો અને ભાવના મનોજ પરણી ગયાં. ભાવના ગોર હવે ભાવના પટેલ બની અને ભાવનાને લગ્નનું સ્ટેટસ મળતાં એક દિવસ તે બ્રિટિશ સિટિઝન પણ બની ગઈ. લગ્ન બાદ એ બે બાળકોની માતા પણ બની.
એના પતિને આગવો વ્યવસાય હતો, અને ભાવના પણ હવે પતિને સાથ આપવા માંગતી હતી. બીજી યુવતીઓ ઑફિસમાં બેસીને કામ કરવાનું પસંદ કરતી હતી જ્યારે ભાવના હજી કાંઈ સાહસ કરી બતાવવા માગતી હતી. એ અમદાવાદમાં સ્કૂલમાં ભણતી હતી ત્યારે પણ આંખે પાટા બાંધી સામે સચોટ નિશાન પર ચાકુ ફેંકવાની કળા જાણતી હતી. ફ્લૉરેસેન્ટ ટયૂબના કાચ ખાઈ બતાવતી હતી. તે ધગધગતા અંગારા ખાઈ જવાની કળા જાણતી હતી. આવી છોકરીએ એક દિવસ લંડનના સ્થાનિક અખબારમાં એક વિજ્ઞાપન જોેઈ. લંડન ટ્રાન્સપોર્ટને બસ ડ્રાઇવરો જોેઈતા હતા. લંડનમાં ઑફિસમાં કામ કરનારાઓ કરતાં બસ ડ્રાઇવિંગની જોેબ કરનારને ઘણો ઊંચો પગાર મળતો હોય છે. ભાવનાએ બસ ડ્રાઇવરની જગા માટે અરજી કરી લીધી. એની પાસે એ ડ્રાઇવિંગ લાઇસન્સ તો હતું જ. ઈંગ્લેન્ડમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ખૂબ જ અઘરું છે. લેખિત અને ડ્રાઇવિંગની એમ બેઉ પરીક્ષાઓ થાય છે. લોકો બે બે વાર નાપાસ પણ થતા હોય છે. બ્રિટનમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તો તેની ખુશાલીની ઉજવણી થતી હોય છે. ભારતમાં ઘેરબેઠાં લાઇસન્સ આવે છે એવું નથી. ઇન્ટરવ્યૂમાં ભાવના પાસ થઈ ગઈ.
આ એક સિદ્ધિ હતી.
આખા લંડનમાં લંડન ટ્રાન્સપોર્ટમાં મહિલા ડ્રાઇવર તરીકે પસંદ થનાર તે એક માત્ર ભારતીય યુવતી હતી.
ભાવના ખુશ થઈ ગઈ. લંડનની બસમાં કંડક્ટર હોતો નથી. બસ ડ્રાઇવરે જ પોતાની સીટમાં બેઠાં બેઠાં ઉતારુઓને ટિકિટ આપવાની હોય છે. ગોરા ઉતારુઓ જ્યારે બસમાં ચડતા ત્યારે આ છોકરીને કહેતા ઃ ‘તું બહુ જ નાની દેખાય છે.’ ‘્રૈજ ર્દ્ધહ્વ ૈજ ર્હં જેૈંટ્વહ્વઙ્મી ર્કિ અર્ે.’
ભાવના હસતી રહેતી. એ કહેતી ઃ ‘ડોન્ટ વરી…. યુ આર સેઇફ ઇન માય બસ.’
ધીમે ધીમે આખા લંડનના ગુજરાતી સમાજમાં ખબર પડી કે ‘આપણી એક ગુજરાતી છોકરી લંડન ટ્રાન્સપોર્ટની ડબલ ડેકર બસ ચલાવે છે.’
ગુજરાતી સમાજ દ્વારા પણ તેને પ્રશસ્તિ મળી.
લંડનમાં બે માળની બસને પણ કંડક્ટર હોતા નથી. બસ ડ્રાઇવરે કેટલાક નિયમોનું કડક પાલન કરવાનું હોય છે. બસ ડ્રાઇવરે હોર્ન મારવાનું હોતું નથી. મોટા માર્ગો પર બસ માટે અલગ લેઇન હોય છે. તે લેઇનની અંદર જ બસ ચલાવવી પડે છે. તેમાં ખાનગી કાર ચલાવવાની મનાઈ છે. બસ ઊપડવા જેટલું જ સમયપાલન પહોંચવા માટેનું હોય છે. મોડા પહોંચવા કરતાં વહેલા પહોંચવા સામે મનાઈ છે.
ભાવના કહે છે ઃ ‘લંડનમાં બસ ડ્રાઇવિંગ કરવાની મને તો મજા આવે છે. હું તો એન્જોેય કરું છું. કોઈવાર સવારે ૪ વાગ્યાની ડયૂટી છે કે તો પણ પહોંચી જાઉં છું. આજ સુધી એક મિનિટ પણ હું મોડી પડી નથી, બે વર્ષથી હું બસ ચલાવું છું. મે એક પણ અકસ્માત કર્યો નથી. નિરાંતના સમયે હું મારી સાથે કામ કરતા ધોળિયાઓને જાદુ બતાવું છું. એકવાર તેઓ એક બલ્બ લઈ આવ્યા, હું એના કાચ જ ખાઈ ગઈ. તેઓ વિચારમાં પડી ગયા…. એ લોકો અંદરોઅંદર વાતો કરે છે ઃ બી વેર.. શી ઇઝ એન ઇન્ડિયન લેડી.
ભાવના જાદુ જાણતી હોઈ ગોરાઓ ડરતા લાગે છે.
આવી છે એક સેલ્ફમેઇડ-ઇન્ડિયન લેડીની વાત. ગુજરાતણો હવે શરમાતી કરમાતી ફેડરની નારી રહી નથી.
આ ભાવના હવે મોટી થઈ ગઈ છે અને પોતાનો સ્ટોર ચલાવે છે.
– આ વાતને વર્ષો થઈ ગયાં. ભાવના હવે બે વયસ્ક સંતાનોની માતા છે. ભાવના હવે બસ ચલાવતી નથી. પોતાનો બિઝનેસ સંભાળે છે. એણે ખૂૂબ પ્રગતિ કરી છે. જરૂરિયાતવાળા અન્ય લોકોને પણ સહાય કરે છે.
– દેવેન્દ્ર પટેલ



